શશી કપૂર: એક સર્વોત્તમ સાથીદાર

0
459

ગઈકાલે સાંજે જ્યારે શશી કપૂર અવસાન પામ્યા હોવાના સમાચાર સૌથી પહેલીવાર વોટ્સ અપ ફોરવર્ડ દ્વારા મળ્યા ત્યારે પહેલા તો ટ્વીટર ચેક કરી લીધું. આ અગાઉ પણ શશી કપૂરને સાવ ખોટેખોટા ત્રણથી ચાર વખત અવસાન પામેલા જાહેર કરી દેવામાં આવ્યા હતા આથી એકવાર ઓફિશિયલી મન મનાવી લેવું હતું કે આ વખતે પણ આ સમાચાર ખોટા જ નીકળે. પણ..

છેલ્લા ઘણા સમયથી તેઓ માંદા હતા અને એમની જે પ્રકારની માંદગીઓ હતી તેનાથી અંત તો આવો જ હશે તેની કલ્પના પણ  હતી. પરંતુ, મારા માટે શશી કપૂર કાયમ પેલું ‘feel good factor’ લઈને આવતા એટલે એ દુનિયા છોડીને જતા રહે એવી કોઈ કલ્પના પણ કરવી મારા માટે સરળ ન હતી. ફિલ્મો જોતી વખતે મારા માટે feel good factor  એટલે કોઈ એવો અદાકાર જે સ્ક્રીન પર આવે કે તરતજ મન ભરાઈ જાય, ચહેરો હસું હસું થવા લાગે અને એની હાજરીમાત્રથી આસપાસની દુનિયા સુંદર લાગવા લાગે. અશોક કુમાર, પ્રાણ, ઓમ પ્રકાશ અને અત્યારના જમાનામાં કહું તો સતીશ કૌશિક વગેરે અદાકારો મારા માટે feel good factor રહ્યા છે અને શશી કપૂર આ લિસ્ટમાં કદાચ સર્વોચ્ચ સ્થાન આજે પણ ધરાવે છે.

સાચું કહું તો અમિતાભ બચ્ચનના મોટા ભક્તોમાં મારો શુમાર થાય છે એટલે એમની ઢગલાબંધ ફિલ્મોમાં સાથે દેખાનારા શશી કપૂરને ચાહવા એ મારા માટે by default ચોઈસ બની જાય છે. પોતે કપૂર ખાનદાનના વંશજ, એક એવું ખાનદાન જે કદાચ આજ સુધી બોલિવુડનું ફર્સ્ટ ફેમીલી ગણાય છે. પોતે એકલે હાથે ફિલ્મો ચલાવી નહીં પરંતુ દોડાવી શકવાની સમર્થતા ધરાવતા હોવા છતાં, એ સમયે શશી કપૂરે જ્યારે જ્યારે પણ અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું છે ત્યારે તેમનો રોલ અમિતાભના રોલની સરખામણીએ ઇન્ફીરીયર રોલ હોવા છતાં કર્યો છે અને છાતી ઠોક કે કર્યો છે.

એકવાર કપૂર ખાનદાન સાથે નિકટથી જોડાયેલા વ્યક્તિ સાથે, જે શશી કપૂરની ઘણા નજીક પણ હતા, તેમની સાથે આ અંગે ચર્ચા થઇ હતી. તેમણે મને કહ્યું કે એકવાર મેં પણ તેમને આ અંગે પૂછ્યું હતું કે તમે આટલા મોટા સુપરસ્ટાર હોવા છતાં, જ્યારે પણ અમિતાભ સાથે કામ કર્યું ત્યારે સેકન્ડ લીડ કેમ પસંદ કર્યો? આ સવાલના જવાબમાં શશીજીએ એમને કહ્યું હતું કે, “બેટા, કામ બડા હોતા હૈ, ઇન્સાન નહીં. હમેં અપને કામ પર ધ્યાન દેના ચાહિયે, નહીં કે હમ કિસકે સાથ કામ કર રહે હૈ વો!” બસ તે દિવસે મને શશી કપૂર કેમ સેકન્ડ લીડ રોલ એક્સેપ્ટ કરવામાં શરમ કે નાનપ અનુભવતા ન હતા એવો સવાલ મનમાં ક્યારેય ઉભો થયો ન હતો.

અમિતાભ બચ્ચનની કોઇપણ ફિલ્મ લ્યો, ભલે એ મેઈન લીડમાં હોય પરંતુ જયારે જ્યારે શશી કપૂર એમની સાથે હોય  ત્યારે ત્યારે એ વધુ નીખરતા. ભલે “મેરે પાસ મા હૈ!” કહીને શશી કપૂરે દિવારના એ સીનમાં સોટો પાડી દીધો હોય પરંતુ ત્યારબાદ અમિતાભના જે એક્સ્પ્રેશન હતા તે શશીજીના એ ડાયલોગ બોલવાની ટાઈમિંગને જ આભારી હતા. નમક હલાલનો પેલો ફેમસ માખીવાળો સીન લઇ લો! અમિતાભની કોમેડી તો અલમસ્ત હતી જ પણ તેના એકેએક નખરાં પર શશી કપૂરના રીએક્શને જ ચાર ચાંદ લગાવ્યા હતા એ ન ભૂલાય. તો ‘દો ઔર દો પાંચ’માં પણ અમિતાભને ટક્કર આપવામાં શશી કપૂરનો જવાબ મળી શકે તેમ નથી.

એટલે, શશી કપૂરે પોતાના જ શબ્દોમાં કહ્યું કે કામ મોટું હોય છે વ્યક્તિ નહીં અને તેમણે પોતાના કામને વળગી રહીને ભલેને તે અમિતાભ બચ્ચન હોય પણ પોતાના પરફોર્મન્સને વળગી રહ્યા અને તેના થકી પોતાની અને સમગ્ર દ્રશ્યની આભાને તેમણે નિખાર આપ્યો.માત્ર, અમિતાભ જ નહીં પરંતુ, શત્રુઘ્ન સિન્હા, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, વિનોદ ખન્ના અને ઇવન છેલ્લે તો પોતાના ભત્રીજા રિશી કપૂર સાથે પણ શશીજીએ માત્ર ટેકેદારનો અભિનય કરીને ફિલ્મોને તારી છે.

બોલિવુડ જ્યારથી જન્મ્યું છે કદાચ ત્યારથી જ ego નું પાટિયું ગળામાં લટકાવીને ફરતા હજારો અદાકારો આવીને જતા રહ્યા. પરંતુ બોલિવુડના ફર્સ્ટ ફેમિલીના સભ્ય અને પોતાની ક્ષમતા રત્તીભાર પણ ઓછી ન હોવા છતાં એ ego ને હંમેશા પોતાનાથી દૂર રાખવામાં સફળ થયેલા અને નમ્ર બનીને માત્ર કાર્યની પૂજા કરનારા શશી કપૂર હંમેશા એમની ફિલ્મો દ્વારા આપણા હ્રદયમાં જીવંત રહેશે.

પ્રભુ, શશી કપૂરના આત્માને શાંતિ આપે!

શશી કપૂરે અમિતાભ બચ્ચન સાથે કરેલી ફિલ્મોની યાદી:

રોટી કપડા ઔર મકાન, દીવાર, કભી કભી, ઈમાન ધરમ, ત્રિશુલ, સુહાગ, કાલા પથ્થર, દો ઔર દો પાંચ, શાન, સિલસિલા, નમક હલાલ, અકેલા

eછાપું

તમને ગમશે: ઈરાને તેનું પહેલું સેટેલાઈટ રોકેટ ‘સિમોર્ઘ’ સફળતાપૂર્વક છોડ્યું પણ અમેરિકા પરેશાન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here