ડિપ્રેશન અનુભવી રહેલી મિત્રને વધુ ડિપ્રેસ ન કરશો

    0
    350

    જ્યારે આપણી સૌથી નજીકની મિત્ર અથવાતો સખી ડિપ્રેશન અનુભવી રહી હોય ત્યારે તેની ચિંતા આપણને થાય એ સ્વાભાવિક છે. તેનાથી વધુ સ્વાભાવિક હકીકત એ છે કે આપણે પણ આપણો સંસાર અને કરિયર સાથે લઈને ચાલવાનું હોય છે અને આપણા ખુદના ટેન્શન પણ હોય છે. આવા સંજોગોમાં આપણી ડીપ્રેસ્ડ મિત્રની સંભાળ લેતા અથવાતો તેની મદદ કરતા આપણા વર્તન કે પછી આપણી વાતથી તેને વધુ ડિપ્રેસ ન કરી દઈએ તે પણ જરૂરી છે.

    ભલે આપણું જીવન પણ પડકારોથી ભરપૂર હોય પરંતુ જ્યારે આપણે આપણી મિત્રને ડિપ્રેશનમાંથી બહાર કાઢવી છે કે તેને રાહત આપવી છે તો આપણે પણ આપણા મન પર અને આપણા વર્તન પર થોડો કાબુ રાખવો જરૂરી છે. તો આવો જાણીએ પાંચ ટીપ્સ કે જે ડિપ્રેશન ગ્રસિત આપણી મિત્રને વધુ હેરાન નહીં કરે.

    આપણી મિત્રનું ડિપ્રેશન વધે નહીં તેનું ધ્યાન રાખવામાં મદદ કરતી 5 ટીપ્સ

    “તું યાર આ બધું વધુ પડતું કરે છે” – આવું કદીયે ન કહો

    જ્યારે આપણી મિત્ર ડિપ્રેશન અનુભવી રહી હોય ત્યારે એ સ્વાભાવિક છે કે તેને કોઈ સહારાની જરૂર હોય છે જે તેની બધી વાત સાંભળે. ડિપ્રેસ થયેલી વ્યક્તિ ઘણીવાર બાળક જેવું વર્તન કરતી હોય છે અને ઘણીવાર તેની વાતો અથવાતો તેની જીદ ન સમજાય તેવી હોય છે. તેની કેટલીક દલીલો પણ સામાન્ય પરિસ્થિતિમાં રહેલી વ્યક્તિને ગળે ન ઉતરે એવી હોય છે. આવા સંજોગોમાં તેને એ સમજાવવાની કોશિશ બિલકુલ ન કરો કે તેનું વર્તન અત્યંત એક્સ્ટ્રીમ છે અને તેણે આ બધું બંધ કરવું જોઈએ. આમ કહેવાથી તેની અવળી અસર પડશે કારણકે ડિપ્રેશનમાં તમારી મિત્રએ તમને જ આધાર ગણ્યા છે અને તમે જ જો એને વઢશો અથવાતો લોજીકલી સમજાવવા જશો તો તે વધુ ભાંગી પડશે.

    એમના નકારાત્મક વલણની જાહેરમાં ટીકા ન કરો

    પહેલી ટીપને અનુસરતી જ આ બીજી ટીપ છે. ડિપ્રેશન અનુભવી રહેલી આપણી મિત્ર નેગેટીવ બાબતો વધુ વિચારશે નહીં કે પોઝીટીવ એ નક્કી જ છે. આથી જાહેરમાં એટલેકે કોઈ પ્રસંગે કે પછી કોઈ પાર્ટીમાં પણ તે પોઝીટીવ વાતો કરે એ જરૂરી નથી. આવા સંજોગોમાં જાહેરમાં તેનું અપમાન કરતા કે તેને ઉતારી પાડતા બે વખત વિચારજો. તમે અંગત રીતે તેને વઢો તેનાથી જાહેરમાં તેને શરમજનક પરિસ્થિતિમાં મુકાવવું પડે તે તેને વધુ ડિપ્રેસ કરી શકે છે. આમ તેની કોઇપણ નકારાત્મક વાતો પર જાહેરમાં કોઈજ દલીલ ન કરો અને બને તો “બધું ઠીક થઇ જશે” અથવાતો “હું છું ને? ચિંતા ન કર” બસ, આવી વાતોથી એને નાની નાની હિંમત આપતા રહો.

    તેમની દવાઓના સમય પર ધ્યાન આપો દવાઓ પર નહીં

    જો તમારી મિત્રને ડિપ્રેશનમાંથી બહાર આવવાની દવા આપવામાં આવી છે તો તે એને સમયસર લે તેનું ધ્યાન લો અને પૂરતું ધ્યાન લો. જો તમે ડિપ્રેશનની દવા વિષે જરા પણ જ્ઞાન ધરાવતા હોવ તો પ્લીઝ તેને તમારી ડિપ્રેસ થયેલી મિત્ર સાથે ન વહેંચો. એને એમ બિલકુલ ન કહો કે તારા ડોક્ટર કરતા ફલાણા ડોક્ટર વધુ સારી ટ્રીટમેન્ટ કરે છે અથવાતો આ દવા કરતા પેલી દવા લીધી હોત તો જલ્દી અસર થાત વગેરે, વગેરે!

    ડિપ્રેશન એટલે દુઃખ નહીં એ સમજો

    ડિપ્રેશન એ બીમારીનું નામ છે જ્યારે દુઃખ એ બીમારી નથી, આ તાત્વિક ફર્કને સમજવો અતિશય આવશ્યક છે. બિલકુલ, તમને તમારી મિત્રની ફિકર છે પણ તે ડિપ્રેશનથી પીડાય છે એટલે એને ટુચકા કહેવા કે કોઈ ફની ચહેરો બનાવવો અને તેને હસાવવાની કોશિશ કરવી એ તેના ડિપ્રેશનનો સરળ અને તાત્કાલિક ઉપાય તો નથી જ. ડિપ્રેશન ક્યોર થઇ શકે છે પરંતુ તેની એક લાંબી પ્રોસેસ છે અને આથી તમારી મિત્ર સાથે પોઝીટીવલી વાતો જરૂર કરો પરંતુ તે માત્ર દુઃખી જ છે એમ ન માનો.

    તમારા નિર્ણયો અને લોજીક થોપો નહીં

    ડિપ્રેશન એક એવી અવસ્થા છે જેમાં પેશન્ટને લાંબો સમય લોકો પોતાના હાલ પર છોડી દે તેવી ઈચ્છા વધુ થતી હોય છે. આવા સંજોગોમાં તમે જો તેના પર તેણે શું કરવું અને શું ન કરવું એવા નિર્ણયો થોપવાનું શરુ કરશો તો કાં તો એ તમને અવોઇડ કરવા લાગશે અથવાતો એ વધુ ડિપ્રેસ થઇ જશે. આ ઉપરાંત એક હકીકત એ પણ સમજી લેશો કે ડિપ્રેશનમાં આવી ગયેલી વ્યક્તિ પાસે કોઇપણ લોજીક કામ નથી કરતું એટલે તેને કોઇપણ બાબત સમજાવવામાં તેનો અને પોતાનો સમય બગાડશો નહીં. બસ એના પ્રત્યેની તમારી લાગણીનું ઝરણું ખળખળ વહે તેમ જ વહેવા દેવું અને એ કોઈ સલાહ માંગે તો જ આપવી.

    આશા છે કે તમને ડિપ્રેશન અનુભવી રહેલી તમારી મિત્ર સાથે હવે તમે કેવો વ્યવહાર કરશો તેનો ખ્યાલ આવી જ ગયો હશે. આ લેખ ભલે મહિલાઓને અનુલક્ષીને લખાયો હોય પરંતુ જો તમે પુરુષ છો અને તમારે પણ કોઈ સ્ત્રી મિત્ર છે અને ડિપ્રેસ છે તો તમારે પણ ઉપરોક્ત ટીપ્સનો ઉપયોગ જરૂર કરવાનો છે એ ભૂલાય નહીં.

    eછાપું

    તમને ગમશે: સોશિયલ મીડિયાનો વધારે પડતો વપરાશ કિશોરો માટે હાનીકારક નથી

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here