રાજકારણ અને બોલીવુડ – આ સંબંધ ઘણા મજબૂત છે

    0
    363

    ગુજરાત વિધાનસભાની 2017ની સામાન્ય ચૂંટણીની પૂર્વસંધ્યાએ રાજકારણ અને બોલીવુડ વચ્ચેના બહુ જૂના અને અત્યંત મજબૂત સંબંધો વિષે વાત કરવાની ઈચ્છા થઇ આવી છે. ના ના આપણે આજે Top Bollywood Films on Politics જેવા બીબાઢાળ વિષય પર વાત નથી કરવાની, આપણે તો ભારતના બે સૌથી વધુ ચર્ચિત ક્ષેત્રો વચ્ચેના સંબંધો પર થોડીક વાત કરવી છે અને એ પણ સાવ ટૂંકાણમાં એટલે તમે બોર ન થાવ.

    પહેલેથી જ બોલીવુડના સ્ટાર્સ અને આપણા દેશના રાજનેતાઓ વચ્ચે સંબંધ રહેલા છે. જ્યારે પણ દેશમાં ચૂંટણીઓ આવે છે ત્યારે બોલીવુડ સ્ટાર્સ વિવિધ રાજકીય પક્ષો માટે પ્રચાર કરવા મેદાનમાં આવી જાય છે. આવું વર્ષોથી બનતું આવ્યું છે, પરંતુ બોલીવુડ સ્ટાર્સની ભારતીય રાજકારણમાં સીધેસીધી એન્ટ્રી થઇ 1984ની લોકસભાની ચૂંટણીઓમાં. ભારતના ત્રણ પ્રમુખ સિતારાઓ અમિતાભ બચ્ચન, સુનીલ દત્ત અને વૈજ્ન્તી માલાએ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી અને ભારે બહુમતથી જીતી આવ્યા. સુનીલ દત્ત છેક તેમના અવસાન સુધી રાજકારણ કરતા રહ્યા તો વૈજ્ન્તી માલા છેક હમણાં સુધી એક્ટીવ રાજકારણનો હિસ્સો બનેલા રહ્યા હતા. બોફોર્સ કેસમાં નામ સંડોવાઈ જવાને લીધે અમિતાભ બચ્ચને સાંસદ બન્યાના થોડા જ સમયમાં રાજકારણને કાયમ માટે અલવિદા કરી દીધી.

    ઉપરોક્ત ત્રિપુટી બાદ રાજેશ ખન્ના, વિનોદ ખન્ના, શત્રુઘ્ન સિન્હા, ધર્મેન્દ્ર અને હેમા માલિની જેવા જાણીતા એક્ટર્સ વિવિધ પાર્ટીઓ સાથે જોડાઈને ચૂંટણીઓ જીતી ચૂક્યા હતા. જાણીતા રાજકારણી રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાને પહેલા ઉલટી ગંગા વહેવડાવી હતી. ચિરાગ પાસવાને ફિલ્મ ‘મિલે ના મિલે હમ’ માં અભિનયના અજવાળાં પાથર્યા હતા પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર પાણી માંગવા સુધ્ધાં ઉભી ન રહેતા ચિરાગે પોતાના પૂજ્ય પિતાશ્રીની આંગળી પકડીને રાજકારણમાં પ્રવેશ કરી લીધો. આજે ચિરાગ પાસવાન બિહારના રાજકારણમાં સક્રિય નેતાઓમાંથી એક  છે. તો ગુજરાતમાં પિતા નરેશ કનોડિયા અને કાકા મહેશ કનોડિયાના રાજકારણનો વારસો તેમના પુત્ર હિતુ કનોડિયા નિભાવી રહ્યા છે. ગયે વખતે વિધાનસભાની ચૂંટણી હારી જનાર હિતુ કનોડિયા આ વખતે ઇડરથી ફરીથી પોતાનું લક અજમાવી રહ્યા છે.

    તમને ગમશે: સાઉદી અરેબિયાના રાજપરિવારના રાજકારણ પાછળની કથા

    આ તો થઇ દેશના રાજકારણમાં થતી કલાકારોની આવનજાવન પર, પરંતુ બોલીવુડ દેશના રાજકારણ પર સતત ફિલ્મો બનાવતું રહ્યું છે. ખૂબ ખાંખાખોળા કરીએ તો આ જોનરમાં જો સૌથી સોલીડ ફિલ્મ બોલીવુડે બનાવી હોય તો તે અનુરાગ કશ્યપના ડીરેક્શનમાં બનેલી ‘ગુલાલ’ જરૂર ગણી શકાય. બોક્સ ઓફીસ પર આ ફિલ્મ ખાસ કોઈ પ્રદર્શન ભલે ન કરી શકી હોય પણ હવે તે cult classic બની ચૂકી છે. આમ તો ‘આંધી’ અને ‘કિસ્સા કુર્સી કા’ જેવી ફિલ્મો જે રાજકારણ પર આધારિત હતી અને 1975ની કટોકટી દરમ્યાન તેમના પર પ્રતિબંધ લાગવાને લીધે ચર્ચામાં પણ રહી હતી, પરંતુ 1980 ના દાયકામાં રાજકારણના વિષય પર ફિલ્મો બનાવવાની એક અનોખી હરીફાઈ પણ થઇ હતી.

    એક સામાન્ય માનવીના સંજોગોવશાત રાજકારણી બનવું અને પછી રાજકારણના વમળમાં ફસાઈ જવું અને કોઈને કોઈ રસ્તે બહાર નીકળવાની તેની સ્ટ્રગલ જેવા એક જ વિષય પર 1984માં ત્રણ-ત્રણ ફિલ્મો બની હતી અને ટૂંકા ગાળામાં એક પછી એક રિલીઝ પણ થઇ હતી. આ ત્રણ ફિલ્મ હતી અમિતાભ બચ્ચનની ‘ઇન્કલાબ’, રાજેશ ખન્નાની ‘આજ કા MLA રામઅવતાર’ અને જીતેન્દ્રની ‘યહ દેશ’. આ ત્રણેય ફિલ્મોના રીલીઝ થવા અગાઉ તેને સુપર સ્ટારની બનવાની ફાઈનલ તરીકે મીડિયામાં ચિત્રિત કરવામાં આવી હતી. અમિતાભ બચ્ચને સ્વાભાવિક રીતે તે સમયની તેની ફિલ્મોની ટીપીકલ ફોર્મ્યુલા અપનાવીને પોતાની લોકચાહનાને એનકેશ કરી અને ઇન્કલાબ ખૂબ મોટી હીટ બનાવીઇ, જ્યારે રાજેશ ખન્ના અને જીતેન્દ્રની ફિલ્મો પીટાઈ ગઈ. પરંતુ આજે જ્યારે જો તટસ્થ થઈને આ ત્રણેય ફિલ્મો જોવામાં આવે તો કદાચ રાજેશ ખન્નાની ‘આજ કા MLA રામઅવતાર’ એક ફિલ્મ તરીકે આ ત્રણ ફિલ્મોમાંથી શ્રેષ્ઠ હતી.

    નજીકના ભૂતકાળમાં સરકારની સિક્વલ કે પછી પ્રકાશ ઝાની ફિલ્મો રાજકારણના વિષય પર બનાવવામાં આવી છે અને તેમાંથી ઘણી ફિલ્મો ખૂબ સારી બની છે. પરંતુ તેમ છતાં ભારતને હજીપણ વર્ષો સુધી યાદ રહે તેવી પોલીટીકલ થ્રીલર બોલીવુડ તરફથી મળે તેની ખાસ જરૂર છે. આપણી ઘણી ફિલ્મોમાં રાજનેતાને વિલન ચીતરીને કામ પૂરું કરી દેવામાં આવે છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે અમેરિકન સિરીઝ ‘House of Cards’ જેવી એક મજબૂત રાજકારણ પર આધારિત ફિલ્મ અથવાતો ફિલ્મો જોવા મળે.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here