મારા ‘કિચન’ પ્રયોગો: રેસ્ટોરન્ટ ફૂડ ઘેરે કેવી રીતે બનાવશો?

    0
    453

    હેલો! કેમ છો? તમને કોઈ એમ કહે કે આજે તમને તમારી ફેવરીટ રેસ્ટોરન્ટમાં, તમારી મોસ્ટ ફેવરીટ ડીશ ખાવાની છુટ્ટી મળે છે, તો તમે શું કરો? અને જો કોઈ એમ કહે કે એ ફેવરીટ ડીશ તમારે રેસ્ટોરન્ટ માં જઈને નથી ખાવાની પરંતુ તેને ઘરે બનાવવાની છે તો? પહેલા ઓપ્શનનું સોલ્યુશન સહેલું છે, બીજામાં થોડો ડર લાગે, ખરું ને?

    વેલ.. હું પણ એવી જ હતી અને મારી સૌથી પહેલી ચેલેન્જ હતી, રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટીક્કા મસાલા બનાવવાની. હવે એ બાબત ચેલેન્જ કેમ હતી એ પણ કહી દઉં, સૌથી પહેલા તો એ વખતે હું હજી કિચનની દુનિયામાં પા-પા પગલી ભરી રહી હતી. મારે જીરા અને અજમાનો તફાવત ગૂગલને પૂછવો પડે. કલૌંજી એ ડુંગળીના બી છે એ વાત ખબર નહોતી. મારી પાસે આજની જેમ, ‘On my Finger Tips’ ગૂગલબાબાની હાજરી નહોતી અને સૌથી મોટી વાત, હું એક્ઝીક્યુટીવ શેફ નથી કે મારું કિચન જાત જાતના સ્ટાફથી ઉભરાતું હોય, ઉપરથી ફાઈવસ્ટાર કિચન જેટલી સુવિધાઓ પણ હાજર નહિ, હજુ પણ નથી.

    તો… આ બધા અવરોધો સાથે મેં પહેલી વખત બનાવ્યું, ‘પનીર ટીક્કા મસાલા’. અને એનો રિસ્પોન્સ?

    • આ પનીર કેમ બળી ગયું હોય એવું લાગે છે?
    • શાકમાં ટામેટા આખા નાખ્યા?
    • લસણનો સ્વાદ કેમ નથી આવતો?

    વગેરે, વગેરે, વગેરે….

    વેલ.. ટેસ્ટમાં એટલું પણ ખરાબ નહોતું, તો પણ લાગ્યું કે રેસિપીમાં ‘કુછ તો ગડબડ હૈ દયા’.

    એટલે અમે અમારી કમર બરાબર કસીને બધી જ ભૂલો કઈ રીતે સુધારાય એ શોધવા લાગ્યા. કોઈક એ કહ્યું કે ‘ટોમેટો પ્યુરી ઘરે નહીં બનાવવાની, બજારમાંથી તૈયાર લાવવાની’. ‘પનીર ને તળવાનું નહીં, ગ્રીલરમાં શેકવાનું’, ‘પંજાબી સબ્જીની ગ્રેવીમાં કાજુની પ્યુરી તો હોય જ ને!’, ‘ખાલી કાજુની પ્યુરી નહીં, કાજુ-ખસખસની પ્યુરી’, ‘ડુંગળીની પહેલા લસણ ની પેસ્ટ નાખવાની.’, ‘પહેલા ડુંગળી, પછી લસણ’. ટૂંકમાં જેટલા લોકોને સવાલ પૂછો એટલા જવાબ મળે અને એ બધા જ ઓપિનિયન સાથે રાખીને સબ્જી બનાવો તો કંઇક એવું બને જેને પનીર ટીક્કા મસાલા તો ન જ કહેવાય, નવું જ કોઈક નામ આપવું પડે. આ બધાની સાથે પાછુ માપનું લફરું તો ખરું જ! બાકી હોય તેમ લોકો માપનો રેશીઓ ગ્રામમાં આપે, જાણે આપણે કિચનમાં વજનકાંટો તૈયાર જ રાખ્યો હોય!

    ગૂગલ પર ‘ઓથેન્ટિક રેસીપી’ સર્ચ કરો તો દસ રેસીપી મળે. કોઈ કહે કે પનીરને ‘મેરીનેટ’ કરો (કેમ ભાઈ? સીધું જ શેકું તો શું થાય?)! તો કોઈ કહે કે પનીરને તળીને હૂંફાળા પાણીમાં રાખો! (કેમ? એને શરદી થઇ છે?) આમ, પરફેક્ટ રેસીપીની શોધમાં અમે ૧૦૦ જેટલા કહેવાતા પનીર ટીક્કા મસાલા બનાવ્યાં અને દરેક વખતે એ રેસ્ટોરન્ટ સ્ટાઈલ તો નહિ જ!

    પછી જેમ મહાભારતમાં અર્જુનની મદદે કૃષ્ણ ભગવાન આવ્યા, એવી જ રીતે આ પનીર ટીક્કા મસાલા નાં મહાભારતમાં અમારી મદદે આવ્યા, શેફ સંજ્યોત કીર. સંજ્યોત કીર એક પ્રોફેશનલ શેફ છે, જે ફૂડ વિડીઓઝ પણ બનાવે છે. આ વિડીયોની ખાસિયત એ છે કે એક વિડીયો વધુમાં વધુ બે મીનીટનો સમય લે છે અને એ સમયમાં તમે આખી રેસીપી જોઈ શકો છે, માપ સાથે! બસ, તેમની પનીર ટીક્કા મસાલાની રેસીપી જોઈ અને એ રેસીપી બનાવી. જે ખરેખર ‘ઓથેન્ટિક’ હતી. (કેમકે શેફ પોતે જ પંજાબી છે!)

    પછી તો તેમણે આપેલા અમુક ઇન્ટરવ્યુ વાંચ્યા પણ ખરા અને હાર્ડકોર પંજાબી ક્વીઝીન વિષે જાણ્યું પણ ખરું. તો… ફાઈનલ વર્ડીકટ શું નીકળ્યું? મારા બધા જ સવાલોનો જવાબ એક જ જગ્યાએ થી મને મળી ગયો. જેમકે,

    • કોઈપણ રેસીપી માટે ટોમેટો પ્યુરી અડધી બજારમાંથી લાવવાની અને અડધી ઘરે બનાવવાની, જેથી કરીને ખટાશ અને ગળપણનું પ્રમાણ જળવાઈ રહે.
    • જરૂરી નથી કે તમામ પંજાબી ગ્રેવીમાં કાજુ (કે કાજુ-ખસખસ)ની ગ્રેવી જોઈએ, પણ જયારે ટીક્કા કે મખની ગ્રેવી બનાવીએ ત્યારે જ એની જરૂર પડે.
    • જયારે પણ કોઈપણ પંજાબી સબ્જી બનાવીએ ત્યારે જે ઇન્ગ્રીડીઅન્ટમાં વોટર લેવલ વધારે હોય એ પહેલા નાખવાનું અને ઓછું હોય એ સૌથી છેલ્લે, જેથી પાણીને બળવા માટે બરાબર સમય મળી રહે અને વસ્તુમાં રહેલા પોષકતત્વો ના બળે, એટલે પહેલા આદું-લસણની પેસ્ટ, પછી ડુંગળી અને પછી ટમેટો પ્યુરી.
    • તંદુરી ડીશ બનાવતી વખતે પનીરને મેરીનેટ કરીને ગ્રીલ કરવું જરૂરી છે કેમકે તો જ પનીરમાં સ્વાદ આવશે, પણ એ સિવાય પનીરને તળીને જો તમે એને હૂંફાળા પાણીમાં રાખશો અને સર્વ કરવાની દસ મિનીટ પહેલા જ સબ્જોમાં નાખશો તો પનીર સોફ્ટ રહેશે, ચવ્વડ નહીં થાય.
    • ગરમ મસાલો બનાવવાનું માપ દરેક ઘરનું અલગ અલગ હોઈ શકે, અને જો તમે મસાલો ઘરે ન બનાવીને તૈયાર વાપરતા હોવ તો મીઠુંની જેમ એને પણ તમારા સ્વાદમુજબ જ નાખવું, નહીં કે રેસિપીમાં જણાવેલ માપ મુજબ.

    તો ચાલો, આ બધા પોઈન્ટ્સ ને ધ્યાનમાં રાખીને અદ્દલ રેસ્ટોરન્ટ સ્વાદવાળી બનાવેલી મારી સુપરહિટ (મારા ઘરમાં સ્તો!) રેસીપી જોઈએ!

    બટર પનીર ભુરજી

    સામગ્રી:

    1tbsp તેલ

    1tbsp બટર

    1tsp જીરું

    2tbsp લસણની પેસ્ટ

    ½ કપ ફ્રેશ ટમેટો પ્યુરી

    ½ કપ તૈયાર ટમેટો પ્યુરી

    2tbsp લીલા મરચાંની પેસ્ટ

    1tbsp લાલ મરચાંનો પાવડર

    1tsp ખાંડ

    3tbsp કાજુની પેસ્ટ

    સ્વાદ મુજબ મીઠું

    1tbsp ટમેટો કેચઅપ

    1 કપ પનીર, હાથથી ક્રશ કરેલું

    2tbsp ફ્રેશ ક્રીમ

    1tsp ગરમ મસાલા

    1tsp કસૂરી મેથી

    તાજી સમારેલી કોથમીર સજાવટ માટે

    રીત:

    1. એક પેનને ધીમા તાપે મૂકો અને તેમાં તેલ, બટર, જીરું અને લસણની પેસ્ટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
    2. હવે તેમાં બંને જાતની ટમેટો પ્યુરી, લીલા મરચાની પેસ્ટ, લાલ મરચું પાવડર અને ખાંડ ઉમેરી બરાબર ભેળવી લો.
    3. હવે તેમાં કાજુની પેસ્ટ, સ્વાદમુજબ મીઠું, ટમેટો કેચઅપ, ક્રશ કરેલું પનીર, ક્રીમ, ગરમ મસાલા, કસુરી મેથી ઉમેરી મિક્સ કરો.
    4. સબ્જી બરાબર ખદખદવા લાગે એટલે ગેસ બંધ કરી, તાજી સમારેલી કોથમીર અને ફ્રેશ ક્રીમથી સજાવીને રોટી કે પરાઠા સાથે સર્વ કરો.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here