સેક્યુલર રહેવાની જવાબદારી માત્ર હિન્દુઓની જ છે

  0
  366

  આ અઠવાડિયે કપિલ સિબલો અને મણીશંકર ઐય્યરોના ધમધમાટમાં સુપ્રીમ કોર્ટમાં બનેલી એક ઘટના તરફ કોઈનું ધ્યાન નથી ગયું. કદાચ આ ધ્યાન એટલે પણ નથી ગયું કારણકે આપણા સિલેક્ટીવ મીડીયાએ સિલેક્ટીવલી એ સમાચારને બહુ આગળ આવવા નથી દીધા, એટલા માટે કારણકે ગુજરાતમાં અત્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે વિધાનસભાની ચૂંટણીઓનો પ્રચાર ટોચ પર છે અને હિન્દુઓની લાગણીઓમાં ઉભરો આવે એવું બિલકુલ ન બનવું જોઈએ અને એમ થાય તો ભાજપ વળી ગુજરાતમાં સત્તાધીશ બની જાય એટલે આવા સમાચાર દૂર રાખવા એ સેક્યુલર મીડિયાની જવાબદારી બની જાય છે.

  જો કે કપિલ સિબલની સુપ્રીમ કોર્ટમાં એ અરજી કે રામમંદિર અંગે કોર્ટ માત્ર 2019ની ચૂંટણીઓ બાદ જ કોઈ નિર્ણય કરે તેની સાથોસાથ ઉપર જણાવેલી ઘટના બની હતી. બન્યું એવું કે ભારતના વરિષ્ઠ ફિલ્મ મેકર શ્યામ બેનેગલની આગેવાની હેઠળ ભારતના કેટલાક ‘પ્રબુદ્ધ’ નાગરિકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કે અયોધ્યામાં રામજન્મભૂમિના સ્થળ પર ભગવાન રામના ભવ્ય મંદિરના સ્થાને કોઈ રાષ્ટ્રીય સ્મારક બનાવવામાં આવે. આ અંગે કોઈ સમાધાન સુધી ન પહોંચવામાં આવે ત્યાંસુધી કોર્ટ આ મામલાની સુનાવણી મોકૂફ રાખે.

  આ પ્રબુદ્ધ નાગરીકોને એક જ ચિંતા છે જે હેઠળ તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે જો અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બનાવવામાં આવશે તો ભારતમાં ફેલાયેલા ધાર્મિક ભેદભાવ વધુ પ્રસાર પામશે અને ભારતીય એકતાના પાયા હલી જશે. સૌથી હસવું આવે એવી લીટી આ અરજીમાં એવી લખી છે કે, “આ રાષ્ટ્રીય સ્મારક એવું હોવું જોઈએ જે બધાને પસંદ હોય, કોઈને પણ નાપસંદ ન હોય અને આપણા દેશમાં રહેલી વિવિધતાનો તેમાં સ્વિકાર થતો હોય.” ઓહ માય ગોશ!!

  હવે જરા આ પ્રબુદ્ધ નાગરીકોના નામ પર એક નજર નાખીએ. શ્યામ બેનેગલ ઉપરાંત આ મંડળીમાં રહેલા જાણીતા નામો છે તીસ્તા સેતલવાડ, અપર્ણા સેન, અનીલ ધારકર, ઓમ થાનવી, અરુણા રોય, મેધા પાટકર, કુમાર કેતકર, આર બી શ્રીકુમાર, એમ કે રૈના, જોય સેનગુપ્તા અને જ્હોન દયાલ. આ તમામ નામો માટે અંગ્રેજીમાં એક ખૂબ સરસ વ્યાખ્યા છે, ‘the usual suspects’! જો આ પરિભાષાને સરળતાથી સમજવી હોય તો એમ કહી શકાય કે જ્યારે પણ કોઈ હિન્દુ સમાજ વિરોધી પીટીશન થાય ત્યારે આ લોકોના નામ લગભગ તેમાં હોવાના જ. જો કે શ્યામ બેનેગલ આ મંડળીને લીડ કરી રહ્યા હોવાથી નહીં પરંતુ તેઓ આ મંડળીમાં સભ્ય છે એ જાણીને ખૂબ આશ્ચર્ય થયું, કારણકે જે વ્યક્તિએ ‘ભારત એક ખોજ’ જેવી ઉત્કૃષ્ટ ઐતિહાસિક કલાકૃતિને ભારતના ટેલીવિઝન પર ઉતારી હોય તે આ પ્રકારે ઈતિહાસને કે માયથોલોજીને આમ અવગણીને આ પ્રકારના લોકો સાથે જોડાઈ જાય એ વાત સરળતાથી ગળે ઉતરતી નથી. કદાચ સામ્યવાદી વિચારધારાએ શ્યામજીને જતી ઉંમરે વધારે અસર કરી હશે. જવા દો!

  આ પીટીશનના મૂળ મુદ્દા પર આવીએ. એમાં કહ્યા પ્રમાણે જો સુપ્રીમ કોર્ટ રામજન્મભૂમિ અંગે કોઇપણ નિર્ણય અપાશે તો દેશમાં ખતરનાક તોફાનો ફાટી નીકળશે. કોઇપણ પક્ષ જીતશે હારનારો પક્ષ આમ કરી શકે તેમ છે. જો આમ જ હોય તો પછી જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટના ફેસલા પછી તેની થોડી અસર તો દેખાઈ જવી જોઈતી હતીને? અલ્હાબાદ હાઈકોર્ટના રામજન્મભૂમિ ન્યાસના સમર્થનમાં આવેલા ફેંસલા બાદ મુસ્લિમોએ ગઝબની સ્થિરતા અને પરિપક્વતા દેખાડી હતી, તો આ પ્રકારના વર્તનનો સુપ્રીમ કોર્ટનો ફેંસલો પણ તેમની વિરુદ્ધ જો આવશે તો વિશ્વાસ કેમ ન મૂકી શકાય? તો શું બેનેગલ સાહેબની મંડળી મુસ્લિમો પર અવિશ્વાસ કરે છે? હિન્દુઓ પર તો એમને વિશ્વાસ નથી જ એ કોઈએ કહેવાની જરૂર નથી.

  બેનેગલ એન્ડ મંડળીના કહેવા અનુસાર આ રાષ્ટ્રીય સ્મારક પર બધા જ સહમત હોવા જોઈએ. અરે મારા મિત્રોં, જો સહમતી હોત તો આટલા વર્ષોથી આ મામલો વિવિધ અદાલતોના દરવાજા ન ખખડાવતો હોત અને મંદિર-મસ્જીદના નામે આટલું લોહી ન વહી ગયું હોત. જ્યારે મંદિર કે મસ્જીદ હોવા પર સહમતી નથી તો એ બંનેને બાજુ પર મુકીને સીધા રાષ્ટ્રીય સ્મારક પર કેવી રીતે સહમતી બનશે? આટલી હાસ્યાસ્પદ દલીલ તમે કેવી રીતે કરી શકો? કદાચ પ્રબુદ્ધની વ્યાખ્યા કરવાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.

  પરંતુ તેમ છતાં છેલ્લા ઘણા વર્ષોથી જો આપણે શાંતિથી વિચારીએ તો એ ખ્યાલ આવી જાય છે કે દેશનો હિન્દુ પણ 1992 અને 2002 પછી ખાસોએવો પરિપક્વ થયો છે. દેશ જેમજેમ આર્થિક પ્રગતી કરતો જાય છે એમ એમ દેશનો હિન્દુ (અને મુસ્લિમ પણ) હલકી કોમી ઉશ્કેરણીથી દોરવાતો નથી અને તેને પોતાની રોજગારી અને કુટુંબની ચિંતા વધારે સતાવે છે અને ગુજરાત આ બંને વર્ષોમાં કોમી હુતાશનમાં સળગ્યું હોવા છતાં એ દલીલનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો પછી જો મુસ્લિમોએ પોતાની પરિપક્વતા ઓલરેડી દેખાડી ચૂક્યા છે અને હિન્દુઓ વખત આવશે તો તેનો અનુભવ કરાવશે જ એવો વિશ્વાસ મનમાં રાખવાને બદલે સુપ્રીમ કોર્ટના અને દેશના નાગરિકોમાં ખોટી શંકા ઘુસાડીને આ મંડળી તેમનામાં ભયનું વાતાવરણ ઉભું કરવા માંગે છે કે શું?

  હવે વાત આવી રામજન્મભૂમિના સ્થાને કોઈ રાષ્ટ્રીય સ્મારક બનાવવાની. કેમ ભાઈ? જ્યાં અમારા ભગવાનનો જન્મ થયો હતો તે જો દેશની સર્વોચ્ચ અદાલત પણ તેના પર મહોર મારી દે તો પછી ત્યાં મંદિર જ બને ને? ભગવાનની જ્ન્મસ્થલી પર કોઈને રાષ્ટ્રીય સ્મારક બનાવવાનો વિચાર જ કેમ આવે? અન્ય કોઇપણ ધર્મના ધાર્મિક સ્થાન પર આવી કોઈ ઈમારત બની હોય એવું કોઈ ભારતીય ઉદાહરણ છે? જો નથી તો હિન્દુ ધર્મ સિવાયના ધાર્મિક સ્થળોમાંથી કોઈ એક સ્થળ પસંદ કરીને એના પર પણ રાષ્ટ્રીય સ્મારક બનાવવાની અપીલ કરો ને? લખનૌ અને ગોવા કે પછી અમૃતસર આમાંથી કોઇપણ શહેરમાં જઈને ત્યાં તમને રાષ્ટ્રીય સ્મારક નો ‘ર’ બોલતાં પણ જીભ ઉંચકાશે? અગાઉ પણ રામજન્મભૂમિના સ્થળે હોસ્પિટલ કે કોલેજ બનાવવાની ડાહી ડાહી વાતો સેક્યુલર નેતાઓ, સેક્યુલર મીડિયા અને સેક્યુલર ચળવળકારો કરી ચૂક્યા છે, પરંતુ અયોધ્યા સિવાય અન્ય જગ્યાએ આમ કહેવાનો વિચાર પણ કરવાથી તેમના શરીરના એક ચોક્કસ અંગમાંથી હવા નીકળી જાય છે.

  દેશનું સેક્યુલર ફેબ્રિક જાળવી રાખવાની જવાબદારી શું માત્ર હિન્દુઓની જ છે? શું સર્વધર્મ સમભાવનો પવિત્ર હેતુ અન્ય ધર્મના લોકો પર લાગુ નથી પડતો? કોઇપણ દેશમાં જે કોઇપણ ધર્મની બહુમતી હોય તો એ બહુમતીનું વર્તન મોટાભાઈ જેવું હોય છે જેના સંરક્ષણ હેઠળ તેના નાના ભાઈઓ અને બહેનો સુરક્ષિત મહેસૂસ કરે છે. ભારતમાં હિન્દુઓની બહુમતી છે એટલેજ અહીં સરવાળે શાંતિ છે. બહુમતી હોવા છતાં એક સમયે દેશના સંસાધનો પર એમનો પ્રથમ અધિકાર નથી એવું કહેનારા વડાપ્રધાનને પણ આ મોટાભાઈએ વિશાળ હ્રદયનો પરચો આપીને માફ કરી દીધા હતા. આટલી મોટી ‘સળી’ પછી પણ જો દેશમાં શાંતિ જળવાઈ રહેતી હોય તો પછી હિન્દુઓ પર આટલી બધી શંકા શા માટે કે તે સમય આવતા સેક્યુલર નહીં રહી શકે?

  જ્યારે હિન્દુઓના દરેક તહેવારોની ઉજવણી પર પર્યાવરણ અને પશુ અધિકારના નામે કાયદેસરની કાપકૂપ મુકવામાં આવે તો પણ એ હિન્દુ તેને કાં તો સ્વિકારી લે અથવાતો પોતાની ઘવાયેલી લાગણીનો ઉકેલ લાવવા માટે કાયદાનો માર્ગ અપનાવે અને હિંસાથી સમૂળગો દૂર રહે તો શું એના પર કોમવાદી હોવાની છાપ મુકતા તમને શરમ નથી આવતી? જ્યારે હિન્દુઓની સૌથી પવિત્ર એવી અમરનાથયાત્રા પર જેહાદીઓ હુમલો કરે તેમ છતાં દેશભરમાં એકપણ કોમી રમખાણ ન થાય તો એનાથી વધારે સેક્યુલર જવાબદારી તમને હિન્દુઓ તરફથી બીજી કઈ જોઈએ છીએ?

  તો એનો મતલબ તો એટલો જ થયો કે આ દેશમાં સેક્યુલર રહેવાની જવાબદારી માત્ર હિન્દુઓની જ છે. કદાચ ઉપર કહેલા ઉદાહરણોથી એ સાબિત પણ થાય છે. તો પછી એમના પર સતત અને વારંવાર શંકા શુંકામ કરવામાં આવે છે? એકવાર અયોધ્યામાં રામ મંદિર બનવા તો દો, અને પછી જુઓ આનંદિત થયેલો હિન્દુ દેશની સમૃદ્ધિમાં ચાર ચાંદ લગાવી દેશે અને એ પણ ઇદના ચમકતા ચાંદના હોં કે!

  આચારસંહિતા

   

  ૦૭.૧૨.૨૦૧૭, ગુરુવાર

  અમદાવાદ

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here