મેઇક ઇન ઈન્ડિયાને મળ્યું બળ; શાયોમી ભારતમાં ત્રીજો પ્લાન્ટ શરુ કરશે

  0
  347

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયારે ‘મેઇક ઇન ઇન્ડિયા’ અભિયાનની શરૂઆત કરાવી હતી ત્યારે મોટાભાગના મનમાં આ અભિયાનની સફળતા માટે શંકા હતી. પરંતુ જેને એ હકીકતની ખબર હતી કે આ અભિયાન લાંબાગાળાના મોટા ફાયદા માટે શરુ કરવામાં આવ્યું છે તેને તેની સફળતા અંગે લેશમાત્ર ચિંતા ન હતી. પહેલા સેમસંગ અને હવે ચાઇનીઝ જાયન્ટ શાયોમી ભારતમાં મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત પોતાનો ત્રીજો પ્લાન્ટ શરુ કરવા જઈ રહ્યું છે. શાયોમીએ બે દિવસ અગાઉ જાહેરાત કરતા કહ્યું હતું કે તે હવે હાઈપેડ ટેક્નોલોજી સાથે મળીને ભારતમાં તેની પાવર બેન્કસનું ઉત્પાદન શરુ કરશે.

  શાયોમીનો ભારતમાં આ ત્રીજો પ્લાન્ટ હશે જે નોઇડા ખાતે સ્થિત હશે. અહીં તે દર સાત મીનીટે એક પાવર બેન્ક ઉત્પાદિત કરશે. શયોમીની નોઇડા ફેસીલીટીમાં 10,000 mAh Mi Power Bank 2i અને 20,000 mAh Mi Power Bank બનાવશે. આ પ્લાન્ટ 2.3 લાખ સ્ક્વેર ફૂટમાં પથરાયેલો હશે અને શરૂઆતમાં અહીં 500 લોકોને રોજગારી આપવામાં આવશે અને બાદમાં તેમની સંખ્યા વધારવામાં આવશે. શાયોમી દ્વારા આ પ્લાન્ટ માટે કેટલું રોકાણ કરવામાં આવ્યું છે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી.

  શાયોમીનું કહેવું છે કે ભારતમાં તેમને ખૂબ જ ટૂંકા ગાળામાં ખૂબ મોટી સફળતા મળી છે અને આથી જ તેઓ ભારતમાં તેમના વધુને વધુ પ્લાન્ટ્સ શરુ કરવા જઈ રહ્યું છે.  તેઓ ઉચ્ચ ગુણવત્તા વાળા ગેજેટ્સ પોસાય તેવી કિંમતે વેંચવા માંગે છે અને આ માટે તેમને સ્થાનિક ઉત્પાદન કરવું મદદરૂપ સાબિત થાય છે. શયોમી આંધ્રપ્રદેશમાં સ્માર્ટફોન બનાવવા માટે બે પ્લાન્ટ ચલાવી રહ્યું છે. અહીં 5,000થી પણ વધુ લોકો કાર્યરત છે જેમાંથી 90% મહિલાઓ છે.

  ભારતમાં શાયોમી જે સ્માર્ટફોન ઉત્પાદિત કરે છે તેમાંથી 95% દેશની અંદર જ વેંચાઈ જાય છે અને આથી જ જો તેના સ્માર્ટફોનની માંગ વધશે તો તેઓ ભારતમાં વધુ પ્લાન્ટ્સ નાખવા માટે મન ખુલ્લું રાખ્યું હોવાનું પણ શાયોમીએ જણાવ્યું છે.

  તમને ગમશે: 10 હિન્દી ફિલ્મો જે તમારું વિકેન્ડ બનાવશે ખુશખુશાલ

  સપ્ટેમ્બર મહિનામાં પુરા થયેલા ત્રિમાસિક ગાળામાં શાયોમી અને સેમસંગ ભારતના સ્માર્ટફોન માર્કેટમાં 23-23 ટકાનો માર્કેટ શેર ધરાવે છે.

  પાવર બેન્ક પ્લાન્ટ શરુ કરવા પાછળ શાયોમીનો ઈરાદો છે કે તે દેશમાં વેંચાતી ખરાબ ગુણવત્તાની પાવર બેન્કનો ફેલાવો ઘટાડે. આ ઉપરાંત ભારતમાં શાયોમી ના નામે પણ ઘણી ફેક પાવર બેન્ક પણ વેંચાય છે. આ માટે શાયોમી તેની દરેક પાવર બેન્ક પર સિક્યોરીટી હોલોગ્રામ પણ મુકશે. આ હોલોગ્રામને સ્ક્રેચ કરવાથી તે સાચો છે કે કેમ તેની ઓનલાઈન તપાસ પણ થઇ શકે છે.

  શાયોમીનો નોઇડા ખાતેનો પ્લાન્ટ શરુ થઇ ગયા બાદ તેની 10,000 mAh પાવર બેન્ક ભારતમાં રૂ.799 માં અને 20,000 mAh પાવર બેન્ક રૂ. 1,499 માં ઉપલબ્ધ થશે.

  મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારતમાં ઉત્પાદન કરવા માંગતી વિદેશી કંપનીઓને કેન્દ્ર સરકાર સરળતાથી મંજુરી આપી શકાય તેવી એક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મેઇક ઇન ઇન્ડિયાના આ ખાસ ગુણને લીધે ઉપરાંત ભારતમાં વ્યાપાર અંગે કેન્દ્ર સરકારે આપેલી વિશેષ છૂટછાટોને લીધે જ હાલમાં જ વર્લ્ડ બેન્ક દ્વારા ભારતને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રિપોર્ટમાં ત્રીસ સ્થાનનો સુધારો આપવામાં આવ્યો હતો.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here