કોંગ્રેસ – ભગવાન કરે રાહુલ ગાંધીને આવી મોરલ વિક્ટરીઓ મળતી રહે

  0
  280

  ગુજરાતના ‘નઝદીકી મામલા’ જેવા પરાજય બાદ કોંગ્રેસ તેને મોરલ વિક્ટરી ગણાવીને પોરસાઈ રહી છે. જો આ પ્રકારની મોરલ વિક્ટરીથી કોંગ્રેસ, રાહુલ ગાંધી અને તેમના નેતાઓને વાંધો ન હોય તો ભાજપ, નરેન્દ્ર મોદી અને અમિત શાહને તો જરાય વાંધો નહીં જ હોય એ પાક્કું છે. ભાજપે કોંગ્રેસના આવા દાવા બાદ સંકેતમાં કહી પણ દીધું છે કે તમે મોરલ વિક્ટરી મેળવતા રહો અમે એક પછી એક રાજ્યોમાં શાસન મેળવતા રહીશું.

  Photo Courtesy: hindustantimes.com

  મોરલ વિક્ટરી જેવા હળવા હકારાત્મક શબ્દો હતાશ કાર્યકર્તાઓને શાંત પાડવા અને ફરીથી મહેનત કરવા લાગી પડવાનું આહવાન કરવા પૂરતા બરોબર છે પરંતુ જ્યારે કોઈ રાજકીય પક્ષના સર્વોચ્ચ નેતા આ પ્રકારે હરખ અને તેનાથી સંતોષ વ્યક્ત કરે ત્યારે સમજી લેવાનું કે એ પક્ષમાં બધું જરાય સરખું તો નથીજ. જેમ આગળ જણાવ્યું એમ જો તમને જીતથી દૂર રહીને જીતનો આનંદ માણવો હોય તો વિપક્ષી પાર્ટીને એ રીતે સત્તા મેળવીને તેને ભોગવવામાં શું વાંધો હોઈ શકે?

  શારજાહમાં રમાયેલી એક ઐતિહાસિક મેચમાં છેક છેલ્લે દડે પાકિસ્તાનના જાવેદ મિયાંદાદે ચેતન શર્માના ફૂલટોસ પર સિક્સર મારીને તેની ટીમને મેચ જીતાડી દીધી હતી. ટ્રોફી પાકિસ્તાને જીતી પણ ભારતીય ટીમે પાકિસ્તાનને છેક છેલ્લા દડા સુધી જીતથી દૂર રાખવા બદલ મોરલ વિક્ટરી ક્લેઈમ કરી ન હતી. જેમ શોલેમાં ઠાકુર કહે છે એ સૂરમાં કહીએ, કદાચ સ્પોર્ટ્સ અને રાજકારણમાં આ જ ફરક છે. સ્પોર્ટ્સમાં મોરલ વિક્ટરીની વાત માત્ર ડ્રેસિંગરૂમમાં ચર્ચાય છે જેથી બીજી મેચમાં ખેલાડીઓ વધુ હકારાત્મકતાથી મેદાનમાં ઉતરે અને પરિણામ બદલી નાખે. ક્રિકેટ કે પછી અન્ય રમતોમાં મેચો એક પછી એક રમાતી હોય છે અને મોરલ વિક્ટરી વાળા પરાજયો એકાદ-બે દિવસ કે અઠવાડિયામાં ખરા વિજયમાં પરિવર્તિત થઇ જતા હોય છે.

  અહીં રાજકારણમાં આજે મળેલા મોરલ વિજય પછી ખરા વિજય માટે પાંચ વર્ષ રાહ જોવી પડતી હોય છે. ભાજપને ગુજરાતમાં 100 થી નીચે બાંધી રાખવું અને તેને એકએક સીટ માટે તકલીફ ઉભી કરવી આ બધી બાબતો અઠવાડિયું-દસ દિવસ કે પછી નવી વિધાનસભાની પહેલી બેઠક સુધી સારું લાગશે, પણ બાકીના પાંચ વર્ષ સુધી કાર્યકર્તાઓનો હોંસલો જાળવી રાખવા માટે એ કામમાં નહીં આવે એ કોંગ્રેસે સમજી લેવાની જરૂર છે. ભાજપનું હાલનું સંગઠન અને નેતાગીરીનો સ્વભાવ એવો છે કે વિજય મળ્યો હોવા છતાં કદાચ બે-ત્રણ દિવસમાં જ તેઓ પહેલા 2019 અને 2022ની તૈયારીઓ શરુ કરી દેશે અને એ પણ આ પરિણામોમાંથી ધડો લઈને. જો કોંગ્રેસ મોરલ વિક્ટરીના મદમાં જ રહેશે તો જે ટપલી ગુજરાતીઓએ આ વખત ભાજપને મારી છે એ થપ્પડમાં પરિવર્તિત થઈને રાજ્યમાં આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસને પડે એની શક્યતા નકારી શકાય નહીં.

  ખરેખર તો આ મોરલ વિક્ટરીનું ડીંડક પરિણામના બે દિવસ પહેલા જ કોંગ્રેસ પ્રમુખ તરીકે કોઇપણ ચૂંટણી વગર ચૂંટાયેલા રાહુલ ગાંધીના નેતૃત્વમાં મળેલા અનુક્રમે 28મા અને 29મા પરાજયની ‘ચમક’ ઓછી કરવા માટે એકસૂરે ગાવામાં આવી રહ્યું છે. ગુજરાતના પરિણામોના ફક્ત એક જ દિવસ અગાઉ પંજાબમાં થયેલી પંચાયતોની ચૂંટણીઓમાં કોંગ્રેસને ભારે વિજય મળ્યો ત્યારે ત્યાંના મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ કોંગ્રેસ પ્રમુખ તરીકે રાહુલ ગાંધીને પ્રથમ વિજય તરીકે તેને અર્પણ કર્યો હતો. બીજે જ દિવસે બે-બે રાજ્યોમાં મળેલી હારને કોંગ્રેસ પ્રમુખ તરીકે પહેલી અને  બીજી હાર પણ અમે તેમને અર્પણ કરીએ છીએ એવું કોઇપણ કોંગ્રેસી બોલે એવી હિંમતની તેમની પાસેથી અપેક્ષા પણ ન થાય અને આથીજ રાહુલ ગાંધીની સતત નિષ્ફળતાનો અવાજ દબાવવા માટે આ મોરલ વિક્ટરીના ગુણગાન જોરશોરથી ગવાઈ રહ્યા છે.

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો આવી રહ્યા હતા ત્યારે એક ન્યૂઝ ચેનલ પર છેલ્લી ઘડીએ કોંગ્રેસ છોડીને ગયેલા શંકરસિંહ વાઘેલાએ પીઢ રાજકારણીની જેમ કહ્યું હતું કે ગુજરાતમાં 92 વત્તા એક બેઠક પણ વધુ જે પક્ષ જીતી લાવે વિજય તેનો જ કહેવાય છે જેવી રીતે એક મતે જીતો કે એકલાખ મતે જીતો. પરંતુ કોંગ્રેસી આગેવાનો હજીપણ મોરલ વિક્ટરીના ઢોલ પીટી રહ્યા છે અને એમની એક પરિવાર પ્રત્યેની વફાદારી અંગે કોઈ સોય જેટલી પણ શંકા ન કરે તેને નિશ્ચિત કરી રહ્યા છે.

  શંકરસિંહ વાઘેલાનું ઉપરોક્ત નિવેદન એટલે પણ મહત્ત્વનું બની જાય છે કે કોંગ્રેસ એક અન્ય બાબતે પણ બહુ આનંદિત છે કે તેણે ભાજપને 99 બેઠકો સુધી મર્યાદિત રાખી અને સેન્ચુરી પણ પૂરી ન કરવા દીધી. ક્રિકેટની ભાષામાં આ બાબત ઘણી મહત્ત્વની હોય છે કારણકે સદી ન થતા બેટ્સમેનનું ઓવરઓલ રેકોર્ડ્સમાં  સેન્ચુરીનું ખાનું અપડેટ થતું નથી, પણ રાજકારણમાં એવું નથી હોતું. ભાજપ ભલે સેન્ચુરી પૂરી ન કરી શક્યું પરંતુ તેની સ્પષ્ટ બહુમતીથી સાત સીટ વધુ તો આવી જ છે. કોઇપણ પક્ષ અન્ય પક્ષને બહુમતીથી ઉપર પરંતુ સો થી નીચે રાખે તો એને ગુજરાતના રાજ્યપાલ દ્વારા સરકાર બનાવવાનું આમંત્રણ મળતું નથી.

  કોંગ્રેસ આ મોરલ વિક્ટરીને બને તેટલી વહેલી ભૂલી જાય તે એના જ ફાયદામાં છે. ગુજરાતની ચૂંટણી પહેલા તેણે પાટીદારોને અને ખેડૂતો આ બંને વર્ગને ટ્રકો ભરીભરીને વચનો આપ્યા હતા. પાટીદારો ગઈકાલે અહીં વ્યક્ત કરાયેલા મત અનુસાર કોંગ્રેસ તરફ વધતા ઓછા અંશે જરૂર ઢળ્યા છે, પરંતુ ખેડૂતોતો સ્પષ્ટરીતે કોંગ્રેસને મત આપી ચૂક્યા છે. કોંગ્રેસને ભલે મોરલ વિક્ટરી મળી હોય પણ એને સત્તા નથી મળી. રાજ્યસભાની ચૂંટણીઓ અગાઉ કોંગ્રેસ છોડીને ભાજપમાં જનાર મોટાભાગના વિધાનસભ્યોએ કહ્યું હતું કે સત્તાથી વર્ષોથી દૂર રહેવાને લીધે એમના કામ નહોતા થઇ શકતા એટલે એમણે પક્ષ છોડ્યો છે. આ ખરું કારણ ભલે ન હોઈ શકે, પરંતુ તે સત્યની નજીક જરૂર છે.

  મતદાર વચન આપનાર પક્ષને જો પોતાનો મત આપતો હોય છે તો એને એવી આશા પણ હોય છે કે તે પક્ષ તેનું વચન પૂરું પણ કરે. હવે કોંગ્રેસ પોતે આપેલા વચનો વિપક્ષમાં રહીને કેવી રીતે પૂર્ણ કરશે એ તેના માટે આ વખતે સૌથી મોટી ચેલેન્જ રહેશે કારણકે તેની પાસે આ વખતે 80 ધારાસભ્યો છે જે બિલકુલ નાની સંખ્યા નથી. વિધાનસભ્યો પોતાને મળતા ફંડથી તેના મતવિસ્તારમાં રસ્તાઓ, ફૂટપાથો કે અન્ય કોઈ નાગરિક જરૂરિયાત જરૂર પૂર્ણ કરી શકે છે પરંતુ અમુક નીતિગત નિર્ણયો લેવા, જેમકે આર્થિક અનામત કે પછી ખેડૂતોને અમુક રકમના ટેકાના ભાવ આપવા એ એના હાથમાં નથી હોતા. જો કોઈ વિધાનસભ્ય શાસક પક્ષનો હોય તો તેનું સરકાર વિપક્ષના વિધાનસભ્ય કરતા વધુ સારી રીતે સમજી અને સાંભળી શકે એ સત્ય છે.

  આમ કોંગ્રસને અત્યારે ભલે ભાજપને રોકી રાખવામાં કે પછી પોતાની બેઠકોની સંખ્યામાં સારોએવો વધારો કર્યો હોવાનો કે પછી મોરલ વિક્ટરી મેળવી હોવાનો આનંદ થતો હોય પરંતુ જ્યારે તેના ધારાસભ્યો પ્રજાને મળવા માટે અમુક દિવસો બાદ ફરીથી જમીન પર ઉતરશે ત્યારે તેમને ‘આટે દાલ કા ભાવની’ ખબર પડશે. રાજકારણ બધે જ રમાતું હોય છે અને જો તે રાજકારણમાં જ ન રમાય તો પછી ક્યાં રમાશે? આમ એટલીસ્ટ ગુજરાત કોંગ્રેસ આ હકીકતને સાનમાં સમજી જઈને સરકાર પાસેથી કામ કેમ કઢાવવું એનું પ્લાનિંગ તે બને તેટલું વહેલું શરુ કરી દે એ એના જ લાભમાં છે. બાકી જો મોરલ વિક્ટરી પર જ ખુશ થવું હોય તો આવતે વખતે ફરીથી બેઠકો ઘટવાની તૈયારી પણ રાખે એ પણ એના લાભમાં રહેશે.

  બાકી ભાજપ અત્યારે એમ જરૂર વિચારતો હશે કે જો કોંગ્રેસને મોરલ વિક્ટરી જ જોઈતી હોય તો આપણે એને આવતા વર્ષે કર્ણાટક, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં અને પછીના વર્ષે લોકસભામાં પણ જરૂર આપીશું, એને શો વાંધો હોય ભલા?

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here