ગબ્બર સિંઘ ટેક્સ જેવી વ્યાખ્યાના લીરેલીરા ઉડાડતી ભારતની ઓટો ઇન્ડસ્ટ્રી

  1
  409

  એક તરફ રાજકીય પાર્ટીઓ હજી ત્રણ મહિના જૂના થયેલા માલ અને સેવા કર (GST) ને ગબ્બર સિંઘ ટેક્સ ગણાવીને તેની મજાક ઉડાડી રહ્યા છે. બીજી તરફ દેશની ઓટો ઇન્ડસ્ટ્રી અત્યારે જાણેકે ઉત્સવો ચાલી રહ્યા હોય એ રીતે આ ગબ્બર સિંઘ ટેક્સ જેવી એકતરફી રાજકીય વ્યાખ્યાના લીરેલીરા ઉડાડી રહી છે. તાજા આંકડા અનુસાર ભારતની મેજર ઓટો કંપનીઓ જેવી કે મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટોયોટા એ નવેમ્બર મહિનામાં પોતાના વેચાણદરમાં ડબલ ડીજીટનો વધારો નોંધાવ્યો છે.

  GSTની જ્યારે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે જ તે સમયના વિવિધ દરો કરતા ઘણા વેહીકલ્સ પ્રકાર પર કર નો દર ઓછો થયો હતો. આ સમયે ભારતની ઓટો ઇન્ડસ્ટ્રીએ સામેચાલીને GST ને કારણે થયેલા લાભને ગ્રાહકોમાં વહેંચી આપ્યો હતો. સામાન્યતઃ દિવાળી પછીનો સમય ઓટો ઇન્ડસ્ટ્રી માટે મંદીનો સમય ગણાતો હોય છે પરંતુ GSTનો લાભ ગ્રાહકોને વહેંચવાની ઈન્ડસ્ટ્રીની નીતિ ને કારણે હાલમાં અહીં તેજી દેખાઈ રહી છે. ઓટો ઇન્ડસ્ટ્રીનો આ ડબલ ડીજીટ સેલ્સ ગ્રોથ ગ્રામીણ વિસ્તારોમાં વાહનોની વધેલી માંગને આભારી હોવાનું આંકડાઓ કહી રહ્યા છે. આ ઉપરાંત બજારમાં આવી રહેલા વાહનોના નવા મોડલ્સ પણ ગ્રાહકોને આકર્ષી રહ્યા છે.

  જો આ આંકડાઓની વધુ નજીક જઈએ તો 2016ના નવેમ્બરમાં મારુતિ સુઝુકી ઇન્ડિયા (MSI) જે ભારતમાં વાહનો બનાવતી સૌથી મોટી કંપની ગણાય છે તેણે 1,26,325 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જ્યારે આ વર્ષે નવેમ્બરમાં તે 15 ટકા વધીને 1,45,300 યુનિટ્સ થવા પામ્યું છે. તો ભારતીય ઓટો બજારમાં મારુતિની સૌથી મોટી સ્પર્ધક એવી હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા લિમિટેડ (HMIL) દ્વારા નવેમ્બર મહિનામાં 44,008 યુનિટ્સનું વેચાણ કરવામાં આવ્યું હતું જે ગત વર્ષના નવેમ્બર કરતા 10 ટકા વધારે હતું.

  તમને ગમશે: મને ચિકનગુનિયા થયો……

  સંપૂર્ણપણે ભારતીય એવી ઓટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આ નવેમ્બરમાં સૌથી વધારે 21 ટકાની વૃદ્ધિ પોતાના સેલ્સમાં જોઈ છે. ગયા વર્ષે નવેમ્બરમાં M&M દ્વારા 13,198 યુનિટ્સનું વેચાણ કરવામાં આવ્યું હતું, જ્યારે આ વર્ષે તે વધીને 16,030 યુનિટ્સ સુધી પહોંચ્યું છે. આજ રીતે ફોર્ડ  ટકાની સેલ્સ વૃદ્ધિ સાથે આ નવેમ્બરમાં 7,777 યુનિટ્સનું વેંચાણ કરવામાં આવ્યું હતું. તો ટોયોટા-કિર્લોસ્કર પણ સેલ્સ વૃદ્ધિ સાથે આ લિસ્ટમાં સામેલ છે. ટોયોટા-કિર્લોસ્કર દ્વારા ગત વર્ષના નવેમ્બરના 11,309 યુનિટ્સની સરખામણીએ આ નવેમ્બરમાં 13.1 ટકા વધુ 12,734 યુનિટ્સનું વેચાણ કરવામાં આવ્યું છે.

  ટુ વ્હીલર્સની વાત કરીએ તો ટુ વ્હીલર્સ બજારમાં ભારતમાં સૌથી વધારે હિસ્સો ધરાવતી બજાજ ઓટો એ ગયા વર્ષે 2,69,948 યુનિટ્સનું વેંચાણ કર્યું હતું અને આ વર્ષે 21 ટકાની વૃદ્ધિ સાથે આ આંકડો 3,26,458 થયો છે. આઈશર મોટર્સની ટુ વ્હીલર્સ બનાવતી કંપની રોયલ એનફિલ્ડે પણ 21 ટકા સેલ્સ આ નવેમ્બરમાં નોંધ્યું છે. 2016 નવેમ્બરમાં આ કંપનીએ 55,843 યુનિટ્સ વેંચ્યા હતા જે આ નવેમ્બરમાં વધીને 67,776 યુનિટ્સ થયા હતા. સૌથી નોંધપાત્ર દેખાવ આ સેગ્મેન્ટમાં સુઝુકી મોટરસાયકલનો રહ્યો છે. ગયા વર્ષના નવેમ્બરમાં તેણે 30,830 યુનિટ્સનું વેચાણ કર્યું હતું તો આ નવેમ્બરમાં આ ઓટો મેજરે બમ્પર કહી શકાય એટલું 38.6 ટકા વધારે 42,722 વેચાણ નોંધાવ્યું છે.

  આમ એમ કહી શકાય કે GST કહો કે નોટબંધી કહો તેની બજાર પર શરૂઆતમાં પડેલી અસર હવે ધીરેધીરે ઓછી થવા લાગી છે અને ગ્રાહકો બજારમાં પરત ફરી રહ્યા છે. અત્યારે તો ઓટો ઇન્ડસ્ટ્રી તેના મીઠા ફળ ચાખી રહી છે પરંતુ ધીમેધીમે સમગ્ર વ્યાપાર જગતને પણ GST દર ઘટાડાનો લાભ મળશે તેવી આશા રખાઈ રહી છે. જરૂર છે માત્ર ધીરજ ધરવાની.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here