ટ્રિપલ તલાક અંગેના કાયદાના ડ્રાફ્ટના આ રહ્યા મહત્ત્વના મુદ્દાઓ

    0
    419

    22 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે 3 વિરુદ્ધ 2 મતે આપેલા એક ઐતિહાસિક ચૂકાદામાં પોતાના પતિઓ દ્વારા મુસ્લિમ મહિલાઓને અપાતા ટ્રિપલ તલાકને ગેરકાયદેસર જાહેર કર્યા હતા. પાંચ જજોની બંધારણીય બેન્ચમાંથી જસ્ટિસ રોહિન્ટન એફ નરીમાન, ઉદય યુ લલિત અને કુરિયન જોસેફે ટ્રિપલ તલાક પદ્ધતિને ગેરઇસ્લામી અને મનસ્વી ગણાવી હતી. જ્યારે તે સમયના ચીફ જસ્ટિસ જે એસ ખેહર અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીરે કહ્યું હતું કે મુસ્લિમ પર્સનલ લોને ટાંકી ને કહ્યું હતું કે તેને બંધારણીય સંરક્ષણ મળ્યું છે. જો કે આ ચૂકાદામાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે તલાક – એ – બીદ્દત અંગે દેશની સંસદ કોઈ નિર્ણય લે.

    ત્યારબાદ સરકારે કેન્દ્રીય મંત્રીઓનું એક ગ્રુપ જેમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, નાણામંત્રી અરુણ જેટલી અને IT મંત્રી રવિશંકર પ્રસાદ સામેલ હતા તેની રચના કરી હતી. આ ગ્રુપની આંતરિક ચર્ચાઓ બાદ ટ્રિપલ તલાક અંગે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને આ ડ્રાફ્ટની કેટલીક વિગતો સરકારના કેટલાક સૂત્રો પાસેથી જાણવા મળી છે. આ સૂત્રનું કહેવું છે કે સરકારનું માનવું છે કે સુપ્રીમ કોર્ટના ટ્રિપલ તલાકને ગેરકાયદેસર જાહેર કરવા છતાં દેશમાં તેનું પ્રમાણ ઘટ્યું નથી અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ સુપ્રીમ કોર્ટને આપેલી ખાતરી છતાં આ પદ્ધતિ બંધ કરવા માટે કશું ખાસ કર્યું નથી. આમ હવે મુસ્લિમ મહિલાઓના સંરક્ષણ ખાતર બીલ લાવવું જરૂરી છે.

    કેન્દ્ર સરકારના સૂત્ર તરફથી મળતી માહિતી અનુસાર ટ્રિપલ તલાકથી મુસ્લિમ મહિલાઓને સંરક્ષણ આપનાર કાયદો ‘મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન મેરેજ) એક્ટ તરીકે ઓળખાશે. આ કાયદા અનુસાર ટ્રિપલ તલાક ‘કોગ્નિઝીબલ અને બિનજામીનપાત્ર’ ગુનો ગણવામાં આવશે. કાયદો પસાર થયા બાદ મુસ્લિમ મહિલાઓ કોર્ટનું શરણું લઈને નોંધપાત્ર વળતર માટે અપીલ કરી શકશે. આ ઉપરાંત ટ્રિપલ તલાક બાદ મુસ્લિમ મહિલાઓ પોતાના માયનોર બાળકની કસ્ટડી પણ લઇ શકશે. આવનારા કાયદાના ડ્રાફ્ટમાં એમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ટ્રીપલ તલાક પછી તે મૌખિક, લેખિત, ઈલેક્ટ્રોનિક અથવાતો અન્ય કોઇપણ રીતે આપવામાં આવે તેના પર આ કાયદો લાગુ પડશે. તલાક – એ – બીદ્દત હેઠળની કોઇપણ જાહેરાત આ કાયદા હેઠળ ગેરકાયદે અને રદ્દબાતલ ગણાશે.

    તમને ગમશે: ભારતનો હિમાલય વિર: લેફ્ટેનન્ટ કર્નલ રણવીરસિંહ જામવાલ

    આ બીલ મોટેભાગે આવનારા શિયાળુ સત્રમાં સંસદમાં રજૂ કરવામાં આવશે. હાલમાં આ ડ્રાફ્ટને વિવિધ રાજ્ય સરકારોને તેમના વિચારાર્થે મોકલવામાં આવ્યો છે. જો કે લગ્ન અને છૂટાછેડા સહવર્તી લિસ્ટમાં આવે છે (જેના અનુસર કેન્દ્ર કે રાજ્ય સરકાર પોતપોતાની રીતે કાયદો બનાવી શકે છે.) પરંતુ કેન્દ્ર સરકારનું માનવું છે કે તે સરકારિયા કમીશનની ભલામણોને અનુસરીને એકવાર રાજ્યોનો મત પણ આ બીલ અંગે લઇ લે.

    ભારતીય સંસદ જ્યારે પણ આ બીલ પસાર કરશે અને રાષ્ટ્રપતિ તેના પર પોતાના હસ્તાક્ષર કરશે ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર સિવાય દેશના તમામ રાજ્યોમાં આ કાયદો અમલમાં આવી જશે.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here