મણિશંકર ઐયર – આમની જીભને તો આવી આદત પહેલેથી જ છે

    0
    325

    2014ના જાન્યુઆરીમાં દિલ્હીના તાલકટોરા સ્ટેડીયમમાં ભરાયેલા AICCનું સેશન બે કારણોસર ચર્ચામાં રહ્યું હતું. આ સેશન દરમ્યાન કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ સ્ટેજ પરથી મણિશંકર ઐયરના વખાણ કર્યા હતા. રાહુલ ગાંધીએ મણિશંકર ઐયર દ્વારા પંચાયતી રાજના સફળ અમલીકરણને યાદ કરીને કહ્યું હતું કે આ યોજના તેમના પિતાના હ્રદયની ખૂબ નજીક હતી. AICCના આ સેશનને યાદગાર રાખવાનું બીજું કારણ એ હતું કે આ જ સેશન દરમ્યાન મણિશંકર ઐયરે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે “નરેન્દ્ર મોદી આ દેશના વડાપ્રધાન ક્યારેય નહીં બને પરંતુ જો તેમની ઈચ્છા હોય તો AICCના આ સેશનની બહાર ચા વેંચવાની વ્યવસ્થા તેઓ જરૂર કરી આપશે.”

    સત્તાનો મદ હોય કે પછી રાહુલ ગાંધીએ જાહેરમાં તેમનું નામ લઈને વખાણ કર્યા હોવાનો નશો હોય, મણિશંકર ઐયરે મોદીને ચાવાળો કહીને 2014ની લોકસભાની ચૂંટણીઓનું રુખ પલટી નાખ્યું હતું. પ્રજા સમક્ષ ભાવનાત્મક મુદ્દાઓ લઇ જવામાં હોશિયાર એવા નરેન્દ્ર મોદીએ તરતજ ‘ચાય પે ચર્ચા’ નામક પ્રચાર અભિયાન શરુ કર્યું અને સામે ચાલીને પોતાને ચાવાળો કહેવા લાગ્યા જે આજ સુધી ચાલુ છે અને આ બે શબ્દો કાયમ કોંગ્રેસના ઘા પર મીઠું ભભરાવવાનું કાર્ય કરે છે.

    હજી થોડા દિવસ અગાઉ મણિશંકર ઐયરે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓના મતદાનના પ્રથમ રાઉન્ડ પહેલા નરેન્દ્ર મોદીએ ‘નીચ આદમી’ કહીને ફરીથી હોબાળો મચાવી દીધો હતો. જે રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તાઓ સમક્ષ ત્રણ વર્ષ પહેલા મણિશંકર ઐયરના વખાણ કર્યા હતા એ જ રાહુલ ગાંધીએ ત્વરિત એક્શન લેતા મણિશંકર ઐયરને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા. પરંતુ મણિશંકર ઐયર જે એક સમયે ભારતના ડીપ્લોમેટ તેમજ કેબિનેટ મંત્રી પણ રહી ચુક્યા છે તેમને આ પ્રકારના વિવાદાસ્પદ વિધાનો કરવાની કદાચ આદત પણ છે. માત્ર નરેન્દ્ર મોદી જ નહીં પરંતુ પૂર્વ ભાજપી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સુદ્ધાં ઐયરના બફાટની ઝપટમાં આવી ગયા છે.

    માત્ર વિપક્ષ જ નહીં પરંતુ ઘણીવાર તો ખુદ કોંગ્રેસને પોતાના બયાનો દ્વારા ‘મણી’ તરીકે ઓળખાતા આ ઐયરે તકલીફમાં મૂકી દીધી છે. જ્યારે ભારતે 2010ની કોમનવેલ્થ ગેમ્સ અને 2014ની એશિયન ગેમ્સ માટે દાવો કર્યો ત્યારે ખેલમંત્રી મણીશંકર ઐયર તરફથી બયાન આવ્યું કે અહીં પૈસા વેડફવા કરતા ભારતમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં વાપરવા જોઈએ. એમની વાત જરાય ખોટી ન હતી પરંતુ એમ કહેવાનો એક સમય હોય જેને મણીશંકર ઐયર ચૂકી ગયા હતા. આ જ કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં મણીશંકર ઐયર વિઘ્નો નાખી રહ્યા હોવાનો આરોપ તે સમયના ખેલમંત્રી અજય માકને વડાપ્રધાન મનમોહન સિંહને એક પત્ર લખીને કર્યો ત્યારે ઐયરે તેનો જવાબ આપતા કહ્યું કે હંસરાજ કોલેજમાં ભણેલા વ્યક્તિ (માકેન)નું અંગ્રેજી આટલું સારું ન જ હોઈ શકે!

    તમને ગમશે: તો શું ચીન સાત હિસ્સામાં વહેંચાઇ જશે?

    તો દિલ્હીની સેન્ટ સ્ટિફન્સ કોલેજ જેમાં મણિશંકર ઐયર ભણ્યા છે તેની ઓલ્મની મિટિંગમાં વિઝીટર્સ બુકમાં ભારતના પૂર્વ વિદેશમંત્રી કે નટવર સિંઘે લખ્યું કે, “આજે હું જે કઈ પણ છું તે સેન્ટ સ્ટિફન્સને આભારી છે.” તો મણીશંકર ઐયરે તેની બરોબર નીચે લખ્યું કે, “તેને માટે સેન્ટ સ્ટિફન્સનો વાંક કાઢવાની શી જરૂર છે?”

    નરેન્દ્ર મોદીને નીચ વ્યક્તિ કહ્યા બાદ પોતાની સ્પષ્ટતામાં મણિશંકર ઐયરે તેમના નબળા હિન્દી જ્ઞાનને જવાબદાર ગણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ભૂતકાળનો એક દાખલો આપીને બચવાની કોશિશ પણ કરી હતી. તેમનું કહેવું  હતું કે ભૂતકાળમાં તેમણે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પણ નાલાયક કહ્યા હતા. તેમણે એમ કહ્યું હતું કે વાજપેયી એક લાયક વ્યક્તિ છે પરંતુ નાલાયક વડાપ્રધાન છે. ઐયરનું કહેવું છે કે તેમણે આ અંગે વિવાદ ઉભો થતા બાદમાં હામિદ અન્સારી, જે ભારતના ઉપરાષ્ટ્રપતિ પણ બન્યા, તેમને પૂછ્યું કે હિન્દીમાં નાલાયકનો મતલબ શું થાય? અને જ્યારે અન્સારીએ તેના વિવિધ મતલબ સમજાવ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેઓની ભૂલ થઇ છે.

    ઐયરનું કહેવું છે કે તેમને એ સમયે એવું લાગ્યું હતું કે લાયકનો વિરુદ્ધાર્થી નાલાયક થાય છે એવી જ રીતે તેઓ તેમના મતે નીચી કક્ષાનું રાજકારણ રમી રહેલા નરેન્દ્ર મોદી માટે નીચ શબ્દનો ઉપયોગ કર્યો હતો.

    અહીં મણિશંકર ઐયરને એમ પૂછવાનું મન જરૂર થાય કે જો તેમને ખ્યાલ છે કે તેનું હિન્દી કાચું છે તો નિવેદન માત્ર અંગ્રેજી કે પછી એમને ખૂબ ગમતી ઉર્દુ ભાષામાં કેમ નથી આપતા? અને એકવાર વાજપેયી વિષે બોલીને એમણે ભાંગરો વાટી જ દીધો હતો તો દેશના વડાપ્રધાન વિષે તેઓ હિન્દીનો કોઈ શબ્દ પ્રયોગ કરવાના છે તો તેનો મતલબ એમણે ફરીથી કોઈ જાણકાર પાસે અગાઉથી જાણી લેવાની જરૂર ન હતી?

    eછાપું

     

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here