જીગ્નેશ મેવાણી આપ મૌન રહેવાનું શું લેશો?

  3
  383

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પરિણામોનું ‘નિષ્પક્ષ વિશ્લેષણ’ કરતા ડાબેરી લેખકોએ ભાજપની ઘટેલી બેઠકો માટે ભાજપનો બાવીસ વર્ષનો સત્તા મદને જવાબદાર ગણાવી હતી. ચૂંટણી અગાઉ આ જ ડાબેરી લેખકોની એક ટોળી (જો કેએમની બહોળી સંખ્યા જોતા તેને ટોળી કરતા ટોળું કહેવું વધારે યોગ્ય રહેશે) દ્વારા જે જીગ્નેશ મેવાણી પર સમરકંદ બુખારા ઓવારી જઈને તેમને મત આપવાની અપીલો કરવામાં આવી હતી એ જ જીગ્નેશ મેવાણીએ હજી તો સત્તાનો સ્વાદ પણ નહતો ચાખ્યો ત્યારે જ પોતાનો મદ એક ટીવી ડીબેટમાં દેખાડી દીધો હતો.

  Photo Courtesy: lallantop.com

  ચૂંટણી અગાઉ જીગ્નેશ મેવાણી માત્ર એક્સ પત્રકાર અને એક્સ વકીલ પ્લસ યુવાન હોવાને લીધે તેને સમર્થન આપવાના વિશાળ પડદા પાછળ તેમની ડાબેરી માનસિકતાને ધરાર છુપાવીને એમનો પ્રચાર રાજ્યના અને દેશના સામ્યવાદી લેખકો દ્વારા કરવામાં આવ્યો હતો. રશિયાના પતન બાદ એક સ્પષ્ટ ચિત્ર ઉભરીને આવ્યું છે કે આપણા દેશમાં સામ્યવાદ હવે કોઈ વિચારધારા ન બની રહેતા માત્ર ફેશન બનીને રહી ગયો છે. કોઈનાથી અથવાતો બહુમતી વિચારથી અલગ દેખાવું હોય તો સામ્યવાદી વિચાર અને સામ્યવાદી પોશાક અપનાવી લેવો. જીગ્નેશ મેવાણીને મળનારા કેટલાક અભિભૂત કોલમિસ્ટ, તંત્રીઓ અને ફેસબુક મિત્રોએ એના વિષે એટલું બધું સારું સારું લખ્યું કે મેવાણી સાહેબ ખરેખર સામ્યવાદી છે કે ફક્ત પેલી ફેશનને ફોલો કરે છે એ સમજવું જરા અઘરું પડી ગયું હતું પરંતુ બે દિવસ અગાઉ ખુદ જીગ્નેશભાઈએ એ સમજણ સ્પષ્ટ કરી દીધી.

  તમે કોઇપણ ‘વાદ’ ને ફોલો કરતા હોવ પરંતુ સામાન્ય બુદ્ધિ તો દરેકને જન્મજાત મળતી હોય છે. વિધાનસભ્યના શપથ લીધા પહેલા જ પોતાના એક ખાસ ચૂંટણી વચન પ્રત્યે પોતે કેટલા સીરીયસ છે એ દેખાડવા જીગ્નેશ મેવાણીએ પરિણામોના બીજા જ દિવસે વડગામ ક્ષેત્રના કલેક્ટરને પત્ર લખીને એક રસ્તા અંગે કાર્ય કરવાનો રીતસરનો આદેશ આપી દીધો અને નીચે તેમણે પોતે ધારાસભ્ય તરીકે સહી પણ કરી. ધાકધમકીની ભાષા વાપરવી એ કોઇપણ ડાબેરી માટે કુદરતી લક્ષણ હોય છે આથી એ પરીક્ષામાં તો જીજ્ઞેશભાઈ પાસ થઇ જ ગયા. પણ હજી તેઓ ઓફિશિયલી ધારાસભ્ય નથી બન્યા એવી સામાન્ય સમજ પણ સામ્યવાદી વિચારધારા એમને ન સમજાવતી હોય એ ગળે ઉતરવું જરા અશક્ય છે. કદાચ લોકશાહી મૂલ્યોમાં ન માનનાર સામ્યવાદી વિચારધારામાં આવું બની પણ શકે એ બીજો વિચાર આપણને આ જોઇને આવી શકે છે.

  યુવાન હોય એટલે ઠરેલ ન હોય એવું જરૂરી નથી. એક તરફ આપણે રાજકારણમાં યુવાનોને લાવવાની વાત કરીએ છીએ તો બીજી તરફ ચૂંટણીમાં 60 થી પણ વધુ બેઠકો ભાજપને નહીં મળે એવો દાવો કરનારા હાર્દિક પટેલ દાવો નિષ્ફળ જતા EVM પર દોષારોપણ કરે કે પછી પ્રચાર દરમ્યાન વડાપ્રધાન પોતાનાથી ગોરા કેમ છે એવી ફાલતુ વાતો કરનારા અલ્પેશ ઠાકોર હોય કે પછી ઉપરનું ઉદાહરણવાળા જીગ્નેશ મેવાણી હોય, શું ગુજરાતના માથે આવા જ યુવાનેતાઓ લખાયા છે? કે પછી કોઈ કારણસર ગુજરાતીઓને સતત ટેન્શનમાં રાખવા માટે આવા નેતાઓને એમને માથે બહારના ઓર્ડર પર પૂરતું ધ્યાન આપીને મારવામાં આવ્યા છે?

  હા તો વાત થઇ હતી સત્તાના મદ ની. પરિણામોની બીજી જ સાંજે એક ટીવી ઇન્ટરવ્યુમાં ઉપરોક્ત ત્રણેય યુવા ગુજરાતી નેતાઓની ચર્ચા દરમ્યાન અભદ્ર નહીં તો નીચલી કક્ષાની ટીપ્પણી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જીગ્નેશ મેવાણીએ કરી દીધી. જીગ્નેશભાઇની બાજુની બે બારીઓમાં દેખાતા હાર્દિક પટેલે તેમની આ પ્રકારની ટીપ્પણી પર હાસ્ય આપીને અને અલ્પેશ ઠાકોરે મૂંગા રહીને મંજૂરીની મહોર પણ મારી દીધી હતી. હજી તો વિધાનસભ્ય તરીકે શપથ પણ નથી લીધા અને ફક્ત એક વિજયે તમને એટલા બધા અભિમાની બનાવી દીધા કે તમે દેશના વડાપ્રધાન પર આ કક્ષાની વાતો કરવા લાગ્યા?

  તમને અભિમાન શેનું છે? વડાપ્રધાન જે પક્ષના છે એ પક્ષના ઉમેદવારને માત્ર તેની વિપક્ષી પાર્ટીના ટેકાને લીધે તમે હરાવ્યા એનું? કે પછી પેલી ડાબેરી પત્રકારોની ટોળી અને તમારા પાછળ દોડી રહેલી ફેસબુકી ઈમ્પ્રેસ્ડ આત્માઓના ટેકાનું? ચાલો ચૂંટણી પ્રચારના કે પછી જીતના ઉન્માદમાં તમે આવું બોલી જાવ પણ બાર કલાક વીત્યા બાદ ભૂલ પણ ન સ્વીકારવી અને ભૂલ સ્વીકારવાની ટકોર કરવામાં આવે તો વડાપ્રધાનને વધારાની બીજી બે ગાળ દઈ દેવી? દિલ્હીના મુખ્યમંત્રીએ પણ એક સમયે પોતે માત્ર એક રાજ્યના મુખ્યમંત્રી જ છે એ ભૂલી જઈને માત્ર પોતે રાષ્ટ્રીય કક્ષાના નેતા છે એવું દેખાડવા પૂરતું જ દેશના વડાપ્રધાન પર આરોપોની વણઝાર કરી દીધી હતી. જ્યારે તમે તો ગુજરાતની એક નાનકડી વિધાનસભા બેઠક વડગામના મતદારોના પ્રતિનિધિ માત્ર છો, પહેલા પોતાની જાતને સાબિત કરો અને પછી પોતાની કક્ષાને ઉપર લઇ જાવ આમ આટલી ઉતાવળ કરવી સારી નહીં.

  ચાલો ઉંમરનો તફાવત બાજુમાં મૂકી દઈએ પણ તમે જેમને વૃદ્ધ કહીને હાડકાં ગાળવા હિમાલય જવાની સલાહ આપી છે એ વ્યક્તિ પોતાનું મોટાભાગનું જીવન પહેલા એક રાજકીય પાર્ટીના મેનેજમેન્ટમાં અને બાદમાં બાર વર્ષ આ રાજ્યના મુખ્યમંત્રી અને છેલ્લા સાડા ત્રણ વર્ષથી દેશના વડાપ્રધાન તરીકે અનુભવ ધરાવે છે. જ્યારે તમને હજી જુમ્મા-જુમ્મા અડતાલીસ કલાક પણ નથી થયા ધારાસભ્ય તરીકે પહેલીવાર ચૂંટાયાને. રાજકીય વિરોધ હોય પણ ભાષાની શાલીનતા હોવી જરૂરી છે અને એ ચૂકી જવાય તો સમય આવે માફી પણ માંગી લેવાય. જેની તમે નીચલી કક્ષાની ભાષા વાપરીને ટીકા કરી છે એ જ નરેન્દ્ર મોદીએ 2014માં આટલો મોટો અને લગભગ ત્રણ દાયકા બાદ પ્રથમવાર કોઇપણ પક્ષને મળેલા બહુમત બાદ પણ નમ્રતા દર્શાવીને કહ્યું હતું કે ચૂંટણી પ્રચારમાં જે ઝેર બંને પક્ષેથી બહાર આવ્યું તેને ભૂલી જઈને ભારતના નવનિર્માણમાં આપણે બધા એક થઈને કામે વળગી જઈએ.

  જેમણે પણ આ દેશના ડાબેરી રાજકારણને ફોલો કર્યું હશે એમને દેશના ડાબેરી નેતાઓના બેજવાબદારીભર્યા નિવેદનોની નવાઈ નથી. એક સમયે જ્યારે ડાબેરીઓએ કેન્દ્રમાં રચાયેલી કોંગ્રેસની UPA સરકારને બહારથી ટેકો આપ્યો એના બીજાજ દિવસે તે સમયના તેમના અધ્યક્ષ હરકિશનસિંહ સુરજીતે કહી દીધું હતું કે બજારો જાય તેલ લેવા, ગમે તે થાય સરકારને આર્થિક સુધારાઓ નહીં કરવા દઈએ! એજ ઘડીએ સેન્સેક્સ મોટા અંકના માર્જીનથી ક્રેશ થઇ ગયો અને દેશના વ્યાપારીઓમાં પેનિક ફેલાયું એ જુદું. આમ જીગ્નેશ મેવાણી પાસેથી આ પ્રકારના તોફાની નિવેદનની આશા તો હતી જ પરંતુ એ બધું આટલું જલ્દીથી બની જશે એવી અપેક્ષા તો આ યુવાનેતા પાસેથી બિલકુલ ન હતી એ સ્વીકારવું પડે.

  જીગ્નેશ મેવાણીને ચૂંટણી પહેલા જે ટોળાએ ટેકો આપ્યો હતો તેમાંથી એક પણ વ્યક્તિએ આ લખાય છે ત્યાંસુધી તેમને તેમના બેજવાબદાર નિવેદન અંગે વાર્યા હોય કે પછી એમની ટીકા કરી હોય તે સામે નથી આવ્યું. ઉલટું એમના અમુક ટેકેદારો તો આડકતરી રીતે જીગ્નેશભાઇ કરતા (ભગવાન એમનું ભલું કરે!) શિષ્ટ ભાષામાં ટેકો પણ આપી રહ્યા છે અને ચૂંટણી પહેલા તેમણે લીધેલા સ્ટેન્ડ બદલ અભિમાન પણ લઇ રહ્યા છે. તો જે આકંઠ મોદીદ્વેષી છે એ લોકો એમ કહીને છૂપો આનંદ મેળવી રહ્યા છે કે જીગ્નેશની ભાષા ભલે બરોબર ન હતી પરંતુ એમણે જે કહ્યું એ બરોબર જ છે. કદાચ એમના મનમાં કાયમ થઇ ગયેલો  દ્વેષ એમને મોદીએ ઉપર કહેલા અનુભવ ઉપરાંત આ ચૂંટણીઓમાં એમણે એકલે હાથે કરેલા પ્રચાર તેમજ જે રીતે એ રોજ જેટલા કલાકો કામ કરે છે તે તરફ જાણીજોઈને નજર નાખવા નહીં દેતો હોય. એમને મન તો કાકચીયો એકવાર ઘાણમાં આવ્યો એટલે આપણે તો તાનમાં આવીને નાચવાનું જ.

  બેશક રાજકારણમાં ચર્ચાનું સ્તર બધા જ રાજકીય પક્ષોએ નીચે લાવી દીધું છે અને ગુજરાત વિધાનસભાની હાલમાં પૂર્ણ થયેલી ચૂંટણીઓનો પ્રચાર તેનું તાજું ઉદાહરણ પણ છે. પરંતુ શું આપણે યુવાન હોવાથી એ લોકોથી અલગ ન થઇ થઈને વર્તન બદલી ન શકાય? શું બેન્ડ વેગનમાં જોડાઈ જઈને આપણી પ્રતિભાને આપણે નિરાશ જ કરવી છે? જો એવું જ હોય તો મહેરબાની કરીને દેશમાં રાજકારણનું સ્તર નીચે લઇ જવા માટે વિપક્ષી પાર્ટીઓને દોષ આપવાનું બંધ કરી દો.

  આચારસંહિતા

  જીગ્નેશ મેવાણી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે જે શબ્દો ઉચ્ચારવામાં આવ્યા એના પ્રતિકાર રૂપે કેટલાક ઉત્સાહી ફેસબુકી જીવડાઓએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને મોદીએ દેહાતી ઔરત કહ્યા હોવાનો અપપ્રચાર જાણીજોઈને શરુ કરી દેવામાં આવ્યો હતો. ખરેખર મનમોહનસિંહને મોદીએ નહીં પરંતુ નવાઝ શરીફે દેહાતી ઔરત કહ્યા હતા અને મોદીએ તો એનો પૂરજોશમાં અને એકપણ શબ્દ ચોર્યા વગર જવાબ આપ્યો હતો.

  ૨૨.૧૨.૨૦૧૭, શુક્રવાર

  અમદાવાદ

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here