શિયાળામાં કરાવો તેલ માલીશ અને આજીનો મોટોથી દૂર રહો

    1
    532

    શિયાળો— તબિયત નું સેવિંગ એકાઉન્ટ ખોલાવવાની ઋતુ.  વિક્રમ સંવંત હોય કે ન્યુ યર, બન્ને ની શરુઆત શિયાળા થી જ થાય છે. આ ઋતુમાં વ્યાયામ અને માલીશ (સ્પા વાળી નઈ ) નું અનેરું મહત્વ છે. શિયાળાની ઋતુ માં ઠંડકને લીધે વાયુ અને ઠંડીના મિશ્રણને લીધે કફ ભરાય છે. વાયુ પોતે ઠંડી તાસીર ધરાવતો હોવાથી જેમ ઠંડો પવન વધે એમ વાયુ ના રોગો સંધિવા, શ્વાસ, કમરના દુખાવા, ચીકનગુન્યા, લકવા વગેરેમાં વધારો થાય છે .આ બધા રોગોને જીતવા ગરમ તેલની માલીશ જરૂરી છે.  તેલનો મહત્વ નો ગુણ ચીકાશ અને ગરમ તાસીર છે. જે લોકો ને ચીકાશ ન ગમે અને નોન સ્ટીકી ઓઈલ સુગંધી ઓઈલથી માલીશ કરાવતા હોય તેમને માલીશનો તસુ ભાર પણ લાભ મળતો નથી. ચીકાશ ઉપર તો આખી દુનિયા ટકેલી છે!!

    ગરમા ગરમ તેલથી આખુંય શરીર હળવા હાથે ચોળાતું હોય, ક્યાંક મર્દન, ક્યાંક દબાણ તો ક્યાંક હળવો સ્પર્શ ને પછી ઓસડીયાઓનો વરાળીયો બાફ (અરે સ્ટીમ યાર) લેવાય. આખુંય શરીર ગેસના ગુબ્બારા જેવું હળવું ફૂલ થઇ જાય. માલીશ વાયુનો નાશ કરી તેલ ચામડીના સ્પર્શ જ્ઞાન ની ક્ષમતામાં વધારો કરે છે. પાતળાની માંસ વૃદ્ધિ કરે છે તો જાડિયાઓની ચરબીને ઓગાળે છે.  યુવાનીમાં જોમ પૂરે છે તો ઘરડાઓની RAM વધારી સ્પીડ માં દોડતા કરી દે છે.  શરીરને સ્ફૂર્તિ અને ઘાટ આપે છે. ત્વચા મુલાયમ (અખિલેશના પિતાશ્રી નઈ) બને છે.

    માલીશ કાનના મૂળમાં, કરોડમાં, પગના તળિયે ખાસ કરવાથી ઊંઘ સારી આવે છે અને ઇન્દ્રિયોને બળ મળે છે. માલીશ પછી વ્યાયામ કરવો જોઈએ જેથી પરસેવો થવાથી આપોઆપ બાફ મળી જાય. આ માટે સૂર્ય નમસ્કાર,યોગાસનો અને લાંબી દોડ તથા દંડ બેઠક ખુબ લાભ દાયી છે, પરંતુ તેના પણ કેટલાક નિયમો છે.

    • વહેલી સવારે મળ-મૂત્ર નું વિસર્જન થયા બાદ જ વ્યાયામ કરવો.
    • આડેધડ વ્યાયામ ના બદલે યોગ્ય પદ્ધતિ થી ક્રમશ: તેની માત્રા કે ટાઈમ વધારવો.
    • માલીશ કરી વ્યાયામ કરો તો વચ્ચે વચ્ચે પાણી કે જ્યુસ ન પીધે રાખવા.
    • ખુલતા કપડા પહેરવા.
    • અમુક વ્યાયામ તબીબી તપાસ પછી જ કરવા. હાઈ બીપી, કોલેસ્ટ્રોલની બીમારીઓમાં ખાસ સાચવવું. તેમજ શ્વાસના દર્દીઓએ વહેલી સવારે ભેજ હોવાથી ખુલ્લામાં ન જવું, થોડો સૂર્ય પ્રકાશ નીકળે પછી જ જવું.
    • થોડો હાંફ ચડે, કપાળ -બગલમાં પરસેવો થાય તો વ્યાયામની માત્રા પૂરી ગણાય.
    • વ્યાયામ પછી તરત સ્નાન ના કરવું.
    • વ્યાયામ કરનારે દૂધ, ઘી, ખજુર, અડદ, ચ્યવનપ્રાશ વગેરે ખાવા.

    શિયાળા માં જેમ ઠંડી વધે એમ જઠરાગ્ની પણ વધે છે અને કકડીને ભૂખ પણ લાગે છે. આ ઋતુમાં લીધેલા વસાણા આખું વરસ ફિક્ષ ડીપોઝીટ ની ગરજ સારે છે. તેથી સારામાં સારા વસાણા પેટ ભરી ખાવા. શક્કરીયાના માવાના બનેલા બજારુ ચ્યવનપ્રાશ કરતા કોઈ વૈધ ના બનાવેલા ચ્યવનપ્રાશ ખાવા .બદામપાક, મેથીપાક, ગુંદરપાક, કૌચાપાક, સુંઠનો પાક કે અડદ પાક જે હાથ વગા હોય જાપટી લેવા. આ પાક સાતેય ધાતુ વધારી શરીરનું બોડી બિલ્ડીંગ કરે છે. બહાર થી સિક્સ પેક હોય પણ ફેફસા સિગારેટ પીને ખાલી થઇ ગયા હોય અને બાળક માટે સરોગેટ મધર શોધવી પડતી હોય એવા રોલ મોડેલ ના રસ્તે ચડાય??

    ૧૮ વરસે યુવાનો ના મર્દાના અવાજ આજે છોકરી જેવા થતા જાય છે અને ચહેરા નિસ્તેજ ને વાળ ધોળા થતા જાય છે. બહાર થી બોડી લોશન લગાવ્યા કરતા અંદર ની ચીકાશ વધે એ વિચારવા નો વિષય છે. આ પેઢી જોતા દિનચર્યા કે ઋતુ ચર્યા માં હવે આયુર્વેદ ને અનુસરવું જોઈએ એમ નથી લાગતું???

    પછી કેતા નઈ કે કીધું નો’તુ…

    રીસેપ્શન ની સીઝન ચાઈનીઝ અને આજીનોમોટો

    દિવાળી પછી પરણતા ગુજ્જુ વરરાજાઓ નો શ્રાવણીયા તડકા ની જેમ ઉઘાડ નીકળ્યો છે. કંકોત્રી મળે ને અંગત હોય એટલે જમવા તો જવું જ પડે. અને જમવામાં પહેલું જ કાઉન્ટર હોય સૂપ નું. આખી જિંદગી વિસનગર થી આગળ ના ગયો હોય ને ભાયડા એ રાખ્યો હોય hot and sour સૂપ! ડબ્બલ સીઝનમાં આ સૂપ તમને ડોક્ટરના પગથીયા ઘસતા કરી દે એમાં ભૂલ નઈ. ભૂખ લગાડવાનું કામ કરનાર સૂપ માં સફેદ રંગનો ચમકતો દેખાતો મોનોસોડિયમ ગ્લૂટામેટ એટલે કે આજીનોમોટો નાખવામાં આવે છે જે એક સોડિયમ સૉલ્ટ છે. જો તમે ચાઇનીઝ ડિશના દીવાના છો તો તેમાં તમને આજીનોમોટો અચૂક મળશે કારણ કે તેનો ઉપયોગ એક મસાલા તરીકે થાય છે. પરંતુ તમને કદાચ જ ખબર હશે કે ભોજનનો સ્વાદ વધારનાર આ મસાલો સ્વાસ્થ્ય માટે બહુ ખતરનાક હોય છે.

    તો જાણીએ તેની આડઅસર વિષે…

    • આજીનોમોટોના સેવનથી માથાનો દુખાવો, પરસેવો વળવો અને ચક્કર આવવા જેવી જોખમી બીમારીઓ થઇ શકે છે. જો તમે તેના આદી થઇ ચૂક્યા છો અને ખાવામાં તેનો પુષ્કળ પ્રયોગ કરો છો તો  તેનાથી તમારું બ્રેઈન ડેમેજ થઇ શકે છે.
    • આજીનોમોટો ખાવાથી શરીરમાં પાણીની ઉણપ સર્જાઇ શકે છે, ચહેરા પર સોજો આવી શકે છે અને ત્વચામાં ખેંચાણ અનુભવાય છે.
    • તેના વધારે પડતા પ્રયોગથી ધીમે-ધીમે છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને આળસનો જન્મ થાય છે અને તેનાથી શરદી-તાવ અને થાકનો પણ અહેસાસ થવા લાગે છે. તેમાં રહેલ એસિડ સામગ્રીઓને કારણે તે પેટ અને ગળામાં બળતરા સર્જી શકે છે.
    • પેટના નીચેના ભાગમાં પીડા, ઉલ્ટી થવી અને ડાયેરિયા વગેરે તેના કેટલાંક દુષ્પ્રભાવો છે.
    • આજીનોમોટો તમારા પગના સ્નાયુઓ અને ઘૂંટણમાં દર્દ પેદા કરે છે. તે હાડકાને નબળા બનાવે છે અને શરીર દ્વારા જેટલું કેલ્શિયમ લેવામાં આવ્યું હોય તેને ઓછું કરી દે છે.
    • બ્લડ પ્રેશરની સમસ્યાઓથી ઘેરાયેલા લોકોએ તો આનું સેવન કરવું જ ન જોઇએ કારણ કે તેનાથી અચાનક બ્લડ પ્રેશર વધી-ઘટી જાય છે.
    • વ્યક્તિઓને આનાથી માઇગ્રેન જેવી માથાની ભયાનક બીમારી પણ થઇ શકે છે. જો તમારા માથામાં દર્દ થતું હોય તો તુરંત જ તે ખાવાનું બંધ કરી દો.

     

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here