યુકેના પ્રિન્સ હેરી સાથે સગાઈ કરનાર મેગન મર્કલની કેટલીક અજાણી હકીકતો

    0
    569

    જે વાચકોને પ્રિન્સેસ ડાયાનાના લગ્ન યાદ હશે તેમને પ્રિન્સ હેરી કોઈ અજાણી ‘કન્યા’ સાથે સગાઈ કરી રહ્યા છે તેવા સમાચાર વાંચવાથી કોઈ જ નવાઈ નહીં લાગે. ગઈકાલે પ્રિન્સ હેરીની અમેરિકન એક્ટ્રેસ મેગન મર્કલ સાથે સગાઈ થઇ હતી અને તેની આધિકારિક જાહેરાત પણ કેનસિંગ્ટન પેલેસ દ્વારા કરવામાં આવી હતી. પ્રિન્સ હેરી અને મેગન મર્કલની સગાઈની વિગતો જાણીએ એ પહેલા પ્રિન્સેસ ડાયાનાના લગ્ન કેવી રીતે થયા એ બેકગ્રાઉન્ડ વિષે થોડું જાણી લેવું જરૂરી છે જેથી આપણે આ સગાઈનું મહત્ત્વ વધુ સારી રીતે સમજી શકીએ.

    પ્રિન્સેસ ડાયાનાના સાથે લગ્ન કરવાની ઈચ્છા જ્યારે પ્રિન્સ ચાર્લ્સે કરી ત્યારે સમગ્ર બ્રિટન અને તેના રાજપરિવારમાં રીતસર ભૂકંપ સર્જાયો હતો. આ પાછળનું કારણ એ હતું કે અત્યારસુધી એટલેકે ક્વીન એલિઝાબેથ દ્વિતીય સુધી રાજપરિવારના સભ્યોના લગ્ન કોઈ અન્ય દેશના રાજપરિવારના સભ્યો સાથે જ થઇ શકતા હતા એવો નિયમને જડતાથી વળગી રહેવાતું. જો કે આ નિયમમાં કેટલાક અપવાદો પણ જોવા મળ્યા છે જેમકે એલિઝાબેથ દ્વિતીયના કાકાએ પણ સામાન્ય ઘરની ડિવોર્સી છોકરી સાથે લગ્ન કરવાની ‘ઘૃષ્ટતા’ કરી હતી અને એમને બાકીની જીંદગી રાજપરિવારથી દૂર વિવિધ દેશોમાં ફર્યા બાદ ફ્રાન્સમાં પૂરી કરવી પડી હતી. પરંતુ ચર્ચા માટે આ એક અલગ મુદ્દો છે.

    રાજપરિવારનો ડાયાના અંગેનો વિરોધ એટલે હતો કે ડાયાનાનું પરિવાર છેલ્લી બે પેઢીથી રાજપરિવાર સાથે સંલગ્ન તો હતું પરંતુ સેવક તરીકે. (અહીં સેવકની પરિભાષા નોકર નથી થતી એ ધ્યાન રાખવું.) આથી ડાયાના કોઈ રાજપરિવાર સાથે સંબંધ ન ધરાવતી હોવાથી તેના લગ્નનો વિરોધ ખુદ રાણી એલિઝાબેથે કર્યો હોવાની વાતો તે સમયે ખૂબ વહેતી થઇ હતી. પરંતુ ડાયાનાના પ્રેમમાં પાગલ થયેલા પ્રિન્સ ચાર્લ્સની જીદ સામે રાણીસાહેબનું ન ચાલ્યું અને એ બંનેના લગ્ન કરાવવા પડ્યા. બ્રિટનના ઇતિહાસમાં આ લગ્ન પણ અમર થઇ ગયા અને તે લગ્નનો અંત પણ.

     

    હવે આવીએ પ્રિન્સ હેરી અને મેગન મર્કલની વાર્તા પર. શરૂઆતમાં પ્રિન્સેસ ડાયાનાની વાત કરવી એટલે જરૂરી હતી કારણકે આપણે સમજી શકીએ કે એક સમયમાં રાજપરિવાર સિવાય સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવાની વાત આવે તો બ્રિટનનું રાજપરિવાર ઉપરતળે થઇ જતું પરંતુ નવા જમાનાને અનુસરીને આ વખતે તેણે આ બન્નેની સગાઈનો જરા પણ વિરોધ કર્યો નથી, અથવાતો જો કર્યો હોય તો આપણી સમક્ષ તે આવ્યો નથી. પ્રિન્સ હેરી અને મેગન મર્કલ છેલ્લા એક વર્ષથી ડેટિંગ કરે છે અને તેમની પાપારાઝીઓ દ્વારા પાડવામાં આવેલી અસંખ્ય તસ્વીરો ઈન્ટરનેટ પર વાયરલ થઇ ગઈ છે.

    36 વર્ષીય મેગન મર્કલ વિષે વાત કરીએ તો તે એક અમેરિકન એક્ટ્રેસ છે અને એક્ટિંગ કરવા સીવાય તે ઘણા સેવાકાર્યો પણ કરે છે. મેગને UN Woman નામની સંસ્થા માટે તેના World Vision કાર્યક્રમ માટે કાર્ય કર્યું છે જે 50 થી પણ વધારે દેશોમાં સ્વચ્છ જળ પહોંચાડવા માટેના પ્રયાસો કરે છે. આ વર્ષના માર્ચ મહિનામાં મેગન મર્કલે મેન્સટ્રુએશન અને તેને લગતા કહેવાતા ‘લાંછન’ અંગે એક જબરદસ્ત નિબંધ લખ્યો હતો જેની ખૂબ પ્રશંસા થઇ હતી.

    મેગન મર્કલનો જન્મ કેલિફોર્નિયામાં થયો છે અને તેણે નોર્થવેસ્ટર્ન યુનિવર્સીટીમાંથી ઇન્ટરનેશનલ રિલેશન્સ પર ડબલ ગ્રેજ્યુએશન કર્યું છે. મેગનના પિતા કોકેશીયન છે અને માતા આફ્રિકન-અમેરિકન. એક્ટ્રેસ હોવાના નાતે મેગને કેનેડિયન સિરીઝ ‘Castle’ ઉપરાંત હોલિવુડ ફિલ્મો ‘Horrible Bosses’ અને ‘Get Him to the Geek’ માં અદાકારી કરી છે. મેગન મર્કલ આ અગાઉ અમેરિકન પ્રોડ્યુસર ટ્રેવર એન્ગલસન સાથે લગ્ન કરી ચૂકી છે જે સંબંધનો 2013માં અંત આવ્યો હતો.

    પ્રિન્સ હેરી અને મેગન મર્કલના આવતા વર્ષે સ્પ્રિંગમાં જ્યારે લગ્ન થશે ત્યારે વર્ષો બાદ રાજપરિવારમાં લગ્ન કરીને આવનાર મેગન વોલિસ સિમ્પસન બાદ બીજી અમેરિકન કન્યા હશે. ઉપર વાત કરી એ મુજબ વોલિસ સિમ્પસને ક્વીન એલિઝાબેથ દ્વિતીય ના કાકા કિંગ એડવર્ડ ત્રીજા સાથે લગ્ન કર્યા હતા. વોલીસ સિમ્પસનના પણ બે વખત છૂટાછેડા થઇ ચૂક્યા હતા અને આથી તે સમયના ઇંગ્લેન્ડના ચર્ચના હેડ દ્વારા એવી સલાહ આપવામાં આવી કે આ નૈતિકતાની વિરુદ્ધ છે અને આથી તેમને પોતાનું રાજાનું પદ ગુમાવવું પડ્યું હતું. ટૂંકમાં ઈતિહાસ અત્યારે બ્રિટીશ રાજપરિવારમાં પડખું ફરી રહ્યો છે અને કિંગ એડવર્ડ તૃતીયનો આત્મા આ બધું જોઇને ક્યાંક બેઠોબેઠો હસી રહ્યો હશે એમ જરૂર માની શકાય.

    તમને ગમશે: અક્કલનો ઓછો ઉપયોગ કરતો પાકિસ્તાની ક્રિકેટર ઉમર અકમલ

    મેગન મર્કલથી ત્રણ વર્ષ નાના એવા પ્રિન્સ હેરી મિલીટરીમાંથી નિવૃત્ત થઇ ચૂક્યા છે અને હાલમાં કેનસિંગ્ટન પેલેસના એક એપાર્ટમેન્ટમાં રહે છે. પ્રિન્સ હેરી મોટાભાગનો સમય ચેરીટી કાર્યોમાં પસાર કરે છે. તેમની સંસ્થા Invictus Games બ્રિટીશ સેનામાં સેવા કરતા કરતા ઈજા પામીને અપંગ થઇ ગયેલા પુરુષ અને મહિલા સૈનિકો માટે સ્પોર્ટીંગ ઈવેન્ટ્સનું આયોજન કરે છે. આ ઉપરાંત પોતાના ભાઈ અને ભાભી એટલે પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન સાથે મળીને પણ તેઓ માનસિક રોગીઓને લગતી ચેરીટીમાં પણ પોતાનો સમય આપતા હોય છે.

    બ્રિટીશ રાજપરિવારમાં નવી એન્ટ્રી પામનારા આ કપલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here