WhatsApp નું નવું વોઈસ મેસેજ ફીચર સારું કે ખરાબ

    1
    334

    કોઇપણ એપ હોય એ જ્યારે પણ અપડેટ થતી હોય છે ત્યારે તેની પાછળ મુખ્ય આશય તેને વધુને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવાનો હોય છે. WhatsApp જેવી ઘણી એવી પોપ્યુલર એપ્સ છે જે વારંવાર અપડેટ થઈને પોતાની સેવાઓને વધુ સરળ અને શ્રેષ્ઠ બનાવે છે અને કદાચ એટલેજ એ એપ્સ એટલી પોપ્યુલર છે. હાલમાં WhatsApp દ્વારા એક નવું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. આ ફીચર એવું છે કે તમે હવે WhatsApp પર વોઈસ મેસેજ પેલો માઈક્રોફોન આઇકોનને સતત દબાવ્યા વગર મોકલી શકશો.

    પહેલી નજરે અત્યંત સુવિધાજનક લાગતું આ ફિચર તમને ભવિષ્યમાં અડચણરૂપ લાગે તેવું ટેક પંડિતો માની રહ્યા છે. આ પંડિતો અત્યારથી જ WhatsAppના આ ફીચર અંગે યુઝર્સને સાવધ કરીને કહી રહ્યા છે કે પછી અમારો વાંક ન કાઢતા કે અમે તમને ચેતવ્યા ન હતા.

    આ પ્રકારનું ફીચર ભૂતકાળમાં Telegram જેને WhatsAppનો સૌથી નજીકનો હરીફ ગણવામાં આવે છે તેના પર પણ શરુ કરવામાં આવ્યું હતું. અહીં તમારે તમારા કોઈ કોન્ટેક્ટને વોઈસ મેસેજ મોકલવો હોય તો માઈક્રોફોન આઇકન પર માત્ર એક જ વાર ટેપ કરવાનું છે અને તમારો મેસેજ તરતજ રેકોર્ડ થવા લાગશે. જ્યારે તમારો મેસેજ પૂરો થશે ત્યારે તમારે માત્ર ઉપર સ્વાઇપ કરવાનું રહેશે અને વોઈસ મેસેજ જતો રહેશે.

    તમને ગમશે: ભારત માટે આનંદના સમાચાર લઈને આવ્યું ઈરાનનું ચાબહાર પોર્ટ

    આ સુવિધા કદાચ વોઈસ મેસેજ મોકલનાર માટે આશિર્વાદરૂપ સાબિત થાય પરંતુ તેને રીસીવ કરનાર માટે તે માથાનો દુઃખાવો બની શકે છે. આ પાછળ કારણ એ છે કે વોઈસ મેસેજ જ્યારે તમારી પાસે ટાઈપ કરવાનો સમય ન હોય અથવાતો ટાઈપ કરવાનો કંટાળો આવતો હોય ત્યારે મોકલવામાં આવતો હોય છે. પરંતુ હવે તમારે સતત માઈક્રોફોન બટન દબાવી રાખવાનું ન હોવાથી તમે લાંબાને લાંબા મેસેજ મોકલશો જે રીસીવ કરનાર વ્યક્તિ માટે તકલીફ આપી શકે તેમ છે કારણકે એને એ આખો મેસેજ સાંભળવો પડશે, પછી તેની પાસે ટાઈમ હોય કે ન હોય. આ વાંચીને તમને કદાચ તરતજ તમારી એડ્રેસ બુકમાં રહેલો કોઈ કોન્ટેક્ટ યાદ આવી જશે જેને લાંબીલચક વાતો કરવાની આદત છે અને હવે તે તમને એટલા જ લાંબાલચક મેસેજ મોકલશે! ડરી ગયાને?

    આપણે એ દલીલ માની લઈએ કે કોઇપણ નવું ફીચર ચાલુ થાય તેના લાભ કે ગેરલાભ જાણવા તેને થોડો સમય જરૂર આપવો જોઈએ. જેમકે, WhatsApp દ્વારા જ ભૂતકાળમાં જ્યારે વોઈસ મેસેજ ફીચર અથવાતો વિડીયો કોલિંગ ફીચર શરુ કરવામાં આવ્યું હતું ત્યારે તે પણ વધારે નહીં ચાલે એવી વાતો વહેતી થઇ હતી, પરતું આજે આ બંને ફીચર અત્યંત પોપ્યુલર છે એ હકીકત છે. એવું પણ બની શકે કે તમે પણ WhatsApp પર તમારા કોઈ કોન્ટેક્ટ્સની જેમજ લાંબા લાંબા વોઈસ મેસેજીસ મોકલવાનું શરુ કરી દો? પંડિતો આ ફીચર અંગે જે કોઇપણ વાંધો ઉઠાવી રહ્યા છે તે ટેક્નીકલ કરતાં માનસિક અસરો અંગેનો વાંધો વધુ છે, જે દરેક વ્યક્તિ માટે એક સરખો ન હોય તે આપણે પણ જાણીએ છીએ.

    #eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here