EVM વિરોધ – બાત બહુત દૂર તલક જાયેગી

    0
    351

    આમ તો આ કોલમ માટેનો લેખ ગુરુવાર સાંજની ડેડલાઇન ધરાવે છે અને આજ માટેનો લેખ લખાઈ પણ ગયો હતો. પરંતુ ત્યાં જ ગઈકાલે સાંજે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્દારામૈયાનું એક અજીબ નિવેદન આવ્યું કે કર્ણાટકમાં આવતે વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે તે બેલેટ પેપર દ્વારા કરવામાં આવે નહીં કે EVM દ્વારા. સિદ્દારામૈયાનું નિવેદન અજીબ એટલે લાગ્યું કારણકે એમના જ રાજ્યની રાજધાની પોતાની જાતને દેશનું IT હબ હોવાનું ગર્વ અનુભવે છે અને એજ રાજ્યનો મુખ્યમંત્રી પોતાના રાજ્યની ચૂંટણીઓ ગઈ સદીની પદ્ધતિથી કરવાનું કહે છે! બસ આ મસ્તમજાના મસાલાથી ભરપૂર કારણસર આજે વહેલી સવારે જ આ લેખ લખી નાખ્યો.

    Photo Courtesy: royalbulletin.com

    સિદ્દારામૈયાનું બયાન ત્યારે આવ્યું હતું જ્યારે ગઈકાલે સવારે જ એમના પક્ષ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટમાંથી આ EVM બાબતે મોટી નિષ્ફળતા મળી હતી. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં એવી અરજી કરી હતી કે સોમવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની મતગણતરી થાય ત્યારે મીનીમમ 25% મતો VVPATમાં રહેલી કાપલીઓ સાથે મેચ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટ કે દેશની અન્ય કોઇપણ સ્વાયત્ત સંસ્થાઓ તેમના જેવી જ અન્ય કોઈ સ્વાયત્ત સંસ્થાઓના રોજીંદા કાર્યોમાં માથું મારતી નથી અને એટલેજ સુપ્રીમ કોર્ટે થોડાક ઠપકાભર્યા અવાજ સાથે કોંગ્રેસની અરજી કાઢી નાખી.

    સિદ્દારામૈયાએ પોતાના બયાનમાં એમ પણ કહ્યું હતું કે, “જ્યારે બેલેટથી વોટીંગ થઇ શકે છે તો પછી તેમ ચૂંટણી કરાવવામાં વાંધો શું છે?” એમણે પણ પોતાના પક્ષની જેમ જ ચૂંટણી પંચ પર કેન્દ્ર સરકારના આદેશ અનુસાર કામ કરવાનો આક્ષેપ કર્યો હતો અને આથી જ તેમને પોતાના રાજ્યમાં આવતે વર્ષે EVM નહીં પરંતુ બેલેટ પેપરથી ચૂંટણીઓ કરાવવી છે એમ ઉમેર્યું હતું. આ પ્રકારના બાલીશ બયાનો વિપક્ષના ટેકેદારો વારંવાર આપતા હોય છે પણ આ તો એક રાજ્યના મુખ્યમંત્રી છે એ પણ?

    આ ટેકેદારો એક એવું ઉદાહરણ વારંવાર આપતા હોય છે કે જો અમેરિકા અને જર્મની જેવા વિકસિત દેશો બેલેટ પેપરથી મતદાન કરાવતા હોય તો આપણે શું જરૂર છે આવા EVM દ્વારા મતદાન કરાવવાની? કેટલાક હોંશિલા હોંશિયાર એટલી હદ સુધી દલીલ કરે છે કે જર્મનીને છેક 1990ના દાયકામાં ખબર પડી ગઈ હતી કે EVM નકામાં છે અને આપણે એમણે બંધ કર્યા અને ચાલુ કર્યા.

    આ દલીલ માટે એક જ સવાલ કરી શકાય કે અમેરિકા અને જર્મનીની કુલ વસ્તી અને ભારતની કુલ વસ્તી વચ્ચેનું અંતર શું છે? અને સૌથી મોટી દલીલ એ કે આ બંને દેશોમાં બૂથ કેપ્ચરીંગનો કોઈજ ઈતિહાસ નથી. જે લોકોને ગઈ સદીની વિધાઉટ EVMની ચૂંટણીઓ યાદ હશે એમને ખાસકરીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં ચૂંટણીઓ દરમ્યાન થતા બૂથ કેપ્ચરીંગ બરોબર યાદ હશે. આ બંને રાજ્યોમાં બૂથ કેપ્ચરીંગ મોટે પાયે થતા અને આપણા ગુજરાત રાજ્યના અમુક પોકેટ્સમાં પણ તે થતા જરૂર.

    બુથ કેપ્ચરીંગ એટલે આખેઆખી મતપેટી, તમામ બેલેટ પેપરો અને મતદાન માટેના સિક્કા અને એની ઇન્ક આ બધું બંદૂકના નાળચે ઉપાડી જવાનું અને મતદાન મથકની બહાર પોતાના પક્ષના ઉમેદવારના નામ સામે સિક્કા મારી દેવાના અને મતપેટીમાં નાખી દેવાના. આ ‘પ્રક્રિયા’ જ્યારે ચાલુ હોય તે દરમ્યાન કોઈ મતદાર પોતાનો મત આપવા આવે તો એને કહી દેવાનું કે, “તારો મત અપાઈ ગયો છે, તું તારે ઘેર જા.” ઉપરોક્ત ક્રિયા ‘શાંતિથી પૂર્ણ’ થાય એટલે રિટર્નીંગ ઓફિસરને મૂંગા રહેવાની ધમકી આપીને બીજા મતદાન મથક તરફ ઉપડી જવાનું. ઉત્તર પ્રદેશમાં તો આ રીતસરનો ગૃહઉદ્યોગ હતો.

    પરંતુ ધીમેધીમે અને એ પણ કોંગ્રેસના મહત્તમ રાજ દરમ્યાન સમગ્ર દેશમાં EVMથી ચૂંટણીઓ થવા લાગી અને બુથ કેપ્ચરીંગ હવે લગભગ ઈતિહાસ બની ગયું છે. તો હવે આપણે EVM બંધ કરીને ફરીથી એ જ અંધકાર યુગમાં પરત થવું છે? ભારત જેવા વિશાળ દેશમાં જ્યાં કરોડો લોકો મતદાન કરતા હોય ત્યાં વિચારો મતગણતરી કરતા કેટલો સમય લાગે? ગઈ સદીની ચૂંટણીઓ જેમણે પણ ફોલો કરી હશે એમને પણ ખબર હશે કે ત્યારે આખી મતગણતરીની પ્રક્રિયા પૂરી કરતા ત્રણ થી ચાર દિવસ લગતા. જાણવા મળ્યા મુજબ અમેરિકાના પ્રમુખપદની મતગણતરી પૂર્ણ થતા અમુક અઠવાડિયા લાગી જાય છે, પરંતુ ત્યાંના એક્ઝીટ પોલ એટલા પરફેક્ટ હોય છે કે ઉમેદવારો આ એક્ઝીટ પોલ પર વિશ્વાસ કરીને પોતાની હાર કબૂલ કરી લેતા હોય છે. શું આપણા દેશમાં આપણને એક્ઝીટ પોલ પર ભરોસો છે કે?

    મોટાભાગના વિપક્ષો EVM પર એવો આરોપ મૂકે છે કે તે હેક થઇ શકે છે. હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પહેલા રાઉન્ડમાં વરિષ્ઠ કોંગ્રેસી નેતા અર્જુન મોઢવાડિયાએ તેમના મતદાન મથકનું EVM બ્લૂટૂથ સાથે જોડાયેલું હોવાનું જાહેરમાં કહ્યું. બાદમાં તપાસ કરતા ખબર પડી કે એતો એ નામના કોઈના સેલફોનનું બ્લૂટૂથ હતું. EVM હેક થઇ શકે કે નહીં તે અંગે એક લાંબી ચર્ચા થઇ શકે અને ટેક નિષ્ણાતો વચ્ચે એ ચર્ચા થાય તે ઈચ્છિત છે. પણ થોડા મહિનાઓ અગાઉ જ્યારે દિલ્હી વિધાનસભામાં ખાસ સત્ર બોલાવીને EVM કેવી રીતે હેક થઇ શકે તેનો હાસ્યાસ્પદ ડેમો દેખાડવામાં આવ્યો હતો ત્યારે ચૂંટણી પંચે તમામ શંકાઓને દૂર કરવા પોતાને ત્યાં આવીને જાહેરમાં EVM હેક કરીને બતાવવાનો પડકાર ફેંક્યો હતો ત્યારે કોઇપણ રાજકીય પક્ષ ત્યાં ફરક્યો પણ ન હતો તો હવે કેમ ફરીથી EVM હેક થઇ શકે છે એવા આરોપો મુકાઈ રહ્યા છે?

    ખરેખર તો વિપક્ષોને દૂખે છે પેટ અને કૂટે છે માથું. 2014ની લોકસભાની ચૂંટણીઓ બાદ દેશમાં ભાજપ એકપછી એક ચૂંટણીઓ, દિલ્હી, બિહાર અને પંજાબને બાદ કરતા. જીતી રહ્યું છે. આ જ હકીકત કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય પરચૂરણ પાર્ટીઓને પેટમાં દર્દ ઉભું કરી રહી છે. કોઇપણ સરકાર સર્વાંગ સંપૂર્ણ નથી હોતી, પરંતુ મોદી સરકારની અમુક નીતિઓ પ્રજાને કદાચ ગમી ગઈ છે અને તેમના જીવનમાં પરિવર્તન લાવી રહી હશે તો જ આ પ્રકારના પરિણામો આવી રહ્યા છે. હાર સ્વીકારીને, તેનું અવલોકન કરીને સરકારને જવાબ આપવા મજબૂર કરી દેતો મજબૂત વિપક્ષ પૂરો પાડવાને બદલે આપણી વિપક્ષી પાર્ટીઓ EVM જેવા નિર્દોષ ગેજેટ પર પોતાના પ્રચંડ પરાજયોની જવાબદારી નાખી રહ્યા છે તે ખરેખર શરમજનક છે.

    કહેનારાઓ તો એમ પણ કહે છે કે ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ પણ એકવાર પોતાના પક્ષની હારની જવાબદારી EVM પર નાખી હતી, પરંતુ એ સમય જુદો હતો. ત્યારે EVM હજી પ્રાથમિક કક્ષાએ ઉપયોગમાં લેવામાં આવ્યા હતા અને આજે EVM કેવી રીતે કામ કરે છે એની અથ: થી ઇતિ આપણી સમક્ષ છે અને તો પણ આપણે એનો વાંક કાઢીએ છીએ? વાહ!

    જો અમેરિકા અને જર્મનીની ચૂંટણી પદ્ધતિ આટલી જ ગમતી હોય તો આપણા દેશમાં પણ પ્રમુખશાહી અથવાતો ચાન્સેલરનું પદ ઉભું કરી દઈએ. બંને પદ્ધતિઓમાં સંસદમાં ગમેતે પક્ષ હોય પણ પ્રમુખ કે ચાન્સેલર જે કહે એ જ થાય અલબત્ત અમુક ચેક એન્ડ બેલેન્સ સાથે,બોલો કરવું છે? ના, કારણકે આજે ભારતમાં દૂરદૂર સુધી નરેન્દ્ર મોદીને ટક્કર આપી શકે એવો કોઈજ નેતા નથી અને મોદીને એકાધિકાર મળી જાય એ તો પોસાય? ટૂંકમાં જેનું કામ જે કરે. અમેરિકા અને જર્મનીને એના સંજોગો મુજબ મતદાન કરવા દો, આપણને આપણી સરળ અને અધધધ સમય બચાઉ ચૂંટણી પદ્ધતિ ચાલુ રાખવા દો.

    અહીં આવનારા સમય અંગે પણ આપણને સહુને કોઈ ચેતવણી મળી રહી હોવાનું જણાઈ રહ્યું છે. જસ્ટ વિચારો કે જો ગુજરાતમાં પણ એક્ઝીટ પોલ સાચા પડ્યા તો કદાચ એવું બની શકે કે દેશની તમામ વિપક્ષી પાર્ટીઓ એક થઈને હરાઈ થઈને અંતિમવાદી પગલું ભરી શકે છે. સિદ્દારામૈયાનું બયાન આ અંતિમવાદી પગલાની ગંધ અપાવી જાય છે. સોમવારે જો ગુજરાતમાં ભાજપ આરામદાયક બહુમતી સાથે જીતે તો આવનારી ચૂંટણીઓમાં દેશના વિપક્ષો એકમત થઈને ચૂંટણીઓના બહિષ્કાર સુધીના અંતિમવાદી પગલાંઓ અપાવીને સરકાર અને ચૂંટણી પંચને નાકલીટી તણાવીને ફરીથી બેલેટ પેપરથી ચૂંટણીઓ કરાવવાની ફરજ પડાવી શકે છે.

    કારણકે સુપ્રીમ કોર્ટયોગ્ય અને ગળે ઉતરે એવા તર્ક વગર ચૂંટણી પંચને એવું ક્યારેય નથી કહેવાની કે ભાઈ, EVM ને માળિયા પર ચડાવી દો એટલે પછી આ જ રીતે પોતાનો કક્કો ખરો કરાવવો એ આપણા વિપક્ષો પાસે એકમાત્ર માર્ગ બનીને રહી જશે. જો એમ થશે તો ફરીથી બૂથ કેપ્ચરીંગનો ભવ્ય જમાનો આવશે જ્યાં પ્રજાશાહી નહીં પરંતુ ગુંડાશાહી રાજ કરતી હશે, પછી તે કોઇપણ પાર્ટીનું શાસન હોઈ શકે છે.

    માત્ર છ કલાકમાં જ આવડા મોટા દેશની આવડી મોટી ચૂંટણીઓના પરિણામો આવી જતા હોય ત્યારે એ બાબતનો ગર્વ લેવાને બદલે આપણી લોકશાહીને આપણે ફરીથી રક્તરંજિત કરીશું તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે. જો આમ થશે તો સૌથી મોટો રંજ એ બાબતે થશે કે માત્ર અફવાઓ કે પછી તર્ક વિહીન માન્યતાને લીધે જ એક વ્યવસ્થિત ચૂંટણી સિસ્ટમની હત્યા કરી દેવામાં આવશે.

    અને હા,પેલો લેખ આવતા શનિવારે.

    આચારસંહિતા


    ૧૬.૧૨.૨૦૧૭, શનિવાર (વિજય દિવસ)

    અમદાવાદ

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here