કોંગ્રેસને લીધે દેશમાં ફરીથી શરુ થઇ ગઈ ‘ચાય પે ચર્ચા’

  0
  310

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જ્યારે શરુ કરવામાં આવ્યો હતો ત્યારે જાણવા મળ્યા અનુસાર રાહુલ ગાંધી અને તેમની કોર ટીમે કોંગ્રેસ કાર્યકર્તાઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે સમગ્ર પ્રચાર દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અંગત આક્રમણ કરવું નહીં. કદાચ આ સ્પષ્ટ સૂચના ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓને જ આપવામાં આવી હતી અને કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરીને આ અંગે કોઈજ ખબર ન હતી. આથી આ જ કારણસર કોંગ્રેસના ઓનલાઈન મેગેઝીન યુવા દેશ દ્વારા અચાનક જ ત્રણ દિવસ અગાઉ એવું કશુંક બફાઈ ગયું અને ફરીથી સોશિયલ મીડિયામાં ચાય પે ચર્ચા શરુ થઇ ગઈ.

  બન્યું એવું કે યુવા દેશ દ્વારા એક ટ્વીટ કરવામાં આવી જેમાં એક meme હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રિટીશ વડાપ્રધાન થેરેસા મે એકબીજા સાથે વાત કરતા હોય એવો તેમાં એક ફોટો હતો. અહીં નરેન્દ્ર મોદી એમ કહેતા દેખાડવામાં આવ્યા છે કે, “તમે જોયું વિપક્ષ મારા વિષે કેવા મેમે બનાવે છે?” જવાબમાં પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ મોદીની ભૂલ સુધારે છે અને કહે છે કે “તેને મેમે નહીં પરંતુ મીમ કહેવાય” બાદમાં થેરેસા મે જવાબ આપે છે કે, “તું ચા વેંચ (બસ)”. ટૂંકમાં કોંગ્રેસના ઓનલાઈન મેગેઝીનના કર્તાહર્તાઓ એ થેરેસા મે દ્વારા દેશના વડાપ્રધાન માટે અપમાનજનક વાક્યનો વપરાશ કર્યો.

  આપણા દેશમાં ઘણાબધા નેતાઓનું આનાથી પણ ભદ્દા અને અશ્લિલ શબ્દોમાં અપમાન કરવાનો રીવાજ છે જ, પરંતુ હાલના વડાપ્રધાનને કદાચ સૌથી વધુ અપમાનિત કરવામાં આવ્યા હોય એવું સ્પષ્ટ દેખાય છે. આ પાછળ કોંગ્રેસનો મોદી પ્રત્યેની વ્યક્તિગત નિરાશા અને દ્વેષ હોવાનું બિલકુલ સ્પષ્ટ થાય છે. કોંગ્રેસના નેતાઓની માનસિકતા કદાચ એવી છે કે તેમણે આ દેશ પર માત્ર રાજ કરવા માટે જ જન્મ લીધો છે. લોકસભાની ગત ચૂંટણીઓ અગાઉ કોંગ્રેસના જ વરિષ્ઠ નેતા મણીશંકર ઐય્યરે મોદી ક્યારેય વડાપ્રધાન નહીં બને એવું છાતી ઠોકીને બોલતા ઉમેર્યું હતું કે તેમણે જો ચા વહેંચવી હોય તો કોંગ્રેસ તે સંમેલનની બહાર વ્યવસ્થા કરી શકે છે.

  આપણે બધા જાણીએ છીએ કે નરેન્દ્ર મોદીના પિતા વડનગર રેલ્વે સ્ટેશન પર ચા વેચતા અને મોદી તેમના નવરાશના સમયમાં પ્લેટફોર્મ પર આવતી ટ્રેનોમાં મુસાફરોને ચા વેંચીને પિતાની મદદ કરતા. મણીશંકર ઐય્યરના એ ચાય વાલાના નિવેદનને નરેન્દ્ર મોદી અને ભાજપે પોતાની રણનીતિનો ભાગ બનાવ્યો અને દેશભરમાં પ્રચારના હિસ્સા તરીકે ‘ચાય પે ચર્ચા’ શરુ કરી જેમાં મોદી ખુદ સામાન્ય લોકો સાથે ચા પીતાપીતા ચર્ચા કરતા હતા. આ પ્રયોગ ખૂબ સફળ પણ થયો અને મોદી ભારે બહુમતી સાથે દેશના વડાપ્રધાન પણ બન્યા.

  હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ નજીક છે અને અત્યારસુધી રાહુલ ગાંધીને અને ગુજરાત કોંગ્રેસના નેતાઓને ક્રેડીટ આપવી પડે કે તેમણે ભલે સ્થાનિક મુદ્દાઓને નહીંવત સ્પર્શ કર્યો હોય પરંતુ નોટબંધી તેમજ GSTને ટાર્ગેટ કરીને ભાજપને જવાબ આપવા તો મજબૂર કરી જ દીધો હતો. પણ કદાચ યુવા દેશના મેનેજમેન્ટને ઉપર કહેલી સૂચના અંગે જાણ નહીં હોય અને એટલે એણે ફરીથી નરેન્દ્ર મોદીના ગરીબ બેકગ્રાઉન્ડની મજાક ઉડાવતી ટ્વીટ કરી દીધી.

  સવાલ એ ઉભો થાય છે કે ગરીબ હોવાથી વ્યક્તિનો IQ કેવી રીતે ઓછો થઇ જાય? એ તો જોકે હવે કોંગ્રેસના નેતાઓ કે પછી યુવા દેશના અધિકારીઓ જ કહી શકે. આપણે ત્યાં એવા ઘણા નેતાઓ અને વિભૂતિઓ જન્મી છે જેમણે  ખૂબ સાધારણ અવસ્થામાંથી આગળ આવીને દેશનું નામ રોશન કર્યું છે પછી તે અબ્દુલ કલામ હોય, લાલ બહાદુર શાસ્ત્રી હોય, ગીતા અને બબિતા ફોગાટ હોય કે પછી નવાઝુદ્દીન સિદ્દીકી. તો શું આ તમામ ગરીબ હોવાને લીધે ઓછો IQ ધરાવતા હતા કે ધરાવે છે? ચાલો એમને છોડો જો ખૂદ નરેન્દ્રભાઈનો IQ જો ઓછો હોત તો આજે દેશ અને દુનિયામાં એમની નીતિની વાહવાહી કેમ થઇ રહી છે? અરે, એ પણ જવા દો કોંગ્રેસ એક પછી એક રાજ્ય ગુમાવી રહ્યું છે એ શું નરેન્દ્ર મોદીના કહેવાતા ઓછા IQને આભારી છે?

  નેશનલ અને ગુજરાત ભાજપ અને તેના ઓનલાઈન કાર્યકર્તાઓએ યુવા દેશની એ ડીલીટ કરેલી ટ્વીટનો ત્વરિત ફાયદો લીધો છે અને આજકાલ તેમના દ્વારા આ અંગેના ફેસબુક સ્ટેટ્સ અને ટ્વીટ ઠેરઠેર જોવા મળે છે. અમુક ભાજપી કાર્યકર્તાઓએ તો સુરત અને દિલ્હીમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે જઈને ત્યાં લોકોને ચા પીવડાવી હતી. તો અમદાવાદમાં પણ કેટલાક કાર્યકર્તાઓએ સામાન્ય જનતા અને ગરીબ ફેરિયાઓને પણ ચા પીવડાવી અને ભાજપ માટે અનોખો પ્રચાર કર્યો હતો.

  હવે કોંગ્રેસ માટે તીર છૂટી ગયું છે અને તેણે એક જ પ્રાર્થના કરવાની છે કે 2014ની જેમ હવે 2017માં ગુજરાતમાં પણ ચાય પર છેડાઈ ગયેલી નવી ચર્ચા તેની હાલત ખરાબ ન કરે.

  eછાપું

  તમને ગમશે: જાતિ અને ધર્મનું ઝેર તમારા બાળકો માં પ્રવેશતા કેવી રીતે અટકાવશો?

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here