હવાઈ યાત્રા કરનારાઓને કેન્દ્ર સરકાર મોટી રાહત આપશે

  0
  317

  હવાઈ યાત્રા કરનારા મુસાફરો માટે કેન્દ્ર સરકાર બહુ જલ્દીથી એક મોટી રાહત લઈને આવી રહી છે. જાણવા મળ્યા મુજબ કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ એરલાઈન્સને કડક શબ્દોમાં પત્ર લખીને જણાવી દીધું છે કે તેઓ હાલમાં લેવાતા કેન્સલેશન ચાર્જીસમાં ઘટાડો કરે. હાલમાં મોટાભાગની એરલાઈન્સ કેન્સલેશન ચાર્જ તરીકે રૂ. 3000 જેટલી મોટી રકમ વસૂલ કરે છે. કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી જયંત સિન્હાનું માનવું છે કે આ કેન્સલેશન ચાર્જ વધારે પડતો કહી શકાય અને તેને કારણે પણ લોકો હવાઈ મુસાફરી કરતા અટકે છે.

  જયંત સિન્હાનું કહેવું છે કે કેન્દ્રની UDAN યોજના જેમાં દર કલાકની હવાઈ મુસાફરીના માત્ર રૂ. 2500 લેખે ભાડું લેવામાં આવે છે ત્યારે કેન્સલેશન ચાર્જ કેવી રીતે રૂ. 3000 જેટલો ઉંચો હોઈ શકે? સિન્હાનું માનવું છે કે કેન્સલેશન ચાર્જીસ અને ટીકીટના ભાવ વચ્ચે સમાનતા લાવવી અત્યંત જરૂરી છે.

  જયંત સિન્હાએ બાદમાં ઉમેર્યું હતું કે આ પ્રકારના ચાર્જીસને લીધે લોકો વહેલી ટીકીટ બૂક નથી કરાવતા. વહેલી ટીકીટ બૂક કરવાથી તેમને ભાડામાં લાભ મળે છે પરંતુ જો કોઈ સંજોગોવશાત મુસાફરી કેન્સલ કરવામાં આવે તો ત્રણ હજાર જેટલી ઉંચી કેન્સલેશન ફી ચૂકવવાના ડરથી તેઓ ટીકીટ છેલ્લી ઘડીએ બૂક કરાવવાનું મુનાસીબ સમજે છે.

  તમને ગમશે: સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતનાર રોજર ફેડરર બેશક મહાન ટેનીસ ખેલાડી છે પરંતુ …..

  મુંબઈના એક જાણીતા ટ્રાવેલ એજન્ટે પણ આ મામલે જયંત સિન્હાના નિવેદનને ટેકો આપતા કહ્યું છે કે કોઈ કારણોસર મુસાફરી રદ્દ કરવી પડે અને મોટો કેન્સલેશન ચાર્જ આપવો પડે તેના ડરથી તેમના ઘણા ગ્રાહકો છેક છેલ્લી તારીખે પોતાની ટીકીટ બૂક કરાવે છે અને પરિણામે તેમને ઓછા ભાડાનો લાભ મળી શકતો નથી.

  કેન્સલેશન ચાર્જીસ ઉપરાંત કેન્દ્ર સરકાર એરલાઈન્સ દ્વારા લેવામાં આવતા અન્ય ભારેખમ ચાર્જીસ જેવા કે ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં 15 કિલોથી વધારે સમાન લઇ જવા પર ચાર્જ વગેરે પર લગામ લગાવવા માટે તેઓ પેસેન્જર બીલ ઓફ રાઈટ્સ (PBOR) લાવવા પર કાર્ય કરી રહ્યા છે. આ બીલ એરલાઈન્સના અધિકારો અને ફરજોને સ્પષ્ટ કરશે.

  છેલ્લા સાડાત્રણ વર્ષમાં ભારતમાં હવાઈ મુસાફરી કરનારાઓની સંખ્યા બમણી થઇ છે. આથી પ્રથમવાર હવાઈ મુસાફરી કરનારાઓને તેમના હક્ક અંગે પરિચિત કરવા પણ જરૂરી છે. હાલમાં દરેક હવાઈ મુસાફરને ફ્લાઈટ મોડી પડવા પર, કેન્સલ થવા પર કે પછી બોર્ડીંગ ન આપવાના સંજોગોમાં વળતર લેવાનો હક્ક મળ્યો છે. જયંત સિન્હાના કહેવા અનુસાર ઉપરોક્ત બીલ હવાઈ મુસાફરોને મળતા અન્ય લાભોને પણ વિગતવાર સ્પષ્ટ રૂપ આપશે.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here