આચારસંહિતા એટલે ચૂંટણી પંચનું અગડમ બગડમ

    0
    329

    ભારતમાં કોઇપણ ચૂંટણી તટસ્થ રીતે આયોજીત થાય તેના માટે ચૂંટણી પંચે એક આદર્શ આચારસંહિતા રચી છે. પરંતુ ઘણીવાર ભગવાન અમુક સુંદર રચના કરીને ભૂલી જતા હોય છે એમ આપણું ચૂંટણી પંચ પણ કોઈક કારણોસર આ આચારસંહિતાને વહેતા જતા સમયની સાથે સાથે અપડેટ અથવાતો અપગ્રેડ કરવાનું ભૂલી ગયું છે.

    Photo Courtesy: Indian Express

    મતદારોને સરકારમાં બેઠેલો પક્ષ મતદાનના દિવસ સુધી ભોળવી ન જાય તે માટે આચારસંહિતા ચૂંટણીના દોઢથી બે મહિના અગાઉ જ ચૂંટણી પંચ લાગુ પાડી દેતું હોય છે અને આમ થવું ઇચ્છનીય પણ છે. વાંધો તો ત્યારે આવે છે જ્યારે ચૂંટણી પંચ આ આચારસંહિતાના નામે ભાતભાતના પ્રતિબંધો મૂકે છે. ચૂંટણી તટસ્થતાથી યોજાય એટલે પંચ જો એકસાથે એકથી વધુ રાજ્યોમાં ચૂંટણીઓ હોય તો તેની મતગણતરી પણ એકસાથે જ કરે છે. પહેલી નજરે જોઈએ તો આ આદર્શ વ્યવસ્થા છે. પરંતુ જો લાંબો વિચાર કરવામાં આવે અને તાજા ભૂતકાળના બનાવોને ધ્યાનમાં લેવામાં આવે તો ચૂંટણી પંચનો આ નિયમ તાર્કિક એટલેકે લોજીકલ નથી લાગતો અને એના માટે ખુદ પંચ જ જવાબદાર છે.

    અત્યારનો જ દાખલો લઈએ. લગભગ એક મહિના અગાઉ હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ થઇ હતી. આપણે આજે ગુજરાતમાં આપણી નવી વિધાનસભા માટે બીજા તબક્કાનું વોટીંગ કરી રહ્યા છીએ. આથી ગુજરાતના મતદાર પર કોઈ વિપરીત અસર ન પડે એટલે ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશના પરિણામો પણ ગુજરાત વિધાનસભાના પરિણામો સાથે જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. સરસ! પરંતુ વચ્ચે આવી ગઈ ઉત્તર પ્રદેશની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને વિવિધ પંચાયતોની ચૂંટણીઓ.

    આજે મીડિયા અને ખાસકરીને ઓનલાઈન અને ઈલેક્ટ્રોનિક મીડિયા એટલું બળવાન છે કે અહીં નાનામાં નાની ચૂંટણીઓને પણ એટલુંજ કવરેજ મળે છે જેટલું લોકસભાની ચૂંટણીઓને મળે છે, જ્યારે આ તો ઉત્તર પ્રદેશ જેવા દેશના સૌથી મોટા રાજ્યની મહત્ત્વની ચૂંટણીઓ હતી પછી એને આ બધા માધ્યમો કવર ન કરે એવું બને? આ ચૂંટણીઓ હિમાચલની ચૂંટણી અને ગુજરાતની ચૂંટણીઓના પહેલા તબક્કાના મતદાન પહેલા થઇ પણ ગઈ અને એના પરિણામો પણ આવી ગયા. આપણને બધાને ખબર છે કે ભાજપે આ ચૂંટણીઓમાં ભવ્ય વિજય મેળવ્યો. તો જો હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામોની અસર ગુજરાતી મતદાર પર પડતી હોય તો દેશના સૌથી મોટા રાજ્યમાં યોજાયેલી નાગરિક સંસ્થાઓની અત્યંત મહત્ત્વની ચૂંટણીઓના પરિણામોની અસરથી એ દૂર રહેશે?

    હવે આવીએ પ્રચાર માટે આપણા ચૂંટણી પંચની આદર્શ આચારસંહિતા આજના જમાનામાં કેમ બોખી છે એ મુદ્દા પર. એક સમય હતો જ્યારે મતદાનના 36 કલાક અગાઉ પ્રચાર બંધ એટલે કે સાવ બંધ કરી દેવામાં આવતો. આ પાછળનું આદર્શ કારણ એ હતું કે મતદાર મત આપવા જાય એ અગાઉ દસ વખત વિચાર કરી લે. આ ઉપરાંત નાના કે મોટા નેતાઓ એક દોઢ મહિનો પ્રચાર કરવા આખો દેશ કે આખું રાજ્ય ખુંદી વળ્યા હોય તો આ દોઢ દિવસમાં તે ફેઈસ ટુ ફેઈસ મતદારોને મળી શકે, સાવ સાદી ભાષામાં કહીએ તો ખાટલા પરિષદ કરીને. હા, મતદાનના દિવસે એક છેલ્લી ટ્રાય તરીકે છાપાઓમાં પણ મોટા રાજકીય પક્ષો પોતાને જ મત આપવાની ફૂલ પેઈજ કે હાફ પેઈજની જાહેરાત આપીને સંતોષ માની લેતા.

    પરંતુ હવે સમય બદલાયો છે. ઈલેક્ટ્રોનિક અને ઓનલાઈન મીડિયા ઉપરાંત સોશિયલ મીડિયા દરેકના ખિસ્સા સુધી પહોંચી ગયું છે. આ ત્રણેય મીડિયાઓ પર કોઇપણ પ્રકારનો પ્રતિબંધ નથી અને તેથી મતદાન ચાલુ હોય ત્યારે પણ રાજકીય પક્ષો પ્રચારનો મારો આ ત્રણ માધ્યમો દ્વારા સતત ચાલુ રાખતા હોય છે. અહીં ચૂંટણી પંચની એ આદર્શ આચારસંહિતાના લીરેલીરા ઉડી જાય છે અને આથી જ વર્તમાન સમયમાં પ્રચાર અને મતદાન વચ્ચેના સમયનો કોઈજ મતલબ રહ્યો નથી.

    જેમ ઉપર ઉત્તર પ્રદેશની ચૂંટણીઓનું ઉદાહરણ આપ્યું એ જ ઉદાહરણ એક્ઝીટ પોલ અંગે પણ કદાચ લાગુ પાડી શકાય. એકવાર માની લઈએ કે હિમાચલ પ્રદેશનું વોટીંગ પત્યા બાદ જો એક્ઝીટ પોલ જાહેર કરી દેવામાં આવ્યો હતો, પણ શું તેની અસર ગુજરાતના મતદારો પર પડી હોત ખરી? છેલ્લા ઘણા વર્ષોમાં ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશનો મોટાભાગનો મતદાર સ્માર્ટ થયો છે એને કોને મત આપવો છે એ જાતે જ નક્કી કરે છે. અને જો તમે બંને ચૂંટણીઓની વચ્ચે એક મહત્ત્વના રાજ્યના કોર્પોરેશનનું ઇલેકશન કરાવીને એનું રિઝલ્ટ પણ જાહેર કરી શકતા હોવ તો એક્ઝીટ પોલ જાહેર કરાવવામાં શો વાંધો? વળી, ભારતમાં એક્ઝીટ પોલ્સની પોલંપોલ આપણને ખબર જ છે ને? તો ભલેને બિચારા મીડિયાવાળાઓ થોડા પૈસા રળી લેતા?

    આચારસંહિતા અંગેનો આ આખો મુદ્દો એટલા માટે યાદ આવ્યો કારણકે ગઈકાલે ચૂંટણી પંચે ગુજરાતમાં મતદાનના બીજા તબક્કાના બરોબર એક દિવસ અગાઉ જ કોંગ્રેસ રાહુલ ગાંધીએ અલગ અલગ ગુજરાતી ન્યૂઝ ચેનલોને ઈન્ટરવ્યુ આપ્યા એટલે એમને આદર્શ આચારસંહિતાના ભંગની નોટીસ મોકલી દેવામાં આવી. જો તટસ્થતાથી વિચારીએ તો ગુજરાત કોંગ્રેસનો આ માસ્ટર સ્ટ્રોક હતો અને ગુજરાત ભાજપનું પ્રચારતંત્ર પણ અહીં માત ખાઈ ગયું હતું. ભલે ઇન્ટરવ્યુ સારો રહ્યો કે ખરાબ એ અલગ બાબત છે પણ આવો વિચાર કરવામાં આવ્યો અને એનો અમલ પણ થયો એને માટે કોંગ્રેસને ફૂલ માર્ક્સ!

    હવે આવીએ મુદ્દા પર. કોંગ્રેસ ગઈકાલે રાત્રે જ ઉપરના મુદ્દે ચૂંટણી પંચના દરવાજે ગઈ અને 9મી ના મતદાન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી ચાર જાહેરસભાઓ તેમજ ગઈકાલે FICCIની AGMમાં એમણે કરેલા સંબોધનનો હવાલો આપ્યો. કોંગ્રેસનો વિરોધનો મુદ્દો સાચો છે કારણો સાચા છે કે ખોટા એના પર અલગથી ચર્ચા થઇ શકે છે. મુદ્દો સાચો હોવા પાછળનું કારણ એમ છે કે આ મુદ્દાથી ચૂંટણી પંચની કહેવાતી આદર્શ આચારસંહિતા કેટલી નબળી અથવાતો ભૂલભરેલી છે એ સાબિત થાય છે. એક તરફ તમે મતદાન અગાઉના 36 કલાક દરમ્યાન મતદાન થનારા ક્ષેત્રોમાં પ્રચારની મનાઈ ફરમાવો છો અને બીજી તરફ બીજા તબક્કાની ચૂંટણી માટે થતા પ્રચાર પર એક દિવસનો વિરામ નથી મૂકી શકતા તો શું આવી આચારસંહિતાને ધોઈને પીવાની છે? શું પહેલા તબક્કાના મતદાન જે વિસ્તારમાં હોય એ વિસ્તારનો મતદાર મત આપવા જતા અગાઉ ટીવી નહીં જોતો હોય? શું એ વિવિધ રાજકીય પક્ષો તેમજ તેમના ટેકેદારોની ફેસબુક પોસ્ટ્સ કે ટ્વીટ નહીં વાંચતો હોય? અરે છેક છેલ્લી ઘડી સુધી આને કે તેને મત આપવાના મેસેજો વોટ્સ એપ પર આવતા હોય છે. જો આપણો મતદાર આ બધા પ્રચાર શસ્ત્રોનો સામનો મતદાન કર્યાની છેલ્લી ઘડી સુધી કરે છે તો શું એના મતદાન પર એની અસર નહીં થાય?

    એક તરફ તમે આદર્શ ચૂંટણી માટે એક મહિના સુધી હજારો કિલોમીટર દૂર આવેલી એક વિધાનસભાનું પરિણામ અટકાવી રાખો છો, એક્ઝીટ પોલ જાહેર થવા દેતા નથી અને બીજી તરફ એક તબક્કાનું મતદાન ચાલુ હોય ત્યારે રાજકીય પક્ષોનો ઈલેક્ટ્રોનિક પ્રચાર બંધ નથી કરાવી શકતા, સોશિયલ મીડિયા પર તમારો કોઈજ કન્ટ્રોલ નથી અને ત્રીજી તરફ તમે એક રાજકીય નેતાને ઇન્ટરવ્યુ આપવા બદલ નોટીસ ફટકારો છો? અચ્છા, વડાપ્રધાને FICCIની AGMમાં અમુક મુદ્દાઓ એવા ઉઠાવ્યા હતા જે સમગ્ર રાષ્ટ્રને ટચ કરતા હોય અને આ રાષ્ટ્રમાં ગુજરાત પણ સામેલ છે. તો શું દેશના બે રાજ્યોમાં ચૂંટણીઓ ચાલુ હોય તો દેશને અસર કરતા નિર્ણયો લેવાનું અને તેના પર ચર્ચા કરવાનું કેન્દ્રમાં બેઠેલી સરકાર બંધ કરી દે?

    જો ભારતના માનનીય ચૂંટણી પંચે આદર્શ ચૂંટણીઓ કરાવવી હોય તો હવે તેણે દેશના મતદાર પર વિશ્વાસ મુકવો જરૂરી છે. એ જમાના ગયા કે હવે દોઢ દિવસ કોઇપણ પ્રકારનો પ્રચાર ન થાય, હવે તો ચોવીસ કલાક પ્રચાર સતત અને કોઈને કોઈ રીતે થતો જ હોય છે. વળી, સામાન્યતઃ શહેરી મતદાર પોતાનો મત નહીં નહીં તો પણ ચૂંટણીઓના છ મહિના અગાઉ જ નક્કી કરી લેતો હોય છે અને બહુ ઓછા એવા તત્વો અથવાતો ઘટનાઓ છે જે તેને આ નિર્ણય બદલવા માટે મજબૂર કરે છે.

    આથી સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના આ જમાનામાં ચૂંટણીના એક દિવસ અગાઉ અથવાતો મતદાનના દિવસે ઇન્ટરવ્યુ ન આપવા એવા બાલીશ નિયમો પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને ખુલ્લી એટલેકે પ્રતિબંધ વિહીન કરીને રાજકીય પક્ષોને ખુલ્લા મને છેક છેલ્લી ઘડી સુધી પોતાનો પ્રચાર કરવાની છૂટ આપવામાં આવે. અલબત્ત કાયદા વિરુદ્ધની કોઇપણ પ્રવૃત્તિ પર પંચ જરૂર કડક હાથે કામ લે. જો આ વાતાવરણ ઉભું થશે અને જો પોતાના પર આટલું બધું હેમરીંગ થયા પછી પણ ભારતનો મતદાર પોતે જેને લાયક ગણે છે એને જ મત આપે અને સારો ઉમેદવાર જીતે તેને જ ખરા અર્થમાં આદર્શ આચારસંહિતા કહેવાશે.

    eછાપું

    તમને ગમશે: ચાલો Emirates ના માત્ર ફર્સ્ટ ક્લાસ કેબિન ધરાવતા એરક્રાફ્ટની સફરે

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here