આપણે અપેક્ષાના વાદળો તળે રહીએ છીએ. આસપાસના લોકોની આપણા પ્રત્યેની અપેક્ષાઓનો તોટો નથી. સગાવ્હાલાથી માંડીને મિત્રો અને ઓફીસના બોસ સુધીના તમામને આપણા તરફથી તેમને ખુશ રાખવાની અપેક્ષાઓ છે અને એ ભવિષ્યમાં પણ રહેવાની છે એમાં કોઈ બેમત નથી, ઊલટાનો એમાં ઉત્તરોઉત્તર વધારો થશે. જેમ જેમ આપણે એમની અપેક્ષાઓ પૂરી કરતા જઈએ છીએ તેમ તેમ એમની આ અપેક્ષાઓ નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરતી જવાની છે એ વાત નક્કી. આ વાત દરેકના જીવનમાં સર્વસામાન્ય છે, કોમન છે. પ્રોબ્લેમ ત્યાં થાય છે કે જયારે એક સમય એવો આવે કે લોકો દ્વારા રખાતી આશાઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરવી એ જ આપણા માટે સુખ બની જાય.

દરેકને ખુશ રાખવા એ આપણું વણલખાયેલું કર્તવ્ય સિદ્ધ થઇ જાય ત્યારે એક એક્સ્ટ્રીમ પોઈન્ટ એવો આવે છે કે આપણે આપણા વિષે જ વિચારવાનું ભૂલી જઈએ છીએ. આપણે આપણી જાતના કમ્ફર્ટ અને અંગત લાગણીઓ પ્રત્યે બેધ્યાન બની જઈએ છીએ. બધાને ખુશ રાખવા જવાના પ્રયત્નો એક હદ પછી આપણને પોતાને દયનીય બનાવી દે છે અને દુખની વાત એ છે કે આપણને એનો જરાય ખ્યાલ નથી આવતો. જ્યારે તમે પોતે જ દુખી હોવ, ખિન્ન હોવ, અનકમ્ફર્ટેબલ હોવ ત્યારે એવા સંજોગોમાં કોઈ અન્ય વ્યક્તિને ખુશ રાખવાનો પ્રયત્ન ચાલુ રાખવો એ નાહકની મુર્ખામીથી વધીને બીજું કશું નથી.
ધારો કે કોઈએ કહ્યું મારી ખુશી આ વસ્તુમાં છે અને તમે તમારી વ્યસ્તતામાંથી મહામહેનતે સમય કાઢીને પણ એની એ માંગ પૂરી કરવામાં પોતાનો આત્મા રેડી દીધો. અંતે બે વાત બની શકે, જો એ વ્યક્તિની એક્સપેક્ટેશન મુજબનું થાય કે એનાથી ઓછું થાય. જો એક્સપેક્ટેશન મુજબનું થાય તો એ ખુશ થશે, પણ જો એની એપેક્ષા મુજબનું ન થયું, તો તમારા એ રેડી દીધેલા આત્માની કશી વેલ્યુ નહી રહે. એના કરતાં જો તમે માંગ ઉભી થઇ એ જ સમયે ‘મારાથી થાય તેમ નથી’, આ ચાર જ શબ્દો કહી દીધા હોત તો એ પરિસ્થિતિ ઉત્પન્ન થતા પહેલા જ શમી જાત. બહુ બહુ તો એ વ્યક્તિને થોડા સમય માટે ખોટું લાગશે પણ એ દુઃખ એટલું મોટું નહી હોય કે જેટલું તમે એની અપેક્ષા કમીટમેન્ટ કરીને પણ પૂરી ના કરી શકો ત્યારે એને થાય. વાતનો અર્ક એટલો જ છે કે તમે તમારી જીવનયાત્રામાં મળતી તમામે તમામ વ્યક્તિઓને ખુશ રાખવાનો ઠેકો લેશો તો એમાં નિષ્ફળ જશો. રખેને સફળ થઇ પણ ગયા તો પણ એ સફળતા તમારા પોતાના અંગત જીવનનું બલિદાન માંગી લેશે એ વાત નક્કી છે.
આપણે એ માટે મચી પડતા હોઈએ છીએ કે આપણે આપણા દરેક સંબંધને મજબુત અને દ્રઢ બનાવીએ પણ એની મશક્કતમાં આપણે આપણું સૌથી મોટું રીલેશન, આપણી જાત સાથેનું આપણું રીલેશન સદંતર ભૂલી જઈએ છીએ, કહો કે એની ઉપેક્ષા કરીએ છીએ. પછી ઘણી વાર આપણે એવાય રોંદણા રડીએ છીએ કે ‘મને કોઈ સમજતું નથી’ કે ‘કોઈને મારી ખુશીઓની પડી નથી’, વગેરે વગેરે. પણ મુદ્દાની વાત તો એ છે કે જો આપણને જ આપણી ખુશીઓની પડી નથી, આપણી જાતની પડી નથી તો પછી બીજા લોકોને એની કદર હોય એવું વિચારવા માટે આપણે ગેરલાયક છીએ. તમે નોંધ્યું હશે કે જે લોકો તમામને ખુશ રાખવા મથે છે તેઓ ઘણી વાર પોતે જો સામેવાળાનું કામ ન કરી શકવાના હોય તો એક પ્રકારના દુખના ઊંડા ગર્તમાં ભરાઈ ગયા હોય તેમ મહેસુસ કરે છે. સામેવાળાને એટલા બધા કારણો આપશે જાણે કે એને એમ કરવાની ફરજ પાડવામાં આવી હોય! જો કે સામી વ્યક્તિ પોતે તો એટલી બધી હાયપર થતી જ નથી કે જેટલો પેલો માણસ એનું કામ ન કરવાના કારણો કહેતી વખતે થાય છે. આવા વ્યક્તિઓ પહેલા તો પોતાની પ્રાઈવસીના ભોગે બીજાને ખુશ કરવામાં લાગ્યા હોય છે અને જો તેમ ન કરી શકે તો એ જ પ્રાઈવસીને જાહેરમાં જસ્ટીફાય કરે છે. આ તે ક્યાંનું ડહાપણ?!
માની લો કે તમે પોતાના અંગત કારણોના લીધે એક વાર કોઈ દોસ્તને સ્ટેશન લેવા માટે ન જઈ શક્યા તો શું એ દોસ્ત તમારી વર્ષો જૂની દોસ્તી તોડી નાખશે? અને રખેને, તોડી પણ નાખે તો આટલી નજીવી બાબત માટે દોસ્તી તોડી નાખે એવા દોસ્તોને શું ધોઈ પીવા છે?. કોઈ વાર એવુંય બને કે કોઈ બે વ્યક્તિઓ કે જેમને તમે અત્યાર સુધી ખુશ રાખ્યા છે, એ બંનેને એકસાથે તમારા પ્રત્યેથી અલગ અલગ અપેક્ષાઓ થાય ત્યારે તમે શું કરશો? આવા સંજોગોમાં જો તમે ખેંચાઇને, લાંબા થઈને અને જાતની ચિંતા કર્યા વગર એ બંને અપેક્ષાઓની પૂર્તિ કરવા માટે મથો તો છેલ્લે બંનેમાંથી એકેયને તમે એમના દ્રષ્ટિકોણથી ખુશ નહિ કરી શકો એ વાત નક્કી છે. તો પછી કોઈ એકને અથવા તો અમુક કિસ્સામાં બંનેને માત્ર એક ‘ના’ કહી દીધી હોત તો તમારો કયો ખજાનો લુંટાઈ જાત? આવા તો ઘણા કિસ્સાઓ રોજબરોજ બનતા હોય છે. તમે પોતાના માટે સમય આપ્યા પછી વધતો સમય ભલે ને અન્ય લોકોને ખુશ રાખવામાં ખર્ચો. ના ક્યાં છે? અહી મુદ્દો એ છે કે તમે તમને ભૂલી ન જાઓ. યાદ રાખો કે તમારી જાત કરતાં વધુ અગત્યનું આ દુનિયા પર બીજું કશું નથી. આ માટે લોકો સ્વાર્થી કહે તો કહેવા દો, કારણ કે તમને તમારા માટે જીવવાનો અધિકાર જન્મજાત મળે છે અને એના પર કોઈની ઇજારાશાહી નથી હોતી. હા, અહી હું એમ પણ નથી કહેતો કે તમે માત્ર અને માત્ર સ્વકેન્દ્રી બની જાઓ અને એમ માનો કે “દુનિયા જાય ખાડામાં, હું તો મારું જ જોઇશ”! ના, એવું જરાય નહિ. મારા કહેવાનો સાર એટલો જ છે કે તમારું પ્રથમ કર્તવ્ય એ છે કે તમે પોતાના માટે, પોતાની જાતને ખુશ રાખવા માટે કંઈક કરો. પછી તો બાકી બચેલો સમય પુરતો છે બીજાઓને ખુશ રાખવા માટે!
હજી થોડા આગળ જઈએ તો તમે જ્યારે દરેકને ખુશ રાખવાનો પ્રયત્ન કરો છો ત્યારે જાણેઅજાણે તમારા અંતરના ઊંડાણમાં એવી ભાવના જન્મ લે છે કે આસપાસના બધા લોકો તમારા જેવા હોય.એ લોકો પણ તમને ખુશ રાખવા માટે એ બધું જ કરી છૂટે જે તમે એમના માટે કરી છૂટો છો. અહી તમારી પણ અન્યોથી એક અપેક્ષા બંધાય છે અને વિલિયમ શેક્સપિયર કહેતા ગયા છે કે ‘અંતે તો અપેક્ષાઓ જ બધા દુઃખોનું કારણ છે’. બાકીના લોકો તમારી અપેક્ષા પર ખરા ન ઉતરે ત્યારે તમે વગર કારણે ડીપ્રેશન અનુભવો છો. રસપ્રદ વાત એ છે કે આ ડીપ્રેશન તમને એ લોકો વિષે તમને એક અભિપ્રાય બાંધવા તરફ લઇ જાય છે, અને એ અભિપ્રાય સામેવાળી વ્યક્તિના ઓરીજીનલ વ્યક્તિત્વથી વિપરીત પણ હોઈ શકે. એટલે જો સારું અને બેહતર જીવવું હોય, એક સુકુનથી જીવવું હોય એ વાત નોંધી લેવી આવશ્યક છે કે દરેકને ખુશ રાખવા જરૂરી નથી અને બધા આપણને ખુશ રાખશે એવી બીજાઓ પાસેથી અપેક્ષા પણ રાખવી નહી.
આચમન : “તમારી ખુશી અમુક લિમીટ સુધી જ અન્યોને ખુશ રાખવાની તમારી પ્રવૃત્તિઓના સમચલનમાં હોય છે અને એક હદ પછી એનું વ્યસ્તચલન શરુ થઇ જાય છે. એની પહેલા ચેતી જાય એ નર (અને નારી પણ) સદા સુખી”