દેશને ડેટા સેન્ટરમાં ફેરવી શાસનનો ચહેરો બદલી નાખતી મોદી સરકાર

  0
  299

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવસના અઢારથી વીસ કલાક કામ કરે છે એ તો આપણને બધાને ખબર છે, પરંતુ વર્ષ 2017માં મોદી સરકાર દ્વારા સમગ્ર દેશને એક ડેટા સેન્ટરમાં ફેરવી નાખીને શાસનનો ચહેરો બદલી નાખવાની હકીકત હજીસુધી આપણી સમક્ષ આવી નથી. જો કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમનો ડિજીટલ પ્રેમ જગજાહેર હતો, હવે તેઓએ તેમનો આ જ પ્રેમ દેશને ચલાવવા માટે પણ આગળ ધપાવ્યો છે.

  Demonetization અને GST ના અમલ બાદ તેની સફળતા કે પછી નિષ્ફળતાની ચર્ચા બાજુ પર રાખીએ તો મોદી સરકારના આ બંને પગલાંઓએ સરકાર પાસે વિશાળ ડેટા ઉભો કરવામાં જરૂરથી મદદ કરી છે. આ બંને પગલાંઓને લીધે જ નાણા મંત્રાલય પાસે કરચોરો તેમજ કરપાલન કરતા કરદાતાઓની સ્પષ્ટ વિગતોની સોનાની ખાણ સામે આવી છે. ઉપરોક્ત બંને પગલાંઓને લીધે જ મોદી સરકારે લગભગ 2 લાખથી પણ વધારે બેનામી કંપનીઓના રજીસ્ટ્રેશન એક ઝાટકે રદ્દ કરી તેમના ડિરેક્ટરો પર પગલાં લેવાનું શરુ કરી દીધું છે. આ ઉપરાંત વિવિધ સરકારી યોજનાઓ સાથે AADHAAR ને લીંક કરવાનો નિર્ણય પણ ખૂબ કામમાં આવી રહ્યો છે.

  અત્યારે એવી પરિસ્થિતિ આવીને ઉભી છે કે મોદી સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલું કોઇપણ કદમ એ તેની પાસે રહેલા વિશાળ ડેટાને જ આભારી હોય છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં હોય.

  Photo Courtesy: financialexpress.com

  સરકારી કામકાજ – પહેલા અને અત્યારે

  એક સમય હતો જ્યારે ફાઈલોને એક ટેબલ થી બીજા ટેબલ પર જતા મહિનાઓ લાગી જતા. આજે એવો સમય આવ્યો છે કે કેન્દ્ર સરકારના દરેક ખાતાઓ પાસે પોતાની વેબસાઈટ છે અને દરેક કાર્ય ક્યારે થયું તેની અપડેટ્સ ત્યાંથી મળી જાય છે. MGNREGA માં થતા ભ્રષ્ટાચારને રોકવા મોદી સરકાર તેનું Geo Tagging કરાવી રહી છે. આમ થવાથી આ યોજના હેઠળ કામ ક્યાં ચાલે છે, કેટલું ચાલ્યું છે અને તેના પર કેટલા લોકો કાર્યરત છે તેની છેલ્લી મિનીટ સુધીની માહિતી મળી રહે છે.

  આ ઉપરાંત કૃષિ મંત્રાલયે ISRO સાથે કરાર કરીને દેશમાં ખેતીલાયક અને બિનખેતીલાયક જમીન કેટલી છે ક્યાં છે તેની સેટેલાઈટ ઈમેજીઝ પ્રાપ્ત કરી છે. આ તમામનું સેટેલાઈટ મેપિંગ થાય છે જેનાથી સરકાર પાસે ત્યારે ખેતીને લગતી તમામ જમીનોની માહિતી ઉપલબ્ધ છે.

  નીતિ બનાવવામાં રેલવે અને GSTN મદદ કરી રહ્યા છે

  મોદી સરકાર પાસે ડેટા તો વિશાળ પ્રમાણમાં ઉપલબ્ધ છે પરંતુ તેને તે સ્માર્ટલી કેવી રીતે ઉપયોગ કરે છે તેનું ઉદાહરણ પણ જાણવા મળ્યું છે. ભારતનો રેલ વિભાગ અને હાલમાં જ કાર્યરત થયેલું GSTN જે દેશભરમાં ભરવામાં આવતા GST નું સંપૂર્ણ મેનેજમેન્ટ કરે છે, તે કેન્દ્ર સરકારને લોકોની તેમજ માલસામાનની હેરફેરની સંપૂર્ણ માહિતી આપે છે. આ પરથી ખ્યાલ આવે છે કે દેશમાં કેટલા લોકો ક્યાં જઈ રહ્યા છે અને ક્યાંથી આવી રહ્યા છે. આ ઉપરાંત દેશના કયા ભાગમાં કયા પ્રકારનો માલસામાન ફરી રહ્યો છે વગેરેની સાચી માહિતી મળી રહી છે. આ બધા જ ડેટાનો ઉપયોગ કરીને સરકાર પોતાની આગામી નીતિ બનાવે છે. રેલવે દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર દેશમાં ગયા વર્ષે લગભગ 8 મિલિયન લોકો એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરી ગયા હતા. જ્યારે આ ડેટા ઉપલબ્ધ ન હતો ત્યારે સરકારના વિચાર પ્રમાણે ઉપરોક્ત આંકડો લગભગ અડધો હતો. આમ સ્પષ્ટ આંકડાને લીધે સરકારને નીતિ નિર્ધારણમાં મદદ મળી રહી છે.

  તમને ગમશે: યુકેના પ્રિન્સ હેરી સાથે સગાઈ કરનાર મેગન મર્કલની કેટલીક અજાણી હકીકતો

  Jio ના આવવાથી પડ્યો છે મોટો ફરક

  જાણીને નવાઈ લાગશે પરંતુ રિલાયન્સ દ્વારા શરુ કરવામાં આવેલી Jio મોબાઈલ સર્વિસથી પણ સરકારને ખૂબ લાભ મળ્યો છે. ઈન્ટરનેટ હવે અત્યંત સસ્તું થયું છે અને નાનામાં નાના વ્યક્તિ સુધી તે પહોંચી ગયું છે. મોટી સંખ્યામાં બલ્કે વિશાળ સંખ્યામાં ઈન્ટરનેટ સાથે લોકો જોડાવાથી સરકારના ડિજીટલ ઈકોનોમી બનાવવાના સ્વપ્નને જબરદસ્ત બળ મળ્યું છે. 2017માં અચાનક જ કરોડો લોકો મોબાઈલથી જોડાયા છે અને તેને લીધે લોકો સરકારની વિવિધ સેવાઓ ઓનલાઈન મેળવતા થયા છે. આ ઉપરાંત મોદી સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી BHIM એપનું પ્રદાન પણ નીતીનીર્ધારણમાં નાનુસુનું નથી.

  વિઘ્નો પણ છે જ

  જ્યારે આટલા વિશાળ પાયે કોઈ ક્રાંતિ થઇ રહી હોય ત્યારે તેની સમક્ષ વિઘ્નો તો આવવાના જ. હાલમાં સંપૂર્ણ સરકારને ડિજીટલ કરી દેવાના પ્રયાસોમાં પણ મોદી સરકાર સમક્ષ કેટલાક વિઘ્નો આવીને ઉભા છે. સૌથી મોટી ચેલેન્જ એ છે કે દરેક યોજના સાથે AADHAAR ને લીંક કરવાનો મામલો હાલમાં સુપ્રીમ કોર્ટમાં પડેલો છે અને તેનો નિર્ણય જો સરકારની ઈચ્છા વિરુદ્ધ જશે તો આ સમગ્ર પ્રક્રિયાને ધક્કો જરૂર લાગશે. આ ઉપરાંત AADHAAR ની માહિતી લીક થઇ રહી હોવાની ઘટનાઓ પણ ઓછી નથી. આવામાં સરકારે અત્યંત ધ્યાનથી પોતાની નીતિ ને આગળ ધપાવવાની રહેશે.

  પરંતુ એટલું તો સ્પષ્ટ છે જ કે પૂર્વ સરકારોની જેમ મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોઇપણ યોજના માત્ર જાહેરાત બનીને નથી રહી જતી. જો Digital India યોજના દેશ માટે સરકારે જાહેર કરી હોય તો તે ખુદ મોદી સરકાર પણ તેનો ભરપૂર ઉપયોગ કરીને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહી છે તેમાં શંકાને કોઈજ સ્થાન નથી.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here