પૃથ્વીનો વિનાશ થાય તો ચિંતા નથી! આપણી પાસે હશે સુપર અર્થ

  0
  376

  દિવસેને દિવસે ક્લાઈમેટ ચેન્જની ભયંકર અસરો દેખાવા લાગી છે. વળી, આ અંગે વિશ્વના દેશો સમાધાન શોધી રહ્યા છે તેમ છતાં આ અસરો વધતી જ ચાલી છે. એવામાં કોઈ દિવસ એવો જરૂર આવશે જ્યારે આપણી આ પૃથ્વીનો વિનાશ થશે. આમ પણ અત્યારની પૃથ્વી પણ કોઈ મોટા સર્વનાશ બાદ જ ઉભરી આવી છે ને? પરંતુ હવે જો આપણી પૃથ્વીનો વિનાશ થશે તો આપણે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી કારણકે આપણી પાસે એ સમયે બીજી પૃથ્વી અવેલેબલ હશે જેનું નામ છે સુપર અર્થ!

  જી હા! કેનેડાની યુનિવર્સીટી ઓફ ટોરન્ટોના વૈજ્ઞાનિકોએ હાથ ધરેલા સંશોધનો જેમાં તેમણે યુરોપિયન સધર્ન ઓબ્ઝરવેટરીના ડેટાનો ઉપયોગ કર્યો હતો તેનાથી ખબર પડી છે કે પૃથ્વીથી 111 પ્રકાશવર્ષ દૂર એક નાનકડું લાલ રંગનું ટપકું દેખાય છે ત્યાં કદાચ જીવન શક્ય છે. હાલમાં આ લાલ ટપકું એટલેકે એ ગ્રહને K2-18b નામ આપવામાં આવ્યું છે. આમ જો ભવિષ્યમાં પૃથ્વી પર કોઈ તકલીફ આવી પડશે તો આપણા બધા માટે પૃથ્વી છોડીને કોઈ અન્ય ગ્રહ પર જવાનો એક વિકલ્પ હાથવગો રહેશે.

  આ સુપર અર્થએ આપણી સોલર સિસ્ટમથી ઘણી દૂર છે જેને સૌથી પહેલીવાર 2015માં શોધી કાઢવામાં આવી હતી. વૈજ્ઞાનિકોનું માનવું છે અથવાતો એમ કહીએ કે તેમના અત્યારસુધીના સંશોધનોથી એવું સાબિત થયું છે કે અહીંની જમીન ખડકાળ છે અને અહીં કદાચ જમીન પર જળ એટલેકે પાણી પણ ઉપલબ્ધ છે. જો વૈજ્ઞાનિકોનું આ પ્રાથમિક અવલોકન સાચું પડ્યું તો પછી પૃથ્વીવાસીઓ માટે આ ખરેખર સારા સમાચાર છે.

  તમને ગમશે: ભારત સાથે ડોકલામ મુદ્દે ચીનને જ યુદ્ધ પાલવે તેમ નથી

  નવા સંશોધન અનુસાર સુપર અર્થ આપણી હાલથી પૃથ્વી કરતા ઘણી મોટી છે અને આ પ્રકારનો નિષ્કર્ષ ચિલીમાં આવેલી લા સિલ્લા ઓબ્ઝરવેટરી દ્વારા એકઠા કરવામાં આવેલા પિક્ચર્સ દ્વારા સ્થાપિત થઇ શક્યો છે. હાલમાં તો સંશોધનકારો બે બાબતો નક્કી કરી શક્યા છે અને તે એ છે કે સુપર અર્થ અત્યંત વિશાળ અને ખડકાળ છે અને ત્યાં વાયુનું વાતાવરણ અથવાતો જાડા બરફના આવરણ હેઠળ જળ પણ છે, જે સૌથી ઉત્સાહવર્ધક સંશોધન કહી શકાય.

  હજી તો આ યુનિવર્સીટીના સંશોધકોનું પ્રાથમિક સંશોધન છે, પરંતુ એ દિવસ દૂર નથી જ્યારે અમેરિકાની અવકાશ સંસ્થા NASA આ આ માટે વધારે સંશોધન કરવા મેદાનમાં આવશે અને પોતાના અત્યંત શક્તિશાળી જેમ્સ વેબ્બ સ્પેસ ટેલિસ્કોપથી ઉપરોક્ત સંશોધન કરતાં પણ વધુ સારું, સાચું અને સ્પષ્ટ પરિણામ આપણને જણાવી શકશે.

  તો રાહ જોઈએ કે NASA અને વિશ્વની અન્ય સંસ્થાઓ આ અંગે આધુનિક સંશોધન કરવા આગળ આવે અને આપણને જણાવે કે પૃથ્વીના અંત પછી પણ આપણી પાસે રહેવા લાયક કોઈ અન્ય જીવંત ગ્રહ છે કે કેમ?

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here