100 વરસ સુધી ચાલેલું એક ગતકડું- ઇલેક્ટ્રિક હીટ થેરાપી

0
759

એક વાર હાર્વે કેલોગ નામના પોતાનું અલાયદું સેનેટોરિયમ ધરાવતા વ્યક્તિ ને વિચાર આવ્યો કે સન થેરાપી દ્વારા ઉર્જા મેળવી શકાય છે તો જ્યાં ૬ મહિના સૂર્ય દેખાવો નહિવત હોય ત્યાં બલ્બ થી હીટ ના મેળવી શકાય ?? પોતાના સેનેટોરિયમમાં તે મન આત્મા વગેરે વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી ચિકિત્સા કરતો. તેણે નોંધ્યું કે અઠવાડિયે ૨-૩ વાર આ હીટ ટ્રીટમેન્ટ લેવાથી જીવનીય તત્વનો શરીરમાં વધારો થાય છે અને કૈક ફિલ ગુડ ફેક્ટર અનુભવાય છે.  બસ પત્યું અને પછી તો નેકી ઓર પૂછ પૂછ??

Photo Courtesy: Vaidhya Gaurang Darji

ત્યાર થી છેક ૧૯૪૦ સુધી આખી ૨૦ મી સદી આ થેરાપી નો દબ દબો રહ્યો. ઠેર ઠેર લાઈટ કેર ઇન્સ્ટીટયુટ કે કલીનીક ખુલી ગયા. હોસ્પિટલ માં પણ આના અલાયદા વિભાગો રાખવામાં આવતા. આપના કૌવત મુજબ પેટીઓમાં બેસો કોઈને વાંધો નહતો. 1912માં ડૂબેલા ટાઈટેનીકમાં પણ આવું સુતા સુતા લેવાય એવું સ્વેદન યંત્ર ફીટ કરવામાં આવેલું. હવે એમાં પેલી રોઝ સુઈ ગયેલી કે નહીં એની કોઈ માહિતી હાલ મળી નથી.

આ જ થેરાપીમાં અલ્ટ્રા વાયોલેટ કિરણો થી શેક આપવાનું તો છેક 1890 થી ચાલુ થઇ ગયેલું ત્યારે લોકો તો ત્યાં સુધી ઘેલા થયેલા કે યુવી થી નવું જીવન બક્ષી શકાય છે. વ્રણ-ઘા માં એન્ટી બેક્ટેરીયલ અસર ઉત્પન્ન કરવા તેનો ખાસ શેક અપાતો. આવા જ એક થીસીસ બદલ નેઇલ્સ ફીન્સેનને યુવીકિરણોથી ચામડીનું ટ્યુબરક્યુલોસીસ મટાડવામાં નોબેલ પ્રાઈઝ આપવામાં આવેલું. એનેમિયા, વેરીકોઝ વેઇન્સ, હદયના રોગો અને ધાતુ ક્ષયથી થતા રોગો ના ઈલાજમાં આ ચિકિત્સા એ ધમાલ મચાવી.

1940 માં ડૉ એમીટ નોટ દ્વારા નોંધાયું કે આ હીટ થેરાપીથી રક્તનું વોલ્યુમ વધી સેપ્ટિક, પોલીયો, હર્પીસમાં ફાયદો થાય છે. આમ આ ભાઈ સાચા રસ્તે હતો રક્ત ના આશ્રયે શરીર માં પિત્ત દોષ રહેલો હોય છે ઉષ્મા થી રક્ત વધે ખરું. પણ ધીરે ધીરે લોકોના ઓવર ડોઝને કારણે યુવી કિરણોથી ચામડીના કેન્સર અને પ્રાણઘાતક અસર જેવીકે મૃત્યુ સુધીની ઘટનાઓ બનવા લાગી. ડોરા કોલબ્રુક નામની ડોક્ટરે 287 માંદા બાળક ને આ થેરાપી આપી સાબિત કર્યું કે સમગ્ર સ્વાસ્થ્યમાં આનાથી કોઈ જ ફેર પડતો નથી કે નાના નાના ઇન્ફેકશન સામે પણ રક્ષણ મળતું નથી, તાવ કે શરદી જેવા રોગો કે હાઈટ અને વજનમાં પણ કોઈ જ ફેરફાર નોંધાયો નથી. પણ ઘણા ખરા ડોકટરો અને છાપાઓએ વિરોધ કરી તેની આ વાત દબાવી દીધી કે લાંબા સમય સુધી લેવાથી આ એક ઉત્કૃષ્ઠ સારવાર સાબિત થાય છે.

આજે આ થેરાપી ક્યાય ચાલતી નથી. ક્યાંક આયુર્વેદ જેવા જ કોન્સેપ્ટ પર મિલતી ઝૂલતી આ થેરાપી સિદ્ધાંતોના અભાવે ખોવાઈ ગઈ. આયુર્વેદમાં આવા સ્વેદન ના ૧૩ પ્રકાર આપેલા છે:

1. સંકર : દ્રવ્યો ગરમ કરી પોટલી શેક કરવો.
2. પ્રસ્તર: બાફેલા ધાન્યો પાથરી સુઈ જઈ કામળો ઓઢી લેવો.
3. નાડી: સ્ટીમ પાઈપથી લેવી લોકલ ભાગ પર.
4. પરીષેક: લીક્વીડ ગરમ દ્રવ્યોની શરીર પર ઝારીની જેમ ધારા કરવી.
5. અવગાહન: ટબમાં ડુંટી સુધી ગરમ પાણી ભરી શેક લેવો.
6. જેન્તાક: નાની અગ્નિ સળગાવેલી ગરમ ઓરડી જેમ પેસતા વેંત પરસેવો આવી જાય.
7. અશ્મઘન: ગરમ શીલા-પથ્થર પર કામળી પાથરી ઓઢી સુવું… હોટસીટ.
8. કર્શું: ખાડામાં આગ ભરી ઉપર ખાટલો નાખી સુવું.
9. કુટી: નાની ઓરડીમાં સગડીઓ મૂકી શેક લેવો.
10. ભૂ: જમીન ગરમ કરી શેક લેવો.
11. કુંભી: ખાટલા ખુરશી નીચે ખાડામાં મોટી ગરમ દ્રવ્યો ની કોઠી મૂકી શેક લેવો.
12. કૂપ: કુવા જેવો ખાડો કરી શેક લેવો આશરે ૧૫ ફૂટ ઊંડો.
13. હોલાક: ખાટલા નીચે છાણાં સળગાવી શેક લેવો.

હવે આવા બધા શેક માં અગ્નિની તાકાત અલગ અલગ હોય છે, ખાલી સ્ટીમ કે સોના એ જ શેક નથી. આ બધું હજારો વર્ષોથી આયુર્વેદમાં લખાયેલું છે. અરે અગ્નિ વગર તમે કોઈની જોડે ઝગડો કરો, ગુસ્સે થાવ, વ્યાયામ કરો કે મદ્યપાન કરો તો પણ શરીર ને ગરમી મળે છે. આવા પણ ૧૧ ઉપાયો છે. આ બધા આયુર્વેદના સિદ્ધાંતો પંચ મહાભૂત ઉપર બનેલા છે, કોઈ પણ કાળમાં કોઈ પણ જગ્યાએ આ સિદ્ધાંતો એટલા જ સાચા છે. મંગળ પર જીવન મળે કે પ્લુટો પર એ પંચમહાભૂત થી પરે નહીં હોય માટે આ સિદ્ધાંતો ત્યાં પણ પાછા નહી પડે. ક્યારેય આયુર્વેદનો કોઈ સિધ્ધાંત પાછો પડ્યો હોય અને હરડેથી પેટ સાફ ના આવ્યું હોય અને એને બજારમાંથી પછી ખેંચવી પડી હોય એવું બન્યું નથી.

છેલ્લે ઠંડી દુર થાય, દુઃખાવો મટે, જકડાટ દુર થાય, ચામડી મૃદુ થઇ બગલ કપાળ વગેરેમાં પરસેવો થાય એટલે શેક બંધ કરવો, શેક વખતે માથા, હદય અને વૃષણો ખાસ ઠંડું કપડું મૂકી તેને સાચવવા. આવી તો કેટલીય બાબતો છે જે ઘેટા દોડમાં વરસો સુધી ચાલી હોય પછી નકામી સાબિત થઇ હોય. કેલોગ: ૧૮૭૮ માં હાર્વે કેલોગ એન્ટી માસ્ટરબેશન ચળવળ ચલાવતો, જે હાલ કેલોગના કોર્ન ફ્લેક્સ આવે છે તે તેણે એન્ટી માસ્ટરબેશન ખોરાક તરીકે શોધેલા!! કોર્ન ફ્લેક્સ જેવા મૃદુ, પચવામાં સરળ હલકા અને મરી મસાલા વગર ના ખોરાકથી મનમાં માસ્ટરબેશન ન વિચારો ન આવે એટલે તેણે આ શોધ્યો હતો. જોકે સાચા રસ્તે હતો કારણકે સાત્વિક આહાર ઇન્દ્રિયો ને ચોક્કસ વશ માં રાખે છે, પરંતુ તેનો પ્રચાર કદાચ અસ્થાને હતો.

અસ્તુ.

વૈદ્ય ગૌરાંગ દરજી

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here