કેજરીવાલ કેમ ફરીથી આલાપી રહ્યા છે ‘કર્કશ રાગ’?

    1
    311

    કેજરીવાલ ફરીથી ખોટા કારણોસર સમાચારમાં આવ્યા છે અને આ વખતે પણ તેમની બેજવાબદાર બયાનબાજી જ એ ખોટા કારણનું કારણ છે. ગઈકાલે દિલ્હીના રામલીલા મેદાન ખાતે પક્ષના પાંચ વર્ષ પૂરા થવાના પ્રસંગે કેજરીવાલે હવામાં આરોપ કર્યો હતો કે જે કાર્ય ISIS ત્રણ વર્ષમાં નથી કરી શક્યું એ કાર્ય ભાજપની કેન્દ્ર સરકારે કરી બતાવ્યું છે. કયુ  કાર્ય? તો હિન્દુઓ અને મુસલમાનોને એકબીજા સાથે લડાવી મારવાનું.

    સોશિયલ મીડિયા અને ચોવીસ કલાક જાગતા રહેતા મેઈન સ્ટ્રીમ મીડિયાની હાજરીમાં કેજરીવાલ આ પ્રકારે સાવ પાયા વગરના આરોપ સાવ ઠંડા કલેજે કેવી રીતે કરી શકે છે એ કોઇપણ સભ્ય અને સમજદાર વ્યક્તિની સમજની બહાર છે. જો દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં અરાજકતા છવાયેલી હોય તો તેના દ્રશ્યમાન પૂરાવા કેમ નથી મળતા? જો ગૌરક્ષકના નામે થતી હિંસાને કેજરીવાલ અરાજકતા કહેતા હોય તો એ બનાવો થેન્કફૂલી છૂટાછવાયા જ બની રહ્યા છે અને વડાપ્રધાને વિવિધ મંચો પરથી તેની આકરામાં આકરી ટીકા પણ કરી છે. ISI તેના આતંકીઓ દ્વારા કરવામાં આવતા જઘન્ય કૃત્યોની ક્યારેય ટીકા કરતું નથી કેજરી સર!

    કેજરીવાલે બીજી મહત્ત્વની વાત એ કરી કે ભાજપ સરકારે ધ્રુવીકરણ કર્યું. કોનું કર્યું એ તેમણે સ્પષ્ટ શબ્દોમાં નથી કહ્યું પરંતુ એમનો ઈશારો હિન્દુઓનું ધ્રુવીકરણ કરવા તરફ સ્પષ્ટ હોવાનો જણાઈ રહ્યું છે. તો હિન્દુઓને તેમના ધર્મના નામે મત માંગવા જો ધ્રુવીકરણ હોય તો પછી ગયા અઠવાડીએ ગાંધીનગરના ખ્રિસ્તી પાદરીએ ‘રાષ્ટ્રવાદીઓને’ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં હરાવવાની કરેલી જાહેર અપીલ કે સોશિયલ મીડિયામાં ફેલાઈ ગયેલા મુસ્લિમ સમાજના કેટલાક આગેવાનો દ્વારા પોતાના ધર્મના અનુયાયીઓને ભાજપને મત ન આપવાનું કહેવામાં આવ્યું હોય એવો મેસેજ કે પછી પાટીદારોના નેતાઓ દ્વારા “ભાજપને પાડી જ નાખવી છે” એવા મેસેજો વહેતા કરવાને ધ્રુવીકરણ કહી શકાય કે નહીં એ સવાલનો જવાબ કેજરીવાલ પાસે છે?

    ત્રીજી અને ગુજરાતની આવનારી ચૂંટણીઓ અંગે સહુથી મહત્ત્વની વાત કેજરીવાલે એ કરી કે તેમણે ગુજરાતીઓને અપીલ કરી કે તેઓ ભાજપને હરાવી શકનાર પાર્ટીને મત આપે. ગુજરાતીઓ ભાજપને ફેંકી દે તે માટે સમગ્ર રાષ્ટ્ર પ્રાર્થના કરી રહ્યું હોવાનું પણ કેજરીવાલે જણાવ્યું હતું. ટૂંકમાં જેમ દિલ્હીમાં પહેલીવાર સત્તા મળી ત્યારે પાછલા બારણેથી કોંગ્રેસનો ટેકો લેનારા કેજરીવાલે ગુજરાતની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસને આડકતરો ટેકો જાહેર કરી જ દીધો છે કારણકે તેમની આમ આદમી પાર્ટી આવનારી ચૂંટણીઓમાં ગણતરીની બેઠકો પર જ ચૂંટણી લડી રહી છે.

    તમને ગમશે: અરબ સાગરમાં વાવાઝોડાં કેમ અચાનક વધી ગયા છે?

    કેજરીવાલને એટલી ખબર નથી પડતી કે છેલ્લા 22 વર્ષમાં ગુજરાત ભાજપે ગ્રામ પંચાયતથી માંડીને વિધાનસભા સુધી જબરદસ્ત પગ જમાવ્યા છે. ગત લોકસભાની ચૂંટણીઓમાં ભાજપ તમામ 26 સીટો જીતી ગયું હતું. ગુજરાતમાં છેલ્લા પંદર વીસ દિવસની ઘટનાઓ એ સાબિત કરે છે કે આવનારી ચૂંટણીઓ બાદ ગુજરાતમાં પાતળી અથવાતો સંતોષકારક બહુમતી સાથે ભાજપ જ સરકાર બનાવશે જો તેને આપણે ભાજપનું ખરાબમાં ખરાબ પરિણામ ગણીયે તો પણ, અને આથી ગુજરાતીઓ ભાજપને ફેંકી દેશે એવી કેજરીવાલની અપીલ પરિણામોના દિવસે સાવ બોદી જ સાબિત થવાની છે.

    બીજું, જો સમગ્ર દેશના લોકો ગુજરાતમાં ભાજપને હરાવવાની પ્રાર્થના કરતા હોય એવું કેજરીવાલને લાગતું હોય તો તેઓને દેશના રાજકારણની પલ્સ માપતા આવડતું નથી એ પણ અહીં નક્કી થઇ જાય છે. 2014 પછીની તમામ વિધાનસભાઓ અને ઇવન કોર્પોરેશન અને પંચાયતોની ચૂંટણીઓમાં શું પરિણામ આવ્યા એનો અભ્યાસ જો કેજરીવાલે કર્યો હોત અને જો કર્યો હોય તો એને સ્વીકારવાની હિંમત તેમનામાં હોત તો તેઓ આવું બેજવાબદાર બયાન ન આપત.

    જો કે દેશની સરકારને ISI સાથે સરખાવીને કેજરીવાલ પોતે કેટલા બેજવાબદાર નેતા છે એ ફરીથી સાબિત કરી દીધું છે. હજી થોડા દિવસ સુધી એવી ફીલિંગ આવી રહી હતી કે કેજરીવાલ છેવટે એ સમજી શક્યા છે કે મોદીની રોજીંદી નિંદા કરવાને બદલે શાસન પર ધ્યાન આપવામાં આવશે તો જ લોકો તેમને સીરીયસલી લેશે અને આથી જ તેઓ સુધરી ગયા છે અને પોતાનું કામ કરી રહ્યા છે. તો કેજરીવાલે દિલ્હી રાજ્યમાં શિક્ષણક્ષેત્રે કરેલા જબરદસ્ત સુધારાની મિત્રસમાન કિન્નર આચાર્યની ફેસબુક પોસ્ટ વાંચીને પણ આનંદ થયો હતો કે ચાલો, એટલીસ્ટ દેશની રાજધાનીમાં તો બાળકોને શિક્ષણમાં સુધારાનો લાભ મળશે? પણ માત્ર ત્રણ જ દિવસમાં કેજરીવાલે ખુદે આ આનંદ ઝુંટવી લીધો.

    કેજરીવાલને ગુજરાતમાં પ્રચાર કરવા માટે કે પછી વિરોધી પાર્ટીમાં હોવાથી કેન્દ્ર સરકારની ટીકા કરવાથી કોઈ જ ન રોકી શકે કારણકે એ એમનો મૂળભૂત અધિકાર છે, પરંતુ એ ટીકામાં સંયમ અને શાલીનતા હોવી જરૂરી છે. સરકાર પર આરોપ મૂકો, ભલે ખોટા મૂકો પણ તેમાં કોઈ દમ હોય એવી ફીલિંગ તો આપો? પણ આવું કેજરીવાલ છેલ્લા પાંચ વર્ષોથી સતત કરતા આવ્યા છે એટલે એમને સલાહ આપવી પણ સમયનો વ્યય જ ગણાશે. દેશના રાજકારણમાં જેમ જેમ પોતાનું કદ વિશાળ થતું જાય તેમ તેમ વ્યક્તિ કેમ વધારેને વધારે નમ્ર થતો જાય તેનું ઉદાહરણ ભલે કેજરીવાલને ન ગમે પરંતુ તેમણે એ ભારતના વડાપ્રધાન પાસેથી લેવું જ રહ્યું.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here