ભારતનો આ શિયાળો શ્રીલંકા માટે યાદગાર બની શકે છે

  0
  305

  હજી ચાર દિવસ પહેલા જ શ્રીલંકા એક એવી ટીમ હતી જેને ચપટીમાં ચોળી નાખવી એ ભારતની ટીમ માટે આસાન કાર્ય હતું. પરંતુ ભારતના વાતાવરણમાં અચાનક પરિવર્તન આવ્યું અને ઉત્તર ભારતમાં આવેલા નયનરમ્ય ધરમસાલાના ટાઢા વાતાવરણમાં આખી બાજી જ પલટાઈ ગઈ. હજી થોડા દિવસ પહેલા જ બેટિંગનું પાવરહાઉસ ગણાતી ભારતની ટીમના બેટ્સમેન શ્રીલંકાના બોલર્સ સામે ઘૂંટણિયે પડી ગયા. ભલું થજો ધોનીનું કે એણે એક છેડો સાચવીને ભારતને સો નો આંકડો પાર કરાવ્યો.

  સોશિયલ મીડિયા પર વસતા અમુક ક્રિકેટ નિષ્ણાતો એ આપેલા ઈન્સ્ટન્ટ નિર્ણય અનુસાર પહેલી વનડેમાં ભારતની હાર એટલે થઇ કારણકે આપણી ટીમ કેપ્ટન વિરાટ કોહલી પર વધારે આધાર રાખે છે અને એની ગેરહાજરીમાં ટીમ આટલી ખરાબ રીતે હારી ગઈ. જો તમારે હારનું સરળ કારણ જ સ્વિકારવું હોય તો આ કારણ યોગ્ય જ છે, પરંતુ જો તમારે થોડી ખણખોદ કરવી હોય તો તેના માટે મહેનત કરવી પણ જરૂરી છે. એક વાત સ્પષ્ટ છે કે જો ભારતની બેટિંગ ધરમસાલાના વાતાવરણમાં ધરાશાઈ થઇ ગઈ હોય તો શ્રીલંકાના હાલ જો તેની પહેલી બેટિંગ આવી હોત તો એનાથી પણ બદતર થાત. પરંતુ, ક્રિકેટમાં જો અને તો નથી ચાલતા.

  એટલે ઉપરની થિયરીને ન માનીને આજે ચંડીગઢ નજીક આવેલા મોહાલીના અદ્ભુત પંજાબ ક્રિકેટ એસોસિએશન ક્રિકેટ સ્ટેડીયમમાં રમાનારી બીજી વનડે પર નજર કરીએ, તો અહીં પણ ધરમસાલા કરતા કોઈ અલગ વાતાવરણ તો નથી જ. આમ જુઓ તો સમગ્ર ઉત્તર ભારતમાં હવે શિયાળો બેસી ગયો છે અને બહુ ઓછો સુર્યપ્રકાશ અહીં જોવા મળે છે. આવામાં મોહાલીની ક્યુરેટર દલજીત સિંઘને પીચ તૈયાર કરવામાં કઈ તકલીફ પડી હશે તે તો એ જ જાણે. પરંતુ સામાન્ય જ્ઞાન એવું કહે છે કે બેટિંગ માટે સારી પીચ જોઈએ તો તેને અમુક સમય તડકા નીચે ગરમ કરવી પણ જરૂરી છે.

  તમને ગમશે: અબોર્શન માટે ઉત્તરી આયર્લેન્ડની મહિલાઓને આધાર આપતું સ્કોટલૅન્ડ

  તો, સાદી ભાષામાં કહીએ તો આજની મેચમાં પણ બોલરો છવાઈ જાય એવું લાગી રહ્યું છે. જો આ વનડે પણ પહેલી વનડેની તર્જ પર જ રમાવાની હશે તો પહેલી બેટિંગ અથવાતો પહેલી બોલિંગ કોણ કરશે તે અતિશય મહત્ત્વનું બની જાય છે. વળી, આ વખતે ત્રણેય મેચો કાયમના દોઢ અથવાતો બે વાગ્યા કરતા એક કલાક વહેલી શરુ કરવામાં આવી રહી છે. આથી પીચ પર તડકો સાવ ઓછો પડવાને લીધે અને ઠંડા વાતાવરણને લીધે મેચ શરુ થશે ત્યારે ઝાકળનું પ્રમાણ સારું એવું રહેવાનું. આમ બોલરો એટલેકે ફાસ્ટ બોલર્સને શરૂઆતથી જ મદદ મળશે એ પાક્કું જ છે. આથી ટોસ અત્યંત મહત્ત્વનો બની જાય છે.

  શ્રીલંકા ઓલરેડી ત્રણ મેચોની આ સિરીઝમાં એક મેચ જીતી ચૂક્યું છે અને ભારત માટે કમબેક કરવાનો આ એક માત્ર મોકો છે. આમ આ મેચ જીતવાનું માનસિક દબાણ ભારત પર છે નહીં કે શ્રીલંકા પર. પીચ અને વાતાવરણને લીધે ટોસ અતિશય મહત્ત્વનો બની જાય છે અને જો ભારત ટોસ હારે અને પહેલી બેટિંગ કરવાની આવે તો આ દબાણ ડબલ થઇ જશે તેમાં ના નહીં. જો આ મેચ ભારત ભગવાન ન કરે અને હારી ગયું તો સાઉથ આફ્રિકાની આવનારી યાત્રા એક નકારાત્મક મુદ્દા પર તેઓ શરુ કરશે જે વધારે ખરાબ હશે.

  જો કે આપણી ટીમના તમામ ખેલાડીઓ પ્રોફેશનલ્સ છે અને વર્ષોથી કોઇપણ પ્રકારના દબાણને હેન્ડલ કરતા જ આવ્યા છે, પરંતુ તેમ છતાંય જો પહેલી બેટિંગ આવે તો 300+ ના સ્કોર કરતા માત્ર 200 રનના લક્ષ્ય સાથે શરૂઆતની ઓવરો શાંતિથી રમી જઈને પછીથી શરૂઆતના ટાર્ગેટને 250+ સુધી લઇ જઈને શ્રીલંકા પર દબાણ લાવી શકાય છે. આનું કારણ એક જ છે કે લાઈટ નીચે બોલ આવા ભારે વાતાવરણમાં વધારે સ્વિંગ થશે.

  આપણે આટલું બધું વિચારીએ છીએ તો રવિ શાસ્ત્રી અને રોહિત શર્મા તો આપણા કરતા વધુ સારી રીતે વ્યૂહરચના ઘડી શકે છે. આથી આપણે આપણી ટીમને ફૂલ સપોર્ટ કરીએ અને તેની જીતની કામના કરીએ!

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here