ટ્યુનિશિયા Emirates એરલાઈન્સથી નારાજ છે

0
291
Photo Courtesy: khaleejtimes.com

ટ્યુનિશિયા સરકારે પોતાના દેશમાં આવતી અને જતી Emirates એરલાઈન્સ ફ્લાઈટ્સ પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણકે ટ્યુનિશિયાથી વિવિધ ગલ્ફ દેશોમાં જતી મહિલાઓ પર Emirates એરલાઈન્સ રંગભેદ અને જાતિવાદી પરીક્ષણ કરતી હોવાનો તેના પર આરોપ મૂકવામાં આવ્યો છે.

Photo Courtesy: khaleejtimes.com

થોડા સમય પહેલા જ સમગ્ર ટ્યુનિશિયાના મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને ધીરેધીરે તેણે ટ્યુનિશિયન પ્રજામાં ગુસ્સો પણ ઉભો કરી દીધો હતો. લોકલાગણીને ધ્યાનમાં લઈને હવે ટ્યુનિશિયાની સરકારે હાલપૂરતો તો Emirates એરલાઈન્સની પોતાના દેશમાં થતી આવાજાહી પર પ્રતિબંધ મૂકી દીધો છે.

મોટી સંખ્યામાં ટ્યુનિશિયન મહિલાઓએ આરોપ મૂક્યો હતો કે જ્યારે પણ તેઓ Emirates દ્વારા ગલ્ફ દેશોમાં સફર કરે છે ત્યારે ત્યારે તેમના વિસાનું લાંબા સમય સુધી પરીક્ષણ કરવામાં આવે છે અને  આ બધું તેમને રંગભેદી અને જાતિવાદી લાગી રહ્યું છે. આ મહિલાઓનું એમ પણ કહેવું હતું કે આ પ્રકારે વધારાના પરીક્ષણોને લીધે તેમને પોતાની સફર શરુ કરવામાં અત્યંત મોડું થાય છે અને ઘણીવાર તો તેમને ફ્લાઈટ ગુમાવવાનો વખત પણ આવ્યો છે. ટ્યુનિશિયા સરકારે Emirates પર પ્રતિબંધ મુકતા સમયે નોંધ્યું હતું કે જ્યાં સુધી એરલાઈન્સ આ પ્રકારે રંગભેદ અને જાતિભેદના આધારે પોતાના દેશની મહિલાઓનું અપમાન બંધ નહીં કરે અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર ફરીથી કામ કરતી નહીં કરે ત્યાંસુધી આ પ્રતિબંધ જાળવી રાખવામાં આવશે.

તમને ગમશે: કિમ જોંગ ઉન દ્વારા છોડવામાં આવેલા મિસાઈલોનો હિસાબ તમારી પાસે છે?

આ મામલા પર UAEના વિદેશમંત્રી અનવર ગાર્ગશે જણાવ્યું હતું કે આ પ્રકારની ખાસ તપાસ એ કોઈ એક માહિતીને આધારે હાથ ધરવામાં આવી હતી અને હવે આ પ્રકારની તપાસને બંધ કરવામાં આવી છે. ગાર્ગશે એમ પણ ઉમેર્યું હતું કે આપણે કોઇપણ પ્રકારની ખોટી માહિતી પ્રસરાવવી જોઈએ નહીં. આ પ્રકારની ચોખવટ આવવા છતાં હાલ તો ટ્યુનિશિયાની સરકાર પોતે આ મામલે લીધેલા સ્ટેન્ડ પર કાયમ છે.

એક નજરે સામાજીક દેખાતો આ મામલો રાજકીય રીતે પણ અતિશય મહત્ત્વ ધરાવે છે. ટ્યુનિશિયા અને UAE વચ્ચેના સંબંધો છેલ્લા છ વર્ષથી ખરાબ ચાલી રહ્યા છે. આ પાછળનું કારણ છે કતાર દ્વારા સમર્થિત ઇસ્લામિક પાર્ટી અલ-નાહદાનું ટ્યુનિશિયામાં સત્તા પર આવવું. જુન મહિનામાં UAE અને કતારના સંબંધો અત્યંત નબળા પડ્યા હતા જ્યારે UAEએ કતાર પર ઇસ્લામિક આતંકવાદીઓને પોતાના વિરુદ્ધ ભડકાવવાનો તેમજ મદદ કરવાનો આરોપ મૂક્યો હતો.

આમ ટ્યુનિશિયાની મહિલાઓ વિરુદ્ધ ખાસ પ્રકારની તપાસ ચલાવીને Emirates એરલાઈન્સ દ્વારા પોતાની સરકારને મુશ્કેલીમાં મૂકી દીધી છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here