શ્રીલંકાને નડ્યું પ્રદુષણ અને ભારતને નડ્યું નાટક

    1
    287

    દિલ્હીના ઐતિહાસિક ફિરોજશાહ કોટલા ગ્રાઉન્ડ પર ગઈકાલે ક્રિકેટ કરતા નાટક વધારે ભજવાયું હતું. આપણે બધા જ જાણીએ છીએ કે છેલ્લા અમુક વર્ષોથી દેશની રાજધાનીમાં શિયાળા દરમ્યાન પ્રદુષણ તેના મહત્તમ સ્તરે હોય છે. ઓક્ટોબરથી છેક ફેબ્રુઆરી સુધી દિલ્હીમાં પ્રદુષણ ખતરનાક સ્તરે હોય છે અને સરકાર પણ નાગરિકોને આ સમયે કેટલાક દિવસો દરમ્યાન ઘરની બહાર ન નીકળવાની સલાહ આપતી હોય છે. પરંતુ ગઈકાલે કોટલા પર જે થયું તે ખરેખર પ્રદુષણને કારણે હતું કે શ્રીલંકાની ભારતના હાથે માર ખાવાની ક્ષમતા દમ તોડી ગઈ હોય એ રીતે મેદાન છોડીને ભાગી જવાની નીતિ ના કોઈ ભાગ સ્વરૂપે હતું?

    ગયા મહિનાની જ વાત કરીએ તો ત્રણ દિવસ સળંગ દિલ્હી અને કેન્દ્ર સરકારે ઓફિશિયલી જાહેરાત કરી હતી કે આ ત્રણ દિવસ દરમ્યાન પ્રદુષણ અથવાતો સ્મોગનું પ્રમાણ અત્યંત ખતરનાક લેવલે પહોંચશે અને આથી નાગરિકોએ બને ત્યાંસુધી ઘરમાં જ રહેવું. પરંતુ ગઈકાલે આવી કોઈજ ચેતવણી સરકાર દ્વારા જાહેર કરવામાં ન હતી આવી. કોટલાના મેદાન પર લગભગ 15 થી 20 હજાર જેટલા દર્શકો રવિવારની રમતનો આનંદ માણવા આવ્યા હતા પરંતુ તેમનામાંથી ભાગ્યે જ કોઈએ માસ્ક પહેર્યું હતું અથવાતો કોઈ દર્શકને સ્મોગને કારણે કોઈ તકલીફ પડી હોય તેવી કોઈજ ઘટના સામે આવી ન હતી.

    પરંતુ, કોઈ અકળ કારણસર શ્રીલંકાના એક પછી એક ચાર ખેલાડીઓએ વોમિટ કરી અને બે બોલરો તો હવે તો એમનાથી બોલિંગ નહીં જ થાય એમ કહીને બહાર જતા રહ્યા હતા. આ ઉપરાંત ચાર ખેલાડીઓએ શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોય એવી ફરિયાદ કરી હતી. શ્રીલંકાના ડ્રેસિંગરૂમમાં પણ ઓક્સીજનની બોટલો મુકવામાં આવી હોય એ દેખાઈ રહ્યું હતું. લંચ પછી શ્રીલંકાના મોટાભાગના ખેલાડીઓ માસ્ક પહેરેલા દેખાયા હતા. જાણવા મળ્યા મુજબ લંચ પડવાના થોડા સમય અગાઉ જ શ્રીલંકન મેનેજમેન્ટે તેના ફીઝીયોને બજારમાં માસ્ક ખરીદવા મોકલ્યો હતો. બીજી તરફ ભારતીય ડ્રેસિંગરૂમમાં થોડો સમય માટે કુલદીપ યાદવ અને રોહિત શર્માએ માસ્ક પહેર્યું હોય એવું દેખાયું હતું.

    ટૂંકમાં કહીએ તો મેદાન પર રહેલા અગિયાર શ્રીલંકન ખેલાડીઓ સિવાય કોઇપણ અન્ય વ્યક્તિએ માસ્ક પહેર્યું હોય એવું જણાયું ન હતું. આ પ્રકારની બાબતોમાં વિદેશીઓ વધુ સેન્સીટીવ હોય છે તેની આપણને જાણ છે તો ઇંગ્લેન્ડના અમ્પાયર નાઈજલ લોંગ અને વેસ્ટ ઇન્ડિઝના અમ્પાયર જોએલ વિલ્સને માસ્ક પહેર્યા ન હતા અને તેઓ શ્રીલંકન ટીમ જેટલો જ સમય મેદાન પર રહ્યા હતા. આટલું જ નહીં પરંતુ શ્રીલંકન કેપ્ટન દિનેશ ચંદીમલે જેટલીવાર મેચ રોકાવડાવી અને જેટલીવાર એની ટીમના ફીઝીયો કે પછી ટીમ મેનેજર મેદાનમાં અમ્પાયર્સ સાથે ચર્ચા કરવા ઉતર્યા ત્યારે એમને પણ માસ્ક પહેરવાની જરૂર લાગી ન હતી!!

    હવે આવીએ એક ખાસ મુદ્દા પર. જો આપણે એમ વિચારીએ કે મેદાન પર બેસવાથી કે માત્ર ઉભા રહેવાથી પ્રદુષણની અસર નહીં પડતી હોય પરંતુ કોઈ રમત રમવાથી ખેલાડીઓમાં ઓક્સીજન ઓછો થાય અને એથી સ્મોગની અસર વધુ પડતી હશે તો પછી વિરાટ કોહલી શું મંગળ ગ્રહ પરથી આવ્યો છે? હા, આજકાલ જે રીતે તેનું ફોર્મ ચાલી રહ્યું છે તેનાથી તો કદાચ એવી શંકા જાય પરંતુ તે પણ મેદાન પર દોઢ દિવસથી રમી રહ્યો હતો તેને તો શ્વાસોચ્છવાસની કોઈજ તકલીફ પડી હોય એવું લાગ્યું નહીં. બલકે વિરાટતો ચંદીમલની વારંવાર રમત રોકવાની રણનીતિથી એક સમયે ગુસ્સે થયેલો દેખાઈ રહ્યો હતો.

    તમને ગમશે: તમે ભગવાનને શોધો છો કે ભગવાન તમને?

    ચાલો શ્રીલંકાને એક ઔર બેનિફિટ ઓફ ડાઉટ આપીએ. એકવાર એવું માની લઈએ કે ફાસ્ટ બોલરોએ દોડીને બોલિંગ કરવાની હોય છે અને એટલે એમને કદાચ બેટ્સમેન કરતા ઓક્સીજનની વધારે જરૂર પડતી હશે. તો પછી ભારતીય ફાસ્ટ બોલરો જેમણે ગઈકાલે એજ મેદાન પર એ જ વાતાવરણમાં 21 ઓવર્સ નાખી એમને કેમ કશું જ થયું નહીં? આપણે શ્રીલંકાના ખેલાડીઓ તમામ રીતે સુખરૂપ રમીને સુરક્ષિત પોતાને ઘરે જાય એવી આશા રાખીએ જ પરંતુ ગઈકાલે તેમણે જે વર્તન કર્યું તે તેમની નિયત પર શંકા ઉપજાવે છે.

    છેક લંચ સુધી અમુક જ ખેલાડીઓનું માસ્ક પહેરવું અને લંચ બાદ અચાનક જ માસ્ક સહીત તમામ ખેલાડીઓનું આવી પહોંચવું એ શું દેખાડે છે? લંચ પડવાના થોડા સમય અગાઉ જ ફીઝીયોને દિલ્હીની બજારમાં માસ્ક લેવા મોકલવો એનો શો મતલબ છે? ભારતના ખેલાડીઓને સ્મોગની કોઈજ અસર નહીં અને માત્ર શ્રીલંકન ખેલાડીઓને જ અસર થઇ? વારંવાર રમત રોકવાને લીધે ભારતીય બેટ્સમેનોનું ધ્યાનભંગ થયું અને શ્રીલંકાને વિકેટો મળી તો શું ભારતને ઓછી લીડ મળે એની રણનીતિના ભાગ રૂપે દિલ્હીના પ્રદુષણનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો?

    જો ઉપર કહ્યા મુજબ શ્રીલંકાની એવી કોઈ રણનીતિ હશે તો તેની દુરોગામી અસર પડી શકે છે. કોઇપણ દેશના ખેલાડીઓ જ્યારે બીજા દેશમાં રમત રમવા જાય છે ત્યારે તે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરતા હોય છે આથી તેમનું સારું કે ખરાબ વર્તન એમના દેશની છાપ યજમાન દેશના નાગરિકો પર છોડતું હોય છે. જો શ્રીલંકન ટીમ મેનેજમેન્ટે રમતની રણનીતિના ભાગ રૂપે પ્રદુષણનો ઉપયોગ કર્યો હશે અને ભારત સરકાર તેની ગંભીર નોંધ લેશે તો કદાચ વાત બહુ આગળ સુધી જઈ શકે છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઇંગ્લેન્ડે એક જમાનામાં બોડીલાઇન રણનીતિ અપનાવી હતી અને તેની ઓસ્ટ્રેલિયન સરકારે ગંભીર નોંધ લીધી અને એક સમય એવો આવી ગયો હતો કે એ બંને દેશો વચ્ચેના સંબંધો ખાટા થઇ ગયા હતા.

    એ બાબતે બેમત નથી કે દિલ્હીમાં પ્રદુષણ હદ બહાર પ્રસરી ગયું છે. એ બાબતે કોઈજ શંકા નથી કે ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી દિલ્હીમાં કોઇપણ સ્પોર્ટીંગ ઇવેન્ટ ન રમાય એવી સલાય વિદેશી તજજ્ઞો છેલ્લા અમુક વર્ષોથી સતત આપી રહ્યા છે અને તે યોગ્ય પણ છે. એ દલીલનો પણ સ્વિકાર કરવો જ રહ્યો કે BCCIએ તજજ્ઞોની સલાહ અવગણીને માત્ર પોતાની રોટેશન પોલીસીને અનુસરી અને દિલ્હીને આ ટેસ્ટની યજમાની સોંપી દીધી.

    પરંતુ, જો ખરેખર મેદાન પર 20,000 દર્શકો, ભારતીય ખેલાડીઓ, અમ્પાયર્સ અને ખુદ શ્રીલંકન મેનેજમેન્ટના સભ્યોને પ્રદુષણથી કોઈજ હાની ન થઇ હોય અને તેમ છતાં જો માત્ર ભારતીય બેટ્સમેનોની રીધમ તોડવા માટે શ્રીલંકન ટીમે આવી ટ્રીક આજમાવી હોય તો તે એક ખોટી પ્રથા શરુ કરશે. ગમે તેમ પણ દિલ્હી એ ભારતની રાજધાની છે અને કોઇપણ દેખીતા પ્રમાણ વગર તેનું નામ માત્ર પોતાના સ્વાર્થ માટે ખરાબ કરવામાં આવે તો તેવા પગલાંને ક્યારેય માફ ન કરી શકાય.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here