તમને સારા વ્યક્તિ બનવું ગમે??

    0
    409

    “તમને સારા વ્યક્તિ બનવું ગમે?” એવો સવાલ તમે કોઈને અથવા તો કોઈએ તમને પૂછ્યો છે ખરો? લગભગ કોઈ પૂછતું નથી કે તમે કોઈને પૂછ્યો પણ નહિ હોય અને એટલે જ આજે એક વણસ્પર્શાયેલો ટોપિક પસંદ કર્યો છે. જો આવો સવાલ પૂછાશે તો આ સવાલના જવાબો વિશેની ચર્ચા દિલચસ્પ હશે એની ખાતરી હું તમને આપું છું. તો ચાલો એક અલગ ચર્ચામાં ઝંપલાવીએ.

    તમે કહેશો કે ‘સારા બનવું કોને ન ગમે? બધા જ સારા બનવા માગે છે, કોઈને ખરાબ બનવું જ નથી.’ એટલે હું તમને કાઉન્ટર ક્વેશ્ચન કરીશ કે ‘જો સારા બનવાનું બધાને ગમતું હોય તો તમારી આસપાસના બધાય લોકો સારા જ હોવા જોઈએ ને?’ તો આ સવાલનો જવાબ આપવામાં તમે જરાક ગૂંચવાઈ જશો. આ સવાલ પૂછતાની સાથે એક ક્ષણાર્ધમાં તમારા મનના પડદા પરથી એવા લોકોની છબીઓ એક પછી એક પસાર થશે કે જેઓ તમારી નજરમાં ખરાબ છે. અને તમે કહેશો કે, “ના, એવું જરૂરી નથી કે આપણી આસપાસ બધા સારા જ લોકો હોય. ઘણા લોકો એવા છે જે ખરાબ છે.” હવે જરા ધ્યાન દોરીએ તો તમે જ આગળ જવાબ આપ્યો કે બધા જ સારા બનવા માગતા હોય છે અને કોઈનેય ખરાબ બનવું નથી હોતું. તો પછી અહી એક વિસંગતતા ઉભી થઇ. એકબાજુ આપણે કહીએ છીએ કે બધા જ સારા બનવા માંગે છે અને બીજી બાજુ આપણે એ પણ અનુભવીએ છીએ કે ઘણા લોકો ખરાબ પણ હોય છે. તો અહી એક સવાલ ચોક્કસ ઉભો થાય છે કે ‘શું જે લોકો ખરાબ છે એ ખરેખર ખરાબ જ છે કે પછી એમના સારા બનવાના માપદંડો જુદા છે?’.

    આ વાતને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે તમે પોતાને સારા માનો છો (જો કે એમાં ધારવા જેવું કશું નથી, તમે માનો જ છો!) અને તમને એવું લાગે છે કે તમારી આસપાસ એક વ્યક્તિ કે વ્યક્તિઓ છે જે ખરાબ છે, સારી નથી. ચાલો આટલે સુધી સમજ્યા. હવે હું એ વ્યક્તિઓને જઈને પૂછું કે જેમને તમે ખરાબ કહ્યા છે તો એ લોકો એવું કહેશે કે તેઓ પોતે સારા છે અને તમે ખરાબ છો. મારા માટે હવે નક્કી કરવું મુશ્કેલ બની ગયું કે તમારા બંનેમાંથી સારું કોણ છે અને ખરાબ કોણ છે! હું ગૂંચવાઈ જઈશ એ વાત નક્કી છે. કદાચ એવું પણ બને કે મને તમે બંનેઉ સારા કે તમે બંનેઉ ખરાબ લાગતા હોય!!

    કોઈ પણ વ્યક્તિ સારી કે ખરાબ છે એ નક્કી કરવા માટે આપણી પાસે આપણા આગવા માપદંડો હોય છે, કહો કે એક ફૂટપટ્ટી હોય છે. પણ તમારી પાસે જે સ્ટાન્ડર્ડ છે એ સાર્વત્રિક એટલે કે યુનિવર્સલ નથી. મજાની વાત એ છે કે માપદંડો જેવા તમારી પાસે છે એવા પ્રત્યેક વ્યક્તિની પાસે હોય છે. એટલે એનો મતલબ એવો થયો કે જે વ્યક્તિ તમારી નજરમાં ખરાબ છે એ જ વ્યક્તિ અન્ય કોઈ માટે ખુબ સારો હોય, અથવા તો જે વ્યક્તિને તમે સારો માનો છો, કદાચ એ અન્યની નજરમાં અધમ પણ હોઈ શકે. આ વાતને એક વ્યવહારુ દાખલો લઈને સમજીએ. તમે એક બસ સ્ટોપ પાસેની દુકાન આગળ બસની રાહ જોઇને ઉભા છો. થોડી વારમાં ત્યાં એક વ્યક્તિ આવે છે જેના કાનમાં ઈયરફોન ભરાવેલા છે અને આવીને એ પહેલું કામ દુકાનદાર પાસે સિગરેટ માંગવાનું કરે છે. ચોક્કસપણે જો તમે સિગરેટ નહી પીતા હોવ તો તમારી નજર સમક્ષ સિગરેટના ધુમાડા કાઢતી એ વ્યક્તિ તમને ખરાબ લાગવાની જ છે. કોણ જાણે ક્યાંથી, પણ તમારા મનમાં એ વ્યક્તિ માટે એક છુપી ઘૃણા પેદા થઇ જ જશે, કારણ કે તમે સિગરેટ નથી પીતા. એનો મતલબ એવો થયો કે અલ્ટીમેટલી તમારા મનમાં કોઈ વ્યક્તિ સારી છે કે ખરાબ એનો એક માપદંડ, અનુક્રમે એનું સિગરેટ ન પીવું અને પીવું એવો બંધાઈ ગયેલો હોય છે. એટલે અત્યારે ત્યાં આવેલી એ સિગરેટ પીનારી વ્યક્તિ ખરાબ છે એવું તમે માની લીધું.

    થોડા સમય બાદ બસ આવે છે અને ઇત્તેફાકથી એ વ્યક્તિ પણ એ જ બસમાં સફર કરવા માટે તમારી સાથે બસમાં ચઢે છે. બસમાં જગ્યા નથી હોતી અને તમારે બંનેએ ઉભા રહેવું પડે છે. આગળના સ્ટેશન પર જગ્યા થાય છે અને એ વ્યક્તિને સીટ મળી જાય છે. તમે હજીયે ઉભા છો. બીજા સ્ટેશનેથી એક સગર્ભા સ્ત્રી બસમાં ચઢે છે અને સીટ માટે આમતેમ ફાંફાં મારે છે ત્યારે પેલી જ વ્યક્તિ ઈશારો કરીને એ સ્ત્રીને પોતાની સીટ બાજુ બોલાવે છે અને ઉભી થઇ જાય છે. તમે આ ઘટના જોઇને સ્તબ્ધ થઇ જશો. કારણ કે તમારું કોઈ વ્યક્તિનું સારા હોવાનું એક માપદંડ અહી સિદ્ધ થાય છે. આ પછી તમે દ્વિધામાં પડી જાઓ છો કે એ વ્યક્તિ ખરેખર કેવી છે! સારી છે કે ખરાબ? અહી એક મોટો સવાલ એ ઉત્પન્ન થાય કે, “વ્યક્તિના સારા કે ખરાબ હોવા માટેનો સાર્વત્રિક માપદંડ શું છે? શું એવા કોઈ તારણો નથી કે જે તટસ્થ હોય અને દરેક પરિસ્થિતિમાં સરખું જ રીઝલ્ટ આપે?”

    જવાબ છે, ના. કારણ કે આપણે રીલેટીવીટીમાં જીવીએ છીએ, સાપેક્ષ જીવન જીવીએ છીએ. જગતના કોઈ વ્યક્તિની વિચારસરણી નિરપેક્ષ નથી. દરેકને પોતાના અમુક ચોક્કસ માપદંડો છે કે જેના દ્વારા તેઓ વિશ્વમાંથી પોતાને અનુકુળ માણસો શોધે છે અને એમની સાથે, એમની આસપાસ જ પોતાનું જીવન જીવે છે. જો આપણે નિરપેક્ષ બનીશું તો આપણને ખ્યાલ આવશે કે બધા આપણા જેવા જ છે. બધા પોતાને અનુકુળ હોય તેવું જીવન જીવવા ઝંખે છે. કોઈપણ વ્યક્તિ પૂર્ણ સારી કે પૂર્ણ ખરાબ ન હોઈ શકે. એમનું જે તે સમયે સારા કે ખરાબ હોવું તે એ સમયની પરિસ્થિતિ અને સંજોગો પર આધારિત છે. જો કોઈ એમ કહે કે હું પૂર્ણતઃ સારો છું તો એ ભ્રમમાં છે અને સ્વાર્થમાં એવું બોલે છે.

    આચમન : “જગત સંતુલિત છે. સારા અને ખરાબ એમ બંને તત્વોથી જગતનું ત્રાજવું સંતુલનમાં છે. જો બંનેમાંથી એકપણની માત્રામાં વધઘટ થાય તો એ સંતુલન માટે હાનિકારક થઇ પડશે. સંપૂર્ણતઃ સારા કે સંપૂર્ણતઃ ખરાબ જગતની કલ્પના મિથ્યા છે.” ~ ‘નાગવંશ’ સાર

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here