રાજકારણી નો ટેબ્લો….

  0
  448

  ગુજરાતમાં ચૂંટણીનો બૂંગિયો ઢોલ ‘બટાહટી’ બોલાવી રહ્યો છે. જે તે પક્ષના મોટા રાજકારણી થી માંડીને તળિયાના કાર્યકર પોતાના જ પક્ષનો તળિયા વગરનો કક્કો ઘૂંટતા ઘૂમી રહ્યા છે. સમગ્ર દેશનું નેતાવૃંદ ગુજરાતમાં ધામા નાંખી ગતિશીલ ગુજરાતની ગતિ વધારવાનો મરણીયો પ્રયત્ન કરી રહ્યું છે. કોઈ નેતા મોટી-મોટી ફેકમફેંક કરી પ્રજાનો પ્રકોપ વહોરે છે, તો કોઈ વળી નાનામોટા છબરડા વાળી હાસીપાત્ર બને છે. જ્ઞાતિના વાડા રચી બની બેઠેલા દુધીયાદાત ધરાવતા યુવાનેતા ય યુવાનોને ગુમરાહીના ગળથોલિયા ખવડાવી ફાટીને  ફદૂળકે ચડ્યાં છે. અમારા રાજકોટનાં રેસકોર્સની ઊભી બજારે, રોડની બન્ને સાઇડ દસ-દસ ફૂટનાં અંતરે અરધો કિલોમીટર સુધી ડામર ‘હહોરવા’ હાથ એક ઊંડા ખાડા ખોદી, તેમાં ઊભો ‘વાહડો’ ધરબી માથે એક રંગીન કેસરિયું બૅનર ચોટાડેલ હોય, જે બૅનરમાં ડાબા હાથ પર જમણો હાથ મૂકી ટટ્ટારથી છપ્પન ઇંચનો સીનો તાણીને હાસ્ય નીતરતી મુખમુદ્રામાં કોઈ નેતા અડીખમ ઊભા હોય! અને બૅનરનું મથાળું ટાક્યું હોય “હું છું વિકાસ”. કેવી કરુણતા! પ્રજાની હાલાકી કરી પાછાં એજ સ્ટેજ પરથી લાંબે, નરવે સાદે ભાષણ લલકારે કે, “અમે પ્રજાના સેવક છીએ! પ્રજાની સેવા એ જ અમારો ધ્યેય, કર્તવ્ય” ઈત્યાદી. લોકતંત્રની કેવી ભદ્દી મજાક છે આ?

  એક પણ પક્ષ, નેતા પ્રજામાં ભભૂકતા રોષથી બાકાત નથી. પ્રજાને થતી હાડમારી માટે કોઈ નરબંકો અવાજ ઊઠાવે તો નેતાને મરચાં લાગે છે. પ્રજા ક્રોધિત બની છે, ત્રસ્ત પ્રજા લાગ મળે તો નેતાને ટીંચી નાંખવા ય તત્પર છે. ટેલિવિઝનના સમાચારોમાં લબૂકઝબૂક થતા એક ને એક ચવાઈ ગયેલા વાક્યો એકતા કપૂરની સીરીયલોને ટક્કર મારે એવા હોય છે. જેમ કે, “પક્ષે ફલાણા ઉમેદવાર મેદાનમાં ઊતર્યા! ઢીકણા નેતાએ વિરોધપક્ષ પર કર્યા આકરાં પ્રહારો, કર્યા આકરાં હુમલા! પૂછડા પક્ષનાં કાર્યકરો એ કરી જડબેસલાક તૈયારીઓ, કમરકશી, કરો યા મરોનું આહ્વાન આપ્યું! આ વખતની ચૂંટણીમાં ખરાખરીની લડાઈ થશે!”  એલા અકર્મીઓ, તમે પ્રજાની સેવા કરવા આવ્યા છો કે ધડધીંગાણે એ જ સમજાતું નથી.

  આજની માઠી પરિસ્થિતિ જોઈ મને સત્યાર્થે પ્રાણની આહુતિ આપતા ન અચકાયેલા મહાન તત્ત્વજ્ઞાની સોક્રેટિસ યાદ આવી ગયા. તદ્દન સાદગીપૂર્ણ જીવેલાં સોક્રેટિસના પ્રમાણભૂત કોઈ ગ્રંથ નથી. તેમણે કોઈ હસ્તપ્રત સાહિત્ય લખ્યું નહોતું. તેના શિષ્ય એવા પ્લેટો એ જ તેમના વિચારોને અક્ષરદેહ આપી સંકલન કર્યું હતું. કહેવાય છે કે સોક્રેટિસ લોકોને એકઠાં કરી ક્યારેય આગેવાન તરીકે ભાષણ રજૂ કર્યું નહોતું. સભા ગજવવી, દેખાડો કરવો, પોતાનો જ પ્રચાર કરવો એવું બધું શ્રીમાન સોક્રેટિસને ન આવડ્યું એટલે જ ઝેરનો કટોરો પીવો પડ્યો! એ તો માત્ર મુક્ત રીતે વિચરતા રહેતા, જે લોકો મળતાં તેની સાથે સંવાદ કરતાં, પોતે અજ્ઞાની અને સામેની વ્યક્તિ જાણકાર હોવાનો ભાવ સર્જી  લોકોના પ્રશ્નોનો પ્રતિપ્રશ્નો પૂછીને જ સમાધાન કરતાં. કેટલી મહાનતા! આજ કાલના નાના મોટા રાજકારણી તો એક પક્ષમાંથી બિસ્તરા પોટલાં ઊઠાવી બીજા પક્ષમાં ચલક ચલાણું ભરે તોય પ્રેસ કૉન્ફરન્સ કરતા હોય છે.

  આવું હું મારા ઍપાર્ટમેન્ટના બગીચામાં બાકળે બેઠોબેઠો વિચારી રહ્યો હતો ત્યાં મારી નજર ઍપાર્ટમેન્ટની બહારની સરકારી ફૂટપાથ પડી. ફૂટપાથ પર મ્યુનિસિપલ કૉર્પોરેશને પાથરેલા પેવર બ્લૉક માના થોડાં ઊંચા આવીને હાઉકલી કરતાં બ્લૉક પર અમારાં સોસાયટીમાં જ રહેતા મેરુ પર્વત સમા વિશાળકાય પ્રકોપકાકાને નીચું જોવાની ટેવ ન હોવા ને કારણે ઠેસ વાગી. એમનો સ્વભાવગત દુર્વાસા ઋષિ જેવો ક્રોધ વછૂટ્યો, “મૂવાનું નખ્ખોદ જાય”  બબડી ગરવું ગળથોલિયું ખાતા માંડ બચ્યા. પાંચ હાથ પુરા કદાવર કાકા જો ભૂમિપાત થયા હોત તો પંદર-વિસ બ્લૉકનું કચ્ચરઘાણ નીકળી જાત! એમણે પેવર બ્લૉક સામે ડોળા તગતગાવ્યાં. એ ધીમેધીમે મારી તરફ આવી રહ્યા એવો તાગ કાઢી મેં કશું જોયું ન હોય તેવો ડોળ કરતા મોબાઈલને મંચડવા માંડ્યો.

  નામ એવા જ ગુણ ધરાવતા પ્રકોપકાકા અમારા ગામના જ. પોતાનાં પોત્રને ભણાવવા માટે કમને જ તેઓ અહી શહેરમાં આવી વસવાટ કરે છે. કાકાનો ઘઉંવર્ણો પહાડી દેહ, ટીચકું નાક, મોટા કાનને ચહેરા સાથે ભૂમિઅધિગ્રહણમાં વાકું પડ્યું હોય એમ કાનની બૂટ ગળાથી બે આંગળી છેટી રહે છે. શરીરમાં ઠેરઠેર જામેલા ધીંગી ચરબીના થથેરા, ગઠ્ઠાઓ મોટા પાવડા વાટે ઉસેડી શકાય એટલા બહોળા પ્રમાણમાં છે. જમણા ગાલ પર મોટો મસો, તેમ જ શીતળાના ડાઘને લીધે ભરાવદાર ગાલ પર વરસાદ પછી સરકારી રોડ પર પડે એવા ઠેરઠેર ખાડા પથરાયેલા છે. મૂછો રાખતા નથી, ઉપલો જાડો હોઠ વજનને લીધે એટલો બધો નીચે લબડી ગયો છે કે હોઠ અને નાકની વચ્ચેથી મોટો ભારખટારો પસાર થઈ જાય એટલી જગ્યા પડે છે! આંખો મોટી સોપારી જેવડી. કાળી ભમ્મરો પશુને નીરેલા પૂળા જેવી. માથામાં આગળ પડતી અર્ધચંદ્રાકાર ટાલને લીધે થયેલી વાળની અછતને સંતુલિત કરવા લાંબા વાળ રાખ્યાં છે, આ સુઘરીના માળા જેવા વાળ કાનમાંથી ઊંચા થતા વાળ સાથે એવી રીતે ગૂંથાયેલા છે જાણે રોહીંગ્યાના મુસ્લિમો કાશ્મીરી મુસ્લિમો સાથે આત્મીયતા બાંધે! કોઈ કુશળ ખેડૂતે હળ દ્વારા ખેતરમાં લાંબા સમાંતર ‘ચાહ’  નાખ્યા હોય તેવી વિશાળ કપાળમાં લાંબી કરચલીઓ પડે છે. પહાડી પંજા અને કસેલું ગ્રામીણ શરીર કોઈપણને જોતા જ અભો બનાવી દે.

  હંમેશા ઝભ્ભો-લેંઘામાં દૈદીપ્યમાન, છાશવારે બબાલને વરેલા કાકા આમ તો ગાંધીજીના પરમ ભક્ત છે અને ગાંધીજીનું ‘અહિંસા પરમો ધર્મ’ સૂત્ર આત્મસાત કર્યું છે;માત્ર અહિંસામાંથી ‘અ’ અધ્યાહાર સમજવો-

  તે મારી બાજુમાં બિરાજ્યાં એટલે “જયશ્રી કૃષ્ણ” કહી મેં વ્યવહારિક આવકાર આપ્યો. તિવ્ર નસકોરા બોલાવતા એમણે પોતાનાં છૂંદાયેલી ચૂચી અણીદાર મોજડીને પંપાળી.

  “શું થયું? મેં એ જોઈ અજાણ્યા બની પૂછ્યું. એમણે એક નિશ્વાસ નાખ્યો. કાયાને ટટ્ટાર કરી. કદાચ એમની અંદરનું બ્રાહ્મણ બેકટેરીયું બોલ્યું “ભિક્ષામ દે” એટલે કાકા એ ઝભ્ભાના ખિસ્સામાંથી પ્લાસ્ટીકની માવાની પોટલી કાઢી. ગાંઠ છોડી પોટલીને ખુલ્લી કરી. થોડીવાર મસળી સોપારી અને તમાકુંનું મિશ્રણ કર્યું. ચપટી એક ફાકડો ભરી મોમાં ઓર્યો. મને માવાનો આગ્રહ કર્યો એટલે મેં પણ ચપટી એક ચરણામૃત લીધું. જીભ વાટે કોઈ કુશળ ફૂટબોલ ખેલાડીને પેઠે ‘ડ્રીબ્લીંગ’ કરી ડૂચાને બંને ગલોફે રમાડ્યો. લોટ દળવાની હાથ ઘંટીમાં અનાજ દળાય એમ તેના મોમા સોપારી પિસાવા લાગી. મોમાં રસ ભરાયો એટલે એમનામાં ચેતનાનો સંચાર થયો. થોડો રસ ખપ પુરતો ગળે ઉતાર્યો બાકીનો પિચકારી સ્વરૂપે વિસર્જન કરી હાથથી હોઠ લૂંછીને મારી સામે વેધક દ્રષ્ટી કરી કહ્યું, “ઓલા બ્લોક પાથરવા વારા કંટ્રાટીને સતરવાર જોહણ વાર્યું તું પણ માને તો માનતા કરાવી પડે”

  “કોને?” મેં અજાણ બનાવાનો ડોળ કર્યો.

  “ઓલી ફૂટપાથ પર બ્લોક પાથર્યા એને” તેણે બહારની ફૂટપાથ તરફ ઈશારો કર્યો. મેં એ તરફ જોયું એટલે એ આગળ વધ્યાં, “ઈવડા ઈ કંટ્રાટીને કીધું તું કે હેઠેની માટી લેવલ કરજે, માથે પાણી છાંટી, ધુમ્મસ મારી તળિયું હરખાયે બેહાડજો. પસી જ એની માથે રેતી નાંખી બ્લોક પાથરજો…નકર તમાર ડોહો આ રેહે નય, પટ દેરા ક ના બેહી જાહે, હાળો માયનો જ નય…એટલે જ હાંઢીયાની ડોક જેવા વાંકાચૂકા થ્યા” એકી શ્વાસે બોલી એણે ઘંટલો પાછો ચગાવ્યો.

  “હમમમ”

  “આવા ને આવા ઠેકેદાર થય જાય…આમાં સરકારી કામ ક્યાંથી હારા થાય! ખોટી વાત સે મારી?” ખીજમાં મારા સાથળ પર તેની આદત મુજબ એક પહાડી થપાટ મારી. મારો સાથળ ચમચમી ગયો. એનું ધ્યાન હજું ફૂટપાથ તરફ જ હતું. જો પેલો કૉન્ટ્રાક્ટર અત્યારે સામો મળે તો બે લાત મારે એવો તેનો દિદાર હતો. મેં પ્રત્યક્ષ એમના આવા પરચા જોયા પણ હતાં.

  કાકાને ઠારવાનો પ્રયત્ન કરતા મેં કહ્યું, “કાકા, સરકારી સુપરવાઈઝર હોય એને કહેવાયને. ન માને તો ઊપરના ઓફિસરનું ધ્યાન દોરાય, એ લોકો ચોક્કસ યોગ્ય પગલા ભરે”

  “હામ્બેલું પગલા ભરે! એક કયેક આટા મારતો વોય ઈ કારકૂનને કીધું તું પણ ઈ હાયે હા કરે. આયા માથે ઊભો રયે તો કાયક માણહના પેટનું કામ થાય ને…ઓફિસુમાં જ બેહી રેવું સે રોયાવને. કટકી ખવરાવીને મોઢા બંધ કરી દયે પસી ઈ થોડાક ધ્યાન દયે. ખોટું કીધું?” હવે એણે ઘંટલાને ફૂલ સ્પીડે ભગાવ્યો. સમયસૂચકતા વાપરી હું થોડો ખસી ગયો એટલે એમણે સાથળની જગ્યાએ ખભા પર ટપલી મારી.

  “કાકા, બધા એવા ન હોય, જો આ કારકૂન ન માનતો હોય તો ચીફ ઓફિસરને કહેવાય એ ચોક્કસ ધ્યાન આપે, આપણા કોર્પોરેટરને ફરિયાદ કરાય” મેં ખભો પંપાળતા મારું ડહાપણ ડોળ્યું.

  “તું શાજોગ થા મા. કોર્પોરેટરને ય નિવેદ ધરી દીધા વોય. આ કંટ્રાટી ય રાજકારણી હય્સે. ઉપરથી હેઠે હુધી હંધાયને ઘૂસ ખવરાવી હય્સે. આખી સીસટમમાં હડો પેહી ગ્યો સે, આવાવ નાં લીધે જ સરકારી કામ નબળા થાય સે. ખોટી વાત સે મારી?” કાકાને મારા પર રીસ ચડી હોય તેવું લાગ્યું એટલે વાતને ટૂંકી કરતાં કહ્યું કે, “હશે, હું એવું નથી માનતો”

  “કેવું નથી માનતા તમે?” રૂપાની ઘંટડી જેવો સુમધુર અવાજ મારે કાને પડ્યો. છડેલી દાળ જેવી અમારા એપાર્ટમેન્ટની ગોરી ગોરી શીતલ ઉર્ફે શીતલી માણેકલટ ઝૂલાવતી, પાછળ બંને હાથ ભેરવી, લટકા કરતી ફૂલદડા જેવું ભુવનમોહન સ્મિત લહેરાવતી મારી સન્મુખ ખડી થઈ. સીધી સંધ્યાની વાદળીઓમાંથી અવતરીને આવી હોય તેવી તાજગી તેના ચહેરા પર રમતી હતી. ખારેક જેવી લંબગોળ માંજરી આંખો, ટકા નાળિયેરના આડા ભાંગીને બે ફાડિયા કરી ચોટાડ્યા હોય તેવા ભરાવદાર ગાલ. તેણે જાતજાતના આડાઅવાળા અંગ્રેજીમાં લખાણ લખેલું કાબરચીતરું ટી-શર્ટ ચડાવ્યું હતું, તેની ઊપર આખી બાયનો ખુલ્લી ચેઈન વાળો વાદળી કોટ અને ચપોચપ બ્લુ જીન્સ ધારણ કરી ફૂલફટાક થઈને તે આવી હતી. માથે શિયાળાને અનુરૂપ વસ્ત્રોને મેચિંગ કાનટોપી પહેરી હતી, કાનટોપીમાં ગરમી અથવા તો કોઈ ચોક્કસ કારણને લીધે એક માણેકલટ બહાર આવી પવનની લહેરખી સાથે માથા પર હિંચકા ખાતી હતી. ભાલ પર લાલચટક ચાંદલો સોરઠની ગરવી, સમથળ અને ખમીરવંતી ભોમકા મધ્યે એકલવાયો લચી પડેલા કોઈ ચણોઠીના છોડ જેવો સોહામણો દિશતો હતો. કાજળ, લાલી, લિપસ્ટિક અને પફપાવડરથી ‘સજળબંબ’ ફૂટતું જોબન હું જોતો સ્વગત બબડ્યો ‘અહો રૂપમ અહો ધ્વનિ’.

  ત્યાં જ એણે માંજરી અધમીંચી આંખોની પાંપણ પટપટાવતા ચપટી વગાડી, “હેલ્લો” કહી મને ઢંઢોળી ખરા સમયે ગાડી પાટે ચડાવી. મેં મારી વાતનો દોર સંધાતા કહ્યું કે,“સરકારી કામ અને રાજકારણ પર અમે ચર્ચા કરતા હતાં, હું એમ કહેતો હતો કે બધા રાજકારણી અને અધિકારી ખરાબ નથી હોતા”

  “એક્ચ્યુલી” તેણે ગાલ સાથે અડપલા કરતી માણેકલટને પાછી ટોપીમાં પુરી. કઈક વિચાર કરી, ગુલતાનમાં આવી લિજ્જતદાર લહેકામાં વર્ણસંકર ભાષામાં દોડાવ્યું. “બધા રાજકારણી ખરાબ નથી એગ્રી…બટ મોસ્ટ ઓફ જાડી સ્કીનના જ હોય છે”

  “બેટાને કવ તી આ વેદિયો માનતો નથી” કાકાએ તેની વાતમાં સંમતિ જતાવી. મારી સામે મોઢું ફુલાવી કોડા જેવી આખો કાઢી ઘૂરક્યા. ઊંડા અવાવરું કૂવામાં ઓચિંતી સરવાણી ફૂંટી હોય તેમ કાકાના ગાલના ખાડામાં છુપાયેલો મસો બહાર આવ્યો.

  “યુવાનોના પ્રવેશથી સિસ્ટમમાં કામ કરવાની ઝડપ તો વધી જ છે. ધીમેધીમે સુધારો આવશે જ” મારી વાતને ચોટી વિમાસણમાં વલવલતા મેં ખુલ્લાસો કર્યો

  કાકા એ શીતલીને ઉદ્દેશી ઘંટલો ચગાવતા, ભ્રકુટી તાણી. હાથલાના થોરના ઘોલા જેવી રાતીચોળ લાલ આખે ગર્જ્યા, “અરે આ રાજકારણી એ મા જયણા ભાયુંને બધવી માયરા સે, એક ઘરમાં ય હંપ નથ દેખાતો. ખોટી વાત સે મારી?”.

  શીતલી એ આખા એપાર્ટમેન્ટમાં ન સમાય એવો મોટો નિસાસો નાખી, અદબવાળી ખભા હિંચોળી મંજાયેલ રાજકારણી  જેવું ડબકું મૂક્યું, “હન્ડ્રેડ પર્સન્ટ સાચું કહ્યું તમે કાકા, કાલ નાઈટ ન્યુઝમાં આવતું હતું કે એક વહુ અને તેની મધર ઇન લો વચ્ચે ટીકીટ ઈશ્યુ રીલેટીવ કઈક મેટર હતી. આવા સો કોલ્ડ પોલીટીશ્યનને લીધે રીસંટલી જ અમારા ઘરમાં ફાઈટ થઈ. ઇટ્સ રીડીક્યુલસ” તેના ઉજળા ધાનના લોટના પીંડા જેવા ચહેરા પર ચિંતાની રેખાઓ પ્રસરી.

  “છાણે આયવા પાણે ઊગે એવા સે આ રાજકારણી. મને તો એવી દાઝ ચડે છે ને કે….” પાડા ઘાસ વાગોળે એમ શિવાજીની તલવાર સમા તિક્ષ્ણ દાતે કાકાએ માવો ચાવતા કહ્યું. મોઢામાં વધું પ્રવાહી ભરાયું હોવાને લીધે તે પિચકારી વિસર્જન કરવા પાછળ નમ્યા અને તેની મુખેથી અસ્સલ દેશી સુભાષિતો સાંભળવાથી અમો વંચિત રહ્યાં.

  અચાનક એપાર્ટમેન્ટના દરવાજા પાસે એક અજીબ દ્રશ્ય જોયું.

  હું નવાઈથી, કાકા બાઘા બની દરવાજા સામે જોઈ રહ્યા, શીતલીના ખળખળ વહેતાં રેવાના નીર જેવા શબ્દો આડે શીલા મુકાઇ ગઈ. બહારના દ્રશ્યથી વાતાવરણમાં ચૂપકીદી સેવાઈ…. સિવાય કે કાકાના ઘંટલાનો અવાજ…..

   

  વધું આવતા બુધવારે

   

  eછાપું

   

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here