જેરુસલેમ મામલે ભારતે ઇઝરાયેલ વિરુદ્ધ મત આપવાની જરૂર ન હતી

0
341
Picture Courtesy: middleeastmonitor.com

થોડા મહિનાઓ અગાઉ ઇઝરાયેલ યાત્રાએ ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે જોરશોરથી સ્વાગત થયું હતું તે જોઇને લાગતું હતું કે ભારત અને ઇઝરાયેલ હવે કાયમ એકબીજાને સુખદુઃખમાં સાથ આપશે. પરંતુ બે દિવસ અગાઉ UN જનરલ એસેમ્બલીમાં ભારતે જ્યારે જેરુસલેમને ઈઝરાયેલની રાજધાની જાહેર કરવી એવા અમેરિકાના નિર્ણય વિરુદ્ધ મત આપ્યો ત્યારે ઘણાને આઘાત લાગી ગયો હતો. જમણેરી વિચારધારા ધરાવતા સોશિયલ મીડિયા સિપાહીઓ તો બે ઘડી પોતાની આંખો ચોળતા થઇ ગયા હતા અને માનવા પણ તૈયાર ન હતા કે ભારત આવું કરી શકે છે. ભારતનો આ વોટ એટલે પણ આશ્ચર્ય પમાડે છે કારણકે આવનારા બે અઠવાડિયામાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતનયાહુ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ એ જ નેતનયાહુ છે જેમણે તેલ અવિવમાં નરેન્દ્ર મોદીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું.

વિદેશ મામલાના પંડિતોએ આ મામલે ઘણો પ્રકાશ પાડ્યો છે અને એમના ભિન્ન મતને ધ્યાનમાં લઈને આજે આપણે કેટલીક ચર્ચા કરીશું.

Picture Courtesy: middleeastmonitor.com

એક સામાન્ય માન્યતા એવી છે કે UNમાં જ્યારે પણ ઇઝરાયેલ અથવાતો પેલેસ્ટાઇન અંગે વોટ થાય છે ત્યારે ભારતની સ્થિતિ કફોડી થઇ જાય છે ખાસકરીને જ્યારથી તેણે ઇઝરાયેલ સાથે પોતાના સંબંધો સુધાર્યા છે ત્યારથી. નરસિમ્હારાવની સરકાર દ્વારા ઇઝરાયેલ સાથે સંબંધો સુધાર્યા બાદ ભારતને ઇઝરાયેલ માટે સોફ્ટ કોર્નર છે જગજાહેર છે અને હાલની મોદીયાત્રા બાદ તો એ વધારે સ્પષ્ટ થઇ ગયું છે. પણ જો ભારત ઇઝરાયેલને ખુલીને ટેકો કરે તો પેટ્રોલિયમથી ભરપૂર એવા ખાડીના દેશો આપણું નાક દબાવી શકે અને એ ઉપરાંત એ દેશોમાં વિશાળ સંખ્યામાં રહેતા ભારતીયો પણ તકલીફમાં આવી શકે છે. આ પ્રકારની માન્યતા શું બદલાયેલા વિશ્વમાં ખરેખર સાચી છે?

કદાચ નહીં કારણકે ઈતિહાસમાં બે ઉદાહરણો એવા છે જે ઉપરોક્ત માન્યતાનો છેદ ઉડાડી દે છે. 1974માં પેટ્રોલિયમના મામલે નાક દબાવવાની કોશિશ ખાડીના દેશો દ્વારા થઇ હતી પરંતુ અમેરિકાએ એ સમયે આ દેશોને ખુલ્લી ધમકી આપી હતી કે “થાય એ કરી લેજો પણ જો અમને કે અમારા મિત્ર દેશોને આ મામલે હેરાન કર્યા છે તો જોવા જેવી થશે.” ત્યારબાદ ગલ્ફ કન્ટ્રીઝ દ્વારા તેમની વિરુદ્ધ જનારા દેશો માટે એટલીસ્ટ પેટ્રોલીયમ ઉત્પાદનો બંધ કરવાની ધમકી અપાવાની બંધ થઇ ગઈ છે. છેલ્લા ઘણા વર્ષોમાં ભારત અમેરિકાનું સૌથી નજીકનું સાથીદાર બનીને ઉભર્યું છે એ ગલ્ફના દેશોને ખબર છે જ. બીજો કિસ્સો ખાડી યુદ્ધનો છે. જ્યારે 1990માં કુવૈતને ઈરાકની પકડમાંથી દૂર કરવા માટે અમેરિકાએ યુદ્ધ કર્યું હતું ત્યારે ભારતે અમેરિકાનો સાથ નહોતો આપ્યો. પરંતુ ત્યારબાદ પણ અમેરિકાને ખોટું લાગ્યું ન હતું કે પછી ભારત સાથે ઈરાકના સંબંધો પણ બગડ્યા ન હતા, કે પછી યુદ્ધ બાદ કુવૈત પરત થયેલા ભારતીયો સાથે પણ કોઈ ખરાબ વ્યવહાર થયો ન હતો. આ સમયે ભારત અમેરિકાની આટલી નજીક પણ ન હતું.

ટૂંકમાં UNમાં ભારત કઈ દિશામાં વોટ કરે છે તેનાથી ન તો ગલ્ફ દેશોને તકલીફ છે કે ન તો અમેરિકાને. આવા સંજોગોમાં ભારત પાસે પોતાની હવેની વિદેશનીતિ સ્પષ્ટ કરવાનો શ્રેષ્ઠ મોકો હતો. એક બીજી દલીલ જે બે દિવસથી સોશિયલ મીડિયામાં ખૂબ ચાલી રહી છે એ એવી છે કે ભારતના મુસ્લિમોને ખુશ કરવા માટે મોદી સરકારે ઇઝરાયેલની વિરુદ્ધ મત આપ્યો હતો. આ દલીલ જો દેશમાં કોંગ્રેસની સરકાર હોત તો જરૂર માનવાને લાયક હોત પરંતુ ભાજપને મત આપનારા મુસ્લિમો કેટલા? આ ઉપરાંત ભારતની વિદેશનીતિ પર પક્ષોને પોતાના મત આપનારા મુસ્લિમો પણ કેટલા? એટલે આ દલીલમાં પણ કોઈ ખાસ દમ નથી.

એક દલીલ એવી પણ છે કે, ભારતે ખરેખર તો અમેરિકા અને ઇઝરાયેલના પક્ષમાં મત આપવો જોઈતો હતો કારણકે પેલેસ્ટાઇન કાયમ કાશ્મીર મુદ્દે ઇસ્લામિક દેશોના સંગઠનમાં અને અન્યત્ર ભારત વિરુદ્ધ મત આપતું હોય છે. આ ઉપરાંત ભારત માટે ઇઝરાયેલ જે રીતે વ્યાપાર અથવાતો સંરક્ષણ જેવા મહત્ત્વના મામલાઓમાં મદદરૂપ થઇ શકે છે અથવાતો થઇ રહ્યું છે તેની સામે પેલેસ્ટાઇન ભારતને કોઈજ મદદ પણ કરી શકવાની સ્થિતિમાં નથી. ટૂંકમાં ભારતે ઇઝરાયેલ તરફ ઢળવાના આ મોકાને હાથમાંથી જવા દેવો જોઈતો ન હતો જે તેની વિદેશનીતિની દિશા નક્કી કરત.

આ તમામ દલીલોને ધ્યાનમાં લઈને એક બાબત સ્પષ્ટ થાય છે કે ભારતે આ મામલે જો કોઈ પક્ષ ન લીધો હોત તો તેની નોંધ વધુ લેવાઈ હતી. વ્યાપાર અને અન્ય મામલાઓમાં ભારત અને અમેરિકા તેમજ ઇઝરાયેલ એકબીજા સાથે એટલા બધા આગળ વધી ગયા છે કે આ પ્રકારના વોટીંગથી એમના સંબંધો ખાટા થાય એવી કોઈજ શક્યતા નથી. તો બીજી તરફ ગલ્ફના દેશો પણ ઉપર જણાવ્યા અનુસાર ભારત પર પ્રતિબંધ મૂકી શકે તેમ નથી અને કદાચ પણ જો એમ કરે તો પણ છેલ્લા અમુક વર્ષોમાં ભારત અને ઈરાનના સંબંધો ખુબ મજબુત થઇ ગયા છે એ ઉપરાંત ભારત હવે અમેરિકાથી પણ ક્રુડ મંગાવતું થઇ ગયું છે. તો સામે પક્ષે પેલેસ્ટાઇન હાલના સંજોગોમાં કે દૂરના ભવિષ્યમાં પણ ભારતની વિદેશનીતિ પર માત્ર બોજારૂપ બનીને જ રહેવાનું છે.

ઉપરોક્ત સંજોગોમાં ભારતે કોઇપણ પક્ષ લીધા વગર જો વોટીંગથી ગેરહાજર રહેવાનો નિર્ણય લીધો હોત તો પણ ઘી ના ઠામમાં ઘી જરૂર પડી રહ્યું હોત. આ પ્રકારે જ્યારે UNમાં વોટ લેવામાં આવે છે ત્યારે ગેરહાજરીનો અવાજ પણ ઘણો મોટો હોય છે. અમેરિકામાં મોટી સંખ્યામાં રહેતા ભારતીયોનો પણ આ જ મત છે કે ભારતે જેરુસલેમ મામલે વોટીંગથી દૂર રહેવાની જરૂર હતી.

આશા કરીએ કે ભારત હવે ઇઝરાયેલ-પેલેસ્ટાઇન મામલે પ્રેક્ટીકલ એપ્રોચ લેશે અને આવનારા દિવસોમાં આપણે ભારત આ મામલે એક સ્પષ્ટ વલણ લઈને જ પોતાનો મત જાહેર કરશે, અથવાતો નહીં કરે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here