કબજીયાત કરે જીવવું મુશ્કેલ

  1
  762

  “શું બોસ્સ…આજ કાલ તો જલસા છે ને તમારે?? કેમ આમ મૂડી થઇ બેઠા??“ “શું કરું યાર …વહી પુરાની મુશ્કિલ…કબજીયાત..” રમેશભાઈ વિલાયેલા મોઢે બોલ્યા. “ભાઈ એતો તમારે રેવાની જ…સરકારી માણસ એટલે આચાર સંહિતા માં ઝાડો પણ ખુલાસીને ના થાય નઈ??” “યાર તને મજાક જ સુઝે છે?” “ભાઈ યોગ્ય તપાસ વગર ચીલા ચાલુ ચૂર્ણો કે હરડેના ફાકડા ભરો અને દરદની યોગ્ય દવા ન કરાવો પછી આમ જ થાય ને…” જોરાવરસિંહ હવે આયુર્વેદ પક્ષ માં આવ્યા…

  ”જુઓ ઓબામાથી માંડી ને ઓમભાઈ પટાવાળા સુધી જીવનના કોઈ પણ તબક્કે દરેક માણસ કબજીયાતમાંથી પસાર થયો ન હોય એવું બને જ નહીં. એકી વખતે ઘણું ખાવાથી, પચ્યા પહેલા ખાવાથી, અનિયમિત-ચાવ્યા વગર ખાવાથી, વિરુદ્ધ આહાર કે બજારુ નાસ્તાથી પણ કબજીયાત થાય. અરે લાંબા ઉપવાસ પછી અકરાંતિયાની માફક ખાવાથી કે ઠંડા પાણીની બોટલો લઇ જમવા બેસવાથી પણ થાય..ને રમેશભાઈ તમારી ચા- પાણીની આદત….એ પણ મૂળ કારણ ખરું જ…” એકી શ્વાસે બાપુ એ કબજીયાતનું ગુગલ નોલેજ ઠાલવ્યું…

  “આયુર્વેદમાં વર્ણન કરેલ કબજીયાત એટલે કે અજીર્ણના જુદા જુદા છ પ્રકાર છે. આમાજીર્ણ, વિદગ્ધાજીર્ણ, વિષ્ટબ્ધાજીર્ણ, રસ શેષાજીર્ણ, દિનપાકી અજીર્ણ અને પ્રાકૃત અજીર્ણ..” બાપુ બે દિવસ અગાઉ જ લીમડી વતનમાં આયુર્વેદ પર ભાષણો સાંભળી આવેલા હવે એના રંગે રંગાયેલા એટલે જામ્યા….આગળ ચલાવ્યું…

  “કફથી થાય તે આમાજીર્ણ, પિત્ત વધીને ખાટા રસથી થાય તે વિદગ્ધાજીર્ણ, વાયુ વધવાથી મળ સુકાઈ જવાથી થાય તે વિષ્ટબ્ધાજીર્ણ, પૂરું ભોજન ન પચતા અપક્વ ભોજનથી થાય તે રસ શેષાજીર્ણ, વારંવાર ખાવાથી થાય તે દિનપાકી અજીર્ણ અને સ્વસ્થ માણસ ને જ્યાં સુધી ભોજન પચે નહીં ત્યાં સુધી ભૂખ-તરસ ના લાગે તે પ્રાકૃત અજીર્ણ..”

  “કબજીયાત હોવી મતલબ તમારું પેટ સાફ નથી થયું કે પછી તમારા શરીરમાં તરલ પદાર્થોની ઉણપ છે. જો તમને લાંબા સમયથી કબજીયાત રહે છે અને તમે તેનો ઈલાજ નથી કરાવ્યો તો આ એક ભયંકર બીમારીનું સ્વરૂપ લઇ શકે છે.

  કબજીયાતને લીધે તાજગી અનુભવવામાં પરેશાની થવી, શરીરમાંથી મળ સંપૂર્ણ રીતે ન નીકળવો વગેરે તકલીફો ઉભી થાય છે.  સતત કબજીયાત થી મરડો, ખાંસી, શ્વાસ અને હરસ-મસા જેવા રોગો પણ થઇ શકે છે. કબજીયાતના ઈલાજ માટે પ્રભાવશાળી પ્રાકૃતિક ઉપાયો ઉપરાંત આયુર્વેદિક સારવાર દ્વારા પણ તે દૂર થઈ શકે છે. પણ તમને કેવા પ્રકારની કબજીયાત છે એતો નિષ્ણાંત વૈદ્ય જ તપાસી ને નક્કી કરી શકે ને????”  આયુર્વેદ ના બીજા આશિક નાથુકાકા ક્લાર્ક જોડાયા. હવે સચિવાલયની આ ઓફીસ કબજીયાત માટેની ખાસ શાખા બની ગઈ હોય એવું વાતાવરણ સર્જાયું.

  બાપુ થી ના રેવાણું..તરત જ કુદ્યા.. “પણ નાથાકાકા તમે રેવા દ્યો એમને છાપા માં આવતા લેખો જોઈ દવાઓ જાતે કરવી હોય તે પછી એમ તે કાઈ મેળ પડે..”

  રમેશભાઈ એલ સી બી ના હાથે ઝડપાઈ ગયા હોય એમ ઝંખવાઈ ગયા…

  “ઘણી વાર કબજીયાત થી પેટ માં ગેસ ભરાય, છાતીમાં પીડા થાય, ધબકારા વધે, પરસેવો અને બેચેની થાય અને હદય રોગ નો હુમલો થયો હોય એવું લાગે. કોક વાર સાચો હુમલો આવે ને વાઘ આવ્યો વાઘ આવ્યો જેવી થાય. તમે સોડા પીધે રાખો ને આયુર્વેદ બદનામ થાય..” બાપુ ઉવાચ..

  ‘ને કોઈ વાર આ બધા થાકના લક્ષણો ના લીધે ચેક અપ કરાવી એન્ઝાઈમ, વિટામીન, બી કોમ્પ્લેક્સ…વગેરે લીધે રાખો તો પણ કાઈ ન થાય…”

  “બધું મુકો કોક ઊપસાર બતાવો બાપુ. અતાર લગી જે કર્યું એ ભોડામોં જ્યું…” કરસનભાઈ એન્જીનીયર બોલ્યા

  બાપુ રંગ માં આવ્યા…વૈધ ની જેમ ઠાવકા થયા..

  “મૂળ પાચન નબળું પાડી આખી બિલ્ડીંગ નબળી કરશો તમે?? જોવો મૂળે તો આંતરડા આળસુ થઇ ગયા હોય તેનું સંકોચન-પ્રસારણ નબળું પડે એટલે બધું થાય. કુકરમાં ભાત ઓછો ટાઈમ કે વધુ ટાઈમ કુક કરો તો બેય પ્રોસેસ માં કાંતો કાચું રહી જાય કાંતો બળી કડક થઇ જાય ..સમયસર ખોરાક આમાશયમાંથી આંતરડામાં ન જાય કાં વધુ કે ઓછો સમય પડ્યો રહે તો બન્ને વખતે કબજીયાત થાય.”

  જોવો જાતે જ સારો વૈદ્ય શોધી લ્યો. પહેલા આ અજીર્ણમાં ભોજન એ જ ઝેર બરાબર કેવાય. એ જ બધા રોગો નું ઘર છે. પહેલા એના પર કાબુ રાખો. આની મુખ્ય દવા લંઘન-પાચન-દીપન છે. જુનો ખોરાક પચાવવા ઉપવાસ કરો એ લંઘન, છતાં ન પચે તો પચાવવા પાચન કરવું પડે અને પછી સારો પાચકાગ્ની પેદા કરવા દીપનકર્મ કરવું પડે….”

  કબજીયાત થતા વધુ માત્રામાં પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, ડોક્ટર્સ ગરમ પાણી પીવાની પણ સલાહ આપે છે.

  કબજીયાતના રોગીને પાતળા તરલ પદાર્થ અને સાદુ ભોજન જેવું કે ઉપમા, ખિચડી વગેરે ખાવાની સલાહ આપવામં આવે છે. લીલા શાકભાજીઓ અને ફળો જેવા કે પપૈયુ, દ્રાક્ષ, અંજીર ફળ, પાલકનો રસ કે બાફેલી પાલક, કિશમિશને પાણીમાં પલાળી ખાવ. રાત્રે મોટી દ્રાક્ષ ખાવાથી કબજીયાત દૂર  કરવામાં મદદ મળે છે

  હકીકતમાં પાણી અને પાતળા પદાર્થોની ઉણપ કબજીયાતનું મુખ્ય કારણ છે પાતળા પદાર્થોની કમીથી મળ આંતરડામાં સૂકાય જાય છે અને મળનો નિકાસ કરવા માટે જોર લગાવવું પડે છે, જેથી કબજીયાતના રોગીને ખાંસી થવા માંડે છે.

  ડોક્ટર્સ કબજીયાતને દૂર કરવા માટે મોટાભાગે ઇસબગુલ ખાવાની સલાહ આપે છે. ઇસબગુલને પહેલા ગરમ દૂધમાં કે પછી પાણીમાં મિક્સ કરીને સૂતા પહેલા પીવું જોઈએ.

  ખાવામાં લીલા પાંદડાની શાકભાજી ઉપરાંત રેશેદાર શાકભાજીનું સેવન વિશેષરૂપે કરવું જોઈ જેનાથી શરીરમાં પાતળા પદાર્થોમાં વધારો થાય છે.

  ગરમ પાણી અને ગરમ દૂધ કબજીયાત દૂર કરે છે. રાત્રે ગરમ દૂધમાં દિવેલ નાખીને પીવુ એ કબજીયાત દૂર કરવાનો અસરકારક ઉપાય છે.

  આ રીતે અસરકારક પ્રાકૃતિક ઉપચાર અને આયુર્વેદિક ઉપચારના માધ્યમથી કબજીયાતને સ્થાયી રૂપથી સહેલાઈથી દૂર કરી શકાય છે.

  આતો થઇ સાદા ઉપચારો ની વાત…પણ દવા લેવા વૈદ્ય જોડે જવું જ પડે..

  સુંઠ ના ગાંગડે ગાંધી ના થવાય….દવા થી મેળ પડે એમ નાં હોય તો જુદા જુદા એનીમા લેવા પડશે..એના કરતા વેળાસર જાજો….એ હાલો જય માતાજી….

   

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here