ભજીયા પ્રેમી ભેરુડાવ….

  1
  482

  આજ મતદાન કરવા ગામડે આવ્યો હતો. મેં મતદાર યાદીમાં મારુ નામ હજુ ગામડે જ ચાલું રાખ્યું છે. બધા મિત્રો ચોકમાં એકઠા થયા. કાલ મતદાનનો દિવસ હતો. અહી ઠીકઠીક પ્રમાણમાં ચૂંટણીની ઉત્તેજના હતી. રાત્રે થોડીવાર ચૂંટણીની અલકમલકની વાતો થઈ. ઠંડી સારા પ્રમાણમાં હતી. આવા સમયે ભજીયા તો ખાવા જ જોઈએ. એવો પ્રસ્તાવ મુકાયો. મેં રજામંદી આપી. સૌ તૈયાર થયા. બાઈકો ‘હજાવી’ લીધી. અમે વાડીએ નિકળી પડ્યા. વાડીએ પહોંચતા જ હું અગાધ ભજીયા પ્રેમની આ ભેરુડાવની ગાથા મમળાવતો ભૂતકાળમાં સરી પડ્યો.

  જશોદા માતાને દોણામાંથી માખણનો પીંડો કાનુડાને ખવડાવતા જેટલી વાર લાગતી હતી એટલીવારમાં અમારા આ ગામડીયા વાલીડાવ વાડીયે ભજીયા બનાવી લે! બધાને ભેગા કરતા બહુ વાર લાગે, દીવસ આથમી જાય, પેટમાં હડી કાઢતા ઉંદેયડા હાંફીને ગોટો વળી જાય, કેટલાકને તો રીતસર વિનવણી કરવી પડે!  તયે હંધાય ભેગા થાય. અમુક મેધાવી તો સામે ધોકો કરે કે ” તે તો જો પિતરની કયરી…. આજ જ બપોરે તારો હગો બે રોટલા ને થાળી એક દાળ-ભાત ગરસીને આયવો સુ, વેલુ કેવાય ને, હવે ભજીયા નય હાલે.” પાછુ આવુ કહી ઈ બોતડો લોટ ઘટાડે એટલા ભજીયા ઉલારી જાય. ગમે એવો ટંટો થાય… ભજીયાનો પોગ્રામ થાય થાય ને થાય જ. તોતેર ટકા વાડીયુમાં ચણાનો લોટ અને દાઝીયું તેલ મળે! ખાલી કેવાનું જ હોય કે કોની વાડીયે જાવાનું સે. કેટલીક વખત બગડેલ મોટર ખેંચવાના બહાને, ઓપનેર હાલતુ હોય, પડાનું ધ્યાન રાખવા, પાણી હાલતું હોય, ભુંડરા, રેઢીયાર ગાયુ કે રોઝડા ઘુસવાના રખોપાના બહાના… આમાથી એકાદ ફંદ કરીને ભજીયાનું નામ બોરે!

  આમ તો અઠવાડીયે એકાદ વાર ભજીયા ટીકાય જાય. સાત દિ’માં જો ભજીયા પેટમાં ન જાય તો હોજરીયુ આંદોલન કરે, ગળામાં કંઠ રુધાય જાય, ફેરવાયુ ચડે. બાઈકમાં લિવરની જગ્યાએ બ્રેક દબાય જાય. ગાડાનાં બળદને જમણી કોર વારવા ડાબી બાજુની રાયસ ખેંચાઈ જાય. ખીજથી ચાડીયાવને બુથાલામાં બે ઉભા મોરની ઝાપટુ ઠોકે. બીડી ઉંધી જગવે, અતુલ કુરમુરી તંબાકુને હથેળીમાં ચુના વગર મસળે! સાતી હાંકતા ચાહ ચાતરી જાય, પાણીનું ખોટુ નાકુ બદલી નાંખે. માણહ ગંધાય માણહ ખાવ એમ શ્વગત બબડતો તપેલામાં વીંછી હડીયું કાઢે એમ વાડીયેથી ચોકમાં અપડાવુન કરે. ચાયનાનાં મોબાઈલમાં હેમંત ચૌહાણ અને ફરિદા મીરની જગ્યાએ બેક સ્ટ્રીટ બોયનું ” ક્વાઈટ પ્લેઈંગ ગેમ્સ વીથ માય હાર્ટ ” જાવા દયે!

  ‘પ્રોગ્રામ ડીલે’થી જેવી મનોસ્થિતી ગરસનારની થાય એવી જ હૈયાવરાળુ ભજીયા બનાવાની વસ્તુઓ કાઢતી હશે. મને આ વાત બે વતા બે બરાબર ચાર જેવી ચોખ્ખી લાગે છે. નિર્જીવ વસ્તુઓની મનોવ્યથા મારા સિવાય કોણ સમજી શકે? હું વહેલો આવી વાડીયે નવરો બેઠો વિચારતો હતો.

  વાડીની ખખડધજ ઓરડીમાં ઉંદરડાવની બીકે ખપેડામાંથી સિંદરી સાથે બાંધેલ ચણાનો લોટ ચિંતાતૂર વદને જાત સાથે વાતુ માંડે કે “મારો માલિક કયા ગ્યો હય્સે? ગોટો વરી સેઢે પાળીયો નઈ થ્યો હોય ને? શેઠાણીને ધખવાથી એના સાળાવે અહી આવી ધોકાવારી નય કરી હોય ને? જુગારમાં પકડાઈ પોલીસ કોટડીમાં ટુંટીયું વારી પય્ડો નય હોય ને? પાછા ન માંગવાની શરતે કોક નાણા ધિરનાર મળી ગ્યો હોય તો નાથદ્વારા કાળીયા ઠાકર પાસે ઉય્પડો નય હોય ને? આંગરીયાત મનોરથોમાં ગામતરા કરતો ઢાઢીલીલામાં જાનપખાલા વગાડતો, મોનથાળ ઉલારતો નય હોય ને?” સાત-આઠ દિવસ એકલા આમ ટીંગાતા રહેવાથી ચણાનાં લોટને ડુટી સુધીનું લાંબુ ડુસ્કુ આવી જાય. તેને તો મરચા, મેથી-કોથમરી, બટેટાની પત્રી સાથે આચ્છાદિત થઈ, ગરમ-ગરમ તેલમાં મહાલવું છે…ભૂખથી ત્રાહીમામ પોકારી ઊઠેલાઓની જઠરાગ્નિ પરિતૃપ્ત કરી સવારે કલાવાડીમાં કિલો એક ખાતર થઈ નિકળવું છે.

  તમને ગમશે: અમેરિકાને હિઝબુલ મુજાહીદ્દીનને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કરવાની કેમ જરૂર પડી? આ રહ્યા કારણો

  બીજીબાજુ પ્લાસ્ટીકની બોટલમાં ભરેલા દાઝીયા તેલની મનોસ્થિતી પણ કથળેલી છે. તોબડો ચડાવી, પિલુડા પાડતું તેલ બકડીયામાં આળોટવા કયારનું થનગને છે. કાંધીયે એની બાજુમાં કોણીયું ભટકાવતા મોનોકોટો ફોર્સ, સાયપર કીલ અને બાયોઝામ જેવા કીટનાશકો, એગ્રી કલ્ચર શિરપો તેલની બોટલનો વાસો પસવારી હૈયા ધારણા આપે છે કે “જારવી જા મારા વીર…હમણા ભામ ભેગી થાહે …તારો ય વારો આવશે…દિનોનાથ હંધાયનું ભલુ કરશે! આમ મોરુ ના પડાય મારા પેટ”  સામે જ ખીંટીયે  ટીંગાળેલા તેલના જારાનાં હાથામાં ખાલી ચડી ગઈ છે. એનાં નાના-નાના હોલમાં ધૂળ ભરાઈ હોવાથી એને મુંજારો આવે છે. પારણિયારે પડેલા ખાંડણી-દસ્તો સામસામે ઘુરકીયાં કરે છે… કંટાળેલા એ ક્યારે બથોમબથ આવે એનું કઈ નક્કી નથી. કાથરોટ, ડીશુ, થાળી, વાટકા, અડારી, કપ બધા જરાક વાયરો વાતા ખખડી ઉઠે છે. નાહ્યા વગરના આ બધાયના ડીલે લુંબે-જુંબે ધાધરુ થઈ છે. પોતાના દેહ પર હડીયા પટ્ટી કરતી માખી, મકોડાને જોઈ રોષે ભરાય એેને સાતમી પેઢીની ચોપડાવે છે! બહારની પરિસ્થતી ય ગોઝારી હતી. છાજલી પર સંકેલાયને મુકેલ બુંગણની કમરની કઢી થઈ ગઈ છે. રોજ ફયટકે ચડતો બે ઈંટ અને એક કારમિણ પાણાથી બનેલ દેશી ચુલો મોઢું લબડાવીને બેઠો હતો. રુમમાં રહેલ ગેસનો ચુલો એને ટેગ કરી સેલ્ફી લઈ  “ઇન્જોય વીથ ચાની તપેલી” એવું લખી ફેસબૂક પર મૂકી તેને રોજ બળતરા કરાવે છે! ભજીયા ન બનતા આ બધા ‘બોકાહા’ નાંખતા હતા. ફરતી કોર રખડતા મસાલાનાં પ્લાસ્ટીકના કાગળ, બીડીના ઠુંઠીયા, બીજા કાગળીયા હમણા વારી ચોરીને ચુલે હોમાવાનાં હતા. એમની આતુરતાનો અંત આવ્યો.

  એક બાઈક બંબાટ કરતું વાડીમાં ધુસ્યું. સાથે ધાણા-મેથી, ચણાના લોટ જેવી જરુરી વસ્તુ લઈ બે-ચાર જણા વાડીમાં દાખલ થયા. ચોપાસ હરખની હેલી રેલાઈ. પાંચ-દસ મીનીટમાં બધા ભેગા થયા. ખુરશી, બુંગણ અને ખાટલા પથરાણા. ભજીયા બનાવવાની બધી સામગ્રી સુધારવા મંડયા. હજી દારુની ટેવ ગામમાં ઘુસી નથી એટલું સારુ છે. અલક-મલકની વાતુ થઈ. મથુર લુવારની કોયડથી લઈ અમેરિકા સુધી પુગી ગ્યા! ટ્રમ્પની સાત પેઢી વીંખી નાય્ખી. ચીન અને ડોકલામ વયા ગ્યા. ભયો મરચા સુધારતો કયે “જીવી ડોહી જેવી છુછરી આય્ખું વારા ચીનાવ આયા આવે તો ભોડી ભીંહી નાંખીયે. ચીનાની બોચી પકડી ભીમની જેમ નવતેરીયુ કરીયે. તમે સીટી વારાવ તમારુ જોય લેજો, અમે અમારુ ફોડી લેહુ.” કોઠીંબડાની કાંચડીથી લઈ સાગના ઝાડવા,ખારેક સુધીની ઓર્ગેનિક ખેતીની વાતુ કરી. ગધ્નાવ આવો અખતરો કરવા ના મંડાણા…હંધાયનો સૂર એવો હતો કે “તમે કાવડીયા રોકો, જમીન અમે આપીયે, માર્કેટીંગ તમારે કરવાનું” ઘોડા દોડાવતા અમે અતિતમાં ઉતર્યા. ચટણી બની ગઇ હતી. દાઝીયું તેલ ચુલે ચડી ગ્યું હતુ. બુંગણ પર છાપા પથરાણા, વાટકીયુ અપાઈ. ભજીયા આપણે કીલો/ગ્રામમાં ખાઈએ. અહીયા ચણાનો લોટ મુજબ એસ્ટીમેટ બને! અર્થાત અઢીસો ગ્રામ લોટમાં ( ભજીયામાં નય હો લોટમાં )  એક જણો ધરાય… ઈ મુજબ લોટ લાવવાનો. શહેરના લોકો અઢીસો ગ્રામ ભજીયામાં આખુ ઘર ધરાય જાય!

  જે નહોતા પહોંચી શક્યા તેને ફોન કરી કરીને બોલાવ્યા. બહારગામ ગયો છું, પાણી વારુ છું, દવા છાંટુ છું જેવા બહાનાઓનું વિડીયો કોલીંગ કે લોકેશન શેર કરવાનો ઓર્ડર કરી ઘઘલાવ્યા. જીઓ મોબાઈલને લીધે ગામડે નેટ અને નેટવર્કનો હવે કોઈ પ્રોબ્લેમ નથી. ઘણા મોબાઈલોમાં એટલા ઘુસી ગયા છે કે મોબાઈલ બેટરીને પણ સંકળાશ થાય!

  નરસૈયાનું સુવિખ્યાત એક ભજન છે ” જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે” અહી મોટા ભાગનાને ભોગ એટલે ભજીયા જ! ભજીયાનો પહેલો ઘાણવો બકડીયામાંથી ઉતર્યો. પંગતમાં બેઠેલા સાત-આઠ મિત્રોમાંથી જયુ એ પહેલુ બટકુ દાઢે ચડાવ્યું. એનું મોઢુ બગડી ગયું. થોડીવાર એ બટકાને ગલોફામાં પકડમ દાવ રમાડ્યું અને એને કશી શંકા ગઈ એટલે જોરથી બરાડ્યો કે, “ગીધા, ચટણીમાં કાયક તપલીક સે? કડવા લાગે સે!”

  ગીધો અમારો લાડકો કંદોય, દુર્વાસા મુનિ સાથે હરિફાઈ કરે એવો ક્રોધિત સ્વભાવ. અંદરના રુમમાં ભજીયા પાડતા પાડતા એની આંખો ચકરવકર થઈ, મનમાં જ બોલ્યો કે મારી રસોઈમાં ખોચો!? ના હોય. એણે ચણાની લોટની ગારીથી બગડેલો જમણો હાથ તપેલીમાં બોળી સાફ કર્યો. હાથ સાથળ પર લુંછી, ત્રણ બટન ખુલ્લા રાખેલ બુશર્ટમાં હાથ નાંખી શરીર વલૂર્યુ. ચટણીનુ તપેલું ઓર્ડર કરી અંદર મંગાવ્યું. ચટણીના તપેલા સાથે બધા ભજીયાને ત્યજીને અંદર રસોડામાં પધાર્યા. ગીધાએ શરીર વલૂરવાનું મૂલત્વી રાખી જમણો હાથ ચટણીની તપેલીમાં ઘુસાવ્યો, ચટણીને તે જ હાથથી વલૂરી, થોડીવાર પછી ચટણીની દંદૂડી કરી ડાબા હાથની હથેળીમાં ધારણ કરી. પવિત્ર યજ્ઞમાં ગંગાજલપાન કરતો કર્મનિષ્ઠ યજમાન  હોય તેમ રસપાન કર્યું. આંખો બંધ કરી સ્વાદેન્દ્રીને કામે લગાડી. કઈક નિર્ણય પર આવ્યો હોય એવું લાગતા આંખો ખોલી એણે ખોલ આપી “બાદીયા વધી ગ્યા હોય એમ લાગે સે!”

  ગીધા એ બધા સામે વારાફરતી દ્રષ્ટિપાત કર્યો. થો઼ડો છોભલી પડ્યો હોય એવું લાગ્યું એટલે મેં ઠપકો આપતા કહ્યું કે, “પણ બાદીયા ખપ પુરતા નાંખવા જોઈ ને?”

  “ગાંડી ડાયને શિખામણ આપે સે! જોય એટલા જ નાંખ્યા, પૂછી જો જયુ ને. કેસુબાપાને દસ માણહનો સામાન પેક કરવાનો જ ઓર્ડર દીધો તો. બાદીયાનું પડીકુ દસ રુપિયાનું જ હોય, એની ભૂલ નો જ થાય. કેસુબાપાને તો આ રોજનું થ્યુ. દસ માણહ વોય એટલે દસ રુપિયાના થય જ રયે આ અમારુ દેશી ગણિત” તેણે ખુલ્લાસો કર્યો અને બધાનું સમર્થન લેવા માટે કાકલૂદી કરી. પ્રોગ્રામ આમ મોભમ જ ચાલે! કેસુબાપાની કરિયાણાની દૂકાને કેટલા માણસો જમવાના છે એટલું કહો એટલે બાપા જરુરિયાત પુરતી ચટણી, ચણાનો લોટ, આંબલી, ગરમ મસાલો, બાદીયા, તજ લવિંગ ઈત્યાદી પેક કરી દે…એટલી એની માસ્ટરી!

  “ડફોળ, માની લે કે કેસુબાપા ભૂલથી પડીકામાં વધું નાંખી દે તો શું બધુ ચટણીમાં નાંખી દેવાનું? આપણી અક્કલ નહી ચલાવાની? હાથમાં મુઠ્ઠી ભરીએ તો ખબર ન પડી જાય? તારા શરીર જેવી જ તારી બુદ્ધી જાડી છે.” મારો મગજ છટક્યો એટલે મેં એને ધમકાવ્યો. ગીધાનો વાંક હોય એટલે તે નીચી મૂંડી કરીને સાંભળી લે. બધા એનો વાંક જ શોધતા હોય, આજ માંડ લાગમાં આવ્યો એટલે સૌ એ એને બરાબરનો ઠમઠોર્યો.

  અંતે એને રસ્તો મળ્યો, પોતાના સાથીને ફોન કરી આદેશ આપ્યો કે, “વાડીયે જી આંબલી છે ઈ જપટથી જયુની વાડીયે પુગાડી દે” એણે હસતા-હસતા અમને કહ્યું કે, “જીરીક ઘોડો પલાંણો, હમણા આમલી આવે એટલે એને ગરમ કરી આમા ભેરવી ચટણી હેલી કરી દવ, પસી ચટણી વધી જાહે એટલે બાદીયા માપે લાગસે” સાલ્લાની હોશિયારી પર દાદ આપવાનું મન થાય! પંદર મિનીટમાં એણે બધુ બરાબર કરી દીધું. ચટણી સ્વાદિષ્ટ બની. હવે ગીધો ગરીબડી ગાય જેવો થઈ ગયો. શંકાનાં સમાધાન માટે બે-ત્રણ મિત્રોને ચટણીનો સ્વાદ ચખાડ્યો. મને તો ખાસ ચખાડીને કહે, “લે ભીમા, તુ ચાખી લે પછી પતર ના રગડતો” હવે જમાવટ મેં કહ્યું એટલે ફરી પંગત પડી. ગીધો લહેરમાં આવી ગયો. પાછા એવા જ ક્રોધિત શ્વરે કહ્યું “એકેય ચુ કે ચા કર્યા વગર છાનુમુનીના ખાય લેજો, હવે ખોચો કાયઢો તો આ ગારી ને તેલ હોતુ બકડીયુ જાહે કૂવામાં, હાલોપ વેતીના થાવને બેહી જાવ” પછી એણે તેલ ગરમ કર્યું. મંડ્યો ઘાણવા પાડવા.

  ચુલેથી અમારી પંગત દસ ફૂટ છેટી હતી. ઘણા એવા હતા જેને મગજનું હોજરી સાથે કનેક્શન જ નહોતુ. ભજીયા પિરસવા વાળા પિરસી-પિરસી ૨૦૦-૩૦૦ કિલો કેલરી બારી નાંખી હશે! ભજીયા ય મસ્તીનાં એવા પોચા બન્યા હતા કે જાણે તમે એમા ખાટલો પાથરી સુઈ ના જાવ. ઘાણવાનાં ઘાણવા ઉતર્યા. બે ત્રણ વખત લોટની ગારી બંધાય. તેલનુ ડબલુ બે વાર ખાલી કર્યું. મરચા, મેથી સફાસટ થયા. બે-ત્રણ એકટાણુ કરનારા ખાલી મોજ માટે વાડીયે આવ્યા હતા એનેય સાસુનાં સમ દઈ ખાવા બેસાડી દીધા, ભજીયા તો ફરાળમાં આવે એવું કીધુ, એનુ એકટાણું ભંગવી નાંખ્યું. છેલ્લો ઘાણવો કાચો આવ્યો ત્યારે બધા સમજી ગયા કે હવે ઉઠાય. આ અમારી બાજુના ખાનારા માટે ઉઠવાનો સંકેત છે. સૌ ધીમે-ધીમે ઉઠયાં. બીડી-પાન-મસાલા ખવાયા. ભજીયાનાં કેફથી અડધા આડા પડી ગયા હતા….

  …મજાની લાઈફ હો

   

  #eછાપું 

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here