કિમ જોંગ ઉન દ્વારા છોડવામાં આવેલા મિસાઈલોનો હિસાબ તમારી પાસે છે?

  0
  353

  ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને ગઈકાલે જાપાનીઝ સમુદ્રમાં ફરીથી એક બેલેસ્ટિક મિસાઈલ છોડીને દુનિયામાં ઓલરેડી ફેલાયેલા ડરને વધારી દીધો છે. ગઈકાલે છોડવામાં આવેલું મિસાઈલ એ કદાચ દુનિયાની ચિંતા વધારી દે તેવું છે કારણકે તે કોરિયાનું અત્યારસુધીનું સૌથી શક્તિશાળી બેલાસ્ટિક મિસાઈલ છે જે અમેરિકા સુધીની પહોંચ ધરાવે છે.

  ઉપરોક્ત મિસાઈલનું પરીક્ષણ કર્યા બાદ કોઇપણ સામાન્ય વ્યક્તિ સમજી શકે છે કે કિમ જોંગ ઉનનું પ્રથમ ટાર્ગેટ અમેરિકા જ હોઈ શકે છે. આમ તો ઉત્તર કોરિયા દ્વારા આ વર્ષે આ વીસમું મિસાઈલ પરીક્ષણ હતું પરંતુ સફળતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ ત્રીજું સફળ પરીક્ષણ હતું. આ અગાઉ ઉત્તર કોરિયાએ જુલાઈ મહિનામાં બે સફળ પરીક્ષણ કર્યા છે. ઉત્તર કોરિયા જે સરેરાશથી વારંવાર મિસાઈલ પરીક્ષણ કરી રહ્યું છે તેનાથી એક સવાલ તો થાય જ કે આ વર્ષમાં તેણે કુલ કેટલા મિસાઈલ્સ છોડ્યા છે તેની માહિતી ક્યાંકથી મળી શકે કે નહીં?

  તો આવો જાણીએ, આપણી ન્યૂઝ ચેનલો જેને ‘સનકી શાસક’ કે છે તેવા કિમ જોંગ ઉન દ્વારા આ વર્ષે કેટલા અને કયા મિસાઈલ્સ છોડવામાં આવ્યા.

  12 ફેબ્રુઆરી 2017

  ઉત્તર કોરિયાએ મધ્યમ રેન્જ ધરાવતું બેલેસ્ટિક મિસાઈલ છોડ્યું હતું જેને તેણે પુકગુક્સોંગ (પોલારીસ) – 2 જેવું નામ આપ્યું હતું. આ એવું મિસાઈલ હતું જે અગાઉ તે સબમરીન દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું હતું અને હવે તેને અપગ્રેડ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલને શોર્ટ નોટીસમાં પણ ગમેત્યાં લઇ જઈ શકાતું હતું.

  14 મે 2017

  મધ્યમથી દૂર રેન્જમાં માર કરી શકે તેવું આ આ હ્વાસોંગ-12 નામક મિસાઈલ ઉત્તર કોરિયાએ નવું નવું ડેવલોપ કર્યું હતું. આ મિસાઈલ પોતાની સાથે ભારે વજન ધરાવતા ન્યુક્લિયર વોરહેડ્સ લઇ જવા માટે સક્ષમ છે. ઉત્તર કોરિયાનો દાવો છે કે આ મિસાઈલે કુલ 787 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

  21 મે 2017

  પુકગુક્સોંગ – 2નું આ બીજું પરીક્ષણ હતું અને તેના પરીક્ષણ બાદ કિમ જોંગ ઉનની સરકારે તેને સફળ જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે આ મિસાઈલ હવે માસ પ્રોડક્શન માટે તૈયાર છે અને તેને વ્યુહાત્મક જગ્યાઓએ પ્રસ્થાપિત કરવામાં આવશે. ઉત્તર કોરિયાના દાવા અનુસાર આ મિસાઈલે લગભગ 500 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

  4 જુલાઈ 2017

  હ્વાસોંગ-14નું આ પ્રથમ ફર્સ્ટ ફ્લાઈટ ટેસ્ટ હતો અને ઉત્તર કોરિયાના કહેવા અનુસાર આ મિસાઈલમાં પરમાણુ હથીયારો પણ લઇ જઈ શકાય છે. પરીક્ષણ દરમ્યાન આ મિસાઈલે 2,802 કિલોમીટરની ઉંચાઈ પ્રાપ્ત કરી હતી અને તે સમુદ્રમાં ખાબકવા પહેલા 560 કિલોમીટરની મુસાફરી પૂર્ણ કરી ચૂક્યું હતું.

  તમને ગમશે: માતાનું દૂધ હવે કોઇપણ ઉંમરની વ્યક્તિને હેલ્ધી બનાવશે

  28 જુલાઈ 2017

  બરાબર 24 દિવસ બાદ ઉત્તર કોરિયાએ હ્વાસોંગ-14નું બીજું પરીક્ષણ હાથ ધર્યું હતું અને તેના દાવા અનુસાર તેણે આ વખતે 3,725 કિલોમીટરની ઉંચાઈ પ્રાપ્ત કરી હતી અને આ વખતે તેણે 998 કિલોમીટરની મુસાફરી કરી હતી. કિમ જોંગ ઉને ખુદે રાત્રીમાં કરેલા આ પરીક્ષણ દરમ્યાન હાજરી પુરાવી  હતી અને કહ્યું હતું કે હવે સમગ્ર અમેરિકન મેઈન લેન્ડ તેના રડારમાં આવી ગયો છે.

  29 ઓગસ્ટ 2017

  આ એક અનોખું મિસાઈલ પરીક્ષણ હતું કારણકે હ્વાસોંગ-12નું આ પરીક્ષણ ઉત્તર કોરિયાએ પોતાની રાજધાની પ્યોન્ગ્યાંગથી જ કર્યું હતું. આ મિસાઈલ જાપાનની ઉપરથી ઉડીને છેક ઉત્તરી પેસિફિક મહાસમુદ્રમાં ખાબક્યું હતું.આ જ મિસાઈલના પરીક્ષણ બાદ ઉત્તર કોરિયાએ ધમકી આપી હતી કે તે અમેરિકન કોલોની ગુઆમ પર પણ મિસાઈલ હુમલો કરી શકે છે.

  3 સપ્ટેમ્બર 2017

  આ તારીખ સુધીનું ઉત્તર કોરિયાનું આ સૌથી શક્તિશાળી મિસાઈલ પરીક્ષણ કહી શકાય કારણકે તેના દાવા અનુસાર આ બેલાસ્ટિક મિસાઈલમાં તેણે હાઈડ્રોજન બોમ્બ મોકલ્યો હતો અને તેને યોગ્ય સફળતા પણ પ્રાપ્ત થઇ ચૂકી હતી. ઉત્તર કોરિયાએ દાવો કર્યો હતો કે હવે તે એક પગલું આગળ વધીને અમેરિકા પર હુમલો કરી શકે તેવું મિસાઈલ વિક્સીત કરવા જઈ રહ્યું છે.

  15 સપ્ટેમ્બર 2017

  એક બીજું હ્વાસોંગ-12 આ દિવસે જાપાનના આકાશ ઉપરથી ઉડ્યું હતું અને પેસિફિક મહાસમુદ્રમાં જઈ પડ્યું હતું. લગભગ 3,700 કિલોમીટરની સફર સાથે ઉત્તર કોરિયાનું આ સૌથી લાંબી રેન્જનું મિસાઈલ બન્યું હતું. આ પરીક્ષણ બાદ કિમ જોંગ ઉને કહ્યું હતું કે તે હવે અમેરિકા સાથે શસ્ત્રની બાબતે ખભાથી ખભો મેળવી શકે તેવી ક્ષમતાથી અમુક ડગલાં જ દૂર છે.

  29 નવેમ્બર 2017

  ગઈકાલે રાજધાની પ્યોન્ગ્યાંગ નજીકથી છોડવામાં આવેલું આ મિસાઈલ 960 કિલોમીટરની મુસાફરી કરીને જાપાનીઝ સમુદ્રમાં પડ્યું હતું. આ મિસાઈલે 4,500 કિલોમીટરની ઉંચાઈ પ્રાપ્ત કરી હતી. જાણવા મળ્યા અનુસાર આ મિસાઈલને અપગ્રેડ કરીને તેની ક્ષમતા 13,000 કિલોમીટર સુધી વધારી શકાય છે અને આ રીતે વોશિંગ્ટન ડી સી પણ તેની રેન્જમાં આવી જાય છે પરીક્ષણ બાદ ઉત્તર કોરિયાએ આ મિસાઈલનું નામ જાહેર કરતા તેને હ્વાસોંગ-15 કહ્યું હતું અને કહ્યું હતું કે તેમાં અત્યંત ભારે ન્યુક્લિયર વોરહેડ્સ આરામથી લઇ જઈ શકાશે.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here