શિયાળુ રેસીપી: પીન્ની એટલે પંજાબનો અડદિયો

  0
  412

  શિયાળો આવે એટલે ઘરઘરમાં મસ્ત મજાના વસાણા બનવા માંડે. ગુજરાતમાં સામાન્યતઃ દરેક શિયાળામાં અડદિયો અને મેથીપાક (પેલો સ્કુલવાળો નહીં જ અફકોર્સ) વસાણા તરીકે સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. તો દૂર પંજાબમાં પીન્ની પણ એક અતિશય મહત્ત્વના શિયાળુ ખોરાક તરીકે ઓળખવામાં આવે છે. અમને ખબર છે કે કોઈ નવી વાનગીનું નામ નજરે ચડતાં જ તમને તેની રેસીપી જાણવાની અધીરાઈ થતી હશે, પરંતુ પહેલા આ પીન્ની છે શું તેના વિષે જાણીએ?

  શિયાળામાં અડદિયા કે પછી મેથીની મીઠાઈઓ બનાવવા તેમજ ખાવા પાછળ આયુર્વેદ છુપાયેલું છે તેની પણ આપણને ખબર છે. પીન્ની બનાવવામાં વપરાતી સામગ્રી પર જો નજર નાખીશું તો પણ આપણને આસાનીથી ખ્યાલ આવી જશે કે આ મીઠાઈ પાછળ પણ શિયાળામાં બને તેટલી તંદુરસ્તી ભેગી કરી લેવાનો જ આશય છુપાયો છે. આ પંજાબી મીઠાઈ લોટ, દૂધ, અઢળક માત્રામાં સુકોમેવો અને ઘીને મિક્સ કરીને બનાવવામાં આવે છે. માત્ર શિયાળો જ નહીં પંજાબી સામાજીક તેમજ ધાર્મિક ઉત્સવોમાં કે પછી લગ્નોમાં અથવાતો જન્મદિવસે પણ પંજાબમાં પીન્નીનું ખાસ મહત્ત્વ જોવા મળે છે.

  ગુજરાતમાં જેમ અડદિયા અને મેથીની મીઠાઈઓ છેલ્લા ઘણા વર્ષોથી બજારમાં પણ મળવા માંડી છે તેમ પંજાબમાં પણ હવે પીન્ની હલવાઈની દુકાનોમાં મળે છે. ગુજરાતની જેમજ પંજાબી મહિલાઓ પણ દુકાનની પીન્ની ખાવા કરતા તેને ઘરે જ બનાવવામાં માને છે. એકરીતે જોવા જઈએ તેમ ગુજરાતમાં અડદિયાની જેમજ ઘેરે બેસીને પીન્ની બનાવવી એ પંજાબની પ્રથા બની ગઈ છે. પંજાબીઓ આમપણ ભરપેટ ભોજન કરવા અને કરાવવા માટે પ્રસિદ્ધ છે અને આથી જ ત્યાં દરેક ઘરે અતિશય મોટી માત્રામાં પીન્ની બનાવવામાં આવે છે.

  ચાલો હવે વાતો બહુ કરી, હવે જોઈએ પીન્ની બનાવવાની રેસીપી

  પંજાબી મીઠાઈ પીન્ની બનાવવાની રેસીપી

  પંજાબી પીન્ની બનાવવા માટેની સામગ્રી:

  • 250 ગ્રામ ઘઉંનો લોટ
  • 250 ગ્રામ ઘી
  • 250 ગ્રામ ખાંડ
  • અડધો કપ દૂધ
  • 15 ગ્રામ લીલી એલચીનો પાવડર
  • 25 ગ્રામ કિસમિસ
  • 25 ગ્રામ બદામ
  • 25 ગ્રામ કાજુ

  સર્વ કરશે: ચાર વ્યક્તિઓને

  કુલ સમય: 30 મિનીટ્સ  (તૈયારીનો સમય: 10 મિનીટ્સ; બનાવવાનો સમય: 20 મિનીટ્સ)

  કેવી રીતે બનાવશો પંજાબી પીન્ની:

  1. જાડા તળિયાવાળું પેન અથવાતો કડાઈ લો અને તેમાં ઘી ગરમ કરીને ઘઉંનો લોટ ઉમેરો.
  2. જ્યાં સુધી લોટનો રંગ બ્રાઉન ન થાય અને તેમાંથી શેકાવાની સુગંધ ન આવે ત્યાં સુધી તેને ધીમી ફ્લેમ પર શેકો.
  3. શેકાઈ ગયા બાદ તેને ગેસ પરથી દૂર કરીને એક અલગ પ્લેટમાં રૂમ ટેમ્પરેચર જેટલું ઠંડુ કરો.
  4. હવે તેમાં ખાંડ, લીલી એલચીનો પાવડર ઉમેરો, ધીમેથી દૂધ ઉમેરો અને તેના ગોળ લાડુ અથવાતો તળિયું બનાવીને વાળો.
  5. હવે દરેક બોલને જુદાજુદા અથવાતો મિશ્રિત ડ્રાયફ્રૂટ દ્વારા ડેકોરેટ કરો.

  હવે ફટાફટ પંજાબી પીન્ની બનાવીને તમને એ કેવી લાગી તે અનુભવ અમને નીચે કમેન્ટ્સમાં કે પછી અમારા ફેસબુક અથવાતો ટ્વીટર પર શેર કરો.

  eછાપું

  તમને ગમશે: ટચૂકડો પેસિફિક દેશ ગુઆમ જેના પર ઉત્તર કોરિયાઈ સરમુખત્યાર આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યો છે

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here