PMUY – આતંકવાદ ગ્રસિત જમ્મુ કાશ્મીરના લોકોના ઘા રૂઝવવાનો પ્રયાસ

  0
  329

  છેલ્લા અઢી દાયકાથી પણ વધુ સમયથી પૃથ્વી પરનું સ્વર્ગ જેને કહેવાય છે તેવા જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદે ત્યાંના રહેવાસીઓને પૂરાય નહીં તેવા ઘા આપ્યા છે. અટલ બિહારી વાજપેયીએ પોતાના સમયમાં રાજ્યના લોકોને ‘healing touch’ આપવાની હિમાયત કરી હતી પરંતુ આ healing touch એટલે ખરેખર શું અને એના માટે આગળ શું કરવું તેનો ખ્યાલ ભાગ્યેજ કોઈને હતો. હવે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એટલેકે PMUY દ્વારા જમ્મુ કાશ્મીરના ગરીબીરેખાની નીચે જીવતા પરિવારોને ગેસ સિલિન્ડર પૂરા પાડવામાં આવી રહ્યા છે અને તેનાથી ગરીબ કાશ્મીરી જનતામાં એક નવા સુખનો સંચાર થઇ રહ્યો છે.

  યાદ હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સાંભળી ત્યારબાદ તરત જ તેમણે એક ‘Give Up’ અભિયાન શરુ કર્યું હતું અને દેશભરના લોકોને અપીલ કરી હતી કે જો તેઓ રાંધણગેસ પર મળતી સબસીડી જતી કરી શકે તો બચેલી સબસીડીથી દેશના કરોડો ગરીબ પરિવારોને પોસાય તેવા દરે રાંધણગેસ પૂરો પાડી શકાય છે અને તેમના જીવનમાં બદલાવ લાવી શકાય છે. આ અપીલને અત્યંત બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને દેશના લાખો લોકોએ પોતાને રાંધણગેસ પર મળતી સબસીડી જવા દીધી હતી.

  બસ, આ જ લાઈન પર દેશભરમાં ગરીબીરેખા નીચે જીવતા યોગ્ય પરિવારોને ત્રણ વર્ષ માટે માત્ર રૂ. 1600માં (આ ખર્ચ પણ કેન્દ્ર સરકાર ભોગવે છે) ગેસ કનેક્શન મળે છે. આ યોજના દેશભરની ગરીબ મહિલાઓમાં અત્યંત લોકપ્રિય નીવડી છે કારણકે તેમને હવે ધુમાડા રહિત ચૂલો મળ્યો છે અને રસોઈ પણ ફટાફટ થઇ જાય છે. આ જ હેતુસર જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં પણ અત્યારસુધીમાં 3.68 લાખ જેટલા ગેસ ક્નેક્શન અપાઈ ગયા છે.

  તમને ગમશે: હેપ્પી બર્થડે નોટબંધી : કાળા નાણા વિરુદ્ધ સામી છાતીએ જંગ

  એક આતંકવાદ ગ્રસ્ત વિસ્તારમાં જનજન સુધી સરકાર તેમની સાથે છે એવી ભાવનાને પ્રસરાવવી હોય તો PMUY જેવો કદાચ જ બીજો કોઈ રસ્તો હોઈ શકે. જમ્મુ અને કાશ્મીર સરકાર પણ આ યોજનાની સફળતાથી ઉત્સાહિત થઇ છે અને રાજ્યના ફૂડ અને સિવિલ સપ્લાય મંત્રી ચૌધરી ઝુલ્ફકાર અલીએ રાજ્યના અધિકારીઓને સ્પષ્ટ સુચના આપી છે કે આ યોજના બને તેટલા યોગ્ય પરિવારો સુધી પહોંચે અને સમગ્ર રાજ્યમાં  એક PMUY માટે યોગ્યતા ધરાવતું એકપણ પરિવાર તેનાથી વંચિત ન રહી જાય તેની ખાતરી તેમણે કરવાની રહેશે.

  જમ્મુ અને કાશ્મીર સરકારે રાજ્યમાં PMUY વધુને વધુ ફેલાય તે માટે સિલિન્ડરોની સેફ્ટીના પગલાં પણ લઇ રહી છે. આ ઉપરાંત સરકારે આ યોજના અંગે લોકજાગૃતિ કેળવવા પ્રજા વચ્ચે જઈને કેમ્પ અને બેઠકો યોજવાનો પ્લાન પણ ઘડી લીધો છે.

  આમ, કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર જમ્મુ અને કાશ્મીરની  હિંસાથી ત્રાહિમામ થયેલી પ્રજાના ઘા રૂઝવવા માટે માત્ર તેમની સુરક્ષા જ નહીં પરંતુ તેમના જીવનને બહેતર બનાવવાના પ્રયાસો કરી રહી છે જે કદાચ લાંબાગાળે પરંતુ સમસ્યાનો મજબૂત ઉકેલ લાવવામાં જરૂર મદદ કરી શકશે એવું અત્યારે તો લાગી રહ્યું છે.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here