તમારા બાળકને હોમવર્ક કરવાની હકારાત્મક આદત કેવી રીતે પાડશો?

  0
  574

  બાળકને હોમવર્ક કરાવવા કરતા માઉન્ટ એવરેસ્ટ ચડવો વધુ સરળ હોય છે. આ પ્રકારના વાક્યો આપણે ઘણી માતાઓ કે પછી કોઈક કોઈક પિતાઓ પાસેથી પણ સાંભળતા હોઈએ છીએ. એમની વાત પણ સાવ ખોટી નથી. બાળકોને કાયમ મજા કરવી હોય છે અને આથી જ એમના માટે હોમવર્કનું કાર્ય એ સૌથી કંટાળાજનક કાર્ય હોય છે અને તેમને એ કરવું જરાય ગમતું નથી હોતું. આ ઉપરાંત શાળાના સમય પણ ઘણીવાર એ પ્રકારના હોય છે કે હોમવર્કમાં વધારે સમય વ્યતીત કરવાથી એમના રમતગમતના સમયમાં કાપ મુકવો પડતો હોય છે.

  આ ઉપરાંત હવેના બાળકો માટે રમતગમત ઉપરાંત પણ વિડીયો ગેમ, મોબાઈલ, ઈન્ટરનેટ કે પછી ટીવી શો પણ અલગથી આકર્ષણ જમાવતા હોય છે. આવામાં હોમવર્ક કરવું એ તેમનો પ્રેફરન્સ ક્યારેય હોતો નથી. પરંતુ, જેમ સંગીતમાં રીયાઝનું અનેરું મહત્ત્વ હોય છે એવી જ રીતે શિક્ષણમાં હોમવર્કનું મહત્ત્વ છે અને આ મહત્ત્વ દરેક માતાપિતા પણ જાણતા હોય છે.

  એવા ઘણા સંશોધનો થયા છે જે એમ કહે છે કે બાળકોને જેને આપણે લેસન કહીએ છીએ તે કરવા માટે ફોર્સ ન કરવો જોઈએ. કે પછી તે માટે તેમણે વઢવા કે ઇવન જાહેરમાં ટોણા મારવાનું પણ બિલકુલ યોગ્ય નથી. આમ કરવા કરતા તેમના માટે ઘરમાં જ એવું હકારાત્મક વાતાવરણ ઉભું કરવાની જરૂરિયાત છે જેનાથી બાળકોને સામેચાલીને લેસનકરવાનું મન થાય. આવું વાતાવરણ કેવી રીતે ઉભું કરશો? ચાલો આપણે બધા ભેગા મળીને આ સવાલના જવાબ શોધીએ.

  બાળકોને હોમવર્ક તરફ વાળવા માટેના કેટલાક હકારાત્મક રસ્તા

  હોમવર્ક માટે રોજીંદુ રૂટીન સેટ કરીએ

  સ્કુલ શરુ થાય એ જ દિવસથી રોજ હોમવર્કનું કાર્ય ક્યારે કરવું તેનો સમય નક્કી કરી દેવો જરૂરી છે આથી પહેલા દિવસથી જ બાળકને લેસન કરવાની આદત પડવા લાગે. તમે આ પ્રકારે રૂટીન સ્કુલ શરુ થયાના અમુક અઠવાડિયા પછી કે અડધું વર્ષ પૂરું થઇ ગયું હોય તો પણ સેટ કરી શકો છો કારણકે સારું કાર્ય શરુ કરવા માટે કોઈજ સમય ખરાબ નથી હોતો. રૂટીન સેટ કરવાથી ફાયદો એ થશે કે બાળકને ખ્યાલ આવશે કે તેની પાસે હોમવર્કના સમય બાદ મજા કરવા માટે પણ ઘણો સમય છે આથી તે શાંતિથી પોતાનું લેસન પૂર્ણ કરશે. આ ઉપરાંત જે બાળકોને ભણવામાં ધ્યાન આપવામાં તકલીફ પડે છે એમને માટે હોમવર્કનો નિશ્ચિત સમય ભણવા માટે વધુ ધ્યાન આપવા માટે મદદ કરશે. જો ઈચ્છો તો શરૂઆતમાં કોઈ એક વિષયનું લેસન પતાવીને નાસ્તો કરવો કે બાળકને રમવા જવા દેવાની છૂટ આપી શકાય, બાદમાં ફરીથી બીજા વિષયનું હોમવર્ક કરી શકાય. આમ કરવાથી બાળકને લેસન ક્યારેય બોરિંગ નહીં લાગે.

  હોમવર્ક કરવાનું સ્થાન બાળકને પસંદ કરવા દો

  ઘણા ઘરમાં હોમવર્ક કરવા માટે એક ખાસ સ્ટડી રૂમ હોય છે. બાળકોને અમુક સમય બાદ તે બંધિયાર લાગવા માંડે છે. બહેતર એ રહેશે કે તમે બાળકને જ તેનું હોમવર્કનું સ્થાન પસંદ કરવાનું કહો. ઘણા બાળકને પથારીમાં પગ લાંબા કરીને કે પછી ડાઈનીંગ ટેબલ પર અથવાતો જમીન પર બેસીને લેસન કરવાનું ગમતું હોય છે. આ પ્રકારની ચોઈસ ધરાવતા બાળકોને એ પ્રકારે હોમવર્ક કરવાની ના ન પાડો. લેસન વ્યવસ્થિત થાય અને સાચું થાય તેનો એક જ મંત્ર છે કે જે જગ્યાએ બાળક હોમવર્ક કરતું હોય એ જગ્યા એનું ધ્યાન ન ભટકાવે. જો તમારા બાળકની ઈચ્છા હોય કે તેને ધીમા અવાજે સંગીત સાંભળતા (પછી તે ફિલ્મી સંગીત પણ કેમ ન હોય?) લેસન કરવું છે તો તેની એ ઈચ્છા પણ પૂરી કરો કારણકે પ્રસન્ન ચિત્ત સાથે કરેલું હોમવર્ક હંમેશા ઉંચી ગુણવત્તા ધરાવતું હશે.

  ઘરમાં એક હોમવર્ક સેન્ટર બનાવો

  જેમ કારીગર માટે ટૂલ બોક્સ ખૂબ મહત્ત્વ ધરાવે છે એમ બાળક માટે તેને હોમવર્ક કરવાના તમામ સાધનો એક જ જગ્યાએ હોય તે અત્યંત મહત્ત્વનું છે. પેન્સિલ, ઈરેઝર, ફૂટપટ્ટી ઉપરાંત અન્ય કોઇપણ બાબત જે તેને કાયમ હોમવર્ક કરવા માટે જરૂરી લાગે છે એ તેને એક જ કબાટ કે ડ્રોઅરમાં મળી રહે તેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી એ માતા-પિતાની જવાબદારી છે. જો તમારું બાળક મોટું હોય તો એનું લેપટોપ અને તેને સંલગ્ન અન્ય એસેસરીઝ પણ એક જ જગ્યાએથી મળી જવી જોઈએ. અને હા, બાળકને આ હોમવર્ક સેન્ટર કેમ બનાવવું એ તેને નક્કી કરવા દેવું પણ અત્યંત જરૂરી છે. અહીં તમારી ખુદની માન્યતાઓને દૂર રાખો, હા સજેશન જરૂર આપો. જો તેને પોતાના હોમવર્ક સેન્ટરમાં ગમતા ખેલાડી કે પછી કોઈ એક્ટર-એક્ટ્રેસના ફોટોગ્રાફ્સ લગાડવા હોય તો આપણને કોઈ વાંધો ન હોવો જોઈએ.

  હોમવર્ક ચોક્કસ સમયમાં પૂરું કરવા માટે રીવોર્ડ્ઝ ઓફર કરો

  જો બાળકને એમ કહેવામાં આવે કે અમુક સમયમાં અને સાચું હોમવર્ક પતાવી દેવાથી તેને કોઈ ઇનામ આપવામાં આવશે તો તે પૂરા ખંતથી લેસનકરશે. હા સમય અંગે વધુ ફોર્સ ન કરો પરંતુ રોજ ઉપર કહ્યું તેમ શેડ્યુલ અનુસાર પણ જો તે હોમવર્ક પૂરું કરે તો તેને રીવોર્ડ ઓફર કરવો જોઈએ. આ રીવોર્ડ શરૂઆતમાં રોજ આપો અને બાદમાં તેમાં વીકલી અને મન્થલી રીવોર્ડ પણ ઉમેરો જે ડેઈલી રીવોર્ડ કરતા વધારે કિંમત અને મહત્ત્વ ધરાવતા હોવા ઉપરાંત તમારા બાળકના રસ ના વિષયના હોય તે પણ જરૂરી છે.

  આ સલાહો મુજબ જો ધીમેધીમે આગળ વધવામાં આવશે તો તમારા બાળકને જરૂરથી હોમવર્ક કરવામાં રસ પડવા લાગશે અને છેવટે તમારે એના લેસન અંગેની બિલકુલ ચિંતા નહીં કરવી પડે.

  ઓલ ધ બેસ્ટ!

  eછાપું

  તમને ગમશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની ત્રીજી સૌથી વિશ્વાસપાત્ર સરકારના કેપ્ટન

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here