અરુણાચલ પ્રદેશ ભારતનો ભાગ બન્યો એ નહેરુને નહોતું ગમ્યું

2
999

अहिंसा परमो धर्मः. આ અડધો શ્લોક સંભળાવીને કેટલા નેતાઓ અને ધર્મગુરુઓએ ભારતની પ્રજાને ભરમાવે છે. આખો શ્લોક છે अहिंसा परमो धर्मः धर्म हिंसा तथीव च. અર્થાત અહિંસા પરમ ધર્મ છે પણ જો ધર્મની રક્ષા માટે હિંસા કરવી પડે તો એ પણ પરમ ધર્મ જ છે. અડધો શ્લોક સાંભળીને ભાગી છૂટેલા નેતાઓ રાષ્ટ્રનાં હિત અર્થે સૈન્યસામર્થ્યનો અને ગુપ્તચરોનો ઉપયોગ કરવામાં થાપ ખાય જાય છે અને તેની કિંમત દેશવાસિયોએ દાયકાઓ સુધી ચુકવવાની થાય છે. આઝાદી પછીના ઇતિહાસમાં તો એવા ઢગલાબંધ નેતાઓ પાક્યા છે કે જેના કર્યાં આજે પણ આપણે ભોગવવા પડે છે. પણ આવા નેતાઓની સામે ઘણાં વીરલાઓ એવા પણ હોય જેમણે કશી આશા રાખ્યા વગર રાષ્ટ્ર માટે બહુ મોટા સાહસો ખેડ્યાં હોય. એમાંથી મોટા ભાગના ઇતિહાસમાં ખોવાઈ ગયા છે અથવા તો વામપંથી ઇતિહાસકારો તેમને ભુલાવી દેવા માંગે છે. આવો જ એક ઈતિહાસ અરુણાચલ પ્રદેશનો છે જેને આજે આપણે જાણીશું.

પોતાની સામે ઉભેલા મધ્યમ કદના યુવાનને જયરામદાસ અનેક વખત મળી ચુક્યા હતા. એટલે જ તેમને ધરપત હતી કે તેમનો ધ્યેય સિદ્ધ કરવા માટે એ યુવાન પરફેક્ટ ચોઈસ હતો.

“તમને ખબર છે તવાંગ ક્યાં આવ્યું છે?” જયરામદાસે યુવાન તરફ જોતા કહ્યું.

“ના મને ખબર નથી.” યુવાને નીસંકોચ પોતાનું અજ્ઞાન વ્યક્ત કર્યું.

“આ જુવો, તવાંગ અહીંયા છે તિબેટની લગોલગ.” દીવાલ પાર રહેલા નકશા તરફ ઈશારો કરતા જયરામદાસે વાત આગળ ચલાવી.

“ત્યાંનો વહીવટ અને સાશન ઝૉન્ગપેન (Dzongpen) કરે છે પણ અંતે તો તે લ્હાસામાં સ્થિત સરકારને આધીન છે. જતેદહાડે ચીન તિબેટ પર કબ્જો જમાવાની કોશિશ કરશે. આવી પરિસ્થિતિમાં ભારતે શું પગલાં લેવા જોઈએ?”

“ચીન કશી ચાલ રમે એ પેહલા તવાંગની આજુબાજુના વિસ્તારને ભારતમાં ભેળવી દેવો જોઈએ.” યુવાનનો જવાબ એ જ હતો કે જેની જયરામદાસે આશા રાખી હતી.

“આ કામ માટે જ મેં તમને અહીં બોલાવ્યા છે. આ અભિયાન માટે તમારે જે મદદ જોઈએ તે આપવા હું તૈયાર છું. આપણી પાસે સમય નથી માટે તમારે 45 દિવસમાં આ અભિયાન પૂરું કરવાનું છે.” જયરામદાસે સ્થિતિની ગંભીરતા સમજાવતાં કહ્યું.  

“ઠીક છે, તો પછી 45 દિવસ પછી તવાંગ અને તેની આજુબાજુના વિસ્તાર પર તિરંગો ફરકતો હશે.” આટલું કહીને યુવાનએ અભિયાનની તૈયારી શરુ કરી.

Gov Jairamdas Daulatram

પહેલું કામ કર્યું આસામ રાઈફલ્સની 2 કંપનીઓને તેઝપુર પહુચવાની સૂચના આપતો તાર મોકલવાનું. બીજા અનેક તાર અભિયાન માટે જરૂરી વસ્તુઓ એકઠી કરવા માટે ભેગા કર્યા. નેપોલિયનએ કહ્યું હતું કે કોઈ પણ સૈન્ય પોતાનાં પેટ પર કૂચ કરે છે. જો પેટમાં પૂરતો ખોરાક ના હોય તો કોઈ પણ સૈન્ય લડી શકતું નથી અને આ અભિયાનમાં તો સૈનિકોએ દુર્ગમ અને નિર્જન પહાડોની વચ્ચે જવાનું હતું.

તેઝપુરમાં જમા થઇ રહેલી રસદ અને આસામ રાઈફલ્સના 200 જવાનો સાથે જયારે એ યુવાનનો ભેટો થયો ત્યારે એણે તવાંગ અભિયાન વિષે વિગતવાર વાત કરી. વાત ફરતી ફરતી દિબ્રુગઢ ખાતે ગુપ્તચરવિભાગના અંગ્રેજ લશ્કરી અધિકારી મેજર એલન સુધી પહુંચી. તથ્ય જાણવા માટે જયારે મેજર એલન યુવાનને મળવા તેઝપુર આવ્યો ત્યારે યુવાને તેને બે વિકલ્પો આપ્યા. પેહલો વિકલ્પ એ હતો કે મેજર એલન પણ તેની જોડે તવાંગ સુધી આવે અથવા તેને કેદ કરવામાં આવે.

કોણ હતો આ યુવાન કે જે રાષ્ટ્રહિત માટે કશું પણ કરવા તૈયાર હતો. એ યુવાનનું નામ Ranenglao Khathing પણ હુલામણું નામ બોબ. આપણે પણ તેમને મેજર બોબ જ કહીશું. 28 ફેબ્રુઆરી 1912ના રોજ મણિપુરના ઉખરુલ જિલ્લામાં બોબનો જન્મ થયો હતો. તેઓ ભણતર પૂરું કરીને શિક્ષક તરીકે નોકરી કરતા હતા એવામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. સેનામાં ભરતી થઇ તેઓ પણ યુદ્ધમાં જોડાયા અને બર્માના જંગલોમાં જાપાની સેના સામે લડ્યા હતા. કેહવાય છે કે એમને 125થી પણ વધુ જાપાની સૈનિકોને સ્વર્ગભણી રવાના કરી દીધા હતા. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું અને થોડા સમયમાં દેશ આઝાદ થયો.

Major Ranenglao ‘Bob’ Khathing

હવે મેજર બોબ એક સૈનિકની સાથે સાથે સરકારી અધિકારી પણ હતા અને વિકાસના કાર્યો કરી રહ્યા હતાં. એ જ વખતે જયરામદાસ દૌલતરામ આસામના રાજ્યપાલ હતાં. તવાંગ અને તેની પડખેનો 61,000 કિલોમીટરનો પ્રદેશ ભારતમાં ભેળવી દેવાય એ વ્યૂહાત્મક રીતે તેમની જરૂરી લાગ્યું એટલે તેમણે મેજર બોબને તેડું મોકલાવ્યું હતું.

મેજર બોબ અને તેમની ટુકડીએ તેઝપુરની ઉત્તરે લોકરામાં ધૂણી ધખાવી હતી. અહીંયા મેજર બોબની દેખરેખ હેઠળ સૈનિકોને આકરી કવાયત કરી રહ્યા હતા. અંતે 17 જાન્યુઆરી 1951ના રોજ મેજર બોબ અને તેમના કાફલાએ આજના અરુણાચલ પ્રદેશના તવાંગ ભણી કૂચ કરી. આ કાફલામાં 200 સૈનિકો ઉપરાંત રસદ લઇ જવા માટે સેંકડો કુલી અને ખચ્ચરો પણ હતાં.    

25 જાન્યુઆરીએ કાફલો તિબેટના પેહલા મથક બોમડીલા પહોંચ્યો અને ત્યાં કિલ્લાની બહાર ડેરો જમાવ્યો. 26 જાન્યુઆરીએ મેજર બોબએ ત્યાં તિરંગો ફેહરાવ્યો અને બોમડીલાને ભારતનો ભાગ ઘોષિત કર્યો. સફળતાની ઉજવણી કરવા માટે ત્યાંના રહીશોને ભારતીય નાગરિકો બનવા બદલ અભિવાદન પાઠવ્યા અને મિજબાની માટે નિમંત્રણ આપ્યું.

થોડા દિવસ બોમડીલામાં આરામ કરી કાફલો આગળ વધ્યો. મેજર બોબની ટુકડી તિરંગો લહેરાવતી, જે તે પ્રદેશને ભારતનો ભાગ બનાવતી અને ત્યાંના રહીશો ને દાવત પર બોલાવતી. ફોર્મ્યુલા હિટ હતો અને દિવસે દિવસે ભારતનું ક્ષેત્રફળ વધી રહ્યું હતું. આગેકૂચ કરતાં કરતાં અંતે આખો કાફલો તવાંગ પહોંચ્યો. તવાંગ એ વિસ્તારની રાજધાની જેવું હતું. એક વખત તવાંગ ભારતના તાબા હેઠળ આવે એટલે આખો વિસ્તાર આપોઆપ ભારતનો અવિભાજ્ય અંગ બની જાય. મેજર બોબએ મોજણી કરીને એક જગ્યા નક્કી કરી. તેમની ટુકડીએ ત્યાં ચોકી બનાવી અને તવાંગના ઝૉન્ગપેન પાસે દૂતો પણ મોકલ્યા. પણ આ ઝૉન્ગપેન તરફથી યોગ્ય પ્રતિસાદ ના મળ્યો.

મેજર બોબને થયું કે હવે પરચો દેખાડવો પડશે. આખરે ખભા પર રહેલી રાઇફલ શોભાનો ગાંઠિયો થોડી હતી? તેમણે પોતાના સૈનિકોને પહાડો તરફ મોર્ટર ને રાઇફલ દ્વારા ગૉળીબાર કરવાનો આદેશ આપ્યો. બીજા દિવસે વળી બધાં સૈનિકોએ ચાર કલાક સુધી એ વિસ્તાર માં કૂચ કરી. બને ત્યાં સુધી જાનહાની ટાળવા માંગતા મેજર બોબ બૌદ્ધમઠના લામાઓ ને પણ મળ્યા અને સરકારી અધિકારીઓને દાવત પણ આપી. આ બધી કાર્યવાહીનો એક જ ઉદ્દેશ હતો કે તવાંગને વગર જાનહાનીએ ભારતનો ભાગ બનાવી દેવો.

હવે ધીરે ધીરે રાજ્યપાલએ આપેલો સમય વીતી રહ્યો હતો અને મેજર બોબની ધીરજ પણ. અંતે 20 ફેબ્રુઆરી 1951ના રોજ મેજર બોબ પોતાના સાથિયો જોડે તવાંગના ઝૉન્ગપેનના મહેલ પર પહોંચ્યા. ત્યાં કોઈ પણ જાતની હિંસા કે પ્રતિકાર વગર મેજર બોબએ ઝૉન્ગપેન પાસે ભારત સાથેના જોડાણના દસ્તાવેજો પણ સહી કરાવી. તે દિવસથી લઇને 1986 સુધી તે પ્રદેશ North East Frontier Agency (NEFA) તરીકે ઓળખવાનો હતો. 1986માં આ નામ બદલાઈને અરુણાચલ પ્રદેશ થવાનું હતું.

મેજર બોબનું કામ હજી પૂરું નહોતું થયું. મેજર એલનને NEFAની દેખરેખ સોંપીને બોબ નીકળી પડ્યો તેઝપુર જવા. તેઝપુરથી રાજ્યપાલએ મોકલેલું વિમાન તેમને દિલ્હી લઇ જવાનું હતું. દિલ્હીમાં જયરામદાસ અને મેજર બોબએ જયારે જવાહરલાલ નહેરુને તવાંગ અભિયાનની વિગતવાર માહિતી આપી ત્યારે નહેરુનો પારો સાતમા આસમાને જઈ બેઠો. કોઈ પણ જાનહાની વગર આવડો મોટો પ્રદેશ ભારતમાં ભેળવી દેવા માટે શાબાશી આપવાની બદલે નહેરુ એ જયરામદાસ અને મેજર બોબને બહુ ખરાબ રીતે હડધૂત કરીને કાઢી મુક્યા.

કાશ્મીરમાં થયેલી દગાખોરી પછી પણ નહેરુની આંખ ખુલી નહોતી. દેશની સુરક્ષા અને અખંડતા કરતાં પોતાની શાંતિના પારેવડાંની છબી બનાવી રાખવા માંગતા જવાહરલાલ નહેરુનું મગજ પણ કદાચ પારેવડાં જેવું જ હતું. નહેરુની ભૂલોની સજા આપણે આજે પણ ભોગવી રહ્યાં છીએ. પછી એ હાથમાંથી જતી રહેલી UNની સુરક્ષા સમિતિની કાયમી સીટ હોય કે હોય ચીન સાથેનો સરહદી વિવાદ, એ બધું ચાચા નહેરુની જ ભેંટ છે. પરંતુ રાજ્યપાલ જયરામદાસ દૌલારામ અને મેજર બોબ જેવા લડવૈયાઓ પણ આપણી ભૂમિમાં જન્મ્યા હતા જેથી આજે આપણે અરુણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો માની શકીએ છીએ. 

મજાની વસ્તુ તો એ છે કે ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં મેજર બોબ જેવા ખરા સપુતોનાં નામ ક્યારેય જોવા મળતા નથી પણ જેમણે દેશને કલ્પના બહારનું નુકસાન કર્યું છે એમના નામ 1 થી 12 ધોરણ સુધી આવે છે. Anyways, થોડો ટીમે કાઢીને ભારતનો નકશો જોજો અને અરુણાચલ પ્રદેશને જોઈ લેજો. આથી આવતી વખતે જ્યારે ચીન અરુણાચલ પ્રદેશ તેનો ભાગ છે એવું નિવેદન આપે ત્યારે તમારા  લોહીમાં ઉકળાટ જરૂર આવે. મેજર બોબ અને તેમના જેવા અસંખ્ય દેશભક્તો માટે એટલું તો કરી જ શકીએને?

આપ આપના શુભેચ્છા અને સૂચનો [email protected] પર સીધા જ મોકલી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here