સ્નો લેપર્ડ લુપ્તપ્રાય ન રહેવા પાછળનું કારણ

  0
  349

  સ્નો લેપર્ડ હવે લુપ્તપ્રાય થતી જાતિઓમાં સામેલ નથી. એક આંતરરાષ્ટ્રીય પશુ સંસ્થાએ આ અંગે જાહેરાત કરતાં જણાવ્યું છે કે સ્નો લેપર્ડને 45 વર્ષ બાદ ભયમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. ધ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) એ સ્નો લેપર્ડને ઓછા ખતરાવાળી યાદીમાં મુક્યા છે પરંતુ તેને શિકારથી ભયમુક્ત જાહેર નથી કર્યા.

  દુનિયાભરમાં સ્નો લેપર્ડનો તેની ચામડી અને હાડકા માટે મોટા પ્રમાણમાં શિકાર કરવામાં આવે છે. લુપ્તપ્રાય થતી પ્રજાતિઓની યાદીમાંથી સ્નો લેપર્ડને બહાર મુકવા પાછળ પાંચ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા ત્રણ વર્ષનું કરવામાં આવેલું સર્વેક્ષણ જવાબદાર છે. લુપ્તપ્રાય થવાની યાદી હેઠળ એ પ્રાણીઓને મુકવામાં આવે છે જેના પુખ્તવયના પશુઓની સંખ્યા 2,500 કે તેનાથી ઓછી હોય. જ્યારે સ્નો લેપર્ડની સંખ્યા હાલમાં 4,000 જેટલી થવા જાય છે. એક બિનઅધિકૃત આંકડા અનુસાર આ સંખ્યા કદાચ 10,000 થી પણ વધુ હોઈ શકે છે.

  આ પ્રમાણે બે અલગ અલગ સંખ્યાઓ હોવા પાછળ એવું કારણ બતાવવામાં આવી રહ્યું છે કે સ્નો લેપર્ડ અન્ય જગ્યાઓ ઉપરાંત હિમાલયના બરફાચ્છાદિત શિખરોમાં વિવિધ સ્થળે ફેલાયેલા છે અને આથી તેમની વ્યવસ્થિત વસ્તીગણતરી કરવી લગભગ અશક્ય છે. આથી વાઈલ્ડલાઈફ નિષ્ણાતોએ એશિયાની  વિવિધ પર્વતમાળાઓનો એક જ હિસ્સો પસંદ કરીને તેમાં સ્નો લેપર્ડની વસ્તી ગણી હતી. આ વિસ્તાર લગભગ 1.8 મિલિયન સ્ક્વેર કિલોમીટર જેટલો અને એશિયાના 12 દેશોમાં ફેલાયેલો હતો.

  તમને ગમશે: ચેલેન્જ! વિશ્વના આ સૌથી નાના 10 દેશ વિષે તમે અજાણ છો

  વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન સોસાયટીના સ્નો લેપર્ડ પ્રોગ્રામના કોઓર્ડીનેટર પીટર ઝાહ્લરનું કહેવું હતું કે આ પ્રાણીઓની વસ્તીગણતરી કરવી અત્યંત મુશ્કેલ હતી. આ કાર્યમાં અમારી ટીમને ખૂબ મહેનત કરવાની આવી હતી અને અમારી ટીમે વિશ્વના કેટલાક અત્યંત સૂદૂર અને બિલકુલ સુવિધા ન ધરાવતા વિસ્તારોમાં જવું પડ્યું હતું. વિવિધ વિસ્તારોમાં સ્નો લેપર્ડ ક્યાં છે તે શોધવામાં ટેક્નોલોજી તેમના કામમાં આવી હતી. કેમેરા ટ્રેપ અને સેટેલાઈટ કોલરીંગ દ્વારા આ સંશોધક ટીમને ખૂબ મદદ મળી હતી.

  આ સમગ્ર યોજના દરમિયાન એ ફાયદો થયો કે હવે સ્નો લેપર્ડ તેમના આરક્ષિત વિસ્તારોની બહાર પણ જવા લાગ્યા છે તેવું પહેલીવાર માલુમ પડ્યું છે. આ ઉપરાંત આ વિસ્તારોમાં વસતા સ્થાનિકોને પણ આ ટીમે શિક્ષણ આપીને શિકારીઓથી સ્નો લેપર્ડને બચાવવાનું પણ સમજાવ્યું હતું.

  આટલું જ નહીં પરંતુ સ્થાનિકોને તેમના પશુઓની સુરક્ષા માટે ગમાણ કેમ બંધાય તેની ટ્રેઈનીંગ પણ આ ટીમે આપી હતી. આમ કરવાથી પશુપાલકોના પશુઓ સ્નો લેપર્ડના હુમલાઓથી તો બચશે જ પરંતુ તેનાથી પશુપાલકો ગુસ્સામાં આવી જઈને પોતાના જાનવરોને મારનારા સ્નો લેપર્ડને મારી નાખીને બદલો લેવાનું પણ બંધ કરશે.

  જોકે ઝાહ્લરે આ સુખદ સમાચાર મળ્યા  બાદ પ્રાણીના સુરક્ષિત ભવિષ્ય અંગે સંતોષ મેળવીને તેને ભૂલી જવા અંગે ચેતવણી આપી છે. તેમના કહેવા અનુસાર સ્નો લેપર્ડ ત્યારે લુપ્તપ્રાયમાંથી સંવેદનશીલ યાદીમાં મુકવામાં આવ્યા છે અને મોટા પ્રમાણમાં તેમનો શિકાર તેમને ફરીથી લુપ્તપ્રાયની યાદીમાં લાવી શકે તેમ છે.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here