કરાંચીથી કોરિયા – હેવમોર ની સ્વાદિષ્ટ સફર

  2
  439

  હજી બે દિવસ પહેલા જ ખબર આવી કે ગુજરાતમાં આઈસ્ક્રીમની જાણીતી બ્રાન્ડ હેવમોર ને કોરિયાની કન્ફેક્શનરી કંપની Lotte દ્વારા રૂ. 1,020 કરોડની ‘all-cash deal’ માં ખરીદી લેવાઈ છે. વાંચીને કદાચ નવાઈ લાગશે કે ગુજરાતીઓ અને ખાસકરીને અમદાવાદમાં રહેતા ગુજરાતીઓ માટે હેવમોર એ લગભગ ઘરની જ બ્રાન્ડ કહેવાય એવી છે, પરંતુ અમદાવાદમાં વર્ષોથી શહેરની ઓળખ બની ગયેલી હેવમોર એ ખરેખર અમદાવાદમાં જન્મી ન હતી. જી હા! હેવમોર સાથે સંકળાયેલી આવી કેટલીક અત્યંત રસપ્રદ બાબતોને ચાલો મમળાવીએ.

  હાલમાં હેવમોરનું સુકાન જેના હાથમાં છે તે અંકિત ચોનાના દાદા સતીષ ચંદ્રાએ 73 વર્ષ અગાઉ હાલમાં પાકિસ્તાનમાં આવેલા કરાંચીમાં આ બ્રાન્ડની સ્થાપના કરી હતી. આમતો સતીષ ચંદ્રા BOAC એટલેકે હાલની British Airways માં એન્જીનીયર હતા પરંતુ તેમને ખાવાપીવાનો ખૂબ શોખ હતો અને તેમના આ જ શોખે તેમના કાકાની આઈસ્ક્રીમની દુકાને જતા કરી દીધા હતા. સતીષ ચંદ્રાએ આ જ દુકાને આઈસ્ક્રીમ બનાવવાની કળા શીખી અને ખુદનો આઈસ્ક્રીમ બનાવવાનો શરુ કર્યો.

  ભારતના ભાગલા પડ્યા બાદ સતીષ ચંદ્રા અને તેમનો પરિવાર ભલે ભારત આવી ગયો પરંતુ કરાંચીમાં આજે પણ તેમની આઈસ્ક્રીમની એ દુકાન કાર્યરત છે. ભાગલા બાદ સતીશ ચંદ્રા દેહરાદૂન આવીને વસ્યા અને પોતાનો આઈસ્ક્રીમનો બિઝનેસ આગળ વધાર્યો, પરંતુ કદાચ ઠંડા વાતાવરણને લીધે સ્થાનિકોને આઈસ્ક્રીમ એટલો આકર્ષી શક્યો નહીં અને મિત્રોની સલાહ બાદ ચંદ્રા ઇન્દોર આવ્યા. અહીં પણ બદનસીબીએ તેમનો સાથ ન છોડ્યો અને જેમની સાથે મળીને આઈસ્ક્રીમ બિઝનેસ શરુ કર્યો હતો એ વ્યક્તિ તેમને ચીટ કરીને ભાગી ગયો.

  તમને ગમશે: મેઇક ઇન ઈન્ડિયાને મળ્યું બળ; શાયોમી ભારતમાં ત્રીજો પ્લાન્ટ શરુ કરશે

  ફરીથી મિત્રોની સલાહ આવી કે બહેતર છે કે ચંદ્રા ગુજરાત જાય કારણકે ગુજરાતીઓને ગળી વસ્તુઓ ખૂબ ભાવે છે. ચંદ્રા અને તેમના પરિવાર અમદાવાદ આવી તો ગયા પરંતુ તેમના ખિસ્સા એકદમ ખાલી હતા. ગમેતેમ કરીને તેમણે પૈસાની વ્યવસ્થા કરી. રાત્રે ચંદ્રા અને તેમના પત્ની આઈસ્ક્રીમ બનાવતા અને સવારે ચંદ્રા તેને વેંચવા જતા. નસીબે પલટો માર્યો અને ચંદ્રાનો આઈસ્ક્રીમ સમગ્ર અમદાવાદમાં લોકપ્રિય બનવા લાગ્યો.

  થોડા સમય બાદ અમદાવાદના અત્યંત વ્યસ્ત ગણાતા રિલીફ રોડ પર સતીષ ચંદ્રાએ હેવમોર ના નામે પ્રથમ આઉટલેટ શરુ કર્યું જે આજે પણ અડીખમ ઉભું છે. બસ ત્યારબાદ બીજું આઉટલેટ વડોદરામાં શરુ કર્યું અને આજે હેવમોરને જ્યારે એક કોરિયન કંપનીએ ખરીદી લીધું છે ત્યારે તેની દેશભરમાં 14 શહેરોમાં હાજરી છે. હેવમોર પીક સિઝનમાં રોજનો 2 લાખ લિટર આઈસ્ક્રીમ વેંચે છે જ્યારે ઓફ સિઝનમાં આ વેંચાણ લગભગ અડધું થઇ જાય છે.

  આઈસ્ક્રીમ ઉપરાંત હેવમોર Hav Funn નામના હેવમોર રેસ્ટોરન્ટ્સ દ્વારા ચલાવવામાં આવતા આઈસ્ક્રીમ પાર્લર્સ પણ ચલાવે છે.

  અંકિત ચોના માટે પોતાના દાદાની ખુદ્દારી અને જાતમહેનત દ્વારા સ્થાપવામાં આવેલી આ બ્રાન્ડને વેંચવી એક અત્યંત અઘરું અને ઈમોશનલ ડીસીઝન હતું. પરંતુ વેબસાઈટ ફર્સ્ટપોસ્ટને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું છે કે લોટે કદાચ તેમના કરતા વધુ ઝડપથી અને વધુ વિસ્તારમાં હેવમોર બ્રાન્ડને આગળ વધારશે અને આથી આ જ વિચાર સાથે તેમણે હેવમોરને વેંચવાનો નિર્ણય લીધો હતો.

  eછાપું 

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here