અમેરિકાએ પોતાની એમ્બેસી જેરુસલેમ ખસેડી અને ઇતિહાસે પડખું ફેરવ્યું

  0
  357

  આ બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેરુસલેમને ઇઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપી અને બહુ જલ્દીથી તેલ અવિવ ખાતેની અમેરિકાની એમ્બેસીને ખસેડીને જેરુસલેમ લઇ જવાનું પણ કહ્યું છે. કોઇપણ દેશની એક રાજધાનીને બદલે બીજા શહેરને રાજધાની તરીકે માન્યતા આપવામાં આવે તો એમાં કશું નવાઈ પામવા જેવું નથી હોતું પરંતુ આ તો જેરુસલેમ છે. સાત દાયકાની એકધારી વિદેશનીતિમાં ફેરફાર કરતી અમેરિકાની આ જાહેરાત બાદ ગાઝા પટ્ટીમાં અને જેરુસલેમમાં તેના વિરોધમાં દેખાવો શરુ થઇ ગયા છે.

  ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત અનુસાર તેલ અવિવની અમેરિકાની એમ્બેસી છ મહિનામાં જેરુસલેમ ખાતે ખસેડવામાં આવશે, પરંતુ આ જ સમયે અમેરિકાના સ્ટેટ ડીપાર્ટમેન્ટની સિક્યોરીટી વિંગ અત્યારે સમગ્ર વિશ્વમાં અમેરિકન એમ્બેસીઓ સમક્ષ આ નિર્ણય બાદ થનારા વિરોધ પ્રદર્શનની ચિંતા કરી રહ્યું છે.

  ઇઝરાયેલની રાજધાની હવે જેરુસલેમ હશે એવો અમેરિકાનો નિર્ણય કેમ મહત્ત્વનો?

  એવું તો શું છે જેરુસલેમમાં કે અમેરિકાએ પોતે કરેલા આ હિંમતભર્યા નિર્ણય પછી પણ તેને વિશ્વભરમાં ફેલાયેલા તેના એમ્બેસી કર્મચારીઓના જીવન વિષે ચિંતા કરવાની આવી છે? તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયની થનારી અસરો અને આ સમગ્ર મામલા પાછળ રહેલા ઈતિહાસ વિષે.

  જેરુસલેમ ઈઝરાયેલની રાજધાની થાય એમાં ખોટું શું છે?

  એક્ચ્યુલી જેરુસલેમ પર ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન એમ બે રાષ્ટ્રો દાવો કરે છે. વર્ષોથી આ બંને આ શહેર પર પોતાના કબ્જા માટે ઝઘડે છે અને તેને પોતાની રાજધાની ગણાવે છે. કોઇપણ પ્રકારના શાંતિ કરારના અભાવમાં અત્યારસુધી અમેરિકા જેરુસલેમને ઇઝરાયેલની રાજધાની જાહેર કરતા બચતું રહ્યું હતું. અત્યારસુધી એવું માની લેવામાં આવ્યું હતું કે જેરુસલેમ પર કોઇપણ એકપક્ષીય દાવો કરવાથી અહીંની શાંતિ જોખમાશે અને આ અંગે વાતચીત દ્વારા નિર્ણય લેવામાં આવે. હવે જ્યારે અમેરિકાએ તેલ અવિવથી પોતાની એમ્બેસી જેરુસલેમ ખસેડવાનો નિર્ણય લઇ જ લીધો છે ત્યારે ઇઝરાયેલનું પલ્લું ભારે થઇ ગયું છે અને આથી આંતરરાષ્ટ્રીય મંચ પર આ નિર્ણયનું ખૂબ મહત્ત્વ છે.

  તેલ અવિવથી જેરુસલેમ અમેરિકન એમ્બેસી ખસેડવાથી શું થશે?

  અત્યારસુધી અમેરિકાએ જેરુસલેમમાં પોતાની કોન્સ્યુલેટ રાખી છે અને તેલ અવિવમાં એની એમ્બેસી છે. આ માત્ર દુકાનનું બોર્ડ બદલવા જેટલું સરળ નથી કારણકે ટ્રમ્પના આદેશ અનુસાર તેલ અવિવથી આખેઆખી એમ્બેસી જેરુસલેમ ખસેડવાની છે અને આ એમ્બેસીનું બિલ્ડીંગ ભવ્ય હશે એવી વાત પણ તેમણે કરી છે. અમેરિકાનું સ્ટેટ ડીપાર્ટમેન્ટ આ માટે બહુ જલ્દીથી આર્કિટેક્ટસને મળવાનું શરુ પણ કરી દેવાનું છે. પડકાર તો આવશે આરબ દેશોમાંથી જ્યાં અમેરિકાના આ નિર્ણયથી તેમના અને અમેરિકાના સંબંધોમાં તકલીફ ઉભી થઇ શકે એમ છે. આ ઉપરાંત અત્યારથી જ જેરુસલેમમાં અમેરિકન કોન્સ્યુલેટ સમક્ષ દેખાવો શરુ થઇ ગયા છે જે સમગ્ર આરબ વિશ્વમાં ફેલાઈ જવાનો ભય પણ છે.

  જેરુસલેમ બે હિસ્સામાં કેમ વહેંચાયું?

  1947માં યુનાઇટેડ નેશન્સે જેરુસલેમને એક સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય શહેર બનાવવાની કલ્પના કરી હતી. પરંતુ એક વર્ષ બાદ જ્યારે આઝાદ ઇઝરાયેલની જાહેરાત કરવામાં આવી ત્યારે આ શહેરને બે હિસ્સામાં વહેંચી દેવામાં આવ્યું હતું. આરબ-ઇઝરાયેલ વોર 1949માં પૂરું થયું અને આર્મીસ્ટાઇસ બોર્ડર જેને લીલી શાહીથી દોરવામાં આવી હોવાથી તેને ધ ગ્રીન લાઈન પણ કહેવામાં આવે છે, તેણે જેરુસલેમના પશ્ચિમ ભાગ પર ઇઝરાયેલનો અને પૂર્વ ભાગ પર, જેમાં પ્રખ્યાત ઓલ્ડ સીટી પણ સામેલ હતું, જોર્ડનનો કબ્જો નક્કી કરી આપ્યો.

  જેરુસલેમ ઇઝરાયેલનું ક્યારે થયું?

  1967માં આરબ-ઇઝરાયેલ વોર એટલેકે પ્રખ્યાત Six-Day War થયું જેના અંતે ઈઝરાયેલે જેરુસલેમના પશ્ચિમ ભાગ પર પણ કબ્જો મેળવી લઈને પોતાનામાં ભેળવી દીધું. જોકે આ ફેરફાર થવા છતાં પેલેસ્ટાઇન અને આરબ વિશ્વ હજી પણ જેરુસલેમને પેલેસ્ટાઇનની ભવિષ્યની રાજધાની માની રહ્યા છે.

  જેરુસલેમ સાથે જોડાયેલા કેટલાક તથ્યો

  જેરુસલેમની વસ્તી લગભગ 8,50,000ની છે જેમાંથી 37% આરબ અને 61% યહુદીઓ છે. આ વસ્તીગણતરી એક સ્વતંત્ર સંસ્થા નામે જેરુસલેમ ઇન્સ્ટીટયુટ દ્વારા કરવામાં આવી હતી. અહીં વસતા યહુદીઓમાં અતિરૂઢીવાદીઓની સંખ્યા લગભગ 2,00,000 જેટલી થાય છે અને બાકીમાં ઝાયોનીસ્ટ અને સેક્યુલર યહુદીઓનો સમાવેશ થાય છે. ઇસ્ટ જેરુસલેમમાં આરબ એટલેકે પેલેસ્ટાઈનીઓ રહે છે અને અહીં એવી જગ્યાઓ પણ છે જ્યાં આરબ અને પેલેસ્ટાઈનીઓ આજુબાજુમાં પરંતુ વહેંચાયેલી સોસાયટીઓમાં રહે છે.

  1980 પહેલા જેરુસલેમમાં ઘણાબધા દેશોની એમ્બેસી હતી પરંતુ એ વર્ષે ઈઝરાયેલે જેરુસલેમને યુનાઇટેડ ઇઝરાયેલની રાજધાની જાહેર કરી. યુનાઇટેડ નેશન્સે આ જાહેરાત વિરુદ્ધ એક પ્રસ્તાવ પાસ કર્યો અને ધીમેધીમે મોટાભાગના દેશોએ પોતપોતાની એમ્બેસીઓ જેરુસલેમમાંથી ખસેડી દીધી. છેલ્લે છેક 2006માં કોસ્ટારિકા અને અલ સાલ્વાડોર પોતાની એમ્બેસી ખસેડીને તેલ અવિવ લઇ ગયા હતા. હા, અમેરિકા સહીત મોટાભાગના દેશોએ પોતાની કોન્સ્યુલેટ જેરુસલેમમાં જરૂર રાખી છે. આમાંથી ઘણા દેશો પેલેસ્ટાઇનને સંલગ્ન બાબતો પણ તેઓ આ કોન્સ્યુલેટ્સમાંથી જ ચલાવે છે.

  જો અમેરિકાની વાત કરીએ તો બુધવારના નિર્ણય પહેલા તેની ઇઝરાયેલ ખાતેની એમ્બેસી તેલ અવિવમાં અસ્તિત્વ ધરાવે છે અને અમેરિકાના રાજદૂત તેલ અવિવથી લગભગ ત્રીસ મિનિટના રસ્તે હર્ઝલીયા પીટુઆચ ખાતે રહે છે.

  અમેરિકાને એમ્બેસી જેરુસલેમ ખસેડવાનો વિચાર ક્યાંથી આવ્યો?

  બધું જ બરોબર ચાલી રહ્યું હતું ત્યાં ઈઝરાયેલે 1989માં જેરુસલેમમાં નવી એમ્બેસી ખોલવા માટે અમેરિકાને 99 વર્ષના ભાડાપટ્ટે વાર્ષિક 1 ડોલરની કિંમતે જમીન આપી દીધી. આજ દિવસ સુધી આ જમીનનો કોઈજ ઉપયોગ નથી કરવામાં આવ્યો. 1995માં અમેરિકન કોંગ્રેસે એક કાયદો પસાર કરીને અમેરિકાને તેની એમ્બેસી તેલ અવિવથી ખસેડીને જેરુસલેમ ખસેડવાનું કહ્યું. આ કાયદો લાવનાર કોંગ્રેસમેનના એક જૂથનું કહેવું હતું કે અમેરિકાએ ઇઝરાયેલની જેરુસલેમને પોતાની રાજધાની બનાવવાની ઈચ્છાનું સન્માન કરવું જોઈએ. આ કાયદો પસાર થયા બાદ ત્રણ અમેરિકી રાષ્ટ્રપતિઓ બિલ ક્લીન્ટન, જ્યોર્જ બુશ અને બરાક ઓબામાએ આ અંગે કોઇપણ નિર્ણય ન લીધો અને દર છ મહીને આ કાયદાના અમલને presidential waiver દ્વારા આગળ ઠેલતા રહ્યા.

  અમેરિકાના જેરુસલેમ અંગેના નિર્ણય વિષે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન શું કહે છે?

  સ્વાભાવિકપણે ઇઝરાયેલ અમેરિકાના આ નિર્ણયથી ખુશ છે અને વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ આ નિર્ણયનું સ્વાગત કરીને તેને ‘શાંતિ તરફનું મહત્ત્વનું કદમ’ ગણાવ્યું છે. નેતન્યાહુના કહેવા અનુસાર ઇઝરાયેલ ગણરાજ્યની રાજધાની તરીકે જેરુસલેમ સામેલ ન હોય તો તે પરિસ્થિતિને સંપૂર્ણ શાંતિ ન કહી શકાય. જ્યારે જેરુસલેમના મેયર નીર બાર્કતે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો અને કહ્યું હતું કે જેરુસલેમ અને ઇઝરાયેલ આ નિર્ણયનું સ્વાગત કરે છે.

  બીજી તરફ પેલેસ્ટાઇનનું રીએક્શન પણ સ્વાભાવિક હતું. તેણે અમેરિકાના નિર્ણયને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ ગણાવીને તેને શાંતિની આશાને મળેલો મોટો ધક્કો ગણાવ્યો છે. પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ અને વિશ્વના અન્ય નેતાઓ જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને જોર્ડનના કિંગ અબ્દુલ્લા પણ સામેલ છે તેમણે પણ આશા વ્યક્ત કરી છે કે ટ્રમ્પ તેમના નિર્ણય પર ફેરવિચારણા કરશે. અબ્બાસનું માનવું છે કે આ નિર્ણયથી ક્ષેત્રમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધી શકે છે. જ્યારે પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઈઝેશનની એક્ઝીક્યુટીવ કમિટીના સભ્ય હનાન અશરાવીએ ટ્રમ્પના નિર્ણયને કોઇપણ પ્રકારની શાંતિ વાર્તાની હત્યા ગણાવી છે.

  હાલમાં તો પેલેસ્ટાઇનની શેરીઓમાં આ નિર્ણય વિરુદ્ધ દેખાવો શરુ થઇ ગયા છે જે નજીકના ભવિષ્યમાં અન્ય આરબ દેશોમાં પ્રસરી શકે છે.

  eછાપું

  તમને ગમશે: ભારતનો ભવ્ય ઈતિહાસ જાણવો હવે ‘હાથ વ્હેંતમાં’ આ પાંચ એપ્સ મદદ કરશે

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here