ઉત્તર પ્રદેશના ચૂંટણી પરિણામોની અસર ગુજરાતના મતદાન પર થશે?

  0
  355

  ઉત્તર પ્રદેશમાં આ અઠવાડિયાની શરૂઆતમાં 16 નગર નિગમ, 198 નગરપાલિકા પરિષદ અને 438 નગર પંચાયત માટે ચૂંટણીઓ યોજાઈ હતી. ગઈકાલે તેના પરિણામો આવ્યા અને ભારતીય જનતા પાર્ટીએ તેનો વિધાનસભા ચૂંટણીઓનો દબદબો બનાવી રાખ્યો હતો અને 16 માંથી 14 મેયર સીટ જીતી લીધી હતી. વિધાનસભાની ચૂંટણીઓમાં અત્યંત ખરાબ દેખાવ કરનાર કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીમાંથી બહુજન સમાજ પાર્ટી માટે આશ્વાસન લઇ શકાય તેટલી 2 મેયરની સીટો આવી હતી જ્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને એક પણ મેયરની સીટો આવી ન હતી. નગરપાલિકા પરિષદ અને નગર પંચાયતમાં પણ લગભગ આ જ લાઈન પર પરિણામ આવ્યું હતું.

  ચૂંટણી નિષ્ણાતો કાયમ એવું કહેતા હોય છે કે નાગરિક સેવા સંસ્થાઓ એટલેકે Civic Bodies ની ચૂંટણીઓના પરિણામો સામાન્યતઃ જે પક્ષની રાજ્યમાં સરકાર હોય તેના તરફ જ ઢળતા હોય છે. વળી, ઉત્તર પ્રદેશમાં તો નવી સરકાર આવે હજી થોડો જ સમય થયો છે આથી સરકાર અને મતદાતાઓ વચ્ચેનો હનીમૂન પીરીયડ હજી જોરમાં ચાલી રહ્યો છે. આવામાં આ પ્રકારના પરિણામો આવવા અપેક્ષિત હતા જ. હા, એક હકીકત અહીં ચોક્કસપણે નોંધી શકાય કે આ વર્ષે માર્ચમાં આવેલા વિધાનસભા પરિણામો બાદ સાત મહિના વીતી જવા બાદ પણ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પ્રત્યે ઉત્તર પ્રદેશની જનતાનો રોષ ઓછો નથી થયો. જો કે જાણવા મળ્યા અનુસાર ઉપરોક્ત બંને પાર્ટીઓના રાજ્યના સિનીયર નેતાઓએ આ ચૂંટણીઓમાં પ્રચાર કરવાનું જ ટાળ્યું હતું જ્યારે ભાજપ માટે ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રચાર કરી રહ્યા હતા. આમ એકવાર ફરીથી એમ કહી શકાય કે આ પ્રકારના પરિણામોથી કોઈને નવાઈ લાગવી જોઈએ નહીં.

  ગઈકાલે સાંજે આવેલા પરિણામો બાદ તરતજ ચર્ચા ચાલી છે કે શું ઉત્તર પ્રદેશના કોર્પોરેશન અને પંચાયતોની ચૂંટણીઓના પરિણામોની અસર થોડા દિવસમાં થનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પર પડશે કે કેમ?

  આ સવાલનો જવાબ ના માંજ આવી શકે અને તેનું સ્પષ્ટ કારણ એક જ છે કે ઉત્તર પ્રદેશ અને ગુજરાતના મતદારોની વિચારશૈલી અને રાજકારણને સમજવાની પદ્ધતિ સાવ અલગ છે. ગુજરાત વિકાસના ફળ પંદર વર્ષથી ચાખી રહ્યું છે જ્યારે ઉત્તર પ્રદેશે હજીસુધી વિકાસની સફરની શરૂઆત પણ જોઈ નથી. ઉત્તર પ્રદેશમાં ભાજપ હજી આ વર્ષની શરૂઆતમાં વિકાસના મુદ્દે ચૂંટણી જીતીને સત્તા પર આવ્યું છે અને ગઈકાલના પરિણામો એ ત્યાંની પ્રજાએ રાજ્ય સરકારને વિકાસ કરવાનું આપેલું બુસ્ટર માત્ર છે.

  તમને ગમશે: સોશિયલ મીડિયા અને ચૂંટણી કોણ શું કરે છે?

  જ્યારે સામે પક્ષે ગુજરાતમાં વિકાસ નામનું બાળક હવે તેની ટીનેજમાં આવી ગયું છે અને આથી હવે તેની મહત્ત્વની એટલેકે દસમા કે બારમા ધોરણની પરીક્ષા હોય એ પ્રકારની આ ચૂંટણીઓ છે. અફકોર્સ ઉત્તર પ્રદેશના પરિણામોથી ગુજરાત ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ બેવડાશે અને તેઓ ચૂંટણી પ્રચાર માટે બાકી રહેલા બે અઠવાડિયા જોરશોરથી પ્રચાર કરી શકશે. હવે તેમનો ઉત્સાહ જો આ કાર્યકર્તાઓ મતદારોમાં ટ્રાન્સફર કરી શકશે તો ક્યાંક કોઈ જગ્યાએ થોડોઘણો ફરક પડશે પણ ભાજપ અચાનક જ ઉત્તર પ્રદેશની કોર્પોરેશનની ચૂંટણીમાં ભવ્ય વિજયને તેના કાર્યકર્તાઓમાં બમણા થયેલા ઉત્સાહને લીધે 20-25 બેઠકો ગુજરાત વિધાનસભામાં જીતી જાય એ વાતમાં માલ નથી.

  આ લખાય છે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને માત્ર અઠવાડિયું રહ્યું છે અને પ્રચાર હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ચૂક્યો છે. આથી ગુજરાત ભાજપ હોય કે ગુજરાત કોંગ્રેસ, તેમનું સંપૂર્ણ ધ્યાન લોકલ વિષયો પર જ હશે નહીં કે ઉત્તર પ્રદેશમાં તેમના પક્ષે કેવું પરિણામ મેળવ્યું તેના પર.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here