મતદાન વધારવા પંચે ચૂંટણી શું કરવું જોઈએ ?

  1
  485

  ચુંટણી આવે એટલે દરેક વ્યક્તિની ફરજ છે કે તેમણે પોતાના મતનો પ્રયોગ કરવો જોઈએ અને એક સારી સરકાર રચવામાં સહભાગી થવું જોઈએ. દરેકનો મત કીમતી જ હોય છે. આપણે ઘણા પરિણામો જોયા જ્યાં એક મતનાં કારણે લોકોની હાર-જીત નક્કી થતી હોય છે એટલે દરેકે મતદાન કરવા જવું જ જોઈએ. સરકારે ફરજીયાત મતદાનનાં કાયદાનાં ઓપ્શન પણ વિચાર્યા કેમકે લોકો પોતાની આળસના કારણે અથવાતો પોતાના કામોમાં બિઝી હોવાને કારણે પોતાનાં અમુલ્ય મતની જવાબદારી અદા કરતા નથી અને ઘણી વાર આવો મત નો પ્રયોગ ન થવાના કારણે ખોટો ઉમેદવાર ચુંટાઇ ને આવી જાય છે એવું પણ બને છે.

  મતદાનની ટકાવારી વધારવા મોટાભાગે સેલીબ્રિટીને જાહેરાતોમાં લેવામાં આવે છે અને ચુંટણીમાં મત આપવાની અપીલ કરવામાં આવે છે પરંતુ ઘણીવાર મત આપવાની જાહેરાત કરનાર સેલીબ્રીટી પણ ફિલ્મોના શુટીગમાં દેશ બહાર હોય છે અને વોટ આપતા નથી એટલે લોકો ઉપર એમની અપીલની ખાસ અસર થતી નથી અને ચુંટણી પંચ દ્રારા તેમની પાછળ ખર્ચવામાં આવેલા રૂપિયા પાણીમાં જાય છે. અમે લઈને આવ્યા છીએ એવા કીમિયા કે જેમાં ચુંટણી પંચ ઓછા ખર્ચામાં લોકોને મતદાન મથક સુધી ખેચી શકે તો મતદારોને આકર્ષવા માટે અને મતદાન વધારવા માટે શું કરવું જોઈએ?

  પોતાનો ખર્ચો ઓછો કરવા માટે ચુંટણી પંચે ‘ચુંટણીમાં ઉભા રહેલા દરેક ઉમેદવારે ખર્ચો વહેચવો પડશે’ તેવી જાહેરાત કરી દેવી જેથી સમગ્ર બોજો ચુંટણી પંચ ઉપર ન આવે અને કરોડપતિ ઉમેદવારો ઉપર ખર્ચો ટ્રાન્સફર થઇ જાય. આ ઉપરાંત જૂની સ્કૂલોમાં મતદાન કેન્દ્રો જ ના મુકવા જોઈએ કેમકે લોકોને નાનપણમાં પણ સ્કુલ જવું ગમતું નથી હોતું તો પછી મતદાન કરવા લોકોને સ્કુલમાં જવાની ઈચ્છા જ કેવી રીતે થાય ?

  સ્કુલની જગ્યાએ કોઈ મોલમાં પોલીંગ સ્ટેશન બનાવું જોઈએ જ્યાં મતદાનની સાથે સાથે લોકો ફેમીલી સાથે શોપીગ પણ કરી શકે. મોલની અંદર જવા માટે અનલિમીટેડનો પેલો સિક્કો મારી આપે છે એવો સિક્કો દરેક મતદાન કરનારને મારી આપવો જોઈએ એટલે એ મતદાન કર્યા પછી અનલિમિટેડ જમી શકે અને અનલિમિટેડ જમવાની લાલચમાં એ વોટ આપવા અવશ્ય આવશે.

  મતદાન મથકોની બહાર મોટી સંખ્યામાં પોલીસવાળાની જગ્યાએ નાના ચકડોળ વાળાને તેમજ બલુન વાળા વગેરે બેસાડવા જોઈએ જેથી મતદારો પોતાના બાળકોને લઈને મતદાન કરવાનો આનંદ લઈ શકે અને દરેક હસબંડ વાઈફને વોટ કરવા પર પોતાના બાળકને એક ચકડોળ રાઈડ અને એક બલુન ફ્રી આપવું જોઈએ.

  સ્ત્રીઓ માટે પણ મતદાન મથકની લાઈનમાં ઉભા-ઉભા ફ્રી નેઈલ પોલિશ તેમજ વોટ આપ્યા પછી આંગળી પર કાળા ટપકાની જગ્યાએ અડધા હાથ સુધીની મહેદી મુકવા માણસો રાખવા જોઈએ જેથી મતદાનમાં સ્ત્રીઓની સંખ્યા પણ વધારી શકાય. તમારા ઘરેથી મતદાન મથક સુધી જવા માટે ઓલા અને ઉબર જેવી ટેક્સી પ્રોવાઈડ કરતી કંપનીઓને ડાયરેક્ટ રૂપિયા ઉભેલા ઉમેદવારો પાસેથી લઈને ફ્રી રાઈડ રાખવી જોઈએ જેથી લોકો પોતાના ઘરેથી મતદાન મથક સુધી એસી ગાડીમાં  ફ્રી માં પહોચી શકે .

  વોટ્સ એપ ગૃપનાં એડમિન માટે સ્પેશ્યલ લાઈન હોવી જોઈએ જેથી એ ફટાફટ વોટ આપીને પોતાના ગૃપમાં પોતે વોટ આપી આવ્યા અંગેની સેલ્ફી મૂકી શકે જેનાથી ઈન્સ્પાયર થઇને લોકો પણ વોટ આપતા થાય. આવા વોટ્સએપ ગૃપ અને ફેસબુક ગૃપનાં એડમીનો માટે ખાસ વ્યવસ્થા હોવી જોઈએ કેમકે એ બચારાઓ પાસે હોદ્દો હોવા છતાં ક્યાય એમને કોઈ પૂછતું નથી અને મેમ્બરો પણ એમનું સાંભળતા પણ નથી એટલે એ લોકોને પણ થોડું સ્પેશ્યલ ફિલ કરાવવા અને એમને પણ એમના વોટનું મહત્વ સમજાવવા આવી ખાસ જોગવાઈ હોવી જોઈએ. વોટ આપી આવનારને દાબેલી ફ્રી અને મફત વાળ કાપી આપવામાં આવશે વાળી સ્કીમો લોન્ચ તો થાય છે પણ ઓનલાઈન ખરીદીમાં ડિસ્કાઉન્ટ ઓફર નથી થતું. ‘તમારી વોટ આપેલી આગળી વાળો ફોટો અપલોડ કરો અને ફ્લીપકાર્ટ અને એમેઝોન જેવી શોપીગ વેબસાઈટ દ્રારા ડિસ્કાઉન્ટ મેળવો’ જેવી સ્કીમ પણ બહાર પડવી જોઈએ. કેમકે એ ડિસ્કાઉન્ટ માટે તો માણસ સવારે ૫ વાગે સેલ ચાલુ થવાનો હોય તોય જાગી જાય તો શું વહેલા ઉઠીને મતદાન કરવા નહિ જાય? ચોક્કસ જશે .

  તો ઉઠો જાગો અને મતદાન કરવા ભાગો.

  લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here