બે વર્ષમાં વીજળી બીલના અધધધ રૂ. 5,000 કરોડ બચાવતી રેલ્વે

    1
    366

    ભારતીય રેલ્વે દ્વારા મળતી માહિતીથી એવું જાણવા મળ્યું છે કે એપ્રિલ 2015 થી ઓક્ટોબર 2017ના સમયગાળામાં તેણે વીજળીના બીલ રૂપે રૂ. 5,636 કરોડ બચાવ્યા છે. આ સાથે રેલ્વેએ આવનારા દસ વર્ષમાં કુલ રૂ. 41,000 કરોડ બચાવવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે. આ પ્રકારની વિશાળ બચત કરી શકવા પાછળ રેલ્વેની ઓપન એક્સેસ એરેજમેન્ટ જવાબદાર છે જેનાથી તે વીજળી તેના સ્તોત્રથી સીધી જ મેળવે છે.

    રેલ્વેના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે ઉપરોક્ત આંકડો આ નાણાકીય વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં રૂ. 6,927 કરોડ સુધી પણ પહોંચી શકે છે જે તેના સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા લક્ષાંકથી લગભગ રૂ. 1,000 કરોડ વધારે હશે. જો ઓપન એક્સેસ પદ્ધતિની વાત કરીએ તો આ નીતી 2003ના ઈલેક્ટ્રીસિટી કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે જે મુજબ ગ્રાહકો 1 MWથી ઉપરનો ઇલેક્ટ્રિક લોડ બજારમાંથી સીધો જ ખરીદી શકે છે.

    હાલમાં ભારતીય રેલ્વે ઉપરોક્ત નીતિ ને આધારે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક અને દામોદર વેલી કોર્પોરેશન એરિયા પાસેથી વીજળી સીધી જ ખરીદે છે. રેલ મંત્રાલયે એમ પણ ઉમેર્યું છે કે આવતા વર્ષ સુધીમાં બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને તેલંગાણા પણ આ રીતે રેલ્વેને સીધી વીજળી આપવા માટે સહમત થઇ ગયા છે.

    હાલમાં ભારતીય રેલ્વેને 2000 MW વીજળીની જરૂર છે જેની સામે તેને 1000 MW આ રીતે સ્તોત્રથી સીધી જ વીજળી મળી રહી છે. રેલ્વેને સીધી વીજળી આપતા ઉપર જણાવેલા રાજ્યોમાં દોડતી ટ્રેનોથી તેનો એવરેજ ખર્ચ ઘટ્યો છે. અગાઉ રેલ્વેને વિજળી રૂ. 7 પ્રતિ યુનિટના ભાવે મળતી હતી જે હવે તેને પ્રતિ યુનિટ રૂ. 5ના ભાવે મળે છે.

    તમને ગમશે: અબોર્શન માટે ઉત્તરી આયર્લેન્ડની મહિલાઓને આધાર આપતું સ્કોટલૅન્ડ

    રેલ્વેને જે બચત થઇ છે તેનો ઉપયોગ તે મિશન ઈલેક્ટ્રીફીકેશન અંતર્ગત રેલ નેટવર્કના ઈલેક્ટ્રીફીકેશનમાં વાપરશે. આમ થવાથી ડિઝલનો વપરાશ રેલ્વેમાં ઘટશે અને આથી તેને વધુને વધુ બચત થશે. આ રીતે થનારી બચતનો અંદાજ હાલમાં રૂ. 10,500 કરોડ પ્રતિ વર્ષ ધારવામાં આવ્યો છે અને તેને કારણે આવનારા થોડા જ વર્ષોમાં રેલ્વે 100 ટકા ઈલેક્ટ્રીફીકેશનનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકશે.

    રેલ્વે દર વર્ષે 2.8 બિલીયન લીટર ડિઝલનો વપરાશ કરે છે જેના પર તે રૂ. 18,000 કરોડ ખર્ચ કરે છે. રેલ્વે તેના ફ્યુઅલ બીલના લગભગ 30 ટકા ટેક્સ ભરવામાં કરે છે.

    આ ઉપરાંત હાલમાં રેલ્વે ક્લીન એનર્જીની એક યોજના પર પણ ખાસ ધ્યાન આપી રહ્યું છે. આ યોજના હેઠળ દેશના તમામ સ્ટેશનોની છત પર સોલર પાવર બેટરી યુનિટ્સ મુકવામાં આવશે જેનાથી જે-તે સ્ટેશનોના વીજ બીલમાં પણ ઘટાડો આવશે. આ ઉપરાંત કેટલીક ટ્રેનોના ડબ્બાઓ પર પણ સોલર પેનલ લગાવવામાં આવી રહી છે જે ટ્રેનની અંદરની વીજળી પૂરી પાડીને રેલ્વેને વધુ બચત કરવામાં મદદ કરશે.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here