શિયાળાની સવાર – એક મોડર્ન નિબંધ

    0
    2687

    આમ તો મોટાભાગે દરેક ઋતુમાં સવાર તો પડતી જ હોય છે અને દરેક ઋતુની સવારનું મહત્વ પણ હોય છે પણ એનાથી આપણને ખાસ કોઈ ફરક નથી પડતો કેમકે પરીક્ષામાં તો અત્યાર સુધી શિયાળાની સવાર વિશે જ નિબંધ પૂછાતો આવ્યો છે અને એના જ ગુણ આપણને મળે છે એટલે આપણે સ્કુલ વખતથી જ નિબંધકારો, લેખકો, વાર્તાકારો શિયાળાની સવારનું રમણીય દ્રશ્ય વર્ણવીને ગુણ અને વાહ-વાહી મેળવતા આવ્યા છે.

    Photo Courtesy: timesofindia.indiatimes.com

    મોટાભાગે શિયાળાની સવારનું વર્ણન આપણે આવી રીતે જ વાચેલું હોય છે ‘શિયાળોએ તદુરસ્તીની ઋતુ ગણાય છે , શિયાળાની સવાર  નયનરમ્યતા, શીતળતા અને સ્વાભાવિક્તા તો કંઈ ઓર જ હોય છે.  શિયાળાની સવારનું  ફુલ ગુલાબી વાતાવરણ એટલે તો બાર મહિના ચાલે એટલો શક્તિસ્ફૂર્તિનો ખજાનો ભરી લેવા માટેની સુવર્ણ તક. શિયાળાની રાતના છેલ્લા પ્રહરના વાતાવરણમાં કાતિલ ઠંડી પ્રસરેલી હોય છે. આખું વાતાવરણ જાણે એક વિરાટ શીતઘરમાં ફેરવાઈ જાય છે. ધીમે ધીમે ભળભાંખળું થતાં પૂર્વની ક્ષિતિજે રંગોની અદ્દભુત છટા સાથે સૂર્યના કોમળ કિરણો જ્યારે પૃથ્વી પર પથરાય છે….’  આવું લખી લખીને આપણ ને વહેલા ઉઠાડવાનું મન કરાવે પણ ખરેખર તો સ્થિતિ આના કરતા કઈક વિપરિત જ હોય છે

    શિયાળાની સવારે લોકો ચાલવા જાય છે જેથી બારેમાસ તંદુરસ્ત રહી શકાય પણ ખરેખર તંદુરસ્તી ખીચું, સૂપ, જ્યુસ, બટાકાપૌવા, ઢેબરા, હાંડવો વેચનારાઓની વધે છે કેમકે એ લોકો સવારે ઉઠીને લારી લઈને ચાલતા છેક ગાર્ડનની આસપાસ કે તળાવની આસપાસ વેચવા જાય છે અને એમાં પણ સવારે વહેલા ઉઠીને આ બધું બનાવે છે એટલે એ લોકોની તંદુરસ્તી સૌથી સારી રહે છે અને આપણને આ બધું વેચીને આર્થિક તંદુરસ્તી પણ સારી કરી લે છે.

    શિયાળામાં આવી રીતે ચાલવાની કસરત કરવાથી કે સૂપ પીવાથી કે એમનેમ કસરત કરવાથી વજન ઉતરતું નથી પણ ખરેખર તો જે લોકો મારી જેમ સાચી કસરત કરતા હોય છે એમનું જ વજન ઉતરે છે. આ કસરતમાં તમારે શવાસન મુદ્રામાં સવારે આઠ વાગ્યા સુધી જાડા ગોદડા નીચે સુવું પડે છે જેથી શરીરને ગરમાવો મળે ગરમાવાથી પસીનો વળે છે અને વગર કસરત કરે વજન ઉતરે છે. બસ આવું વિચારતા રહેવાથી પણ વજન ઉતરે છે. ખબર નહીં લોકો નિબંધમાં આવી સત્ય હકીકતો કેમ લખતા નહીં હોય?

    સવારે પાંદડા પર પડતી અને ફૂલો પર પડતી ઝાકળની બુંદોની આહલાદકતા નું બધા નિબંધોમાં વર્ણન હોય છે પરંતુ એ ઝાકળનાં કારણે રાત્રે તાર ઉપર સુકવવા મુકેલા કપડા ફરીથી ભીના થઇ જાય છે અને વધારે ઝાકળ પાડવાથી બાઈકની સીટો પર પણ વરસાદ પડ્યો હોય એ રીતે ભીની થઇ જાય છે અને બાઈક સ્કુટર ઉભા ઉભા ચલાવવું પડે છે એ વિષે કોઈ નિબંધમાં ઉલ્લેખ કેમ નહીં હોય?

    બધા નિબંધમાં જાણે શિયાળાએ પોતાના વિષે સારું લખવાના પૈસા આપ્યા હોય એમ વખાણ જ વખાણ હોય છે પણ શિયાળાની કડકડતી ઠંડીમાં નીતરતા નાક વિષે કોઈ કેમ કહી કહેતું નહીં હોય? શિયાળાની આ ઠંડીમાં સૌથી વધારે અઘરી વસ્તુ હોય તો નાહવા જવું હોય છે. શિયાળામાં નાહવા જવા માટે બાથરૂમનો ઉંબરો ઓળંગવો એ કોઈ એક દેશની સરહદમાંથી બીજા દેશની સરહદમાં વગર વિઝાએ ઘુસવા જેવી ફીલીંગ આવે છે. એમાં પણ નાહવા માટે ગરમ પાણી કરીએ, ગરમ પાણીમાં ઠંડું પાણી ઉમેરીએ તો ઠંડું થઇ જાય અને ગરમને ગરમ રાખીએ તો ગરમ લાગે. ગરમ ઠંડું ગરમ ઠંડું કરતા કરતા ખરેખર પરફેક્ટ ટેમ્પરેચરના પાણીથી નાહવાના આ આખી ઋતુની સવારમાં થોડા ઘણા પ્રસંગ બને છે અને ના નાહવાના તો ઘણા પ્રસંગ બને છે.

    શિયાળાની સવાર વિષે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો કોઈ શિયાળાની સવારે પરફ્યુમ છાંટી ને ઓફીસ આવે તો 99% કેસમાં એ વ્યક્તિ નાહ્યા વગર આવ્યો હોય છે. શાસ્ત્રોમાં ભલે આમ કહેવાયુ છે કે નથી કહેવાયું એની આપણને ચાલો કદાચ ખબર નથી પણ અમસ્તુંય ‘નાહી ને કોનું ભલું થયું છે?’

    ‘ના નાહવામાં નવ ગુણ’ બસ તો પરીક્ષામાં દસમાંથી નવ ગુણ મેળવવા ક્યારેક શીયાળાની સવારના જૂના શૈક્ષણિક નિબંધને ભૂલીને આ નિબંધ પણ ટ્રાય કરી જોજો.

    લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી .

    eછાપું 

     

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here