ભારતમાં અત્યારે કેમ્પસ પ્લેસમેન્ટ હોટ સ્પોટ બની ગયું છે

  0
  315

  2014માં જ્યારે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ NDA સરકારે શપથ ગ્રહણ કર્યા ત્યારે તેણે ચૂંટણીમાં આપેલા વચનોમાંથી એક વચન હતું કે દર વર્ષે તે એક કરોડ રોજગારી ઉભી કરશે. અત્યારસુધી એ અંગે ઘણા પ્રયાસો થયા છે પરંતુ આ વર્ષે કેમ્પસ પ્લેસમેન્ટ જે રીતે રોજગારીની તકો ઉભી કરી રહ્યું છે તેનાથી મોદી સરકારને ઘણી રાહત મળી શકે તેમ છે.

  હાલમાં જ કરવામાં આવેલા એક સરવે અનુસાર ભારતમાં કેમ્પસ પ્લેસમેન્ટ અત્યારે હોટ સ્પોટ બનીને ઉભરી આવ્યું છે. ગયા વર્ષે રોજગારીની સમસ્યા જે રીતે સરકારને અકળાવનારી બની રહી હતી તેની સામે આ વર્ષે નોકરીઓ ખૂબ મોટી સંખ્યામાં ઓફર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઉંચો પગાર અને રોજગારી આપનારી કંપનીઓમાં પણ વિવિધતા જોવા મળી રહી છે. સૌથી વધુ સંતોષજનક બાબત એ રહી છે કે ભારતમાં નોકરીઓ મળવાની તક કોઈ એક કે બે રાજ્યો પૂરતી સીમિત ન રહેતા સમગ્ર દેશમાં એક સરખી રહેવા પામી છે. પ્રી-પ્લેસમેન્ટ ઓફર્સ એટલેકે PPOs જેને આપણે કેમ્પસ પ્લેસમેન્ટ સાથે સીધી સાંકળી શકીએ તેમાં જબરો ઉછાળો નોંધવામાં આવ્યો છે.

  દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં આ વર્ષે PPOs 25-30% વધારે જોવા મળી છે. આમાં પણ એમેઝોન સૌથી આક્રમકતાથી કેમ્પસમાં જોબ્સ ઓફર કરી રહ્યું છે. એમેઝોને આ વર્ષે દેશની 90% એન્જીનીયરીંગ અને બિઝનેસ સ્કૂલ્સમાં કેમ્પસ પ્લેસમેન્ટ કાર્યક્રમો કર્યા છે. તો IIT મુંબઈએ ગયા વર્ષના 50% કેમ્પસ પ્લેસમેન્ટની સામે આ વર્ષે 60% જેટલું કેમ્પસ પ્લેસમેન્ટ હાથ ધર્યું છે.

  તમને ગમશે: બહુચર્ચિત સ્પેન – કેટાલોનીયા વિવાદની ભીતરમાં એક ડોકિયું

  હવે જો નોકરી વાન્છુંઓની વાત કરીએ તો ભારતમાં સૌથી વધુ લોકોને ઘરે રહીને નોકરી મળે તેમાં વધારે ઈચ્છા હોવાનું આ સરવેમાં જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ IT અને ડિજીટલ માર્કેટિંગનો નંબર આવે છે. દેશના 60% લોકોને હજી પણ સરકારી નોકરી ખૂબ વ્હાલી છે. તો આશ્ચર્યજનક પરિણામ અનુસાર 56% લોકોને આયુર્વેદને લગતી નોકરીઓમાં રસ પડવાનો શરુ થઇ ગયો છે.

  દેશમાં જો નોકરીની તકો વધી છે તો અહીં સેલેરી ઇન્ક્રીમેન્ટનું પ્રમાણ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે જોવા  મળ્યું છે. ભારતમાં દર વર્ષે સરેરાશ 10% પગાર વધારો કરવામાં આવે છે. જ્યારે તે ચીનમાં 7%, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં 3% અને જાપાનમાં માત્ર 2% છે. દેશમાં સૌથી વધારે પગાર વધારો ઉર્જા ક્ષેત્રમાં કરવામાં આવી રહ્યો છે અને જે 10.5% છે અને તેની સાથેસાથે જ FMCG અને રીટેઈલ ક્ષેત્રો પણ એટલોજ પગાર વધારો કરી આપે છે.

  GST એ નાના ઉદ્યોગકારોને સૌથી વધુ અસર કરી હતી આથી કોર્પોરેટ્સ કરતા નાના ઉદ્યોગકારો ઓછી રોજગારી પૂરી પાડે તે સ્વાભાવિક છે. IT અને FMCG એ આ વર્ષે દેશમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડી છે તો ફાર્મા સેક્ટરમાંથી સૌથી ઓછી રોજગારી બહાર પડી છે.

  આમ ઓવરઓલ આ વર્ષ દેશ માટે રોજગારીની દ્રષ્ટીએ ઘણું સારું રહ્યું હતું એમ જરૂર કહી શકાય. જો કે સરકારના લક્ષાંક કરતા તો રોજગારી ઓછી જ મળી છે, પરંતુ ઉપરોક્ત આંકડાઓને સરકારના લક્ષાંક તરફ હકારાત્મક વલણ જરૂરથી કહી શકાય.

  #eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here