ગોવામાં એક યાદગાર ક્રિસમસ ઉજવવાની પાંચ મહત્ત્વની ટીપ્સ

    0
    405

    જો સુરતનું જમણ અને કાશીનું મરણ જાણીતું હોય તો પછી ક્રિસમસ તો ગોવાની જ વખણાય! જેમ દિવાળીમાં ભારતના પ્રવાસધામો ચિક્કાર ભરાઈ જતા હોય છે એમ ક્રિસમસના દિવસો દરમ્યાન ગોવા પણ હકડેઠઠ્ઠ જોવા મળે છે. પરંતુ જેમ મીઠાઈ ગળી જ હોવી જોઈએ અને ફરસાણ ખારું જ હોવું જોઈએ એમ ક્રિસમસની ઉજવણી તો ગોવાની જ હોય પછી ભલેને ગમે તેવી મુસીબતો વેઠવી પડે? તો પછી જો ભીડભડક્કાની પરવા કર્યા વગર તમે આ વર્ષની ક્રિસમસ ગોવામાં જ ઉજવવાનું નક્કી કરી ચૂક્યા હોવ તો તેને પૂરેપૂરી માણવાની પાંચ ટીપ્સ અમે ખાસ તમારા માટે લઈને આવ્યા છીએ.

    ગોવાની ક્રિસમસ ભરપૂર માણવાની પાંચ મજેદાર ટીપ્સ

    અમે જે ટીપ્સ તમને આપવા જઈ રહ્યા છીએ તે તમને માત્ર ક્રિસમસનો ભરપૂર આનંદ માણવામાં જ મદદ નહીં કરે પરંતુ તમને ગોવાની સંસ્કૃતિ સાથે પણ જોડી દેશે. તો ચાલો જોઈએ એ ચાર મહત્ત્વની ટીપ્સ.

    ક્રિસમસ કેરોલ્સ અને મિડનાઈટ માસનો ભાગ બનો

    ક્રિસમસ એ આનંદની ઉજવણી કરવા ઉપરાંત ભગવાન ખ્રિસ્તને યાદ કરવાનો અને તેમની પ્રાર્થના કરવાનો પણ પ્રસંગ છે. ગોવામાં કેટલાક અદ્ભુત પોર્ટુગીઝ  ડીઝાઈનના બાંધકામ ધરાવતા ચર્ચ આવેલા છે અને અહીં ક્રિસમસ માટે ખાસ મિડનાઈટ માસ અને ક્રિસમસ કેરોલ્સ આયોજિત કરવામાં આવે છે. અહીં બે મહત્ત્વના ચર્ચ આવેલા છે ધ બેસિલીકા ચર્ચ અને ઈમાક્યુલેટ કન્સેપ્શન ચર્ચ. આ બે ચર્ચમાં તમે મિડનાઈટ માસ અને કેરોલ્સમાં જોડાઈને આધ્યાત્મનો અનુભવ કરી શકો છો.

    ગોવાનું સ્પેશિયલ ક્રિસમસ ફૂડ

    આમતો ગોવા 365 દિવસ તેના ફૂડ એન્ડ ફ્રોલીક માટે ફેમસ છે પરંતુ ક્રિસમસનો તો એક અનેરો અવસર છે અને તેના માટે અહીં ખાસ ખાણા બનાવવામાં આવે છે. જો તમે ડાયેટિંગ પર હોવ તો આ પાંચ-છ દિવસ તેને ભૂલી જઈને ગોવાનીઝ ફૂડનો ભરપૂર આનંદ માણવાનું ચૂકતા નહીં. જો કે ગોવાનીઝ ફૂડ મોટેભાગે નોનવેજ હોય છે અને તેમાં પ્રાઉન બાલચાઓ, ચિકન કેફ્રીઅલ, પ્રાઉન એમ્બોટ ટીક, ફીશ ઝાકુટી અને ચોકલેટ વોલનટ ફજ મુખ્ય છે.

    ક્રિસમસ બીચ સાઈડ પાર્ટી

    ક્રિસમસનો અવસર હોય અને તમે ગોવામાં હોય અને બીચ સાઈડ પાર્ટીમાં ન જાવ એવું બને? ગોવામાં અમસ્તુંય રોજ રાત્રે બીચ પાર્ટી થતી હોય છે અને એમાં ક્રિસમસ તો ચાર ચાંદ લગાવી દેતી હોય છે. અહીના ઘણા બધા રેસ્ટોરન્ટ, બાર અને હોટલ્સ ક્રિસમસના તહેવાર નિમિત્તે ખાસ બીચ સાઈડ પાર્ટી આયોજિત કરતી હોય છે અને તેમાં જાણીતા લોકો અને સેલીબ્રીટીઝ ભાગ લેતા હોય છે.

    તમને ગમશે: જો ખીચડી રાષ્ટ્રીય ખોરાક જાહેર થાય તો?

    ક્રિસમસ માટે ખાસ બર્ન ધ ઓલ્ડ મેન ફેસ્ટીવલ

    ભારતના અન્ય ભાગોમાં ઉજવાતો રાવણ દહન યાદ અપાવે તેવો આ બર્ન ધ ઓલ્ડ મેન ફેસ્ટીવલની ગોવાવાસીઓ સમગ્ર વર્ષ દરમ્યાન રાહ જોતા હોય છે. આ ફેસ્ટીવલ ગોવાનીઝો દ્વારા જ શરુ કરવામાં આવ્યો છે જેમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સવારથીજ લોકો એક પૂતળું બાંધવામાં વ્યસ્ત થઇ જાય છે અને પછી તેને જૂના કપડાં પહેરાવીને રાત્રે તેનું દહન કરવામાં આવે છે. ગોવાનીઝ જનતા એવું માને છે કે આમ કરવાથી તેમની તમામ  સમસ્યાઓ અને ચિંતાઓ બળીને ભસ્મ થઇ જાય છે. નજરે જોનારા પ્રવાસીઓ આ ઉજવણીને જીવનમાં એકવાર જોવા મળતી ઘટના ગણાવતા હોય છે.

    ક્રિસમસ અને ફાયરવર્ક્સ

    ક્રિસમસની પૂર્વસંધ્યાએ ગોવામાં જે પ્રકારના ફાયરવર્ક્સ જોવા મળે છે તે ગોવાનો સમગ્ર ચહેરો જ બદલી નાખે છે. આ સમયે ગોવામાં રહેતા અને ફરતા તમામ લોકોની નજર ફક્ત આકાશ તરફ જ મંડાયેલી રહેતી હોય છે. સમગ્ર આકાશ આ સમયે ફટાકડાઓ અને રંગોથી ભરાઈ જાય છે. આ દ્રશ્ય ફક્ત કહેવાથી નહીં પરંતુ ત્યાં જઈને જ માણી શકાય છે.

    તો, આશા છે કે આ વખતની તમારી ગોવામાં ઉજવવામાં આવનાર ક્રિસમસ હવે ઉપર કહેલી પાંચ ટીપ્સથી વધારે યાદગાર બની જશે અને તમને સમગ્ર જીવન યાદ પણ રહેશે.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here