પ્રેમ જો અધિકાર છે તો એ સેવા કેમ ન હોઈ શકે?

  0
  366

  “લ્યો આ પ્રેમ લગન!” રાજવીના ફોન અંગે હજી તો સુધાંશુએ કોમલને વિગતો આપવાનું પૂરું કર્યું કે કોમલનું ત્વરિત રીએક્શન આ પ્રમાણે આવ્યું.

  સુધાંશુ-કોમલ અને પ્રતિક-રાજવી ફેમિલી ફ્રેન્ડસ હતા. મુંબઈની એક ક્લબમાં બન્ને કપલ્સની મેમ્બરશિપ હોવાથી વારંવારની મુલાકાતો વધી અને હમઉમ્ર હોવાથી બંને કપલ્સ એકબીજાના અંતરંગ મિત્રો બની ગયા. પ્રતિક અને રાજવીના પ્રેમ લગ્ન સુધાંશુ અને કોમલના લગ્ન કરતા એક દોઢ વર્ષ પહેલા થયા હતા અને તેમને બે સંતાનો હતા. સુધાંશુ અને કોમલે એરેન્જડ મેરેજ કરીને ‘એક બાળક સુખી સંસાર’નો મંત્ર પકડી રાખ્યો હતો. બંને કપલ્સના લગ્ન લગભગ દોઢ દાયકો પતાવી ચૂક્યા હતા અને અચાનક જ રાજવીનો સંસાર પડી ભાંગવા તરફ એવો આગળ વધ્યો કે એક નાનકડો ધક્કો એને અને પ્રતિકને છૂટાછેડાનો નિર્ણય લઇ લેવા માટે પૂરતો હતો.

  વાત એમ હતી કે આટલા વર્ષો સુધી પ્રતિકને અઢળક પ્રેમ કરનારી રાજવી તેના માટે બધું જ કરી છૂટતી હતી. ઉત્તર ભારતીય હોવાને નાતે પ્રતિકને નોનવેજ ખાવું અને કોઈકવાર શરાબ પીવાની આદત એ રૂઢિચુસ્ત મોઢ વણિક પરિવારમાં ઉછરેલી રાજવીને બિલકુલ ગમતું ન હતું પરંતુ તેણે પ્રતિકની ઈચ્છાને કાયમ માન આપ્યું. એક વાર તો પ્રતિકના બર્થડે ની પૂર્વ સંધ્યાએ તેને સરપ્રાઈઝ આપવા રાજવીએ પ્રતિકના ખાસ મિત્રોને બોલાવ્યા અને તેમના માટે અનલિમિટેડ શરાબ અને અસંખ્ય ‘ચખના આઈટમો’ જાતે તૈયાર કરી અને પ્રતિકને રાજી રાજી કરી દીધો હતો. પ્રતિક ખુદ ચીકન બનાવી લેતો પણ પછી કોઈક વાર જ્યારે તેને કંટાળો આવતો તો છેલ્લે છેલ્લે તો રાજવી પોતાના ભયંકર અણગમાને ત્યજીને પણ તેને મેરીનેટ કરી આપતી એટલી હદ સુધી રાજવી બદલાઈ ગઈ હતી.

  રાજવીએ પ્રતિક માટે પોતાની જાતને બદલી નાખી અને પંદર વર્ષે પ્રતિકને રાજવી કરતાં વોટ્સ અપ ગ્રુપમાં વર્ષો બાદ મળેલી તેની સ્કૂલ ફ્રેન્ડ નીલમ વધારે ગમવા લાગી. જો કે ચાળીસ-પિસ્તાલીસની ઉંમર પુરુષો માટે એવી જ હોય છે. એક તરફ તેઓ સંસાર છોડવા નથી માંગતા અને બીજી તરફ તેમને ફક્ત અમુક મિનિટોની મોજમજા પૂરતી જ કોઈ સ્ત્રી સાથે રમી લેવું હોય છે. નીલમનો પતિ પણ મહિનામાં વીસ દિવસ ભારત બહાર ફરતો હોવાથી તેને પણ એકલતા દૂર કરવામાં પ્રતિકની મદદ મળી ગઈ હતી.

  રાજવી ચાળીસ વર્ષે પણ એટલીજ સુંદર હતી જેટલી પ્રતિકને તે કોલેજમાં પ્રપોઝ કરતી વખતે લાગી હતી. રાજવીએ બેશક પ્રતિક સાથે કદમતાલ મેળવીને નોકરી કરતા અને બંને છોકરાંઓને સંભાળીને તેના સંસારને ટ્રેક પર દોડતો રાખ્યો હતો. પણ એકવાર પ્રતિક એક પાર્ટીમાં પણ વારંવાર બહાર જઈને કોઈ સાથે વાતો કરતો હતો અથવાતો સતત વોટ્સ અપ પર મેસેજ ટાઈપ કરતો હતો. રાજવીએ અચાનક જ પ્રતિકના મોબાઈલ હાથમાં લઇ લીધો અને કોઇપણ પત્નીને ન ગમે તેવા મેસેજીઝ વાંચ્યા અને ધરતીકંપ આવી ગયો.

  પાર્ટી તરત જ પતાવીને બંને ઘરે આવ્યા અને બાળકો સમક્ષ ખૂબ ઝઘડ્યા, પ્રતિકે વાંરવાર નિલમને પોતાની ફ્રેન્ડ બતાવી. રાજવીએ પ્રતિકને એ જે કોઇપણ સંબંધ હોય તેના પર પૂર્ણવિરામ મૂકી દેવાની હિદાયત કરી. પ્રતિક માની ગયો. પણ બે મહિના પછી રાજવીએ ફરીથી પ્રતિક બાથરૂમમાં હતો ત્યારે એનો મોબાઈલ રણકતા વોટ્સ અપ પર નીલમનો મેસેજ જોયો. બંને ફરીથી ઝઘડ્યા અને ફરીથી પ્રતિકે પોતે નીલમ સાથે હવે તો બિલકુલ વાત નહીં કરે એવું પ્રોમિસ આપ્યું. પણ આ વખતે રાજવીના મનની શંકા દૂર ન થઇ. એક દિવસ રાજવી અચાનક જ પ્રતિકની ઓફિસે જઈ ચડી અને રાજવીના તેના ડેસ્ક તરફ આવતા જોતા જ પ્રતિક ફોન પર કશુંક ડિલીટ કરવા લાગ્યો એમ રાજવીને લાગ્યું.

  રાજવીએ ઝડપથી પ્રતિકના ફોન પર તરાપ મારી અને જોયું તો ફરીથી એના અને નિલમના ‘પ્રેમાળ મેસેજીસ’ ઉપરાંત આ વખતે તો નિલમના ખાસ પ્રતિક માટે પાડેલા ‘હોટ ફોટોગ્રાફ્સ’ પણ જોયા! “આજે હવે ઘરે ન આવતો!” આટલું કહીને રાજવી ત્યાંથી જતી રહી. ઘરે પહોંચીને પહેલાંતો ખૂબ રડી અને પછી તેના પ્રેમાળ મિત્રો સુધાંશુ અને કોમલને ફોન પર આખોય મામલો કહ્યો.

  શરૂઆતમાં કોમલે કહ્યું કે, “લ્યો આ પ્રેમ લગન!” તેની પાછળ તેનો કહેવાનો આશય માત્ર એટલો જ હતો કે જો કોઈ લગ્ન પ્રેમ કર્યા બાદ થતા હોય છે તો પછી એ લગ્ન જ્યાંસુધી જીવે ત્યાંસુધી એમાંનો પ્રેમ કેમ ન ટકે? આપણે ત્યાં એક એવી myth પણ છે કે એરેન્જડ મેરેજમાં મેરેજ થાય, બંને પાત્રો એકબીજાને ઓળખે અને પછી પ્રેમ થાય એટલે પાકા પાયા પર રચાયેલી પ્રેમની એ ઈમારત પ્રેમ લગ્ન કરતા વધારે મજબૂત હોય છે. પરંતુ જેમ કહ્યું તેમ એ માત્ર એક myth જ છે કારણકે લગ્નનો ભંગ તો એ પ્રકારના મેરેજીઝમાં પણ થતાં આપણે બધાએ જોયો જ છે.

  કોઇપણ લગ્નજીવનમાં મોટી તકલીફ ત્યારે આવે છે જ્યારે આપણે આપણા જીવનસાથીને taken for granted લઇ લઈએ છીએ, ચાહે આપણે પતિ હોઈએ કે પત્ની. આપણને એવું લાગે છે કે મેં એને આટલો પ્રેમ કર્યો છે તો પછી હું એની સાથે ગમે તેવું વર્તન કરીશ તો એ મને છોડીને ક્યાં જવાની અથવાતો જવાનો છે? અથવાતો મેં એને આટલો પ્રેમ કર્યો તો એણે મારા માટે અમુકતમુક ફરજો તો બજાવવી જ જોઈએને? એ તેની પતિ અથવાતો પત્ની તરીકેની ડ્યુટી છે! જેમકે રાજવીએ તેની ઈચ્છા વિરુદ્ધ જઈને પ્રતિક માટે શરાબની વ્યવસ્થા કરી અથવાતો એ એની માટે શરૂઆતમાં જેનો વિચાર કરવો પણ રાજવી માટે પાપ હતું એવા ચીકનને મેરીનેટ પણ કરી આપતી માત્ર પ્રતિકની ખુશી ખાતર. રાજવી માટે એ પ્રેમ હતો જ્યારે પ્રતિકે આ પ્રેમને રાજવીને પોતે આપેલા પ્રેમની ફી ગણી લીધો હતો.

  બીજી દ્રષ્ટિએ જો રાજવી અને પ્રતિકના સંબંધને જોઈએ તો રાજવી માટે પ્રતિકને પ્રેમ કરવો એ એના પ્રેમની સેવા હતી. આ સેવા માટે તેણે પોતાના સિદ્ધાંતોને પણ જાકારો આપી દીધો હતો. જ્યારે પ્રતિક પુરુષગત સ્વભાવને અનુસરીને રાજવીના પ્રેમની એ સેવાને ભૂલી જઈને મન થાય ત્યારે બે મિનીટ માટે નીલમનો સુંવાળો સંગાથ માણીને ફરીથી પોતાના પરિવારની બોર્ડરમાં મન થાય ત્યારે આવી જવાનું એવી કોઈક વ્યવસ્થા ગોઠવવા માંગતો હતો.

  એવું નથી કે આ પરિસ્થિતિ માત્ર પ્રેમ લગ્નોમાં જ જોવા મળે છે. લગ્નનો પ્રકાર ગમેતે હોઈ શકે પરંતુ જ્યારે પ્રેમ અધિકાર બની જાય અથવાતો જ્યારે તમને પ્રેમનું વળતર માંગવાનું મન થાય ત્યારે એ લગ્ન લગ્ન નથી રહેતા એ હકીકત છે. નોકરની ગેરહાજરીમાં પત્ની વતી તમે ભલે વાસણ ન માંજો કે પછી કચરા-પોતા કરવામાં તેની મદદ ન કરો તો ચાલશે, પરંતુ બીજે દિવસે સવારે પત્ની પહેલાં જ ઉઠીને એના માટે ચા બનાવી દેવી શું એ તમારો ‘સેવાર્થ પ્રેમ’ નથી?

  આખો દિવસ નોકરી કરીને અને બાળકોને સાચવીને થાકી ગયેલી પત્નીને મહિનામાં એકાદવાર, “ચાલ, આજે બહાર જમીએ, તારે રાંધવાની જરૂર નથી!” એમ કહીને સહકુટુંબ બહાર જમવા જવું એ પત્ની પ્રત્યેના પ્રેમની સેવા જ છે. આમ તમે પ્રેમ લગ્ન કે અરેન્જડ મેરેજ એમ બંનેમાં કરી શકો છો જો તમે પત્નીને ખરેખર પ્રેમ કરતા હશો તો. પત્ની કે પતિની પ્રેમભરી સેવા એ બીમાર પડે ત્યારે પગ દબાવીને કે એના કપાળ પર મીઠાના પાણીના ઠંડા પોતા મૂકીને જ નથી થતી. પણ એનો થાક કે પછી કંટાળો કેમ ઓછો કરવો અને તેને નાનો પણ મીઠો આનંદ કેવી રીતે આપી શકાય તેના પ્રયાસો કરવામાં જ છે.

  મોટા ઝઘડાના પંદર દિવસ વીતી ગયા અત્યારે તો રાજવી અને પ્રતિક એક છત નીચે અજાણ્યા લોકોની જેમ માત્ર બંને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં લઈને જ રહે છે પરંતુ કોમલ અને સુધાંશુએ નક્કી કરી લીધું છે કે તેઓને રાજવી જ્યારે પણ મધ્યસ્થી તરીકે બોલાવશે ત્યારે તેઓ આ કપલને ઉપર જણાવેલી સલાહો જ આપશે જેથી એ બંને સેવાર્થ પ્રેમનો મતલબ સમજી અને પોતાના બાકીના લગ્નજીવનને ફરીથી સુગંધિત બનાવી દે.

  આચારસંહિતા

  એ વ્યક્તિ સુખી છે જેને સાચો મિત્ર મળે છે, પરંતુ જે વ્યક્તિને એની પત્નીમાં સાચો મિત્ર મળે છે તે સૌથી વધુ સુખી છે.

  – ફ્રાન્ઝ શુબર્ટ

   

  30 નવેમ્બર, ગુરુવાર

  અમદાવાદ

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here