EVM હેકિંગ બાય સાગરિકા ઘોષ

  0
  363

  સાગરિકા ઘોષ મેડમ તેમના ન્યૂઝ એન્કરીંગ તેમજ લેખિકા તરીકે જાણીતા છે. એમણે હમણાંજ ‘Indira, India’s Most Powerful Prime Minister’ નામની બુક પણ લખી છે  અને જે લોકો ટ્વીટર પર એક્ટીવ હોય છે એમને તો આ મેડમની ઓળખાણ આપવાની જરૂર જ નથી હોતી. જાણીતા પત્રકાર અને એન્કર રાજદીપ સરદેસાઈના પત્ની એવા આ સાગરિકા બેનનું પોલીટીકલ જ્ઞાન તો અદભૂત છે ભલે એ એક પાર્ટી સુધી મર્યાદિત હોય પણ તેઓ તટસ્થ રીતે NDTV જેવી દેશની સૌથી તટસ્થ ન્યૂઝ ચેનલ પર પણ આવે છે તેઓ કોઈ ઓળખાણનાં મોહતાજ નથી.

  પરંતુ ગઈકાલેજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પ્રથમ રાઉન્ડ માટે જ્યારે મતદાન ચાલુ હતું ત્યારે તેમણે એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં તેમણે જણાવ્યું હતું કે બ્લૂટૂથ થી EVM (Electronic Voting Machine) હેક થયા અંગેનાં સમાચાર એમને મળ્યા છે. તેમની આવી ટેકનોલોજી શોધ અંગે ટ્વીટર પર તેમને ઘણી પ્રશંસા પણ મળી હતી લોકોએ તેમની આ ખોજને સ્ટીફન હોકિન્સની બ્લેક હોલની શોધ સાથે પણ સરખાવી છે. લોકો કહે છે કે ‘કોઈ મિલ ગયા’ મુવીમાં જેમ રાકેશ રોશન સાહેબે પરગ્રહવાસીઓ સાથે વાતો કરીને જાદુને ભારત બોલાવ્યો હતો, બસ આ એજ ટેકનોલોજીનું નવું વર્ઝન સાગરિકા મેડમે શોધી કાઢ્યું છે જેનાથી બ્લૂટૂથથી EVM હેક થાય છે. કેટલાય ટેક્નોલોજી નિષ્ણાતોએ એમના માથાં પછાડી પછાડીને એને એમાંથી લોહી કાઢીને વારંવાર કહ્યું છે કે EVM હેકિંગ કોઈ કાળે શક્ય નથી, પણ આવા અશક્ય કાર્યોને શક્ય બનાવવાથી જ તો નામના મળે છે એવું કોઈક લેખક કહી ગયા છે.

  સાગરિકા ઘોષ દ્વારા શોધવામાં આવેલી આ ટેકનોલોજીકલ શોધથી હેકિગ ક્ષેત્રે ક્રાંતિ સર્જાશે. નોકિયાના જૂના 3315માં બ્લૂટૂથ આવતા હતા એ વખતે જો આ ટેકનોલોજી શોધાઈ હોત તો કદાચ બેલેટ પેપર પણ હેક કરી શકાત એવું ઘણા વિશેષજ્ઞો માને છે. ચૂંટણીઓ દરમ્યાન હાર જીત તો અલગ વસ્તુ છે પણ આવી ટેકનોલોજીનો વિચાર આવવો એજ એક અદ્ભુત ઘટના છે. ભારતમાં પત્રકારો, રાજકારણીઓ અને બુદ્ધિજીવીઓ એમ કેટલાય લોકો સાગરિકા મેડમ જોડે આ ટેકનોલોજી શીખવા માટે તત્પર છે. મોટા મોટા હેકરો જે કામ ના કરી શક્યા, જે અંગે ચુંટણી પંચે ખુલ્લી ચેલેન્જ આપી કે હેક કરીને બતાવો અને એ ચેલેન્જ સ્વિકારવા કોઈ સામે ન આવ્યું એવા એ રાક્ષસી આશિર્વાદ ધરાવતા મશીનને નાનકડા બ્લૂટૂથ થી હેક કરવાની વાત આમ સાવ અમસ્તા જ કરી દેવી એજ ઘણું મોટું અચીવમેન્ટ છે. જે મશીન પર લોકશાહીનો પાયો નંખાવાનો હોય, જે મશીન રાજ્ય અને દેશનું ભાવી નક્કી કરતું હોય એવા મશીન પર હેકિગ એ પણ બ્લૂટૂથ થી કરવા અંગેની ટેકનોલોજી શોધવી એ કોઈ નાની સુની વાત નથી .

  જાણવા મળ્યા અનુસાર ISROના કેટલાય વૈજ્ઞાનીકોએ સાગરિકા ઘોષનો સંપર્ક કર્યો છે જેથી તેમની જોડેથી નવી ટેકનોલોજી શીખી શકાય અને સાદા દિવાળીના રોકેટને પણ સીધું ચંદ્ર કે મંગળ પર મોકલવાની ટેકનોલોજી પણ મળે અને ભારતનો ઘણો ખર્ચો બચે અને વિશ્વમાં ભારત નું નામ પણ રાકેશ અને હ્રિતિક બાદ ફરીથી રોશન થાય. પરંતુ આ બ્લૂટૂથ  હેકિગ ટેકનોલોજીથી ઘણા ગેરફાયદા પણ થયા હોવાના સમાચાર છે. એક ભાઈ જ્યારે મશીન હેક થતું હતું ત્યારે જ વોટબુથમાં પ્રવેશ્યા અને હેકિગનાં કિરણોથી એમની કાંડા પરની ઘડિયાળ પણ હેક થઇને કામ કરતી બંધ થઇ ગઈ. ત્યારપછી એ ભાઈને જ્ઞાન થયું કે ખરેખર એ હેકીગનાં સાઈડ ઈફેક્ટથી નહતું થયું પણ એમની ઘડિયાળનો સેલ ઉડી ગયો હતો.

  આ ટેકનોલોજી જો ખોટા હાથોમાં પડી ગઈ તો બ્લૂટૂથ થી ‘Mr. India’ મુવીમાં બતાવ્યા પ્રમાણે કોઈ ઇનવિઝિબલ થઇને વગર ID કાર્ડે પણ વોટ નાખી આવશે. બ્લૂટૂથ થી લોકો ઓનલાઈન શોપીગ સાઈટ હેક કરીને વગર પૈસે શોપિંગ કરશે. ઇવન સાગરિકા ઘોષ મેડમની બુક પણ ઓનલાઈન વેબસાઈટ પર જ વેચાતી હોય છે. તેના માટે પણ આ ખતરારૂપ છે કેમકે કોઈ વગર પૈસે બ્લૂટૂથ થી સાઈટ હેક કરીને આ બુક વાંચી લે તો એ વ્યક્તિ સમાજ માટે જોખમ રૂપ થઇ શકે છે અને એ વ્યક્તિનાં સ્વાસ્થ માટે પણ આ વસ્તુ હાનીકારક હોઈ શકે છે આથી એમને સવાઈ ચિંતા થાય એ સ્વાભાવિક છે.

  નોકિયા 3315નાં બ્લૂટૂથ થી નવી ક્રિપ્ટો કરન્સી BITCOIN વોલેટ પણ હેક થઈને કોઈ વ્યક્તિ રાતોરાત કરોડપતિ પણ બની શકે છે. આમ સરકાર, ચુંટણીપંચ , લોકશાહી , અદાલતો, ન્યાય વ્યવસ્થા જેવી સંસ્થાઓ ઉપર ભરોસો કરવાની જગ્યાએ લોકો બ્લૂટૂથ થી હેકીગ જેવી ટેકનોલોજીકલ ભલે ઈલલોજીકલ હોય એવી વાત પર વિશ્વાસ કરતા થાય એ હેત્તુંથી કદાચ હવે આપણે સાગરિકા મેડમનાં નવા પુસ્તક જેનું ટાઈટલ કદાચ ‘EVM Hacking By Sagarika Ghose’ હશે તેની રાહ જોવાની રહી .

  નોધ : જેમ EVM Hacking ની વાતો કાલ્પનિક છે એવી જ રીતે આ લેખનાં પાત્રો પણ કાલ્પનિક છે. આ લેખનો હેતુ ફક્ત ને ફક્ત ખોટા ભ્રમ ફેલાવતા વ્યક્તિઓ સામે કટાક્ષ કરવાનો છે .આ લેખના પાત્રોને  જીવિત અથવા મૃત વ્યક્તિ વિશેષ જોડે કોઈ લેવાદેવા નથી અને લેવાદેવા નીકળે તો એ ફક્ત અનાયાસ છે એવું ગણવું. અમને લોકશાહી અને ચુંટણીપંચ ઉપર પુરેપુરો વિશ્વાસ છે અને હમેશા રહેશે  .

  લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી.

  #eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here