આવો ફૂટબોલ અને તેનો રસપ્રદ ઈતિહાસ જાણીએ

  0
  971

  દુનિયાની સૌથી લોકપ્રિય રમત એટલે ફૂટબોલ. ફૂટબોલની રમત સમગ્ર યુરોપ અને બંને અમેરિકન ખંડોમાં એકસરખી લોકપ્રિય છે. પરંતુ, આપણને એ જાણીને આશ્ચર્ય થશે કે ફૂટબોલની શરૂઆત યુરોપ કે અમેરિકામાં નહીં પરંતુ ચીનમાં થઇ હતી. એવું જાણવા મળ્યું છે કે ઈસ્વીસન પૂર્વે બીજી કે ત્રીજી શતાબ્દીમાં ચીનના હાન પ્રાંતમાં લોકો કપડાના દડાને લાત મારીને નેટમાં મારતા અને ત્યારથી જ જગતમાં ફૂટબોલની રમતની શરૂઆત થઇ છે.

  જો કે કેટલાક રમત ઈતિહાસકારો એવો દાવો પણ કરે છે કે ફૂટબોલની શરૂઆત જાપાનના ક્યોટો પ્રાંતમાં થઇ હતી જ્યાં ચામડાના બોલને લાત મારવાની એક રમત અત્યંત લોકપ્રિય હતી. એ બાબતનું આશ્ચર્ય જરૂર થાય કે ફૂટબોલની રમત જ્યાં શોધવામાં આવી તે બંને દેશો એટલેકે ચીન અને જાપાન હાલના જમાનામાં ફૂટબોલની ટોચની ટીમોમાંથી એક નથી ગણાતા.

  કદાચ આ પાછળનું કારણ એમ પણ હોઈ શકે કે ફૂટબોલ ભલે ચીન કે જાપાનમાં શોધાયું હોય પરંતુ તેને આજની એટલેકે આધુનિક સ્વરૂપમાં ઢાળવાનું કાર્ય ઇંગ્લેન્ડમાં થયું હતું. મીડાઈવલ યુગમાં ઇંગ્લેન્ડમાં લોકો ફૂટબોલ રમતા ત્યારે તેમને માત્ર બોલને જ નહીં પરંતુ ખેલાડીઓને પણ લક્ષ્ય તરફ જતા રોકવા માટે લાત મારવાની કે તેમને મુક્કા મારવાની અથવાતો બટકાં ભરવાની અને ધક્કા મારવાની છૂટ હતી. આમ એ સમયે ફૂટબોલનું મેદાન કોઈ યુદ્ધના મેદાન કરતા જરાય ભિન્ન દેખાતું ન હતું.

  કિંગ એડવર્ડ ચોથાએ આ પ્રકારે રમત દરમ્યાન સતત વધી રહેલી હિંસક ઘટનાઓથી ત્રસ્ત થઈને ઇંગ્લેન્ડમાં 1365માં ફૂટબોલ રમવા પર પ્રતિબંધ જ મૂકી દીધો હતો. 1424માં સ્કોટલેન્ડના રાજા જેમ્સ પહેલાએ પણ પાર્લામેન્ટમાં જાહેર કર્યું હતું કે “કોઇપણ વ્યક્તિ ફૂટબોલ રમશે નહીં!”

  આમ લગભગ ત્રણ હજાર વર્ષથી રમાતી એક રમત પર એટલીસ્ટ ઇંગ્લેન્ડ અને સ્કોટલૅન્ડમાં તો પ્રતિબંધ મુકાઇ ગયો. તો પછી આ રમત ફરી કેવી રીતે શરુ થઇ? અને તેને આજનું આધુનિક સ્વરૂપ કેવી રીતે મળ્યું એવો સવાલ પણ આપણને બધાને થાય જ. તો આવો જાણીએ કે ફૂટબોલ તેના મૂળ સ્વરૂપે કેવી રીતે આવ્યું.

  તમને ગમશે: કૌતુક! ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વીટ્સવાળા ટોઇલેટ પેપર એમેઝોન પર વેંચવા મુકાયા

  આધુનિક ફૂટબોલ અને તેની શરૂઆતની કથા

  ઇંગ્લેન્ડ આમ પણ રમતના નિયમો બનાવવામાં અને તેને ચુસ્તતાથી પાલન કરાવવામાં માહેર છે. આથી 1815માં ચોક્કસ નિયમો ઘડીને ફૂટબોલને ઇંગ્લેન્ડની યુનિવર્સીટીઓ, કોલેજો અને સ્કૂલોમાં રમાડવાનું નક્કી કર્યું. ઇંગ્લેન્ડની કેટલીક જાણીતી સ્કૂલો અને એટન કોલેજે નિયમો ફૂટબોલ રમવાના નિયમો ઘડવા માટે હાથ મેળવ્યા અને આ નિયમોને કેમ્બ્રિજ રૂલ્સ તરીકે ઓળખવામાં આવ્યા. ત્યારબાદ બે ગ્રુપ બનાવવામાં આવ્યા જેમાં એક ગ્રુપ કોલેજોનું હતું જ્યારે બીજું ગ્રુપ સ્કૂલનું હતું . સ્કુલના ગ્રુપે ઉપરોક્ત નિયમોમાં કેટલાક રગ્બીના નિયમો જેમકે ખેલાડીને પાડી દેવો, ઘૂંટણથી કિક મારવા દેવી અને બોલને હાથમાં લઈને દોડવો, ઉમેરી દીધા. જો કે આ નિયમો કેમ્બ્રિજ રૂલ્સની વિરુદ્ધ હતા તેથી તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

  છેક 1863માં હાલમાં જે રીતે જગતભરમાં ફૂટબોલ રમાય છે તે પ્રકારનું ફૂટબોલ રમવાનું શરુ થયું. આ વર્ષના ઓક્ટોબરમાં લંડનની ક્લબો અને સ્કૂલોના કેટલાક પ્રતિનિધિઓ ફ્રીમાસન્સ ટાવર્નમાં ભેગા થયા અને તેમણે ફૂટબોલ રમવાના સામાન્ય નિયમો બનાવ્યા જેને ફોલો કરીને તેઓ આ રમતને રમી શકે. આ મીટીંગ બાદ ફૂટબોલ એસોસિએશનની સ્થાપના થઇ. ડિસેમ્બર 1863માં રગ્બી ફૂટબોલ એસોસિએશન અને ફૂટબોલ એસોસિએશન જુદા થયા અને રગ્બી સ્કૂલો ફૂટબોલ એસોસિએશનમાંથી દૂર થઇ ગઈ.

  1869માં એસોસિએશને રમત દરમ્યાન ફૂટબોલને કોઇપણ પ્રકારે હાથ અડાડવા પર સંદતર પ્રતિબંધ મૂકતો નિયમ બનાવ્યો. ત્યારબાદ બ્રિટીશ નાવિકોએ 1800ની સદીમાં તેઓ જ્યાં જ્યાં ગયા તે દેશોમાં ફૂટબોલની રમતને સાથે લેતા ગયા અને તેને લોકપ્રિય બનાવતા ગયા.

  યુરોપમાં ઇટલી, ઓસ્ટ્રિયા અને જર્મનીએ આ રમતને અપનાવી લીધી, તો દક્ષિણ અમેરિકામાં આર્જેન્ટિના, ઉરુગ્વે અને બ્રાઝિલના લોકોને આ રમતે ઘેલું લગાડ્યું. સમગ્ર વિશ્વમાં ફૂટબોલના નિયમો બનાવનાર અને ફૂટબોલને ચલાવનારી સંસ્થા FIFA ની સ્થાપના 1904માં થઇ અને 1930 સુધીમાં ક્લબ ફૂટબોલની શરૂઆત થઇ જે આજે ફૂટબોલ રમવામાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે.

  ફૂટબોલ અંગેની કેટલાક રસપ્રદ હકીકતો

  • ફૂટબોલ તરીકે સમગ્ર વિશ્વ જે રમતને ઓળખે છે તેને અમેરિકામાં લોકપ્રિય થતા વર્ષોના વર્ષ લાગ્યા. અમેરિકનો ફૂટબોલને મશ્કરીમાં Soccer કહેતા પરંતુ છેવટે ગઈ સદીના અંત સુધીમાં અમેરિકાને પણ આ રમતે ઘેલું લગાડ્યું અને હવે અમેરિકા પણ ફૂટબોલ વિશ્વમાં એક શક્તિ તરીકે ઉભરી ચુક્યું છે.
  • ઇંગ્લેન્ડમાં જ્યારે ફૂટબોલને રમવાની શરૂઆત થઇ ત્યારથી જ મહિલાઓ તેને રમે છે પરંતુ દુનિયામાં મહિલા ફૂટબોલની લોકપ્રિયતા છેક 1990 ના દાયકામાં વધી ગઈ હતી.
  • ચીનમાં જ્યારે ફૂટબોલની રમત રમવાની શરૂઆત થઇ હતી ત્યારે તે કપડાનો બનેલો હતો અને તેમાં નકામી વસ્તુઓ ભરીને તે કપડાને સીવી દેવામાં આવતું હતું. ઇંગ્લેન્ડમાં ફૂટબોલ જ્યારથી રમાવાનું શરુ થયું ત્યારથી તેનો બોલ ભૂંડની ચરબીમાંથી બનાવવામાં આવતો.
  • હાલમાં જે ફૂટબોલની રમત રમાય છે તેનો દડો સિન્થેટિક લેધરનું ઉપરી આવરણ ધરાવે છે જ્યારે અંદરની સાઈડ લેટેક્સ અથવાતો બ્યુટાઈલ રબરથી બનાવાય છે.
  • ઇનસ્ટેપ ડ્રાઈવ, સ્વર્વ શોટ, ધ ફૂલ વોલી, ધ હાફ વોલી, ધ સાઈડ વોલી અને ધ ફ્લાઈંગ વોલી એ ફૂટબોલના કેટલાક શોટ્સ અથવાતો કિક મારવાના પ્રકારો છે.
  • ફૂટબોલની એક મેચ રમતી એક ટીમમાં વધુમાં વધુ 11 ખેલાડીઓ હોઈ શકે છે. ફૂટબોલની વિવિધ પોઝીશનો આ પ્રમાણે છે: ગોલકીપર, સેન્ટર-બેક. સ્વીપર, ફૂલબેક, વિંગબેક, સેન્ટર-મીડફિલ્ડર, ડિફેન્સીવ મીડ-ફિલ્ડર, એટેકીંગ મીડ-ફિલ્ડર, વિન્ગર, ફોરવર્ડ, સ્ટ્રાઈકર અને સ્ટોપર.
  • ફૂટબોલનું મેદાન ઘાસનું બનેલું હોય છે અને તેને ‘પીચ’ કહેવાય છે. પીચની લંબાઈ 100 અને 130 યાર્ડ્સ અને પહોળાઈ 50 થી 100 યાર્ડ્સ વચ્ચેની હોવી જરૂરી છે.
  • આંતરરાષ્ટ્રીય ફૂટબોલની મેચ 90 મિનીટ્સની હોય છે અને તેને 45-45 મિનીટના બે ભાગમાં વહેંચી દેવામાં આવે છે.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here