હોલીવુડ ફિલ્મોમાં અદાકારોની પસંદગીમાં વિવિધતા કેમ નથી?

  0
  302

  આ ચર્ચા 2014માં શરુ થઇ હતી. બન્યું એવું કે હોલીવુડ માં ખૂબ મોટું નામ ધરાવતા પ્રોડક્શન હાઉસ Sony Pictures Entertainment ના અતિશય મહત્ત્વના ડેટા હેક થઇ ગયા હતા અને તેમાં એક અનામી ફિલ્મ પ્રોડ્યુસરનો વિવાદાસ્પદ પત્ર પણ હેક થયો હતો જેને બાદમાં હેકર્સ દ્વારા લીક કરવામાં આવ્યો હતો.

  આ પત્રમાં એ બેનામી પ્રોડ્યુસરે The Equalizer ફિલ્મમાં ડેન્ઝેલ વોશિંગ્ટનને કાસ્ટ કરવા પર સવાલ ઉઠાવ્યો હતો. આ પ્રોડ્યુસરે સોની પિક્ચર્સ પર આરોપ મૂક્યો હતો કે તે મોટા બજેટની ફિલ્મોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ હીટ કરાવવા માટે વિચારતું નથી અને તેનાથી આવી ફિલ્મો આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરી શકતી નથી. આમ થવા પાછળ આ પ્રોડ્યુસરે કારણ જણાવતા લખ્યું હતું કે વિદેશોમાં આફ્રિકન-અમેરિકન એક્ટરો તેમજ ફિમેલ એક્ટ્રેસ જયારે કોઈ હોલીવુડ ફિલ્મમાં લીડ રોલમાં હોય છે ત્યારે તે ફિલ્મો ખાસ કશું ઉકાળી શકતી નથી.

  તકલીફ એ છે કે જો હોલીવુડની ફિલ્મ કંપનીઓ વિદેશમાં પણ ઉપરોક્ત પ્રોડ્યુસરના લોજીકને અનુસરીને અશ્વેત અમેરિકન એક્ટર્સને અવગણવાનું શરુ કરી દે તો હોલીવુડમાં જ ઘણા એક્ટરો અને એક્ટીવીસ્ટ્સ તેમજ મીડિયા તેમની પાછળ હાથ ધોઈને પડી જાય. તેમ છતાં છેલ્લા અમુક વર્ષોમાં ઉપરોક્ત ઉપરોક્ત લોજીકને ધ્યાનમાં લઈને વિદેશી બજાર આધારિત ફિલ્મો બનાવવા લાગ્યું છે.

  વર્ષ 2005 અને 2012 વચ્ચે રિલીઝ થયેલી લગભગ 800 હોલીવુડ ફિલ્મો પર રીસર્ચ કરનાર એક વેબસાઈટનું કહેવું છે કે હોલીવુડ પ્રોડ્યુસર્સ હવે આર્થિક કારણોને ધ્યાનમાં લઈને જ એક્ટર્સના ‘રંગ’ને ધ્યાનમાં લઈને ફિલ્મો બનાવે છે.

  હોલીવુડ અમેરિકન ભાવનાથી સાવ વિરુદ્ધ જઈ રહ્યું છે

  USC એન્નેનબર્ગ સ્કૂલ ફોર કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ દ્વારા 2014માં રીલીઝ થયેલી અસંખ્ય ફિલ્મો અને ટીવી સિરીઝના બોલચાલ કરતા 11,000 પાત્રોનો અભ્યાસ કરવામાં આવ્યો. આ તમામ પાત્રો ભજવનાર 75 ટકાથી પણ વધુ અદાકારો શ્વેત હતા, 12 ટકા અશ્વેત, 6 ટકા એશિયન, 5 ટકા હિસ્પેનિક અથવાતો લેટીનો અને 3 ટકા મિડલ ઇસ્ટર્ન કે અન્ય હતા. ત્યારબાદ ઉપરોક્ત વેબસાઈટે 2005 થી 2012 દરમ્યાન રિલીઝ થયેલી ફિલ્મોનો ડેટા વિવિધ ફિલ્મ વેબસાઈટ જેવીકે IMDB, Rotten Tomatos વગેરેનો ડેટા ખંખોળી નાખ્યો અને દરેક વર્ષની 150 ટોચની ફિલ્મો જે અમેરિકા અને અમેરિકા બહાર પ્રદર્શિત થઇ હતી તેને પસંદ કરી. આ ફિલ્મોમાં G રેટેડ અને એનીમેટેડ ફિલ્મોને સામેલ કરવામાં આવી ન હતી.

  આ ડેટા પર રિસર્ચ કરતાં અત્યંત આઘાતજનક પરિણામો બહાર આવ્યા હતા. ઉપર જણાવેલા સમયની ફિલ્મોમાં માત્ર 28 ટકા ફિલ્મોમાં મહિલા લીડ કેરેક્ટર તરીકે હતી અને માત્ર 19 ટકા જ અશ્વેત કલાકારો હતા જેમણે લીડ રોલ ભજવ્યો હતો. આ આંકડા અમેરિકાની છેલ્લી વસ્તીગણતરીના આંકડાની સાવ વિરુદ્ધ હતા. અમેરિકાની વસ્તી અનુસાર દેશમાં 51 ટકા વસ્તી મહિલાઓની છે અને 35અશ્વેત અને હિસ્પાનીક છે!

  તમને ગમશે: ઈરાનનું ચાબહાર પોર્ટ ભારત માટે કેમ મહત્ત્વનું છે એ સમજવાના સાત કારણો

  હોલીવુડ ગ્રાહકલક્ષી બની રહ્યું છે

  હોલીવુડ આજકાલ સ્વતંત્ર ડિરેક્ટર્સ તેમજ ઓનલાઈન કન્ટેન્ટથી ખૂબ મોટી સ્પર્ધા મેળવી રહ્યું છે. આવામાં પ્રોડ્યુસર્સ અને ફિલ્મ બનાવતી કંપનીઓ વધુ મોટા ઓડિયન્સ સુધી પહોચવા માંગે તે સ્વાભાવિક છે. આવામાં તેમની પાસે વિદેશી બજાર તરફ નજર માંડવા સિવાય તેમની પાસે બીજો કોઈજ રસ્તો નથી. હોલીવુડને કમાણી કરી આપતા વિદેશી બજારોમાં આજકાલ ટોચ પર ચીન, જાપાન, યુકે, ફ્રાન્સ અને ભારત છે. તો શું એમ કહી શકાય કે હવેથી હોલીવુડ કયા પ્રકારની ફિલ્મો બનાવશે તે આ ચાર-પાંચ વિદેશી બજારો નક્કી કરશે?

  હોલીવુડ કરતાં વિદેશમાં અશ્વેત લીડ અદાકારો ઓછા લોકપ્રિય

  ઉપર જણાવેલા સરવેમાં જો વધુ ખોદકામ કરીએ તો એ સાબિત થાય છે કે હોલીવુડની ફિલ્મોમાં શ્વેત એક્ટર મુખ્ય ભૂમિકામાં  હોય તો તે વિદેશોમાં વધુ ચાલે છે નહીં કે અશ્વેત એક્ટર લીડ રોલમાં હોય તો. આ સરવે એમ કહે છે કે જો મુખ્ય ભૂમિકામાં શ્વેત-અશ્વેત અદાકારોનું પ્રમાણ જો 10 ટકા વધારી દેવામાં આવે તો આંતરરાષ્ટ્રીય બજારોમાં એ ફિલ્મની કમાણી 17 ટકા જેટલી ઘટી જાય છે. આ ત્યારે પણ બને છે જ્યારે આ ફિલ્મોની ક્વોલીટીમાં જરાય કોઈ ખામી નથી હોતી.

  સૌથી વધુ આઘાતજનક પરિણામ તો એ છે કે જો માત્ર એક અશ્વેત અદાકારને શ્વેત લીડ એક્ટર હોવા છતાં મુખ્ય ભૂમિકામાં ઉમેરવામાં આવે તો એ ફિલ્મોની આંતરરાષ્ટ્રીય બજારોમાં કમાણી 40 ટકા જેટલી ઘટી જાય છે! જો કે આશ્ચર્ય પમાડે એવી હકીકત અહીં એ છે કે શ્વેત અદાકાર અથવાતો અદાકારા ફિલ્મને લીડ કરતી હોય તો કમાણીમાં કોઈજ ફરક પડતો નથી.

  આમ, ઉપરોક્ત સરવે પરથી એ તો સાબિત થાય જ છે કે પેલા પ્રોડ્યુસરે લખેલા ઈમેઈલમાં તેની ચિંતા સાવ ખોટી તો નથી. હોલીવુડ જેટલીવાર વિવિધ અદાકારોનું મિશ્રણ કરે છે ત્યારે તેની વિદેશી કમાણી ઓછી થાય છે. આમ હોલીવુડમાં રંગભેદી વલણ કદાચ સીધી રીતે ન પણ અપનાવવામાં આવતું હોય પરંતુ ગ્રાહકને પસંદ પડે એ પ્રકારના અદાકારો પેશ કરવાની અને તેના થકી મોટી કમાણી કરવાના હેતુથી પ્રોડ્યુસર્સ અશ્વેત અદાકારોને લીડ રોલમાં લેતા અચકાતા  હોય તે શક્ય છે.

  હોલીવુડની લગભગ તમામ ફિલ્મો સ્થાનિક કરતા વિદેશના બજારોમાં વધુ કમાણી કરે છે તે હકીકત છે. શ્વેત અને અશ્વેતનું સરખું પ્રમાણ ધરાવતી ફિલ્મો ભલે અમેરિકામાં કરોડોની કમાણી કરતી હોય પરંતુ વિદેશમાં તે ચાલી શકતી નથી તેનું ઉદાહરણ પણ ઉપરોક્ત સરવેમાં આપવામાં આવ્યું છે. 2012માં ‘Think Like a Man’ ફિલ્મે 91.5 મિલિયન અમેરિકન ડોલર્સની કમાણી કરી હતી પરંતુ વિદેશી બજારમાંથી તેને માત્ર 4.5 મિલિયન અમેરિકન ડોલર્સ જ મળ્યા હતા. આવું જ 2011માં એકેડમી અવોર્ડ જીતનારી ફિલ્મ ‘The Help’ સાથે પણ બન્યું હતું. આ ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફીસ પર 169.7 મિલિયન અમેરિકન ડોલર્સ ઉસેટી લીધા હતા જ્યારે વિદેશમાંથી તે માત્ર 46.9 મિલિયન ડોલર્સ જ કમાઈ શકી હતી.

  અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે હોલીવુડ પ્રોડ્યુસર્સ ઈચ્છે તો પણ વિદેશી બજારોને અવગણી શકે તેમ નથી. આમ આવનારા ઘણા વર્ષો સુધી હોલીવુડ ની ફિલ્મોમાં અદાકારોની પસંદગીમાં વિવિધતા જોવા નહીં જ મળે તે પાક્કું છે.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here