કોઇપણ બ્રાન્ડને સરળતાથી ઓળખવી હોય તો તેના લોગોને કારણે ઓળખાઈ જતી હોય છે. અત્યારસુધીમાં આપણે ઘણી પ્રોડક્ટ્સ કે કંપનીઓના લોગો સાથે પરિચિત છીએ. પરંતુ કર્ણાટક રાજ્યની તેમજ દેશની IT રાજધાની બેંગલુરુ શહેર પાસે હવે પોતાની આગવી ઓળખ આપતો એક લોગો આવી ગયો છે. અત્યારસુધી નેધરલેન્ડ્સના એમ્સટરડેમ અને અમેરિકાના ન્યૂયોર્ક જેવા શહેરો પાસે જ પોતાનો આગવો લોગો હતો અને હવે ભારતના બેંગલુરુ પાસે પણ આવી ઓળખ આવી ગઈ છે.

આમ તો છેલ્લા કેટલાક સમયથી બેંગલુરુના ખાડાવાળા રસ્તાઓ તેમજ શહેરમાં આંટા મારી રહેલા પ્રદુષિત ફીણને લીધે તે વધારે સમાચારમાં રહેતું હતું, પરંતુ હવે કર્ણાટક સરકારે શહેરને ટુરીઝમ માટે એક ઓળખ આપવાનું નક્કી કર્યું છે અને આ સંદર્ભમાં જ શહેરને લોગો આપવામાં આવ્યો છે. બેંગલુરુ શહેરનો લોગો કેવો હોવો જોઈએ તે માટે બાકાયદા એક સ્પર્ધા પણ રાખવામાં આવી હતી અને શહેરના ડીઝાઇન સ્ટાર્ટઅપ નમ્મુર દ્વારા મોકલવામાં આવેલી એન્ટ્રીને પસંદ કરવામાં આવી છે. નમ્મુરને આ સ્પર્ધા જીતવા બદલ પાંચ લાખ રૂપિયાનું ઇનામ પણ મળ્યું છે.
બેંગલુરુ શહેરનો આ લોગો ગત રવિવારે રીલીઝ કરવામાં આવ્યો હતો અને તે પણ રાજ્યની વિધાનસભાના પ્રાંગણમાં. જો કે રાજ્યના ટુરીઝમ મીનીસ્ટર પ્રિયાંક ખડગેએ જણાવ્યું હતું કે બેંગલુરુ શહેરનો લોગો જાહેર કરવા પાછળ માત્ર ટુરીઝમ એકમાત્ર લક્ષ્ય નથી પરંતુ શહેર અને રાજ્યમાં રોકાણ વધારવાનો પણ હેતુ છે. ખડગેનું કહેવું છે કે બેંગલુરુ શહેરની એક અલગ ઓળખ થાય તો ટુરીઝમની સાથે સાથે ઈમેજ બિલ્ડીંગ થવાથી રોકાણકારોનું ધ્યાન પણ આસાનીથી આકર્ષી શકાય છે.

બેંગલુરુના લોગોને જો ધ્યાનથી જોવામાં આવે તો તે અંગ્રેજી અને કન્નડ અક્ષરોનું મિશ્રણ હોય તેવું લાગે છે. પરંતુ નમ્મુર જેણે આ વિજયી લોગો ડીઝાઈન કર્યો છે તેના વિનોદ કુમારનું કહેવું છે કે આ તમામ અક્ષરો અંગ્રેજી લિપિના જ છે પરંતુ તેનો આકાર કન્નડ લિપી જેવો હોય એવો રાખવામાં આવ્યો છે. આમ કરવાથી લોકોને કન્નડ ભાષા પ્રત્યે પણ આકર્ષણ વધશે અને લોગો સાથે પોતાની જાતને પણ સાંકળી શકશે.
તમને ગમશે: સુરેન્દ્રનગરના કાર્યપાલક ઈજનેર ફરજ બજાવવામાં ઉણા ઉતરતા રુપાણીએ ફરજીયાત રજા પર ઉતારી દીધા
આ પ્રમાણે કોઈ શહેરને ખુદનો લોગો હોય એવું ભારતમાં પહેલીવાર બન્યું છે. શહેરોને આ પ્રમાણે કોઈ લોગો દ્વારા આગવી ઓળખ મળે તેનાથી કોઈને પણ વાંધો ન હોઈ શકે, પરંતુ શહેર અને શહેરીઓની પ્રાથમિક જરૂરિયાતો જેવીકે સારા રસ્તાઓ અને પ્રદુષણમુક્ત વાતાવરણ જો સરકારો પૂરી પાડી શકતી ન હોય તો આ તમામ કસરતનો છેવટે કોઈજ મતલબ રહેતો નથી. આપણા દેશમાં ઘણીવાર ઈમેજ બિલ્ડીંગને પ્રાથમિક શાસન કરતા વધારે મહત્ત્વ આપવામાં આવે છે અને આ આદતને બદલવાની તાત્કાલિક જરૂર છે.
eછાપું